માર્ક
૧૪ બે દિવસ પછી+ પાસ્ખાનો*+ તહેવાર અને બેખમીર રોટલીનો તહેવાર*+ હતો. મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ વિચારતા હતા કે કઈ રીતે ઈસુને કપટથી પકડે અને મારી નાખે.+ ૨ તેઓ કહેતા હતા કે “તહેવારના સમયે નહિ, કદાચ લોકો ધાંધલ મચાવે.”
૩ ઈસુ બેથનિયામાં સિમોનના ઘરમાં જમવા બેઠા હતા,* જે અગાઉ રક્તપિત્તિયો* હતો. ત્યાં એક સ્ત્રી સંગેમરમરની શીશીમાં અસલ જટામાંસીનું* ઘણું કીમતી, સુગંધી તેલ લઈને આવી. તે સંગેમરમરની શીશી ખોલીને એ તેલ તેમના માથા પર રેડવા લાગી.+ ૪ કેટલાક ગુસ્સે થઈને એકબીજાને કહેવા લાગ્યા: “આ સુગંધી તેલનો બગાડ શા માટે કર્યો? ૫ એ સુગંધી તેલ ૩૦૦થી પણ વધારે દીનારમાં* વેચી શકાયું હોત અને પૈસા ગરીબ લોકોને આપી શકાયા હોત!” તેઓ સ્ત્રી પર ઘણા ગુસ્સે થયા.* ૬ પણ ઈસુએ કહ્યું: “તેને રહેવા દો. તમે તેને કેમ હેરાન કરો છો? તેણે મારા માટે બહુ સરસ કામ કર્યું છે.+ ૭ ગરીબો તો કાયમ તમારી સાથે હશે+ અને તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો. પણ હું કાયમ તમારી સાથે નહિ હોઉં.+ ૮ તે જે કરી શકતી હતી એ તેણે કર્યું છે. તેણે મારા શરીર પર સુગંધી તેલ લગાડીને પહેલેથી મારા દફનની તૈયારી કરી છે.+ ૯ હું તમને સાચે જ કહું છું, આખી દુનિયામાં જ્યાં પણ ખુશખબર જણાવવામાં આવશે,+ ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”+
૧૦ બારમાંનો એક યહૂદા ઇસ્કારિયોત મુખ્ય યાજકો પાસે ગયો, જેથી ઈસુને દગો આપીને તેઓને સોંપી દે.+ ૧૧ તેઓએ એ સાંભળ્યું ત્યારે ઘણા ખુશ થયા. તેઓએ તેને ચાંદીના સિક્કા આપવાનું વચન આપ્યું.+ એટલે તે ઈસુને દગો દેવાની તક શોધવા લાગ્યો.
૧૨ બેખમીર રોટલીના તહેવારના+ પહેલા દિવસે પાસ્ખાનું બલિદાન ચઢાવવાનો રિવાજ હતો.+ શિષ્યોએ ઈસુને કહ્યું: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને પાસ્ખાના ભોજનની તૈયારી કરીએ?”+ ૧૩ એટલે તેમણે બે શિષ્યોને આમ કહીને મોકલ્યા: “શહેરમાં જાઓ અને પાણીનું માટલું લઈને જતો એક માણસ તમને મળશે. તેની પાછળ પાછળ જાઓ.+ ૧૪ તે જે ઘરમાં જાય એ ઘરના માલિકને કહેજો કે ‘ઉપદેશક કહે છે: “મહેમાનનો ઓરડો ક્યાં છે, જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લઈ શકું?”’ ૧૫ તે તમને ઉપરના માળે તૈયાર કરેલો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં આપણા માટે તૈયારી કરજો.” ૧૬ શિષ્યો નીકળીને શહેરમાં ગયા અને જેવું તેમણે કહ્યું હતું એવું જ થયું. ત્યાં તેઓએ પાસ્ખા માટે તૈયારી કરી.
