માર્ક
૧૨ પછી તે તેઓને ઉદાહરણો આપીને વાત કરવા લાગ્યા: “એક માણસે દ્રાક્ષાવાડી કરી+ અને એની ફરતે વાડ ઊભી કરી. એ વાડીમાં દ્રાક્ષાકુંડ ખોદીને તૈયાર કર્યો. એની ચોકી કરવા બુરજ બાંધ્યો+ અને ખેડૂતોને ભાગે આપીને પરદેશ ગયો.+ ૨ દ્રાક્ષની કાપણીની મોસમમાં તેણે પોતાના ચાકરને ખેડૂતો પાસે મોકલ્યો, જેથી તેઓ દ્રાક્ષાવાડીની પેદાશમાંથી તેનો ભાગ આપે. ૩ પણ તેઓએ ચાકરને પકડ્યો, માર્યો અને ખાલી હાથે પાછો મોકલી દીધો. ૪ ફરી માલિકે બીજા ચાકરને તેઓ પાસે મોકલ્યો. તેઓએ તેના માથા પર ઘા કર્યો અને તેનું અપમાન કર્યું.+ ૫ માલિકે બીજા એક ચાકરને મોકલ્યો. તેઓએ તેને મારી નાખ્યો. તેણે બીજા ઘણાને મોકલ્યા અને એમાંથી અમુકને તેઓએ માર માર્યો અને અમુકને મારી નાખ્યા. ૬ તેની પાસે હજી એક બાકી હતો, તેનો વહાલો દીકરો.+ તેણે છેવટે એમ વિચારીને તેને મોકલ્યો: ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’ ૭ પણ પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે.+ ચાલો તેને મારી નાખીએ અને તેનો વારસો આપણો થઈ જશે.’ ૮ તેઓએ તેને પકડીને મારી નાખ્યો અને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા.+ ૯ હવે દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે? તે આવશે અને ખેડૂતોને મારી નાખશે. તે દ્રાક્ષાવાડી બીજાઓને સોંપશે.+ ૧૦ શું તમે આ શાસ્ત્રવચન નથી વાંચ્યું? ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+ ૧૧ ખુદ યહોવાએ* એવું કર્યું છે અને એ અમારી નજરે અજાયબ છે.’”+
૧૨ તેઓ ઈસુને પકડવા માંગતા હતા, કેમ કે તેઓ સમજી ગયા કે તેમણે તેઓને ધ્યાનમાં રાખીને ઉદાહરણ આપ્યું હતું. પણ તેઓ ટોળાથી ગભરાતા હોવાથી તેમને છોડીને ચાલ્યા ગયા.+
૧૩ પછી ઈસુને તેમની જ વાતોમાં ફસાવવા તેઓએ કેટલાક ફરોશીઓ અને હેરોદીઓને મોકલ્યા.+ ૧૪ તેઓએ આવીને તેમને કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ કહો છો. તમે કોઈને ખુશ કરવા મીઠી મીઠી વાતો કરતા નથી. તમે લોકોનો બહારનો દેખાવ જોતા નથી, પણ તમે સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. એટલે અમને જણાવો કે શું સમ્રાટને* કર આપવો યોગ્ય છે? ૧૫ શું આપણે કર ભરવો જોઈએ કે ન ભરવો જોઈએ?” ઈસુએ તેઓનો ઢોંગ પારખીને કહ્યું: “તમે કેમ મારી કસોટી કરો છો? મને દીનાર* બતાવો.” ૧૬ તેઓ એક સિક્કો લાવ્યા અને તેમણે તેઓને કહ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” તેઓએ કહ્યું: “સમ્રાટનાં.” ૧૭ ઈસુએ કહ્યું: “જે સમ્રાટનું* છે એ સમ્રાટને+ અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”+ એ સાંભળીને તેઓ દંગ રહી ગયા.
