હઝકિયેલ
૩ પછી તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, તારી સામે જે છે એ ખા. આ વીંટો ખા અને જઈને ઇઝરાયેલના લોકો સાથે વાત કર.”+
૨ એટલે મેં મારું મોં ખોલ્યું અને તેમણે મને એ વીંટો ખાવા માટે આપ્યો. ૩ તેમણે કહ્યું: “હે માણસના દીકરા, મેં તને જે વીંટો આપ્યો એ ખા અને એનાથી તારું પેટ ભર.” હું એ ખાવા લાગ્યો અને એ મારા મોંમાં મધ જેવો મીઠો લાગ્યો.+
૪ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, ઇઝરાયેલી લોકો પાસે જા અને તેઓને મારો સંદેશો જણાવ. ૫ હું તને અઘરી અને અજાણી ભાષા બોલનારા લોકો પાસે નહિ, પણ ઇઝરાયેલી લોકો પાસે મોકલું છું. ૬ હું તને અઘરી અને અજાણી ભાષા બોલનારી ઘણી પ્રજાઓ પાસે નથી મોકલતો, જેઓની વાતો તું સમજી ન શકે. જો હું તને એ લોકો પાસે મોકલું તો તેઓ તારું સાંભળશે.+ ૭ પણ ઇઝરાયેલીઓ તારી વાતો સાંભળવાની ના પાડશે, કેમ કે તેઓ મારું સાંભળવા માંગતા નથી.+ ઇઝરાયેલના બધા લોકો તો હઠીલા* અને કઠણ દિલના છે.+ ૮ મેં તારો ચહેરો તેઓના ચહેરા જેવો જ સખત કર્યો છે અને તારું કપાળ તેઓનાં કપાળ જેવું જ કઠણ કર્યું છે.+ ૯ મેં તારું કપાળ હીરા જેવું, ચકમકના પથ્થર કરતાં પણ વધારે કઠણ કર્યું છે.+ તેઓથી ગભરાઈશ નહિ કે તેઓના ચહેરા જોઈને થરથર કાંપીશ નહિ.+ તેઓ તો બંડખોર લોકો છે.”
૧૦ તેમણે મને કહ્યું: “હે માણસના દીકરા, હું જે કહું એ બધું ધ્યાનથી સાંભળ અને દિલમાં ઉતાર. ૧૧ તારા લોકો પાસે જા, જેઓ ગુલામીમાં છે.+ તેઓ સાથે વાત કર અને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા આવું કહે છે,’ ભલે તેઓ સાંભળે કે ન સાંભળે.”+
૧૨ પછી પવિત્ર શક્તિએ* મને ઊંચકી લીધો.+ મેં મારી પાછળ ભારે ગડગડાટનો અવાજ સાંભળ્યો, જે કહેતો હતો: “યહોવાના સ્થાનમાંથી તેમના ગૌરવનો જયજયકાર થાઓ!” ૧૩ દૂતો પોતાની પાંખો હલાવતા હતા તેમ, એ એકબીજીને અડતી હતી અને એનો અવાજ સંભળાતો હતો.+ તેઓની પાસેનાં પૈડાંનો અવાજ આવતો હતો+ અને ભારે ગડગડાટ સંભળાતો હતો. ૧૪ પવિત્ર શક્તિ* મને ઉપાડીને લઈ ગઈ. હું જતો હતો ત્યારે મારા મનમાં કડવાશ ભરાઈ ગઈ અને હું ગુસ્સાથી તપી ગયો. મારા પર યહોવાની શક્તિની ભારે અસર હતી. ૧૫ હું ગુલામ થયેલા લોકો પાસે તેલ-આબીબ ગયો. તેઓ કબાર નદી+ પાસે રહેતા હતા. તેઓની સાથે હું પણ રહ્યો. હું સાત દિવસ સુધી મૂંઝાઈને+ ત્યાં બેસી રહ્યો.
૧૬ સાત દિવસ પૂરા થયા ત્યારે, યહોવાનો આ સંદેશો મારી પાસે આવ્યો:
૧૭ “હે માણસના દીકરા, મેં તને ઇઝરાયેલીઓ પર ચોકીદાર ઠરાવ્યો છે.+ તું મારી વાણી સાંભળે કે તરત તેઓને મારા તરફથી ચેતવણી આપજે.+ ૧૮ હું કોઈ દુષ્ટને કહું કે ‘તું ચોક્કસ મરશે,’ પણ તે જીવતો રહે એ માટે જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી ન આપે,+ તો એ માણસ પોતાના ગુનાને લીધે માર્યો જશે.+ પણ તેના લોહીનો બદલો હું તારી પાસેથી માંગીશ.*+ ૧૯ જો તું એ દુષ્ટને તેનાં કામો છોડી દેવાની ચેતવણી આપે અને તે પોતાનાં દુષ્ટ કામો ન છોડે તેમજ દુષ્ટ માર્ગોથી પાછો ન ફરે, તો પોતાના ગુનાને લીધે તે માર્યો જશે. પણ તું તારો જીવ ચોક્કસ બચાવશે.+ ૨૦ પણ જો કોઈ નેક માણસ સારાં કામો છોડીને ખરાબ કામો* કરવા લાગે, તો હું તેના માર્ગમાં નડતરો લાવીશ અને તે માર્યો જશે.+ જો તેં ચેતવણી આપી નહિ હોય, તો પોતાનાં પાપને લીધે તે માર્યો જશે અને તેનાં સારાં કામો યાદ રાખવામાં નહિ આવે. પણ તેના લોહીનો બદલો હું તારી પાસે માંગીશ.*+ ૨૧ જો તું નેક માણસને ચેતવણી આપે કે પાપ ન કર અને તે પાપ કરવાનું છોડી દે, તો તેં ચેતવણી આપી હોવાથી,+ તે ચોક્કસ જીવતો રહેશે અને તું પણ તારો જીવ બચાવશે.”
૨૨ ત્યાં યહોવાની શક્તિ* મારા પર ઊતરી આવી. ઈશ્વરે મને કહ્યું: “ઊભો થા અને મેદાનમાં જા. ત્યાં હું તારી સાથે વાત કરીશ.” ૨૩ હું ઊભો થઈને મેદાનમાં ગયો. જુઓ, ત્યાં મેં યહોવાનું ગૌરવ જોયું!+ એવું ગૌરવ મેં કબાર નદી+ પાસે જોયું હતું. એ જોઈને મેં ઘૂંટણિયે પડીને નમન કર્યું. ૨૪ મારા પર ઈશ્વરની શક્તિ ઊતરી આવી. એ શક્તિએ મને મારા પગ પર ઊભો કર્યો.+ ઈશ્વરે મને કહ્યું:
“જા, તારા ઘરમાં જઈને દરવાજો બંધ કર. ૨૫ હે માણસના દીકરા, લોકો તને દોરડાંથી બાંધશે, જેથી તું તેઓ પાસે જઈ ન શકે. ૨૬ હું તારી જીભ તારા તાળવે ચોંટાડી દઈશ. તું મૂંગો થઈ જશે અને તેઓને ઠપકો આપી નહિ શકે. તેઓ તો બંડખોર લોકો છે. ૨૭ પણ હું તારી સાથે વાત કરીશ ત્યારે તને બોલતો કરીશ. તું તેઓને જણાવ,+ ‘વિશ્વના માલિક યહોવા આવું કહે છે.’ જેઓ સાંભળે તેઓ સાંભળે+ અને જેઓ નથી સાંભળતા તેઓ ન સાંભળે. તેઓ તો બંડખોર લોકો છે.+