૧૭ સાંજ ઢળી ગઈ પછી ઈસુ બાર શિષ્યો સાથે ત્યાં આવ્યા.+ ૧૮ તેઓ જમવા બેઠા હતા ત્યારે ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમારામાંનો એક જે મારી સાથે ખાય છે તે મને દગો દેશે.”+ ૧૯ એ સાંભળીને તેઓ દુઃખી થયા અને વારાફરતી પૂછવા લાગ્યા: “એ હું તો નથી ને?” ૨૦ તેમણે કહ્યું: “તે બારમાંનો એક છે, જે મારી સાથે એક જ વાટકામાંથી ખાય છે.+ ૨૧ ખરું કે માણસના દીકરા વિશે શાસ્ત્રવચનો જે કહે છે એ પ્રમાણે તેનું મરણ થશે, પણ માણસના દીકરાને દગો દેનારને અફસોસ!+ તે જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.”+
૨૨ તેઓ જમતા હતા ત્યારે, તેમણે રોટલી લીધી અને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. તેમણે એ તોડી અને શિષ્યોને આપીને કહ્યું: “લો, આ મારા શરીરને રજૂ કરે છે.”+ ૨૩ તેમણે પ્યાલો લીધો અને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. તેમણે એ પ્યાલો તેઓને આપ્યો અને બધાએ એમાંથી પીધું.+ ૨૪ તેમણે તેઓને કહ્યું: “એ મારા લોહીને રજૂ કરે છે,+ જે કરારને*+ પાકો કરે છે. એ લોહી ઘણા લોકો માટે વહેવડાવવામાં આવશે.+ ૨૫ હું તમને સાચે જ કહું છું કે ઈશ્વરના રાજ્યમાં હું નવો દ્રાક્ષદારૂ ન પીઉં, એ દિવસ સુધી હું દ્રાક્ષદારૂ ફરીથી પીશ નહિ.” ૨૬ પછી તેઓ સ્તુતિગીતો* ગાઈને જૈતૂન પર્વત પર જવા નીકળી ગયા.+
૨૭ ઈસુએ તેઓને કહ્યું: “તમારા બધાની શ્રદ્ધા ડગમગી જશે,* કેમ કે લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારીશ+ અને ઘેટાં વિખેરાઈ જશે.’+ ૨૮ પણ મને ઉઠાડવામાં આવશે અને હું તમારી આગળ ગાલીલ જઈશ.”+ ૨૯ પિતરે તેમને કહ્યું: “ભલે બીજાઓની શ્રદ્ધા ડગી જાય, પણ મારી શ્રદ્ધા કદીયે નહિ ડગે!”+ ૩૦ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું: “હું તને સાચે જ કહું છું કે આજે, હા, આજે રાતે કૂકડો બે વાર બોલે એ પહેલાં, તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ ૩૧ પણ તે વારંવાર કહેવા લાગ્યો: “ભલે મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમને ઓળખવાની ના પાડીશ નહિ.” બીજા બધાએ પણ એવું જ કહ્યું.+
