પહેલો રાજાઓ
૮ એ સમયે સુલેમાને ઇઝરાયેલના વડીલોને, એટલે કે ઇઝરાયેલનાં કુળોના બધા વડાઓને અને ઇઝરાયેલના પિતાનાં કુટુંબોના મુખીઓને+ ભેગા કર્યા.+ તેઓ રાજા સુલેમાન પાસે યરૂશાલેમ આવ્યા, જેથી દાઉદનગરથી,+ એટલે કે સિયોનથી+ યહોવાનો કરારકોશ લઈ આવે. ૨ ઇઝરાયેલના બધા માણસો એથાનીમ* મહિનાના તહેવાર* વખતે, એટલે કે સાતમા મહિનામાં રાજા સુલેમાન પાસે ભેગા થયા.+ ૩ ઇઝરાયેલના બધા વડીલો આવ્યા અને યાજકોએ કરારકોશ ઊંચક્યો.+ ૪ તેઓ યહોવાનો કરારકોશ, મુલાકાતમંડપ*+ અને તંબુમાંનાં બધાં પવિત્ર વાસણો લઈ આવ્યાં. યાજકો અને લેવીઓ એ બધું લઈ આવ્યાં. ૫ રાજા સુલેમાન અને તેણે બોલાવેલા ઇઝરાયેલના બધા લોકો કરારકોશ આગળ ઊભા રહ્યા. તેઓએ ઘેટાં અને ઢોરઢાંકનાં એટલાં બધાં બલિદાનો ચઢાવ્યાં+ કે ગણી ન શકાય.
૬ પછી યાજકો યહોવાનો કરારકોશ એની જગ્યાએ લઈ આવ્યા.+ તેઓએ એને મંદિરના અંદરના ઓરડામાં, એટલે કે પરમ પવિત્ર સ્થાનમાં કરૂબોની પાંખો નીચે મૂક્યો.+
૭ કરૂબોની પાંખો એ જગ્યા ઉપર ફેલાયેલી હતી, જ્યાં કરારકોશ મૂક્યો હતો. કરારકોશ અને એના દાંડાને કરૂબો ઢાંકી દેતા હતા.+ ૮ એના દાંડા+ એટલા લાંબા હતા કે એના છેડા અંદરના ઓરડા આગળ આવેલા પવિત્ર સ્થાનમાંથી દેખાતા હતા. પણ બહારથી એ દેખાતા ન હતા. એ બધું આજ સુધી એમનું એમ જ છે. ૯ ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા પછી+ યહોવાએ તેઓ સાથે કરાર કર્યો હતો.+ એ સમયે મૂસાએ હોરેબમાં કરારકોશની અંદર પથ્થરની બે પાટીઓ+ મૂકી હતી.+ એ સિવાય કરારકોશમાં બીજું કંઈ ન હતું.
૧૦ યાજકો પવિત્ર સ્થાનમાંથી બહાર આવ્યા ત્યારે, યહોવાનું મંદિર+ વાદળથી+ ભરાઈ ગયું. ૧૧ વાદળને લીધે યાજકો સેવા કરવા માટે ઊભા રહી શક્યા નહિ, કારણ કે યહોવાનું મંદિર યહોવાના ગૌરવથી ભરાઈ ગયું હતું.+ ૧૨ એ જોઈને સુલેમાને કહ્યું: “યહોવાએ જણાવ્યું હતું કે પોતે કાળાં વાદળોમાં રહેશે.+ ૧૩ મેં તમારા માટે ભવ્ય મંદિર બાંધ્યું છે, જેમાં તમે કાયમ રહી શકો.”+
૧૪ પછી રાજા બધા ઇઝરાયેલીઓ* તરફ ફર્યો અને તેઓને આશીર્વાદ આપવા લાગ્યો. બધા ઇઝરાયેલીઓ ત્યાં ઊભા હતા.+ ૧૫ તેણે કહ્યું: “ઇઝરાયેલના ઈશ્વર યહોવાની સ્તુતિ થાઓ. તેમણે પોતે મારા પિતા દાઉદને વચન આપ્યું હતું અને પોતાના હાથે એ પૂરું કર્યું. તેમણે કહ્યું હતું: ૧૬ ‘હું મારા ઇઝરાયેલી લોકોને ઇજિપ્તમાંથી બહાર લાવ્યો ત્યારથી ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી મેં એકેય શહેર પસંદ કર્યું નથી, જેમાં તેઓ મારા નામને મહિમા આપવા મંદિર બાંધે.+ પણ મારા ઇઝરાયેલી લોકો પર રાજ કરવા મેં દાઉદને પસંદ કર્યો છે.’ ૧૭ મારા પિતા દાઉદની ઇચ્છા હતી કે ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નામને મહિમા આપવા તે એક મંદિર બાંધે.