પહેલો શમુએલ
૨૫ સમય જતાં શમુએલનું+ મરણ થયું. બધા ઇઝરાયેલીઓએ ભેગા થઈને તેના માટે શોક પાળ્યો. તેઓએ તેને રામામાં તેના ઘર પાસે દફનાવ્યો.+ પછી દાઉદ પારાનના વેરાન પ્રદેશમાં ચાલ્યો ગયો.
૨ માઓનમાં+ એક માણસ હતો, જેની મિલકત કાર્મેલમાં*+ હતી. તે બહુ ધનવાન હતો. તેની પાસે ૩,૦૦૦ ઘેટાં અને ૧,૦૦૦ બકરાં હતાં. તે કાર્મેલમાં પોતાનાં ઘેટાંનું ઊન કાતરતો હતો. ૩ તેનું નામ નાબાલ+ હતું અને તેની પત્નીનું નામ અબીગાઈલ.+ તે બહુ સમજુ અને સુંદર હતી. પણ તેનો પતિ કઠોર અને તોછડા સ્વભાવનો હતો.+ તે કાલેબના+ કુટુંબનો હતો. ૪ દાઉદે વેરાન પ્રદેશમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાંનું ઊન કાતરે છે. ૫ એટલે દાઉદે પોતાના દસ માણસો નાબાલ પાસે મોકલ્યા અને આમ કહ્યું: “કાર્મેલ જાઓ અને નાબાલને મળો. તેમને મારા નામે ખબરઅંતર પૂછજો. ૬ પછી કહેજો, ‘તમે લાંબું જીવો અને સલામત રહો.* તમારા ઘરના સલામત રહે અને તમારી પાસે જે કંઈ છે એ સલામત રહે. ૭ મેં સાંભળ્યું છે કે તમે તમારાં ઘેટાંનું ઊન કાતરો છો. જ્યારે તમારા ઘેટાંપાળકો અમારી સાથે હતા, ત્યારે અમે તેઓનું કોઈ નુકસાન કર્યું નથી.+ તેઓ કાર્મેલમાં હતા એટલો સમય તેઓનું કંઈ ખોવાયું નથી. ૮ તમારા માણસોને પૂછી જુઓ અને તેઓ તમને જણાવશે. હવે મારા માણસો પર તમારી કૃપા થવા દેજો, કેમ કે અમે ઉજાણીના સમયે* આવ્યા છીએ. મહેરબાની કરીને તમારા સેવકોને અને તમારા દીકરા* દાઉદને જે કંઈ આપી શકો એ આપજો.’”+
૯ દાઉદના માણસો નાબાલ પાસે ગયા અને તેને દાઉદના નામે એ બધું જણાવ્યું. તેઓ બોલી રહ્યા પછી, ૧૦ નાબાલે દાઉદના માણસોને જવાબ આપ્યો: “દાઉદ કોણ અને યિશાઈનો દીકરો કોણ? આજકાલ તો માલિકો પાસેથી નાસી છૂટેલા કંઈ કેટલાય ચાકરો આવ્યા અને ગયા.+ ૧૧ મેં મારી રોટલી, મારું પાણી અને કાપેલું માંસ મારાં ઘેટાં કાતરનારા માટે રાખેલાં છે. શું એ બધું હું એવા લોકોને આપી દઉં, જેઓ કોણ જાણે ક્યાંથી આવ્યા છે?”
૧૨ એટલે દાઉદના માણસો પાછા ફર્યા અને તેને એ બધું જણાવ્યું. ૧૩ દાઉદે તરત જ પોતાના માણસોને કહ્યું: “પોતપોતાની તલવાર કમરે બાંધો!”+ બધાએ પોતપોતાની તલવાર કમરે બાંધી અને દાઉદે પણ પોતાની તલવાર બાંધી. આશરે ૪૦૦ માણસો દાઉદ સાથે નીકળી પડ્યા, જ્યારે કે ૨૦૦ માણસો સામાન સાચવવા રોકાયા.
૧૪ એ દરમિયાન નાબાલના એક ચાકરે નાબાલની પત્ની અબીગાઈલ પાસે જઈને કહ્યું: “દાઉદે અમારા માલિકના ખબરઅંતર પૂછવા માણસો મોકલ્યા હતા. પણ માલિકે બૂમાબૂમ કરીને તેઓનું અપમાન કર્યું.+ ૧૫ એ માણસો અમારી સાથે ભલાઈથી વર્ત્યા હતા. તેઓ અમારી સાથે વેરાન પ્રદેશમાં હતા ત્યારે, અમારું કંઈ ખોવાયું ન હતું. તેઓએ અમારું કોઈ નુકસાન કર્યું ન હતું.+ ૧૬ અમે ઘેટાંની સંભાળ રાખતા હતા એ સમયે, તેઓ રાત-દિવસ અમારી ફરતે રક્ષણ આપતી દીવાલ જેવા હતા. ૧૭ હવે તમે નક્કી કરો કે શું કરવું છે. અમારા માલિક પર અને આપણા બધા પર ચોક્કસ ભારે આફત આવી પડવાની છે.+ તે એવા નકામા* માણસ છે+ કે કોઈ તેમને કશું કહી શકે એમ નથી.”
