માર્ક
૬ તે ત્યાંથી નીકળીને પોતાના વતનમાં ગયા.+ શિષ્યો પણ તેમની સાથે સાથે ગયા. ૨ સાબ્બાથના દિવસે તે સભાસ્થાનમાં શીખવવા લાગ્યા. તેમને સાંભળનારા મોટા ભાગના લોકોએ નવાઈ પામીને કહ્યું: “આ માણસ એ બધું ક્યાંથી શીખ્યો?+ તેની પાસે આવું જ્ઞાન ક્યાંથી આવ્યું? તે આવાં પરાક્રમી કામો કઈ રીતે કરે છે?+ ૩ શું તે સુથાર નથી?+ શું તે મરિયમનો દીકરો નથી?+ શું તે યાકૂબ,+ યૂસફ, યહૂદા અને સિમોનનો+ ભાઈ નથી? શું તેની બહેનો આપણી સાથે નથી?” આ રીતે લોકો તેમના વિશે ઠોકર ખાવા લાગ્યા. ૪ ઈસુએ તેઓને કહ્યું: “પ્રબોધકને પોતાના વતન, પોતાનાં સગાઓ અને પોતાના ઘર સિવાય બધે માન મળે છે.”+ ૫ તેમણે ફક્ત અમુક બીમાર લોકો પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા, પણ ત્યાં બીજા કોઈ ચમત્કારો કર્યા નહિ. ૬ તેઓમાં શ્રદ્ધાની ખામી જોઈને તેમને નવાઈ લાગી. એ વિસ્તારનાં ગામોમાં ફરીને તે શીખવવા લાગ્યા.+
૭ પછી તેમણે બાર પ્રેરિતોને બોલાવ્યા અને બબ્બેની જોડમાં મોકલ્યા.+ તેમણે તેઓને લોકોમાંથી ખરાબ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો.+ ૮ તેમણે તેઓને આજ્ઞા પણ આપી કે મુસાફરી માટે એક લાકડી સિવાય બીજું કંઈ લેવું નહિ. રોટલી નહિ, ખોરાકની થેલી નહિ કે કમરપટ્ટામાં નાણું* નહિ.+ ૯ પણ જે કપડાં અને ચંપલ પહેર્યાં હોય એ જ લઈને જવું. ૧૦ તેમણે કહ્યું: “તમે કોઈ ઘરમાં જાઓ ત્યારે, એ શહેરમાંથી નીકળતા સુધી ત્યાં જ રહો.+ ૧૧ જ્યાં પણ તમારો સ્વીકાર ન થાય કે લોકો તમારું ન સાંભળે, ત્યાંથી નીકળતી વખતે તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો,* જેથી તેઓને સાક્ષી મળે.”+ ૧૨ તેઓએ જઈને પ્રચાર કર્યો, જેથી લોકો પસ્તાવો કરે.+ ૧૩ તેઓએ ઘણા ખરાબ દૂતો કાઢ્યા+ અને ઘણા બીમાર લોકોને તેલ ચોળીને સાજા કર્યા.
૧૪ હવે રાજા હેરોદે* આ સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ ઘણું જાણીતું થઈ ગયું હતું. લોકો કહેતા હતા: “બાપ્તિસ્મા આપનાર યોહાનને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે. એટલે તે આવાં શક્તિશાળી કામો કરે છે.”+ ૧૫ પણ બીજા લોકો કહેતા હતા: “એ તો એલિયા છે.” જ્યારે અમુક કહેતા હતા: “તે જૂના જમાનાના પ્રબોધકો જેવો પ્રબોધક છે.”+ ૧૬ પણ હેરોદે એ સાંભળ્યું ત્યારે તેણે કહ્યું: “એ યોહાન છે, જેનું માથું મેં કપાવી નંખાવ્યું હતું. તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે.” ૧૭ હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કરી લીધા હતા. હેરોદિયાને લીધે હેરોદે માણસો મોકલીને યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+ ૧૮ એ માટે કે યોહાન હેરોદને આમ કહેતો હતો: “તારા ભાઈની પત્નીને તેં પોતાની પત્ની બનાવી છે, એ યોગ્ય નથી.”+ ૧૯ તેથી હેરોદિયા તેના પર ખાર રાખતી હતી. તે તેને મારી નાખવા માંગતી હતી, પણ એમ કરી શકી ન હતી. ૨૦ હેરોદ જાણતો હતો કે યોહાન નેક અને પવિત્ર માણસ છે.+ એટલે તે તેનાથી ડરતો હતો અને તેનું રક્ષણ કરતો હતો. યોહાનની વાતો સાંભળીને તે મૂંઝવણમાં પડી જતો કે તેનું શું કરવું. તોપણ તે તેનું ખુશીથી સાંભળતો હતો.