+ ૧૮ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા દિલમાં મારા નામને મહિમા આપવા મંદિર બાંધવાની ઇચ્છા છે, એ સારી વાત કહેવાય. ૧૯ પણ તું મારા માટે મંદિર નહિ બાંધે. તને જે દીકરો થશે, તે મારા નામને મહિમા આપવા મંદિર બાંધશે.’+ ૨૦ યહોવાએ પોતાનું વચન પૂરું કર્યું છે. યહોવાના વચન પ્રમાણે, હું મારા પિતા દાઉદની જગ્યાએ આવ્યો છું અને ઇઝરાયેલની રાજગાદીએ બેઠો છું. ઇઝરાયેલના ઈશ્વર યહોવાના નામને મહિમા આપવા મેં એક મંદિર પણ બાંધ્યું છે.+ ૨૧ એ મંદિરમાં મેં કરારકોશ મૂકવાની જગ્યા રાખી છે. એમાં એ કરાર છે,+ જે યહોવાએ આપણા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર લાવતી વખતે તેઓ સાથે કર્યો હતો.”
૨૨ પછી સુલેમાન બધા ઇઝરાયેલી લોકો* સામે યહોવાની વેદી આગળ ઊભો રહ્યો. તેણે આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા+ ૨૩ અને કહ્યું: “હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તમારા જેવો બીજો કોઈ ઈશ્વર નથી.+ તમે તમારો કરાર પાળો છો. જેઓ પૂરા દિલથી તમારા માર્ગે ચાલે છે,+ તેઓ પર અતૂટ પ્રેમ* બતાવો છો.+ ૨૪ તમે તમારા સેવક દાઉદ, મારા પિતાને આપેલું વચન પાળ્યું છે. તમે પોતે વચન આપ્યું હતું અને આજે તમારા પોતાના હાથે એ પૂરું કર્યું છે.+ ૨૫ હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, તમે તમારા સેવક દાઉદ, મારા પિતાને આપેલું આ વચન પણ પૂરું કરજો: ‘જેમ તું મારા માર્ગમાં વફાદારીથી ચાલ્યો છે, તેમ જો તારા દીકરાઓ મારા માર્ગે ચાલતા રહેશે, તો તારા વંશમાંથી ઇઝરાયેલની રાજગાદીએ બેસનાર માણસની કદી ખોટ પડશે નહિ.’+ ૨૬ હે ઇઝરાયેલના ઈશ્વર, કૃપા કરીને તમારા સેવક દાઉદ, મારા પિતાને આપેલું વચન પૂરું કરજો.
૨૭ “શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે?+ આકાશો, અરે આકાશોનાં આકાશો પણ તમને સમાવી શકતાં નથી.+ તો પછી મેં બાંધેલું આ મંદિર તમને ક્યાંથી સમાવી શકે?+ ૨૮ હે યહોવા મારા ઈશ્વર, તમારા આ સેવકની પ્રાર્થના સાંભળો અને અરજને ધ્યાન આપો. આજે તમારી આગળ તમારો સેવક મદદ માટે પોકાર કરે છે, તમને પ્રાર્થના અને આજીજી કરે છે, એ સાંભળો. ૨૯ આ જગ્યા વિશે તમે કહ્યું હતું કે, ‘મારું નામ ત્યાં રહેશે.’+ આ મંદિર પર તમારી નજર રાત-દિવસ રહે, જેથી આ જગ્યા તરફ ફરીને તમારો ભક્ત પ્રાર્થના કરે ત્યારે, તમે તેની વિનંતી સાંભળો.+ ૩૦ આ જગ્યા તરફ ફરીને તમારો ભક્ત તમને અરજ કરે અને તમારા ઇઝરાયેલી લોકો પ્રાર્થના કરે ત્યારે, તેઓની વિનંતી સાંભળજો. સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તેઓને સાંભળજો;+ હા, તમે સાંભળજો અને તેઓને માફી આપજો.+
