યોહાન
૧૨ પાસ્ખાનો તહેવાર શરૂ થાય એના છ દિવસ પહેલાં, ઈસુ બેથનિયા આવ્યા. ત્યાં લાજરસ+ રહેતો હતો, જેને ઈસુએ મરણમાંથી જીવતો કર્યો હતો. ૨ ઈસુ માટે સાંજની મિજબાની ગોઠવવામાં આવી. માર્થા તેઓને પીરસતી હતી.+ તેમની સાથે ભોજન કરવા બેઠેલા* લોકોમાં લાજરસ પણ હતો. ૩ પછી મરિયમ આશરે ૩૨૭ ગ્રામ* સુગંધી તેલ લાવી. એ અસલ જટામાંસીનું* ઘણું કીમતી તેલ હતું. તેણે ઈસુના પગ પર એ તેલ રેડ્યું અને પોતાના વાળથી તેમના પગ લૂછ્યા. આખું ઘર સુગંધી તેલની સુવાસથી મહેકી ઊઠ્યું.+ ૪ પણ ઈસુનો એક શિષ્ય યહૂદા ઇસ્કારિયોત,+ જે તેમને દગો દેવાનો હતો, તેણે કહ્યું: ૫ “આ સુગંધી તેલ ૩૦૦ દીનારમાં* વેચીને એ પૈસા ગરીબ લોકોને કેમ ન આપ્યા?” ૬ એવું ન હતું કે તેને ગરીબો માટે ચિંતા હતી, પણ તે ચોર હતો એટલે એમ કહ્યું. તે પૈસાની પેટી રાખતો હતો અને એમાંથી પૈસા ચોરી લેતો હતો. ૭ ઈસુએ મરિયમ વિશે કહ્યું: “તેને રહેવા દો, જેથી મારા દફનની તૈયારી માટે તે આ રિવાજ પાળે.+ ૮ ગરીબો તો કાયમ તમારી સાથે હશે,+ પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.”+
૯ એ દરમિયાન યહૂદીઓના મોટા ટોળાને ખબર પડી કે ઈસુ બેથનિયામાં છે. તેઓ ઈસુને લીધે જ નહિ, લાજરસને જોવા પણ આવ્યા. એ લાજરસ જેને ઈસુએ મરણમાંથી જીવતો કર્યો હતો.+ ૧૦ હવે મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાનું કાવતરું ઘડ્યું. ૧૧ એ માટે કે તેના લીધે ઘણા યહૂદીઓ બેથનિયા જતા હતા અને ઈસુમાં શ્રદ્ધા મૂકતા હતા.+
૧૨ બીજા દિવસે તહેવારમાં આવેલા મોટા ટોળાએ સાંભળ્યું કે ઈસુ યરૂશાલેમ આવી રહ્યા છે. ૧૩ એટલે તેઓ ખજૂરીની ડાળીઓ લઈને તેમને સામે મળવા ગયા. તેઓ પોકારવા લાગ્યા: “અમારી પ્રાર્થના છે કે તેનો ઉદ્ધાર કરો! ઇઝરાયેલના રાજા,+ જે યહોવાના* નામમાં આવે છે+ તેના પર તેમનો આશીર્વાદ છે!” ૧૪ ઈસુને ગધેડાનું બચ્ચું મળ્યું અને તે એના પર બેઠા,+ જેમ લખેલું છે: ૧૫ “હે સિયોનની દીકરી, ગભરાઈશ નહિ. જો, તારો રાજા તારી પાસે આવે છે. તે ગધેડાના બચ્ચા પર, હા, ખોલકા પર બેસીને આવે છે.”+ ૧૬ એ સમયે તેમના શિષ્યોને આ વાતોની સમજણ પડી નહિ. પણ ઈસુને મહિમા મળ્યો+ ત્યારે, તેઓને યાદ આવ્યું કે આ વાતો તેમના વિશે લખાઈ હતી અને લોકોએ તેમના માટે એવું જ કર્યું હતું.+