૨૧ પણ હેરોદના જન્મદિવસે+ હેરોદિયાને તક મળી. એ દિવસે હેરોદે પોતાના મોટા મોટા અધિકારીઓ, સેનાપતિઓ અને ગાલીલના આગળ પડતા માણસોને મિજબાની આપી.+ ૨૨ હેરોદિયાની દીકરી ત્યાં આવી. તેણે નાચીને હેરોદ અને તેની સાથે જમવા બેઠેલાઓને ખુશ કર્યા. હેરોદ રાજાએ છોકરીને કહ્યું: “માંગ, માંગ, તું માંગે એ આપીશ.” ૨૩ તેણે સોગંદ ખાઈને કહ્યું: “તું મારી પાસે જે કંઈ માંગીશ એ હું તને આપીશ, મારા અડધા રાજ્ય સુધી તને આપીશ.” ૨૪ એટલે તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું: “હું શું માંગું?” તેણે કહ્યું: “બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું.” ૨૫ તે તરત રાજા પાસે દોડી ગઈ અને બોલી: “હું ઇચ્છું છું કે બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું તમે હમણાં જ મને થાળમાં આપો.”+ ૨૬ આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું. પણ પોતાના સોગંદ અને મહેમાનોને લીધે તેણે તેની વિનંતી સ્વીકારી. ૨૭ રાજાએ તરત જ અંગરક્ષક મોકલ્યો અને યોહાનનું માથું લાવવાનો હુકમ કર્યો. એટલે તેણે કેદખાનામાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું. ૨૮ તે તેનું માથું થાળમાં લઈ આવ્યો. એ તેણે છોકરીને આપ્યું અને છોકરીએ પોતાની માને આપ્યું. ૨૯ જ્યારે યોહાનના શિષ્યોએ એ સાંભળ્યું, ત્યારે તેઓ આવીને તેનું શબ લઈ ગયા અને કબરમાં મૂક્યું.
૩૦ પ્રેરિતો ઈસુ પાસે ભેગા થયા. તેઓએ જે કર્યું હતું અને જે શીખવ્યું હતું એ બધું તેમને જણાવ્યું.+ ૩૧ તેમણે કહ્યું: “તમે બધા મારી સાથે એકાંત જગ્યાએ ચાલો અને થોડો આરામ કરો.”+ ત્યાં ઘણા લોકો આવતાં-જતાં હોવાથી તેઓ પાસે નવરાશનો જરાય સમય ન હતો. અરે, જમવાનો પણ સમય ન હતો. ૩૨ તેઓ એકાંત જગ્યાએ જવા હોડીમાં નીકળ્યા.+ ૩૩ પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઘણાને એની જાણ થઈ. બધાં શહેરોમાંથી લોકો દોડ્યા અને તેઓના કરતાં પહેલાં ત્યાં પહોંચી ગયા. ૩૪ ઈસુ હોડીમાંથી નીચે ઊતર્યા ત્યારે તેમણે મોટું ટોળું જોયું. તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા,+ એ જોઈને ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.+ તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.+
