કોરીંથીઓને પહેલો પત્ર
૧૧ જેમ હું ખ્રિસ્તને પગલે ચાલું છું, તેમ તમે મારા પગલે ચાલનારા બનો.+
૨ હું તમારા વખાણ કરું છું, કેમ કે બધી વાતોમાં તમે મને યાદ રાખો છો અને મેં શીખવેલી વાતોને વળગી રહો છો. ૩ પણ હું તમને જણાવવા માંગું છું કે દરેક પુરુષનું શિર* ખ્રિસ્ત છે,+ સ્ત્રીનું શિર પુરુષ છે+ અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.+ ૪ જો કોઈ પુરુષ પોતાનું માથું ઢાંકીને પ્રાર્થના કે ભવિષ્યવાણી કરે, તો તે પોતાના શિરનું અપમાન કરે છે. ૫ જો કોઈ સ્ત્રી પોતાનું માથું ઢાંક્યા વગર પ્રાર્થના કે ભવિષ્યવાણી કરે+ તો, તે પોતાના શિરનું અપમાન કરે છે, કેમ કે એ તો માથું મૂંડાવેલી* સ્ત્રીના જેવી છે. ૬ જો કોઈ સ્ત્રી પોતાનું માથું ન ઢાંકે, તો તેણે પોતાના વાળ કપાવી નાખવા જોઈએ. પણ જો સ્ત્રીને પોતાના વાળ કપાવવામાં કે માથું મૂંડાવવામાં શરમ આવતી હોય, તો તેણે પોતાનું માથું ઢાંકવું જોઈએ.
૭ પુરુષે પોતાનું માથું ઢાંકવું ન જોઈએ, કેમ કે ઈશ્વરે તેને પોતાના જેવો*+ અને પોતાના મહિમા માટે બનાવ્યો છે. પણ સ્ત્રી તો પુરુષનો મહિમા છે. ૮ કેમ કે સ્ત્રીમાંથી પુરુષ આવ્યો નથી, પણ પુરુષમાંથી સ્ત્રી આવી છે.+ ૯ વધુમાં, સ્ત્રી માટે પુરુષને બનાવવામાં આવ્યો ન હતો, પુરુષ માટે સ્ત્રીને બનાવવામાં આવી હતી.+ ૧૦ એટલે સ્ત્રીએ આધીનતાની નિશાની તરીકે માથું ઢાંકવું જોઈએ અને દૂતોને લીધે પણ માથું ઢાંકવું જોઈએ.+
૧૧ માલિક ઈસુના મંડળમાં પુરુષ વિના સ્ત્રી કંઈ નથી અને સ્ત્રી વિના પુરુષ કંઈ નથી. ૧૨ કેમ કે જેમ પુરુષમાંથી સ્ત્રી આવી છે,+ તેમ સ્ત્રી દ્વારા પુરુષ આવે છે, પણ ઈશ્વર પાસેથી બધું જ આવ્યું છે.+ ૧૩ તમે પોતે જ નક્કી કરો: સ્ત્રી પોતાનું માથું ઢાંક્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરે, શું એ યોગ્ય કહેવાય? ૧૪ શું એ સ્વાભાવિક નથી કે પુરુષના લાંબા વાળ તેના માટે શરમની વાત છે? ૧૫ શું તમે નથી જાણતા કે સ્ત્રીના લાંબા વાળ તેની શોભા છે? કેમ કે તેના વાળ તેનું માથું ઢાંકવા માટે આપવામાં આવ્યા છે. ૧૬ પણ જો કોઈ માણસ બીજો રિવાજ પાળવા દલીલ કરે, તો તેને જણાવો કે આપણામાં અથવા ઈશ્વરનાં મંડળોમાં બીજો કોઈ રિવાજ નથી.
૧૭ હવે આ શિખામણ આપતી વખતે હું તમારા વખાણ કરતો નથી, કેમ કે તમે ભેગા મળો છો ત્યારે તમને લાભ કરતાં નુકસાન વધારે થાય છે. ૧૮ સૌથી પહેલા તો, મને સાંભળવા મળ્યું છે કે તમે મંડળમાં ભેગા મળો છો ત્યારે, તમારામાં ભાગલા પડેલા હોય છે. અમુક અંશે મને એ વાત સાચી પણ લાગે છે. ૧૯ તમારામાંથી બીજા પંથો જરૂર ઊભા થશે+ અને એનાથી દેખાઈ આવશે કે ખરેખર કોણ પસંદ થયેલા છે.