૧૭ ઈસુએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યો+ અને તેને મરણમાંથી જીવતો કર્યો, એ જે લોકોએ જોયું હતું, તેઓ બીજાઓને એની સાક્ષી આપતા હતા.+ ૧૮ એ કારણે પણ એ મોટું ટોળું ઈસુને સામે મળવા ગયું, કેમ કે તેઓએ સાંભળ્યું હતું કે તેમણે આ ચમત્કાર કર્યો હતો. ૧૯ એટલે ફરોશીઓ એકબીજાને કહેવા લાગ્યા: “તમે જુઓ છો કે આપણું કંઈ ચાલતું નથી. જુઓ, આખી દુનિયા તેની પાછળ ગઈ છે.”+
૨૦ તહેવારમાં ભક્તિ કરવા અમુક ગ્રીક લોકો પણ ત્યાં આવ્યા હતા. ૨૧ તેઓએ ગાલીલના બેથસૈદા શહેરના ફિલિપ+ પાસે જઈને વિનંતી કરી: “સાહેબ, અમારે ઈસુને મળવું છે.” ૨૨ ફિલિપે આવીને આંદ્રિયાને જણાવ્યું. આંદ્રિયા અને ફિલિપે આવીને ઈસુને વાત કરી.
૨૩ પણ ઈસુએ કહ્યું: “માણસના દીકરાને મહિમા મળે એ સમય આવી પહોંચ્યો છે.+ ૨૪ હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો માટીમાં પડીને મરે નહિ, ત્યાં સુધી એ એક જ દાણો રહે છે. પણ એ મરે તો+ ઘણા દાણા આપે છે.* ૨૫ જે પોતાનું જીવન વહાલું ગણે છે તે એને ગુમાવે છે. પણ જે આ દુનિયામાં પોતાનું જીવન ધિક્કારે છે,+ તે હંમેશ માટેનું જીવન મેળવવા એને સલામત રાખશે.+ ૨૬ જે મારી સેવા કરવા ચાહે તે મારી પાછળ ચાલે. જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે.+ જે મારી સેવા કરશે, તેને પિતા માન આપશે. ૨૭ હવે હું બેચેન થયો છું+ અને હું શું કહું? હે પિતા, મને આ ઘડીથી બચાવો.+ પણ એ જ માટે તો હું આ ઘડી સુધી આવ્યો છું. ૨૮ હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો.” પછી આકાશમાંથી એક વાણી સંભળાઈ:+ “મેં એનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરીથી કરીશ.”+
૨૯ ત્યાં ઊભેલા લોકોએ એ સાંભળ્યું અને કહેવા લાગ્યા કે એ તો ગર્જના થઈ. બીજા લોકોએ કહ્યું: “દૂતે તેમની સાથે વાત કરી.” ૩૦ ઈસુએ જવાબ આપ્યો: “આ વાણી મારા માટે નહિ, પણ તમારા માટે થઈ છે. ૩૧ હવે આ દુનિયાનો ન્યાય કરવામાં આવે છે અને આ દુનિયાના શાસકને+ કાઢી મૂકવામાં આવશે.+ ૩૨ પણ જ્યારે તમે મને વધસ્તંભ પર મારી નાખશો,+ ત્યારે હું દરેક પ્રકારના માણસોને મારી તરફ ખેંચીશ.” ૩૩ આ રીતે તે જણાવતા હતા કે પોતાનું મરણ કેવી રીતે થશે.+ ૩૪ ટોળાએ તેમને કહ્યું: “અમે નિયમશાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે ખ્રિસ્ત કાયમ રહેશે.+ તો પછી તમે કેમ કહો છો કે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે?+ કોણ છે આ માણસનો દીકરો?” ૩૫ ઈસુએ કહ્યું: “હજુ થોડી વાર સુધી પ્રકાશ તમારી વચ્ચે રહેશે. પ્રકાશ તમારી પાસે છે ત્યાં સુધી ચાલતા રહો, જેથી તમારા પર અંધકાર છવાઈ ન જાય. જે કોઈ અંધકારમાં ચાલે છે, તે જાણતો નથી કે ક્યાં જાય છે.+ ૩૬ જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશમાં શ્રદ્ધા રાખો, જેથી તમે પ્રકાશના દીકરાઓ બનો.”+