૩૧ “જ્યારે એક માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે અને બીજો માણસ તેને સમ ખવડાવે* તથા જે માણસે સમ ખાધા છે, તે આ મંદિરમાં તમારી વેદી આગળ આવે,+ ૩૨ ત્યારે તમે સ્વર્ગમાંથી સાંભળજો. તમે પગલાં ભરજો અને તમારા સેવકોને ન્યાય આપજો. દુષ્ટ માણસને દોષિત ઠરાવજો અને તેનાં કામોનો બદલો તેના માથે લાવજો. સાચા માર્ગે ચાલનાર માણસને નિર્દોષ ઠરાવજો અને તેની સચ્ચાઈનું ઇનામ આપજો.+
૩૩ “કદાચ એવું પણ બને કે તમારા ઇઝરાયેલી લોકો તમારી વિરુદ્ધ પાપ કરતા હોવાથી દુશ્મનો સામે હારી જાય.+ પણ પછી તેઓ તમારા તરફ ફરે અને તમારા નામને મહિમા આપે.+ તેઓ તમારી કૃપા મેળવવા આ મંદિરમાં તમારી આગળ પ્રાર્થના કરીને કાલાવાલા કરે.+ ૩૪ એવું થાય ત્યારે તમે સ્વર્ગમાંથી સાંભળજો. તમારા ઇઝરાયેલી લોકોનાં પાપ માફ કરજો. તમે તેઓના બાપદાદાઓને જે દેશ આપ્યો હતો, એમાં તેઓને પાછા લઈ આવજો.+
૩૫ “કદાચ એવું પણ બને કે તેઓ તમારી વિરુદ્ધ પાપ કરતા હોવાથી+ તમે આકાશના દરવાજા બંધ કરી દો અને વરસાદ રોકી દો.+ પછી તમે તેઓને નમ્રતાનો પાઠ ભણાવ્યો* હોવાથી તેઓ આ જગ્યા તરફ ફરીને પ્રાર્થના કરે, તમારા નામને મહિમા આપે અને પાપથી પાછા ફરે.+ ૩૬ એવું થાય ત્યારે તમે સ્વર્ગમાંથી સાંભળજો. તમારા સેવકો, તમારા ઇઝરાયેલી લોકોનાં પાપ માફ કરજો. તેઓએ જે સારા માર્ગે ચાલવું જોઈએ, એ વિશે તમે તેઓને શીખવજો.+ તમારા લોકોને જે દેશ તમે વારસામાં આપ્યો છે, એના પર વરસાદ વરસાવજો.+
૩૭ “કદાચ એવું પણ બને કે દેશમાં દુકાળ પડે+ અથવા રોગચાળો ફાટી નીકળે, લૂ વાય, ફૂગ ચઢે,+ તીડોનાં ટોળેટોળાં કે ખાઉધરા તીતીઘોડાને લીધે પાક નાશ પામે. દેશના કોઈ પણ શહેરમાં દુશ્મનો તેઓને ઘેરી લે અથવા કોઈ આફત કે બીમારી તેઓ પર આવી પડે.+ ૩૮ એવું થાય ત્યારે જો કોઈ માણસ કે તમારા ઇઝરાયેલીઓ કૃપા મેળવવા પ્રાર્થના કરે, આજીજી કરે+ (કેમ કે દરેક પોતાના મનની વેદના જાણે છે)+ અને આ મંદિર તરફ પોતાના હાથ ફેલાવે, ૩૯ તો સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તમે તેઓનું સાંભળજો.+ તમે તેઓને માફ કરજો+ અને પગલાં ભરજો. તમે દરેકનું દિલ સારી રીતે જાણો છો. (કેમ કે દરેક માણસના દિલમાં શું છે એ તમે જ જાણો છો).+ દરેકનાં કામો પ્રમાણે તમે બદલો આપજો,+ ૪૦ જેથી અમારા બાપદાદાઓને તમે જે દેશ આપ્યો હતો, એમાં તેઓ જીવે ત્યાં સુધી તમારો ડર રાખે.
૪૧ “જે પરદેશીઓ તમારા ઇઝરાયેલી લોકોનો ભાગ નથી અને જેઓ તમારા નામને* લીધે દૂર દેશમાંથી આવ્યા છે+ ૪૨ (કેમ કે તેઓ તમારા મહાન નામ+ વિશે, તમારા શક્તિશાળી અને બળવાન હાથ વિશે સાંભળશે), તેઓ જો આ મંદિર તરફ ફરીને પ્રાર્થના કરે, ૪૩ તો સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી+ તમે સાંભળજો. પરદેશીઓ જે કંઈ માંગે એ આપજો, જેથી તમારા ઇઝરાયેલી લોકોની જેમ ધરતીના બધા લોકો તમારું નામ જાણે અને તમારો ડર રાખે.+ તેઓ જાણે કે મેં બાંધેલું આ મંદિર તમારા નામે ઓળખાય છે.