૨૦ જ્યારે તમે ઈસુનું સાંજનું ભોજન*+ ખાવા ભેગા મળો છો, ત્યારે તમે ખરેખર એ ભોજન ખાવા ભેગા મળતા નથી. ૨૧ કેમ કે તમારામાંથી અમુક લોકો એ ભોજનનો સમય થાય એ પહેલાં જ પોતાનું સાંજનું ભોજન ખાઈ લે છે. એટલે અમુક લોકો ભૂખ્યા રહે છે તો અમુક લોકો વધુ પડતું પીને ચકચૂર બને છે. ૨૨ શું ખાવા-પીવા માટે તમારાં ઘર નથી? અથવા શું તમે ઈશ્વરના મંડળને તુચ્છ ગણો છો અને જેઓ પાસે કંઈ નથી તેઓને શરમમાં મૂકો છો? હવે હું તમને શું કહું, શું તમને શાબાશી આપું? આમાં હું તમારા વખાણ કરતો નથી.
૨૩ આપણા માલિકે મને જે વાત જણાવી એ મેં તમને પણ શીખવી છે કે માલિક ઈસુને દગો થવાનો હતો એ રાતે+ તેમણે રોટલી લીધી ૨૪ અને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. પછી તેમણે એ તોડી અને કહ્યું: “આ મારા શરીરને રજૂ કરે છે,+ જે તમારા માટે છે. મારી યાદમાં આ કરતા રહો.”+ ૨૫ જ્યારે તેઓએ સાંજનું ભોજન લઈ લીધું, ત્યારે તેમણે પ્યાલો લઈને એવું જ કર્યું.+ તેમણે કહ્યું: “આ પ્યાલો મારા લોહીના આધારે+ થયેલા નવા કરારને*+ રજૂ કરે છે. જ્યારે તમે એમાંથી પીઓ ત્યારે મારી યાદમાં આ કરતા રહો.”+ ૨૬ કેમ કે જ્યારે તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલામાંથી પીઓ છો, ત્યારે આપણા માલિક ઈસુના આવતા સુધી તમે તેમનું મરણ જાહેર કરો છો.
૨૭ તેથી, જો કોઈ માણસ માલિક ઈસુની રોટલી ખાય અને તેમના પ્યાલામાંથી પીએ, પણ જો તે એને યોગ્ય ન હોય, તો તે માલિક ઈસુના શરીર અને લોહી વિશે દોષિત ગણાશે. ૨૮ માણસે પ્રથમ તો પોતાની પૂરેપૂરી પરખ કરવી જોઈએ કે તે યોગ્ય છે કે નહિ.+ પછી જ તેણે રોટલી ખાવી અને પ્યાલામાંથી પીવું. ૨૯ શરીર શાને રજૂ કરે છે, એ સમજ્યા વગર જે કોઈ ખાય છે અને પીએ છે, તે પોતાના પર સજા લાવે છે. ૩૦ એટલે તમારામાંથી ઘણા લોકો કમજોર અને બીમાર છે અને કેટલાક તો મોતની ઊંઘમાં સૂઈ ગયા છે.*+ ૩૧ જો આપણે પારખીએ કે પોતે કોણ છીએ, તો આપણને દોષિત ઠરાવવામાં નહિ આવે. ૩૨ જોકે, આપણે દોષિત ઠરીએ છીએ ત્યારે, આપણને યહોવા* દ્વારા શિસ્ત* મળે છે,+ જેથી દુનિયાની સાથે આપણને સજા ન થાય.+ ૩૩ તેથી ભાઈઓ, તમે આ ભોજન માટે ભેગા મળો ત્યારે, તમે એકબીજાની રાહ જુઓ. ૩૪ પણ જો કોઈ ભૂખ્યો હોય તો પોતાના ઘરે ખાય, જેથી તમે ભેગા મળો ત્યારે તમે દોષિત ન ઠરો.+ હું આવીશ ત્યારે બાકીની વાતોનો ઉકેલ લાવીશ.