પહેલો શમુએલ
૧૭ પલિસ્તીઓ+ યુદ્ધ કરવા પોતાનાં લશ્કરો* લઈને નીકળી પડ્યા. તેઓ યહૂદાના સોખોહમાં+ ભેગા થયા. તેઓએ સોખોહ અને અઝેકાહ+ વચ્ચે આવેલા એફેસ-દામ્મીમમાં+ છાવણી નાખી. ૨ શાઉલ અને ઇઝરાયેલના માણસો પણ ભેગા થયા અને એલાહના નીચાણ પ્રદેશમાં*+ છાવણી નાખી. તેઓએ પલિસ્તીઓ સામે પોતાનું લશ્કર ગોઠવી દીધું. ૩ એક પર્વત પર પલિસ્તીઓ હતા અને બીજા પર્વત પર ઇઝરાયેલીઓ. તેઓ બંને વચ્ચે નીચાણ પ્રદેશ આવેલો હતો.
૪ પછી પલિસ્તીઓની છાવણીમાંથી એક શૂરવીર યોદ્ધો બહાર આવ્યો. તેનું નામ ગોલ્યાથ હતું+ અને તે ગાથનો હતો.+ તેની ઊંચાઈ છ હાથ અને એક વેંત* હતી. ૫ તેના માથા પર તાંબાનો ટોપ હતો. તેણે તાંબાનું બખ્તર*+ પહેરેલું હતું, જેનું વજન ૫,૦૦૦ શેકેલ* હતું. ૬ પગનું* રક્ષણ કરવા તેણે તાંબાનું બખ્તર પહેરેલું હતું અને તેની પીઠ પર તાંબાની બરછી હતી.+ ૭ તેના ભાલાનો લાકડાનો દાંડો વણકરની તોર* જેવો હતો.+ ભાલાના લોઢાના પાનાનું વજન ૬૦૦ શેકેલ* હતું. તેની ઢાલ ઊંચકનાર તેની આગળ આગળ ચાલતો હતો. ૮ પછી ગોલ્યાથ ઊભો રહ્યો અને ઇઝરાયેલના સૈન્યને લલકારતા કહ્યું:+ “તમે લશ્કર ગોઠવીને કેમ લડવા ભેગા થયા છો? હું પલિસ્તીઓનો શૂરવીર યોદ્ધો છું અને તમે શાઉલના સેવકો છો. તમારામાંથી કોઈ એકને પસંદ કરો અને તેને મારી સામે મોકલો. ૯ જો તે મારી સામે લડે અને મને મારી નાખે, તો અમે તમારા ગુલામ બનીશું. પણ જો હું તેના પર જીત મેળવું અને તેને મારી નાખું, તો તમે અમારા ગુલામ બનશો અને અમારી ગુલામી કરશો.” ૧૦ ગોલ્યાથે* કહ્યું: “આજે હું ઇઝરાયેલના સૈન્યને લલકારું છું.*+ એક માણસને મારી સામે મોકલો અને અમે બંને સામસામે લડીશું!”
૧૧ શાઉલ અને બધા ઇઝરાયેલીઓ એ પલિસ્તીની વાત સાંભળીને ગભરાઈ ગયા અને ડરના માર્યા કાંપવા લાગ્યા.
૧૨ દાઉદ તો એફ્રાથાહ,+ એટલે કે યહૂદાના બેથલેહેમમાં+ રહેતા યિશાઈનો+ દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા+ અને તે શાઉલના સમયમાં વૃદ્ધ થઈ ગયો હતો. ૧૩ યિશાઈના ત્રણ મોટા દીકરાઓ શાઉલ સાથે લડાઈમાં ગયા હતા.+ એ ત્રણ દીકરાઓમાં સૌથી મોટો દીકરો* અલીઆબ+ હતો, બીજો અબીનાદાબ+ અને ત્રીજો શામ્માહ+ હતો. ૧૪ દાઉદ સૌથી નાનો+ હતો અને સૌથી મોટા ત્રણ દીકરાઓ શાઉલ સાથે લડાઈમાં ગયા હતા.
૧૫ દાઉદ પોતાના પિતાનાં ઘેટાં ચરાવવાં+ શાઉલ પાસેથી બેથલેહેમ આવજા કરતો. ૧૬ એ દરમિયાન ગોલ્યાથ* તેઓને લલકારવા ૪૦ દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે છાવણીમાંથી બહાર નીકળતો અને ઇઝરાયેલીઓ આગળ આવીને ઊભો રહેતો.