૩૨ તેઓ ગેથશેમાને નામની જગ્યાએ આવી પહોંચ્યા. તેમણે શિષ્યોને કહ્યું: “હું પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.”+ ૩૩ તે પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લઈ ગયા.+ તે બહુ દુઃખી અને પરેશાન થવા લાગ્યા. ૩૪ તેમણે તેઓને કહ્યું: “હું મરવાની અણીએ હોઉં એટલી વેદના થાય છે.+ અહીં રહો અને જાગતા રહો.”+ ૩૫ તે જરાક આગળ જઈને જમીન પર ઘૂંટણિયે પડ્યા. તે પ્રાર્થના કરવા લાગ્યા કે જો શક્ય હોય તો તેમણે આ ઘડીમાંથી પસાર થવું ન પડે. ૩૬ તેમણે કહ્યું: “અબ્બા,* પિતાજી,+ તમારા માટે બધું શક્ય છે. આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ હું ચાહું છું એમ નહિ, પણ તમે ચાહો છો એ પ્રમાણે થાઓ.”+ ૩૭ ઈસુ પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા. તેમણે પિતરને કહ્યું: “સિમોન, શું તું ઊંઘે છે? શું તારામાં થોડી વાર પણ જાગતા રહેવાની શક્તિ નથી?+ ૩૮ જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.+ ખરું કે મન તો તૈયાર* છે, પણ શરીર કમજોર છે.”+ ૩૯ તે ફરીથી ગયા અને પ્રાર્થનામાં એ જ વાત જણાવી.+ ૪૦ તે પાછા આવ્યા અને તેઓને ઊંઘતા જોયા, કેમ કે તેઓની આંખો ઘેરાયેલી હતી. એટલે તેઓને ખ્યાલ ન આવ્યો કે તેમને શું કહેવું. ૪૧ તે ત્રીજી વાર આવ્યા અને તેઓને કહ્યું: “આવા સમયે તમે ઊંઘો છો અને આરામ કરો છો! હવે ઊંઘતા નહિ! જુઓ, માણસના દીકરાને દગાથી પાપીઓના હાથમાં સોંપવાની ઘડી આવી પહોંચી છે.+ ૪૨ ઊઠો, ચાલો જઈએ. જુઓ! મને દગો દેનાર આવી પહોંચ્યો છે.”+
૪૩ હજુ તો તે બોલતા હતા એવામાં યહૂદા આવ્યો, જે બારમાંનો એક હતો. તેની સાથે તલવારો અને લાઠીઓ લઈને ઘણા લોકો આવ્યા હતા. મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોએ તેઓને મોકલ્યા હતા.+ ૪૪ ઈસુને દગો આપનારે એ લોકોને એક નિશાની આપીને નક્કી કર્યું હતું: “હું જેને ચુંબન કરું એ જ તે છે, તેને પકડી લેજો. સિપાઈઓના પહેરા નીચે તેને લઈ જજો.” ૪૫ તેણે ઈસુ પાસે જઈને કહ્યું: “સલામ ગુરુજી!”* પછી તેણે તેમને ચુંબન કર્યું. ૪૬ એટલે તેઓએ ઈસુને પકડી લીધા. ૪૭ ત્યાં જેઓ ઊભા હતા, તેઓમાંના એકે પોતાની તલવાર ખેંચી કાઢી. તેણે પ્રમુખ યાજકના* ચાકર પર ઘા કરીને તેનો કાન ઉડાવી દીધો.+ ૪૮ ઈસુએ તેઓને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ તલવારો અને લાઠીઓ લઈને કેમ મને પકડવા આવ્યા છો?+ ૪૯ રોજ હું મંદિરમાં શીખવતો હતો ત્યારે તમારી સાથે હતો,+ તોપણ તમે મને પકડ્યો નહિ. પણ શાસ્ત્રવચનો પૂરાં થાય એ માટે આમ થયું છે.”+
૫૦ બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.+ ૫૧ પણ એક યુવાન ઉઘાડા શરીર પર ઉત્તમ શણનું કપડું ઓઢીને તેમની પાછળ થોડા અંતરે ચાલવા લાગ્યો. ટોળાએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો. ૫૨ પણ તે શણનું કપડું ત્યાં છોડીને ઉઘાડા શરીરે* નાસી ગયો.