૧૮ એટલે અબીગાઈલે+ ઉતાવળે ૨૦૦ રોટલીઓ, બે મોટા કુંજા ભરીને દ્રાક્ષદારૂ, રાંધવાં માટે તૈયાર કરેલાં પાંચ ઘેટાં, પાંચ માપ* પોંક, સૂકી દ્રાક્ષનાં ૧૦૦ ચકતાં અને સૂકાં અંજીરનાં ૨૦૦ ચકતાં લીધાં. તેણે એ બધું ગધેડાઓ પર મૂક્યું.+ ૧૯ પછી તેણે પોતાના સેવકોને કહ્યું: “તમે મારી આગળ જાઓ અને હું તમારી પાછળ આવું છું.” પણ તેણે પોતાના પતિ નાબાલને કંઈ જણાવ્યું નહિ.
૨૦ અબીગાઈલ ગધેડા પર સવાર થઈને પહાડની બાજુએ વળાંક પસાર કરતી હતી, એવામાં દાઉદ અને તેના માણસો તેને સામા મળ્યા. ૨૧ દાઉદ મનમાં ને મનમાં વિચારતો હતો: “મેં વેરાન પ્રદેશમાં તેમની બધી વસ્તુઓની સંભાળ રાખવા નકામી મહેનત કરી. તેમની એક પણ વસ્તુ ખોવાઈ નથી.+ છતાં તેમણે મારી ભલાઈનો આવો બદલો કેમ વાળ્યો?+ ૨૨ જો હું સવાર સુધી તેમનો એક પણ માણસ જીવતો રહેવા દઉં, તો ઈશ્વર મારા દુશ્મનોને* ભારે સજા કરો. અરે, એનાથી પણ વધારે આકરી સજા કરો.”
૨૩ અબીગાઈલની નજર દાઉદ પર પડી ત્યારે, તે ઉતાવળે ગધેડા પરથી ઊતરી પડી. તેણે દાઉદ આગળ જમીન સુધી માથું નમાવ્યું અને પ્રણામ કર્યા. ૨૪ તેણે દાઉદ આગળ ઘૂંટણિયે પડીને કહ્યું: “મારા માલિક, બધો દોષ મારા માથે. કૃપા કરીને તમારી આ દાસીને બોલવા દો અને તેના બે બોલ સાંભળો. ૨૫ મારા માલિક, કૃપા કરીને એ નકામા નાબાલનું+ બોલવું મન પર ન લેશો. તેમના નામ જેવા જ તેમનાં કામ છે. તેમનું નામ નાબાલ* છે અને તેમનામાં મૂર્ખામી ભરી છે. પણ તમારી આ દાસીએ તમે મોકલેલા માણસોને જોયા ન હતા. ૨૬ હવે મારા માલિક, યહોવાના સમ* અને તમારા સમ કે ખૂનના દોષથી+ અને પોતાના હાથે વેર વાળવાથી યહોવાએ તમને અટકાવ્યા છે.+ તમારા દુશ્મનોના અને તમારું નુકસાન કરવા ચાહનારાઓના હાલ નાબાલ જેવા થાઓ. ૨૭ મારા માલિક, તમારી આ દાસી તમારા માટે ભેટ*+ લાવી છે. એ ભેટ તમારી પાછળ આવતા માણસોને આપવામાં આવે.+ ૨૮ કૃપા કરીને તમારી દાસીની ભૂલ માફ કરો. તમારા વંશજોની રાજગાદી યહોવા ચોક્કસ લાંબો સમય ટકાવી રાખશે,+ કેમ કે મારા માલિક તો યહોવાની લડાઈઓ લડે છે.+ તમે જિંદગીમાં કોઈ ખોટું કામ કર્યું નથી.+ ૨૯ મારા માલિક, જ્યારે કોઈ તમારો પીછો કરીને જીવ લેવા માંગશે, ત્યારે તમારા ઈશ્વર યહોવા જીવનની ઝોળીમાં તમારો જીવ સાચવી રાખશે. પણ તે તમારા દુશ્મનોના જીવને ગોફણમાંથી છૂટેલા પથ્થરોની જેમ ફંગોળી દેશે. ૩૦ મારા માલિક વિશે આપેલાં બધાં સારાં વચનો યહોવા પૂરાં કરશે અને તમને ઇઝરાયેલના આગેવાન બનાવશે.+ ૩૧ એ સમયે તમારું મન નહિ ડંખે અને તમારે કોઈ પસ્તાવો નહિ કરવો પડે, કેમ કે તમે વગર કારણે લોહી વહેવડાવ્યું નથી અને તમારા હાથે વેર વાળ્યું નથી.+ મારા માલિક પર યહોવા કૃપા વરસાવે ત્યારે, તમારી આ દાસીને યાદ કરજો.”