ઈસુ આ વાતો કહીને ચાલ્યા ગયા અને તેઓથી સંતાઈ ગયા. ૩૭ તેમણે તેઓની આગળ આટલા બધા ચમત્કારો કર્યા હતા, તેમ છતાં તેઓ તેમનામાં શ્રદ્ધા મૂકતા ન હતા. ૩૮ એ માટે કે પ્રબોધક યશાયાના આ શબ્દો પૂરા થાય: “હે યહોવા,* અમારી પાસેથી સાંભળેલા સંદેશા પર કોણે ભરોસો કર્યો છે?+ યહોવાના* હાથની તાકાત કોની આગળ જાહેર કરવામાં આવી છે?”+ ૩૯ યશાયા આગળ જણાવે છે કે તેઓએ કેમ ભરોસો કર્યો નહિ: ૪૦ “તેમણે તેઓની આંખો આંધળી કરી દીધી છે અને તેઓનાં હૃદય કઠણ કરી દીધાં છે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ, હૃદયથી સમજે નહિ અને પાછા ફરે નહિ કે હું તેઓને સાજા કરું.”+ ૪૧ યશાયાએ આમ કહ્યું, કારણ કે તેમણે ખ્રિસ્તનો મહિમા જોયો હતો અને તેમણે તેમના વિશે જણાવ્યું હતું.+ ૪૨ ઘણા અધિકારીઓએ ઈસુ પર શ્રદ્ધા મૂકી.+ પણ ફરોશીઓને કારણે તેઓએ જાહેરમાં તેમનો સ્વીકાર કર્યો નહિ, જેથી તેઓને સભાસ્થાનમાંથી કાઢી મૂકવામાં ન આવે.+ ૪૩ તેઓને ઈશ્વર તરફથી મળતા માન કરતાં માણસ તરફથી મળતું માન વધારે વહાલું હતું.+
૪૪ પણ ઈસુએ મોટા અવાજે કહ્યું: “જે કોઈ મારા પર શ્રદ્ધા રાખે છે, તે ફક્ત મારા પર જ નહિ, મને મોકલનાર પર પણ શ્રદ્ધા રાખે છે.+ ૪૫ જે કોઈ મને જુએ છે તે મને મોકલનારને પણ જુએ છે.+ ૪૬ આ દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું,+ જેથી જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે તે અંધકારમાં ન રહે.+ ૪૭ જે કોઈ મારી વાતો સાંભળે છે પણ પાળતો નથી તેનો હું ન્યાય કરતો નથી. હું દુનિયાનો ન્યાય કરવા નહિ, પણ એનો ઉદ્ધાર કરવા આવ્યો છું.+ ૪૮ જે કોઈ મારો સ્વીકાર કરતો નથી અને મારી વાતો પાળતો નથી તેનો ન્યાય કરનાર કોઈક છે. મેં જે વાતો કહી છે, એ છેલ્લા દિવસે તેનો ન્યાય કરશે. ૪૯ હું મારી પોતાની રીતે બોલ્યો નથી, પણ મને મોકલનાર પિતાએ મને આજ્ઞા આપી છે કે મારે શું કહેવું અને શું બોલવું.+ ૫૦ હું જાણું છું કે તેમની આજ્ઞા પાળવાથી હંમેશ માટેનું જીવન મળે છે.+ એટલે હું જે કંઈ બોલું છું, એ પિતાના જણાવ્યા પ્રમાણે જ બોલું છું.”+