૪૪ “હે યહોવા, કદાચ એવું પણ બને કે તમે તમારા લોકોને પોતાના વેરીઓ સામે કોઈ પણ જગ્યાએ લડવા મોકલો+ અને તમે જે શહેર પસંદ કર્યું છે+ ને તમારા નામને લીધે મેં જે મંદિર બાંધ્યું છે,+ એ દિશામાં ફરીને તેઓ પ્રાર્થના કરે.+ ૪૫ એવું થાય ત્યારે તમે સ્વર્ગમાંથી તેઓની પ્રાર્થના સાંભળજો. કૃપા માટેની તેઓની આજીજી સાંભળજો અને તેઓ માટે લડજો.*
૪૬ “કદાચ એવું પણ બને કે તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે (કેમ કે એવો કોઈ માણસ નથી જે પાપ ન કરે)+ અને તમારો ગુસ્સો તેઓ પર ભડકી ઊઠે. તમે તેઓને ત્યજીને દુશ્મનોના હાથમાં સોંપી દો અને દુશ્મનો તેઓને ગુલામ બનાવીને નજીક કે દૂર આવેલા પોતાના દેશમાં લઈ જાય.+ ૪૭ પછી જે દેશમાં તેઓને ગુલામ બનાવીને લઈ જવામાં આવ્યા હતા,+ ત્યાં તેઓને પોતાની ભૂલ સમજાય. તેઓ તમારી પાસે પાછા આવે+ અને દુશ્મનોના દેશમાં તમારી કૃપા મેળવવા કાલાવાલા કરે.+ તેઓ તમને કહે કે, ‘અમે પાપ કર્યું છે, અમે ભૂલ કરી છે, અમે દુષ્ટતા કરી છે.’+ ૪૮ કદાચ એવું બને કે દુશ્મનો જે દેશમાં તેઓને ગુલામ બનાવીને લઈ ગયા હતા, ત્યાં તેઓ પૂરા દિલથી+ અને પૂરા જીવથી તમારી પાસે પાછા ફરે. તેઓના બાપદાદાઓને તમે જે દેશ આપ્યો છે, તમે જે શહેર પસંદ કર્યું છે અને તમારા નામને લીધે મેં જે મંદિર બાંધ્યું છે,+ એ દિશામાં ફરીને તેઓ પ્રાર્થના કરે. ૪૯ એવું થાય ત્યારે સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી+ તમે તેઓની પ્રાર્થના સાંભળજો. તમે કૃપા માટેની તેઓની આજીજી સાંભળજો અને તેઓને છોડાવજો.* ૫૦ તમારી વિરુદ્ધ પાપ કરનારા તમારા લોકોને માફ કરજો. તમારી વિરુદ્ધ તેઓએ જે ગુનાઓ કર્યા છે, એ બધા માફ કરજો. દુશ્મનોનાં દિલમાં તેઓ માટે દયા જગાડજો, જેથી દુશ્મનો તેઓ પર દયા બતાવે+ ૫૧ (કેમ કે તેઓ તમારા લોકો છે, હા, તમારી મિલકત છે.+ તેઓને તમે ઇજિપ્તમાંથી,+ જાણે લોઢું ગાળવાની ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા હતા).+ ૫૨ તમારો સેવક અરજ કરે ત્યારે તમારી આંખો ખુલ્લી રાખજો.+ તમારા ઇઝરાયેલી લોકો કૃપા મેળવવા જ્યારે પણ વિનંતી કરે,* ત્યારે તેઓની વિનંતીને કાન ધરજો.+ ૫૩ હે વિશ્વના માલિક યહોવા, તમે અમારા બાપદાદાઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા હતા. એ સમયે તમે તમારા સેવક મૂસા દ્વારા જણાવ્યું હતું તેમ, પૃથ્વીના બધા લોકોમાંથી ઇઝરાયેલીઓને તમારી મિલકત તરીકે અલગ કર્યા છે.”+