૩૨ એ સાંભળીને દાઉદે અબીગાઈલને કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ, જેમણે તને આજે મને મળવા મોકલી! ૩૩ ધન્ય છે તારી સમજદારીને! તેં આજે મને ખૂનના દોષથી+ અને મારા હાથે વેર વાળવાથી રોક્યો છે. એ માટે ઈશ્વર તને આશીર્વાદ આપો. ૩૪ ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ મને તારું નુકસાન કરવાથી રોક્યો છે.+ તેમના સમ* ખાઈને કહું છું કે જો તું ઉતાવળે મને મળવા આવી ન હોત,+ તો સવાર સુધીમાં નાબાલનો એક પણ માણસ જીવતો રહ્યો ન હોત.”+ ૩૫ એમ કહીને દાઉદે એ બધી ભેટ સ્વીકારી, જે અબીગાઈલ તેના માટે લાવી હતી. દાઉદે તેને કહ્યું: “શાંતિથી ઘરે પાછી જા. મેં તારું કહેવું સાંભળ્યું છે અને હું તારી વિનંતી માન્ય રાખીશ.”
૩૬ ત્યાર બાદ અબીગાઈલ નાબાલ પાસે પાછી ફરી. નાબાલ પોતાના ઘરમાં રાજા-મહારાજાની જેમ મિજબાની માણતો હતો. તેનું દિલ ખુશ હતું અને તે નશામાં ચકચૂર હતો. અબીગાઈલે તેને સવાર થતાં સુધી કંઈ જણાવ્યું નહિ. ૩૭ સવારે નાબાલનો નશો ઊતર્યો અને તે ભાનમાં આવ્યો. તેની પત્નીએ તેને બધી વાત કરી, જેનાથી તેને ભારે આઘાત લાગ્યો. તેને લકવો મારી ગયો અને તે પથ્થર જેવો જડ થઈ ગયો. ૩૮ દસેક દિવસ પછી યહોવાએ નાબાલને એવો માર્યો કે તે મરી ગયો.
૩૯ દાઉદે નાબાલના મરણ વિશે સાંભળ્યું ત્યારે, તેણે કહ્યું: “યહોવાની સ્તુતિ થાઓ! નાબાલે કરેલા અપમાન બદલ+ તેમણે મારા પક્ષે ચુકાદો આપ્યો છે.+ તેમણે પોતાના સેવકને કંઈ પણ ખોટું કરવાથી રોક્યો છે.+ હાથનાં કર્યાં હૈયે વાગે, એવું યહોવાએ નાબાલના કિસ્સામાં થવા દીધું છે!” પછી દાઉદે અબીગાઈલને પોતાની પત્ની બનાવવા માટે માંગું મોકલ્યું. ૪૦ દાઉદના સેવકોએ કાર્મેલમાં અબીગાઈલ પાસે આવીને કહ્યું: “દાઉદ તમારી સાથે લગ્ન કરવા માંગે છે. એટલે તમને લેવા અમને મોકલ્યા છે.” ૪૧ તે તરત જ ઊભી થઈ અને તેણે ભૂમિ સુધી માથું નમાવીને કહ્યું: “આ રહી તમારી દાસી! હું મારા માલિકના સેવકોના પગ ધોવા તૈયાર છું.”+ ૪૨ અબીગાઈલ+ ઝડપથી ઊઠી અને ગધેડા પર સવાર થઈ. તેની પાંચ દાસીઓ તેની પાછળ પાછળ ચાલતી હતી. અબીગાઈલ દાઉદના માણસો સાથે ગઈ અને દાઉદની પત્ની બની.
૪૩ દાઉદે યિઝ્રએલની+ અહીનોઆમ+ સાથે પણ લગ્ન કર્યું હતું. તેઓ બંને તેની પત્નીઓ બની.+
૪૪ પણ શાઉલે પોતાની દીકરી, એટલે કે દાઉદની પત્ની મીખાલનું+ લગ્ન લાઈશના દીકરા પાલ્ટી+ સાથે કરાવી દીધું, જે ગાલ્લીમનો હતો.