૧૭ યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું: “હવે આ એક એફાહ* પોંક અને દસ રોટલીઓ લે. એ તારા ભાઈઓ માટે છાવણીમાં જલદી લઈ જા. ૧૮ પનીરના આ દસ ટુકડા પણ લે અને તેઓની હજારની ટુકડીના મુખી માટે લઈ જા. તું તારા ભાઈઓના ખબરઅંતર જાણી લાવ અને તેઓ પાસેથી કોઈક નિશાની લઈ આવ.” ૧૯ દાઉદના ભાઈઓ તો શાઉલ અને ઇઝરાયેલના બીજા માણસો સાથે એલાહના નીચાણ પ્રદેશમાં+ પલિસ્તીઓ સામે લડવા ભેગા થયા હતા.+
૨૦ દાઉદ સવારે વહેલો ઊઠ્યો અને ઘેટાં સાચવવાનું કામ બીજા કોઈને સોંપ્યું. પછી તે બધી ચીજવસ્તુઓ લઈને યિશાઈના કહેવા પ્રમાણે ચાલી નીકળ્યો. તે છાવણીની નજીક પહોંચ્યો ત્યારે, લશ્કર લડાઈના હોકારા કરતું કરતું યુદ્ધના મેદાન તરફ આગળ વધતું હતું. ૨૧ ઇઝરાયેલીઓનું અને પલિસ્તીઓનું સૈન્ય સામસામે આવી ગયું હતું. ૨૨ દાઉદે ફટાફટ પોતાની ચીજવસ્તુઓ સામાન સાચવનાર પાસે મૂકી અને યુદ્ધના મેદાન તરફ દોડી ગયો. ત્યાં પહોંચીને તે પોતાના ભાઈઓને મળ્યો અને તેઓના ખબરઅંતર પૂછવા લાગ્યો.+
૨૩ દાઉદ તેઓ સાથે વાત કરતો હતો એવામાં ગાથનો પલિસ્તી, ગોલ્યાથ નામનો શૂરવીર યોદ્ધો આવ્યો.+ તે પલિસ્તીઓના સૈન્યમાંથી નીકળીને આગળ આવ્યો અને અગાઉની જેમ તેઓને લલકારવા લાગ્યો.+ તેના શબ્દો દાઉદના કાને પડ્યા. ૨૪ ગોલ્યાથને જોઈને બધા ઇઝરાયેલી માણસોના મોતિયા મરી ગયા અને તેઓ નાસી છૂટ્યા.+ ૨૫ ઇઝરાયેલી માણસો અંદરોઅંદર કહેવા લાગ્યા: “શું તમે આગળ આવેલા આ માણસને જોયો? તે ઇઝરાયેલને લલકારે છે.*+ તેને જે કોઈ મારી નાખશે, તેને રાજા માલામાલ કરી દેશે. એટલું જ નહિ, તેને મારી નાખનારની સાથે રાજા પોતાની દીકરીને પરણાવશે.+ રાજા એ માણસના પિતાના કુટુંબકબીલાને રાજસેવા અને વેરામાંથી મુક્તિ પણ આપશે.”
૨૬ દાઉદ આસપાસ ઊભેલા માણસોને પૂછવા લાગ્યો: “જે કોઈ એ પલિસ્તીને મારી નાખે અને ઇઝરાયેલનું મહેણું દૂર કરે, તેને કયું ઇનામ મળશે? એ બેસુન્નત પલિસ્તીની આટલી હિંમત કે તે જીવતા ઈશ્વરના સૈન્યને લલકારે?”*+ ૨૭ એટલે લોકોએ તેને અગાઉની વાત જણાવતા કહ્યું: “જે કોઈ એ પલિસ્તીને મારી નાખશે, તેને આવું ઇનામ મળશે.” ૨૮ દાઉદના સૌથી મોટા ભાઈ અલીઆબે+ તેને માણસો સાથે વાત કરતા સાંભળ્યો. તેણે દાઉદ પર ગુસ્સે ભરાઈને કહ્યું: “તું અહીં કેમ આવ્યો? વેરાન પ્રદેશમાંનાં તારાં ઘેટાંનું શું થયું? એ કોની પાસે મૂકી આવ્યો?+ તારી બદમાશી હું જાણું છું. મને ખબર છે તારા મનમાં શું છે. તું લડાઈ જોવા આવ્યો છે.” ૨૯ દાઉદે કહ્યું: “મેં શું કર્યું? હું તો ફક્ત પૂછતો હતો!” ૩૦ પછી દાઉદ તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો અને પાછો એ જ સવાલ પૂછ્યો.+ લોકોએ તેને અગાઉ જેવો જ જવાબ આપ્યો.+