૫૪ આ રીતે સુલેમાને ઘૂંટણિયે પડીને આકાશ તરફ હાથ ફેલાવીને યહોવાને પ્રાર્થના કરી. તેની પ્રાર્થના અને વિનંતી પૂરી થઈ કે તરત તે યહોવાની વેદી આગળથી ઊભો થયો.+ ૫૫ તેણે ઊભા થઈને આખા ઇઝરાયેલને* ઊંચા અવાજે આશીર્વાદ આપ્યો: ૫૬ “યહોવાનો જયજયકાર થાઓ. તેમના વચન પ્રમાણે તેમણે પોતાના ઇઝરાયેલી લોકોને સુખ-શાંતિ આપ્યાં છે.+ તેમના સેવક મૂસા દ્વારા તેમણે આપેલાં બધાં સારાં વચનોમાંથી એક પણ શબ્દ નિષ્ફળ ગયો નથી.+ ૫૭ યહોવા આપણા ઈશ્વર જેમ આપણા બાપદાદાઓ સાથે હતા,+ તેમ આપણી સાથે પણ રહે. તે આપણને કદી ત્યજી ન દે કે છોડી ન દે.+ ૫૮ તે આપણાં દિલ તેમની તરફ વાળે,+ જેથી આપણે તેમના માર્ગોમાં ચાલીએ; તેમની આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને ન્યાયચુકાદાઓ પાળીએ, જે તેમણે આપણા બાપદાદાઓને પાળવાનું ફરમાવ્યું હતું. ૫૯ મેં કૃપા મેળવવા યહોવાને આ આજીજી કરી છે. મારી આજીજી રાત-દિવસ આપણા ઈશ્વર યહોવા પાસે રહે, જેથી દરરોજ ઊભી થતી જરૂરિયાત પ્રમાણે તે પોતાના સેવક અને ઇઝરાયેલી લોકોના પક્ષે ન્યાય કરે. ૬૦ પૃથ્વીના બધા લોકો જાણે કે યહોવા જ સાચા ઈશ્વર* છે.+ તેમના સિવાય બીજું કોઈ નથી!+ ૬૧ તમે આજે કરો છો તેમ, આપણા ઈશ્વર યહોવાના કાયદા-કાનૂન પ્રમાણે ચાલીને અને તેમની આજ્ઞાઓ પાળીને પૂરાં દિલથી તેમને ભજો.”+
૬૨ પછી રાજાએ અને તેની સાથેના બધા ઇઝરાયેલીઓએ યહોવા આગળ ઘણાં બલિદાનો ચઢાવ્યાં.+ ૬૩ સુલેમાને યહોવાને શાંતિ-અર્પણો ચઢાવ્યાં.+ તેણે ૨૨,૦૦૦ ઢોરઢાંક અને ૧,૨૦,૦૦૦ ઘેટાંનાં બલિદાનો ચઢાવ્યાં. આમ રાજાએ અને બધા ઇઝરાયેલીઓએ યહોવાના મંદિરનું ઉદ્ઘાટન* કર્યું.+ ૬૪ યહોવાના મંદિર આગળ આવેલી તાંબાની વેદી+ ખૂબ નાની હતી અને અગ્નિ-અર્પણો, અનાજ-અર્પણો* અને શાંતિ-અર્પણોની ચરબી એના પર ચઢાવી શકાય એમ ન હતું. એટલે એ દિવસે રાજાએ યહોવાના મંદિર આગળ આવેલા આંગણાનો વચ્ચેનો ભાગ પવિત્ર કરવો પડ્યો. પછી તેણે ત્યાં અગ્નિ-અર્પણો અને અનાજ-અર્પણો ચઢાવ્યાં તેમજ શાંતિ-અર્પણોની ચરબી+ ચઢાવી. ૬૫ એ સમયે સુલેમાને બધા ઇઝરાયેલીઓ સાથે મળીને તહેવાર ઊજવ્યો.+ યહોવા આપણા ઈશ્વર આગળ ૭ દિવસ અને પછી બીજા ૭ દિવસ, એમ કુલ ૧૪ દિવસ ઉજવણી કરી. એમાં લીબો-હમાથથી* ઇજિપ્તના વહેળા*+ સુધીના લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું. ૬૬ એ પછીના* દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ તેને આશીર્વાદ આપ્યા. યહોવાએ પોતાના સેવક દાઉદ માટે અને ઇઝરાયેલી લોકો માટે ભલાઈ બતાવી હતી.+ એટલે લોકો હરખાતાં હરખાતાં પોતપોતાનાં ઘરે ગયા.