૫૩ ઈસુને તેઓ પ્રમુખ યાજક પાસે લઈ ગયા.+ ત્યાં બધા મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ ભેગા થયા.+ ૫૪ પણ પિતર થોડું અંતર રાખીને પ્રમુખ યાજકના આંગણા સુધી તેમની પાછળ પાછળ ગયો. તે ઘરના ચાકરો સાથે બેસીને આગ પાસે તાપવા લાગ્યો.+ ૫૫ મુખ્ય યાજકો અને આખી યહૂદી ન્યાયસભા* ઈસુને મારી નાખવા તેમની વિરુદ્ધ સાક્ષીઓ શોધતા હતા, પણ તેઓને કોઈ મળ્યું નહિ.+ ૫૬ ખરું કે ઘણા તેમની વિરુદ્ધ ખોટી સાક્ષી આપતા હતા,+ પણ તેઓની જુબાની એકબીજા સાથે મેળ ખાતી ન હતી. ૫૭ બીજા કેટલાક ઊભા થઈને તેમની વિરુદ્ધ ખોટી સાક્ષી આપીને કહેતા હતા: ૫૮ “અમે તેને કહેતા સાંભળ્યો હતો કે ‘હું હાથે બનેલા આ મંદિરને પાડી નાખીશ અને હાથે બન્યું ન હોય એવું મંદિર ત્રણ દિવસમાં બાંધીશ.’”+ ૫૯ આ વિશે પણ તેઓની જુબાની એકબીજા સાથે મેળ ખાતી ન હતી.
૬૦ પ્રમુખ યાજક તેઓની વચ્ચે ઊભો થયો અને ઈસુને સવાલ પૂછવા લાગ્યો: “શું તારે કંઈ નથી કહેવું? શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?”+ ૬૧ પણ તે ચૂપ રહ્યા અને કંઈ જવાબ ન આપ્યો.+ પ્રમુખ યાજક ફરીથી તેમને પૂછવા લાગ્યો: “શું તું ખ્રિસ્ત છે, સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો છે?” ૬૨ ઈસુએ કહ્યું: “હા હું છું! તમે માણસના દીકરાને+ શક્તિશાળી ઈશ્વરના જમણા હાથે બેઠેલો+ અને આકાશનાં વાદળો સાથે આવતો જોશો.”+ ૬૩ એ સાંભળીને પ્રમુખ યાજકે પોતાનાં કપડાં ફાડતાં કહ્યું: “હવે સાક્ષીઓની શું જરૂર છે?+ ૬૪ તમે ઈશ્વરની નિંદા સાંભળી છે. તમારું શું કહેવું છે?” તેઓ બધાએ ઈસુને મોતને લાયક ઠરાવ્યા.+ ૬૫ કેટલાક તેમના પર થૂંક્યા.+ તેઓએ તેમનો ચહેરો ઢાંકીને મુક્કા માર્યા અને કહ્યું: “જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?” પછી અદાલતના સિપાઈઓએ તેમને તમાચા માર્યા અને તેમને લઈ ગયા.+
૬૬ પિતર નીચે આંગણામાં હતો, એ વખતે પ્રમુખ યાજકની એક દાસી આવી.+ ૬૭ પિતર ત્યાં તાપતો હતો. દાસીએ તેની સામે જોઈને કહ્યું: “તું પણ નાઝરેથના આ ઈસુ સાથે હતો.” ૬૮ પિતરે ના પાડી અને કહ્યું: “હું તેને નથી ઓળખતો. મને સમજાતું નથી કે તું શું કહે છે.” તે બહાર દરવાજા* તરફ જતો રહ્યો. ૬૯ ત્યાં એ દાસીની નજર તેના પર પડી. તે ફરીથી પાસે ઊભેલા લોકોને કહેવા લાગી: “આ તેઓમાંનો એક છે.” ૭૦ પિતરે ફરીથી ના પાડી. થોડી વાર પછી આસપાસ ઊભેલા લોકો ફરીથી પિતરને કહેવા લાગ્યા: “તું ચોક્કસ તેઓમાંનો એક છે, કેમ કે તું ગાલીલનો છે.” ૭૧ પણ તે પોતાને શ્રાપ આપવા અને સમ ખાવા લાગ્યો: “હું એ માણસને ઓળખતો નથી, જેની તમે વાત કરો છો!” ૭૨ તરત જ કૂકડો બીજી વાર બોલ્યો.+ પિતરને યાદ આવ્યું કે ઈસુએ કહ્યું હતું: “કૂકડો બે વાર બોલે એ પહેલાં તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ તે બહુ દુઃખી થઈને રડવા લાગ્યો.