૩૧ અમુક લોકોએ દાઉદના શબ્દો સાંભળ્યા અને શાઉલને એની ખબર આપી. શાઉલે દાઉદને બોલાવ્યો. ૩૨ દાઉદે શાઉલને કહ્યું: “એ પલિસ્તીને લીધે કોઈએ હિંમત હારવાની જરૂર નથી. તમારો આ સેવક તેની સામે લડવા જશે.”+ ૩૩ શાઉલે દાઉદને કહ્યું: “તું એ પલિસ્તી સામે નહિ લડી શકે. તું તો હજુ છોકરો છે,+ પણ એ પલિસ્તી તેની યુવાનીથી લડવૈયો* છે.” ૩૪ દાઉદે શાઉલને કહ્યું: “તમારો સેવક પોતાના પિતાનાં ઘેટાં સાચવે છે. એકવાર સિંહ+ ટોળાંમાંથી ઘેટું ઉપાડી ગયો અને એકવાર રીંછે પણ એમ જ કર્યું. ૩૫ મેં તેઓની પાછળ પડીને તેઓ પર હુમલો કર્યો અને તેઓના મોંમાંથી ઘેટું છોડાવ્યું. તેઓ મારી સામે થયા ત્યારે, મેં જડબું* પકડીને તેઓને નીચે પટકી દીધા અને તેઓને મારી નાખ્યા. ૩૬ તમારા આ સેવકે સિંહ અને રીંછ બંનેને મોતને ઘાટ ઉતાર્યાં હતાં. આ સુન્નત વગરના પલિસ્તીના હાલ પણ તેઓના જેવા થશે, કારણ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યને લલકાર્યું છે.”*+ ૩૭ દાઉદે આગળ કહ્યું: “યહોવાએ મને સિંહ અને રીંછના પંજામાંથી બચાવ્યો છે. તે મને આ પલિસ્તીના હાથમાંથી પણ ચોક્કસ બચાવશે.”+ એ સાંભળીને શાઉલે દાઉદને કહ્યું: “જા, યહોવા તારું રક્ષણ કરો.”
૩૮ શાઉલે પોતાનાં યુદ્ધનાં કપડાં દાઉદને પહેરાવ્યાં. તેણે દાઉદના માથા પર તાંબાનો ટોપ મૂક્યો અને પછી બખ્તર પહેરાવ્યું. ૩૯ દાઉદે કપડાં પર શાઉલની તલવાર બાંધી અને ચાલી જોયું. પણ તેને ફાવ્યું નહિ, કેમ કે તે એનાથી ટેવાયેલો ન હતો. દાઉદે શાઉલને કહ્યું: “હું આ પહેરીને ચાલી શકતો નથી, કેમ કે હું એનાથી ટેવાયેલો નથી.” દાઉદે એ બધું ઉતારી નાખ્યું. ૪૦ દાઉદે પોતાની લાકડી લીધી. તેણે ઝરણામાંથી પાંચ સુંવાળા પથ્થર વીણી લીધા અને પોતાની ઝોળીમાં મૂક્યા. તેના હાથમાં ગોફણ હતી.+ પછી તે ગોલ્યાથ* સામે લડવા નીકળી પડ્યો.
૪૧ એ પલિસ્તી હવે દાઉદની પાસે ને પાસે આવતો ગયો અને પલિસ્તીની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો. ૪૨ ગોલ્યાથે* દાઉદને આવતો જોયો. તેણે દાઉદ તરફ તિરસ્કારથી જોયું અને તેની મશ્કરી કરી, કારણ કે તે હજુ છોકરો જ હતો અને દેખાવે રૂપાળો ને લાલચોળ હતો.+ ૪૩ ગોલ્યાથે* દાઉદને પૂછ્યું: “શું હું કૂતરો છું+ કે તું મારી સામે લાકડી લઈને આવે છે?” એમ કહીને તેણે પોતાના દેવોના નામે દાઉદને શ્રાપ આપ્યો. ૪૪ એ પલિસ્તીએ દાઉદને કહ્યું: “મારી પાસે તો આવ. હું તને મારી નાખીને તારું માંસ આકાશનાં પક્ષીઓને અને જંગલી જાનવરોને નાખી દઈશ.”