૩૫ ઘણું મોડું થઈ ગયું હતું. ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ગયું છે.+ ૩૬ તેઓને વિદાય આપો, જેથી તેઓ આસપાસની સીમમાં અને ગામોમાં જઈને ખાવાનું વેચાતું લે.”+ ૩૭ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.” એ સાંભળીને તેઓએ કહ્યું: “શું અમે ૨૦૦ દીનારની* રોટલીઓ ખરીદી લાવીએ અને લોકોને ખાવા આપીએ?”+ ૩૮ તેમણે કહ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે? જોઈ આવો!” તેઓએ તપાસ કરીને કહ્યું: “પાંચ રોટલી અને બે માછલી છે.”+ ૩૯ ઈસુએ બધા લોકોને લીલાં ઘાસ પર નાનાં નાનાં ટોળાંમાં બેસવા કહ્યું.+ ૪૦ તેઓ ૧૦૦-૧૦૦ અને ૫૦-૫૦નાં ટોળાંમાં બેઠા. ૪૧ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો.+ તેમણે રોટલી તોડી અને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી. તેમણે બે માછલીઓ પણ બધા માટે વહેંચી આપી. ૪૨ તેઓ બધાએ ધરાઈને ખાધું. ૪૩ વધેલી માછલીઓ સિવાય શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+ ૪૪ જેઓએ રોટલી ખાધી તેઓ ૫,૦૦૦ પુરુષો હતા.
૪૫ ઈસુએ જરાય મોડું કર્યા વગર શિષ્યોને પોતાની આગળ હોડીમાં સામે કિનારે બેથસૈદા તરફ જવા કહ્યું. પછી તેમણે લોકોને વિદાય કર્યા.+ ૪૬ તેઓને વિદાય કર્યા પછી, તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા.+ ૪૭ જ્યારે સાંજ ઢળી ત્યારે હોડી સરોવર વચ્ચે હતી, પણ ઈસુ પહાડ પર એકલા હતા.+ ૪૮ તેમણે જોયું કે સામો પવન હોવાને લીધે, શિષ્યો હલેસાં મારવા ઘણી મહેનત કરે છે. એટલે આશરે રાતના ચોથા પહોરે,* તે સરોવરના પાણી પર ચાલીને તેઓની તરફ આવ્યા. પણ એવું લાગતું હતું કે તે તેઓની આગળ નીકળી જવા ચાહતા હતા.* ૪૯ તેમને સરોવરના પાણી પર ચાલતા જોઈને શિષ્યોએ વિચાર્યું: “આ સપનું છે કે શું?” તેઓ બૂમો પાડવા લાગ્યા. ૫૦ તેમને જોઈને બધા ગભરાઈ ગયા. ઈસુએ તરત જ તેઓને કહ્યું: “હિંમત રાખો! ડરો નહિ, એ તો હું છું.”+ ૫૧ તે તેઓ પાસે હોડીમાં ચઢી ગયા અને પવન બંધ થઈ ગયો. એનાથી તેઓ દંગ થઈ ગયા. ૫૨ તેઓ રોટલીના ચમત્કારનો અર્થ હજી સમજ્યા ન હતા. તેઓને એ સમજવું અઘરું લાગતું હતું.
૫૩ તેઓ સામે પાર ગન્નેસરેત પહોંચ્યા અને નજીકમાં લંગર નાખ્યું.+ ૫૪ પણ તેઓ હોડીમાંથી બહાર આવ્યા કે તરત લોકો ઈસુને ઓળખી ગયા. ૫૫ લોકો આખા પ્રદેશમાં ફરી વળ્યા અને બીમાર લોકોને પથારીમાં નાખીને ઈસુ પાસે લઈ ગયા. ઈસુ જ્યાં જવાના હોય, એની ખબર મળતા તેઓ ત્યાં પહોંચી જતા. ૫૬ ઈસુ જે ગામો, શહેરો કે સીમોમાં જતા, ત્યાં તેઓ બીમાર લોકોને બજારમાં લાવતા. તેઓ ઈસુને વિનંતી કરતા કે ફક્ત તેમના ઝભ્ભાની કોરને અડકવા દે.+ જેઓ એને અડકતા, તેઓ બધા સાજા થઈ જતા.