૧૮ પછી સાદુકીઓ* ઈસુ પાસે આવ્યા. તેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકોને જીવતા કરાશે.*+ તેઓએ ઈસુને કહ્યું:+ ૧૯ “ઉપદેશક, મૂસાએ લખ્યું હતું કે જો કોઈ માણસ મરી જાય અને પાછળ પત્ની મૂકી જાય પણ તેને બાળક ન હોય, તો એ માણસનો ભાઈ તેની પત્ની સાથે લગ્ન કરે. તે પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.+ ૨૦ એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. પહેલાએ પત્ની કરી, પણ તે મરણ પામ્યો ત્યારે તેને કોઈ બાળક ન હતું. ૨૧ બીજા ભાઈએ તેની પત્ની સાથે લગ્ન કર્યા, પણ બાળક વગર તે મરણ પામ્યો. ત્રીજા સાથે પણ એવું જ થયું. ૨૨ સાતેય ભાઈઓ બાળક વગર મરણ પામ્યા. સૌથી છેલ્લે પેલી સ્ત્રી પણ મરણ પામી. ૨૩ તે સાતેયની પત્ની બની હતી. તો પછી મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, તે કોની પત્ની બનશે?” ૨૪ ઈસુએ તેઓને કહ્યું: “તમે મોટી ભૂલ કરો છો, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત જાણતા.+ ૨૫ મરણમાંથી જીવતા કરવામાં આવેલા માણસો કે સ્ત્રીઓ લગ્ન કરતા નથી. પણ તેઓ સ્વર્ગના દૂતો જેવા હોય છે.+ ૨૬ મરણમાંથી ઉઠાડવામાં આવશે તેઓ વિશે શું તમે મૂસાના પુસ્તકમાં નથી વાંચ્યું? ઈશ્વરે ઝાડવા પાસે તેમને આમ કહ્યું હતું: ‘હું ઇબ્રાહિમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું.’+ ૨૭ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો.”+
૨૮ ત્યાં આવેલા શાસ્ત્રીઓમાંના એકે તેઓને દલીલ કરતા સાંભળ્યા. ઈસુએ તેઓને સરસ રીતે જવાબ આપ્યો છે એ જાણીને તેણે પૂછ્યું: “બધી આજ્ઞાઓમાં પહેલી* કઈ છે?”+ ૨૯ ઈસુએ જવાબ આપ્યો: “પહેલી આ છે, ‘હે ઇઝરાયેલ, સાંભળ, યહોવા* આપણા ઈશ્વર એક જ યહોવા* છે. ૩૦ તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા મનથી અને પૂરા બળથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ ૩૧ બીજી આ છે, ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’+ આ આજ્ઞાઓ કરતાં બીજી કોઈ આજ્ઞા મોટી નથી.” ૩૨ એ શાસ્ત્રીએ તેમને કહ્યું: “શિક્ષક, તમે સાચું કહ્યું: ‘ઈશ્વર એક જ છે અને તેમના સિવાય બીજું કોઈ નથી.’+ ૩૩ માણસે પૂરા દિલથી, પૂરી સમજણથી, પૂરા બળથી તેમને પ્રેમ કરવો જોઈએ અને પોતાના પર રાખે છે એવો પ્રેમ પોતાના પડોશી પર રાખવો જોઈએ. એ આજ્ઞાઓ બધાં અગ્નિ-અર્પણો* અને બલિદાનો કરતાં વધારે મહત્ત્વની છે.”+ ૩૪ તેણે સમજદારીથી જવાબ આપ્યો છે, એ પારખીને ઈસુએ તેને કહ્યું: “તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.” એ પછી વધારે સવાલ પૂછવાની કોઈએ હિંમત ન કરી.+
૩૫ મંદિરમાં શીખવતી વખતે ઈસુએ કહ્યું: “શાસ્ત્રીઓ એવું કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?+ ૩૬ પવિત્ર શક્તિની દોરવણીથી+ દાઉદે પોતે કહ્યું હતું, ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’+ ૩૭ દાઉદ પોતે તેને માલિક કહે છે, તો પછી તે કઈ રીતે તેમનો દીકરો થાય?”+
મોટું ટોળું તેમને ખુશીથી સાંભળતું હતું. ૩૮ તેમણે શીખવતા કહ્યું: “શાસ્ત્રીઓથી સાવધ રહો! તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું પસંદ છે. તેઓને બજારોમાં લોકો સલામો ભરે એવું ગમે છે.+ ૩૯ તેઓને સભાસ્થાનોમાં આગળની* બેઠકો ગમે છે. તેઓને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યાઓ ગમે છે.+ ૪૦ તેઓ વિધવાઓનાં ઘર* પચાવી પાડે છે અને દેખાડો કરવા લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓને આકરી સજા થશે.”
૪૧ પછી તે દાન-પેટીઓ દેખાય એવી જગ્યાએ બેઠા.+ તે જોતા હતા કે લોકો દાન-પેટીઓમાં પૈસા નાખે છે. અનેક ધનવાન લોકો ઘણા સિક્કા નાખતા હતા.+ ૪૨ એક ગરીબ વિધવા આવી અને તેણે સાવ ઓછી કિંમતના બે નાના સિક્કા* નાખ્યા.+ ૪૩ તેમણે શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દાન-પેટીઓમાં પૈસા નાખનારા બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે.+ ૪૪ એ બધાએ પોતાની પુષ્કળ ધનદોલતમાંથી નાખ્યું. પણ ગરીબ વિધવાએ પોતાનું બધું જ, એટલે પોતાની આખી જીવન-મૂડી નાખી છે.”+