૪૫ દાઉદે તેને વળતો જવાબ આપ્યો: “તું મારી સામે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે.+ પણ હું તારી સામે સૈન્યોના ઈશ્વર યહોવા,+ ઇઝરાયેલી સૈન્યના ઈશ્વરના નામે આવું છું, જેમને તેં લલકાર્યા છે.*+ ૪૬ આજે ને આજે યહોવા તને મારા હાથમાં સોંપી દેશે.+ હું તને મારી નાખીશ અને તારું માથું ધડથી અલગ કરી દઈશ. આજે હું પલિસ્તી સૈનિકોનાં મડદાં આકાશનાં પક્ષીઓ અને ધરતીનાં જંગલી જાનવરોની આગળ નાખી દઈશ. પૃથ્વીના બધા લોકો જાણશે કે ઇઝરાયેલના ઈશ્વર, સાચા ઈશ્વર છે.+ ૪૭ અહીં ભેગા થયેલા બધા જાણશે કે અમને બચાવવા યહોવાને નથી તલવારની જરૂર કે નથી ભાલાની.+ યુદ્ધમાં જીત તો યહોવાની જ છે.+ તે તમને બધાને અમારા હાથમાં સોંપી દેશે.”+
૪૮ દાઉદની સામે એ પલિસ્તી ધીમે ધીમે આગળ વધ્યો. પણ દાઉદ તેની સામે યુદ્ધના મેદાનમાં ઝડપથી દોડી ગયો. ૪૯ દાઉદે પોતાની ઝોળીમાં હાથ નાખ્યો અને એક પથ્થર કાઢ્યો. તેણે પથ્થરને ગોફણમાં વીંઝીને એવો માર્યો કે સીધો પલિસ્તીના કપાળમાં ઘૂસી ગયો અને તે ઊંધા મોઢે જમીન પર પડ્યો.+ ૫૦ દાઉદે ફક્ત ગોફણ અને પથ્થરથી ગોલ્યાથ* પર જીત મેળવી. ભલે દાઉદના હાથમાં તલવાર ન હતી, છતાં તેણે એ પલિસ્તીને ઘાયલ કર્યો અને મોતને શરણે કર્યો.+ ૫૧ દાઉદ દોડતો દોડતો ગયો અને તેના પર ચઢી ગયો. તેણે એ પલિસ્તીની તલવાર+ પકડીને મ્યાનમાંથી ખેંચી કાઢી. દાઉદે એનાથી તેનું માથું કાપી નાખીને તેને ખતમ કરી નાખ્યો. પલિસ્તીઓએ જોયું કે પોતાનો શૂરવીર યોદ્ધો માર્યો ગયો છે ત્યારે તેઓ નાસવા લાગ્યા.+
૫૨ એ જોઈને ઇઝરાયેલ અને યહૂદાના માણસો પોકાર કરતાં કરતાં પલિસ્તીઓ પાછળ દોડ્યા. તેઓએ નીચાણ પ્રદેશથી+ છેક એક્રોનના+ દરવાજા સુધી તેઓનો પીછો કર્યો. શાઅરાઈમથી+ છેક ગાથ અને એક્રોનના રસ્તા પર પલિસ્તીઓની લાશો પડી. ૫૩ ઇઝરાયેલીઓ હાથ ધોઈને પલિસ્તીઓ પાછળ પડ્યા હતા. ત્યાંથી પાછા ફરીને તેઓએ પલિસ્તીઓની છાવણીમાં લૂંટ ચલાવી.
૫૪ દાઉદ એ પલિસ્તીનું માથું યરૂશાલેમમાં લઈ આવ્યો, પણ તેનાં હથિયાર પોતાના તંબુમાં મૂક્યાં.+
૫૫ જ્યારે શાઉલે દાઉદને પલિસ્તી સામે જતા જોયો હતો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને+ પૂછ્યું હતું: “આબ્નેર, આ કોનો દીકરો છે?”+ આબ્નેરે જવાબ આપ્યો હતો: “તમારા જીવના સમ રાજાજી, મને નથી ખબર.” ૫૬ રાજાએ કહ્યું હતું: “જાણી લાવો કે એ યુવાન કોનો દીકરો છે.” ૫૭ એટલે દાઉદ જેવો એ પલિસ્તીને મારીને પાછો આવ્યો કે તરત આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો. પેલા પલિસ્તીનું માથું હજુ પણ દાઉદના હાથમાં હતું.+ ૫૮ શાઉલે તેને પૂછ્યું: “બેટા, તું કોનો દીકરો છે?” દાઉદે કહ્યું: “હું બેથલેહેમના+ તમારા સેવક યિશાઈનો+ દીકરો છું.”