તિમોથીને પહેલો પત્ર
૫ વૃદ્ધ માણસ સાથે કઠોરતાથી બોલતો નહિ.+ એના બદલે, તેને પિતા ગણીને અને યુવાનોને ભાઈ ગણીને પ્રેમથી સમજાવજે. ૨ વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીને અને યુવાન સ્ત્રીઓને બહેન ગણીને પૂરી પવિત્રતાથી સમજાવજે.
૩ એવી વિધવાઓનું ધ્યાન રાખજે,* જેઓને સાચે જ મદદની જરૂર છે.*+ ૪ પણ જો કોઈ વિધવાને બાળકો કે પૌત્ર-પૌત્રીઓ હોય, તો પહેલા તેઓ પોતાના કુટુંબની સંભાળ રાખીને ભક્તિભાવ બતાવતા શીખે.+ આમ, તેઓ પોતાનાં માતા-પિતા અને દાદા-દાદીને તેઓનો હક આપે,*+ કેમ કે ઈશ્વરની નજરમાં એ યોગ્ય છે.+ ૫ હવે જે વિધવાને સાચે જ મદદની જરૂર છે અને જેનો કોઈ સહારો નથી, તે પોતાની આશા ઈશ્વરમાં રાખે છે+ અને રાત-દિવસ કાલાવાલા અને પ્રાર્થના કરતી રહે છે.+ ૬ પણ જે વિધવા વાસના સંતોષવા જીવે છે, તે જીવતી હોવા છતાં મરેલી છે. ૭ એટલે તેઓને આ સલાહ* આપતો રહેજે, જેથી તેઓ પર કોઈ દોષ ન લાગે. ૮ જો કોઈ માણસ પોતાના લોકોની, ખાસ કરીને પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી ન કરે, તો તેણે પોતાની શ્રદ્ધા છોડી દીધી છે અને તે શ્રદ્ધા ન રાખનારા કરતાં પણ વધારે ખરાબ છે.+
૯ ફક્ત એવી વિધવાઓનું નામ યાદીમાં લખજે, જેઓની ઉંમર ૬૦ વર્ષથી વધારે હોય અને જેઓ પોતાના પતિને વફાદાર રહી હોય,* ૧૦ ભલાં કામો માટે જાણીતી હોય,+ જેઓએ બાળકો મોટાં કર્યાં હોય,+ મહેમાનગતિ કરી હોય,+ પવિત્ર જનોના પગ ધોયા હોય,+ દુખિયારાઓને મદદ કરી હોય+ અને પૂરા દિલથી દરેક સારું કામ કર્યું હોય.
૧૧ પણ યુવાન વિધવાઓનું નામ યાદીમાં લખતો નહિ. કેમ કે જ્યારે તેઓની જાતીય ઇચ્છા ખ્રિસ્તની સેવામાં નડતર બને છે, ત્યારે તેઓ લગ્ન કરવા માંગે છે. ૧૨ તેઓ સજાને લાયક ઠરશે, કેમ કે તેઓએ અગાઉ જે કરવાનું વચન આપ્યું હતું, એ પ્રમાણે હવે કરતી નથી.* ૧૩ એટલું જ નહિ, તેઓ આળસુ બનીને ઘરે ઘરે ભટકે છે. હા, ફક્ત આળસુ જ નહિ, પણ નિંદાખોર અને બીજા લોકોના જીવનમાં માથું મારનારી બને છે+ અને તેઓએ જે વાતો ન કરવી જોઈએ એ કરે છે. ૧૪ એટલે હું ચાહું છું કે યુવાન વિધવાઓ લગ્ન કરે,+ બાળકોને જન્મ આપે,+ ઘરનું કામકાજ સંભાળે, જેથી વિરોધીઓને ટીકા કરવાની કોઈ તક ન મળે. ૧૫ અરે, અમુક વિધવાઓ તો ભટકી જઈને શેતાનની પાછળ ચાલી ગઈ છે. ૧૬ જો શ્રદ્ધા રાખનારી સ્ત્રીના સગાંમાં કોઈ વિધવા હોય, તો તેણે એ વિધવાને મદદ કરવી, જેથી મંડળ પર બોજો આવી ન પડે. આમ, મંડળ એવી વિધવાઓને સહાય કરી શકશે, જેઓને સાચે જ મદદની જરૂર છે.*+
૧૭ જે વડીલો સારી રીતે આગેવાની લે છે,+ ખાસ કરીને જેઓ બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે,+ તેઓ બમણા માનને યોગ્ય છે.+ ૧૮ કેમ કે શાસ્ત્રવચન કહે છે: “અનાજ છૂટું પાડવા તમે બળદને* કણસલાં પર ફેરવો ત્યારે તેના મોં પર જાળી ન બાંધો”+ અને “મજૂર તેની મજૂરી મેળવવા માટે લાયક છે.”+ ૧૯ બે કે ત્રણ સાક્ષીઓના પુરાવા વગર વડીલ* પર મૂકેલો આરોપ સ્વીકારી ન લેતો.+ ૨૦ જેઓ પાપ કરતા રહે છે+ તેઓને બધાની સામે ઠપકો આપજે,+ જેથી બાકીના લોકોને ચેતવણી મળે.* ૨૧ ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ અને પસંદ કરેલા દૂતોની આગળ હું પૂરા અધિકારથી તને હુકમ આપું છું કે, કોઈ પૂર્વગ્રહ વગર કે કોઈ ભેદભાવ વગર આ આજ્ઞાઓ પાળજે.+
૨૨ કોઈ માણસની નિમણૂક કરવામાં* ઉતાવળ ન કરતો.+ બીજાનાં પાપમાં ભાગીદાર ન બનતો અને તારું ચારિત્ર શુદ્ધ રાખજે.
૨૩ હવેથી એકલું પાણી ન પીતો,* પણ તારા પેટને લીધે અને તારી વારંવારની બીમારીને લીધે થોડો દ્રાક્ષદારૂ પીજે.
૨૪ કેટલાક લોકોનાં પાપ જગજાહેર છે, એટલે તેઓને તરત સજા થાય છે. પણ બીજાઓનાં પાપ પછીથી ખુલ્લાં પડે છે.+ ૨૫ એવી જ રીતે, સારાં કામ પણ જગજાહેર છે+ અને જે કામ ખુલ્લાં નથી, એ હંમેશાં છૂપાં રાખી શકાતાં નથી.+