માથ્થી
૫ લોકોનાં ટોળેટોળાં જોઈને ઈસુ પહાડ પર ગયા અને ત્યાં બેઠા ત્યારે, તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. ૨ પછી, તે તેઓને ઉપદેશ આપવા લાગ્યા:
૩ “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે* તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
૪ “જેઓ શોક કરે છે તેઓ સુખી છે, કેમ કે તેઓને દિલાસો મળશે.
૫ “જેઓ નમ્ર* છે તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.
૬ “જેઓને ન્યાય માટે* ભૂખ અને તરસ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ તૃપ્ત કરાશે.*
૭ “જેઓ દયાળુ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ પર દયા બતાવવામાં આવશે.
૮ “જેઓનું દિલ સાફ છે તેઓ સુખી છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
૯ “જેઓ શાંતિ કરાવે* છે તેઓ સુખી છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરાઓ કહેવાશે.
૧૦ “જે ખરું છે એ કરવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
૧૧ “જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે, તમારી સતાવણી કરે અને જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો. ૧૨ તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે; તેઓએ તમારી અગાઉ પ્રબોધકોની પણ આ રીતે સતાવણી કરી હતી.
૧૩ “તમે દુનિયાનું* મીઠું છો. પણ, જો મીઠું બેસ્વાદ થઈ જાય તો એની ખારાશ પાછી લાવી શકાય ખરી? એ કંઈ કામનું રહેતું નથી. એને બહાર ફેંકવામાં આવે છે અને એ લોકોના પગ નીચે કચડાય છે.
૧૪ “તમે દુનિયાનું અજવાળું છો. પહાડ પર વસેલું શહેર છૂપું રહી શકતું નથી. ૧૫ લોકો દીવો સળગાવીને એને ટોપલા* નીચે નહિ, પણ દીવી પર મૂકે છે. એ દીવો ઘરમાં બધાને અજવાળું આપે છે. ૧૬ એ જ રીતે, તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો, જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ અને સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.
૧૭ “એવું ન વિચારશો કે હું નિયમશાસ્ત્ર* અને પ્રબોધકોનાં લખાણોનો નાશ કરવા આવ્યો છું. હું નાશ કરવા નહિ, પણ એ પૂર્ણ કરવા આવ્યો છું. ૧૮ હું તમને સાચું કહું છું કે ભલે આકાશ અને પૃથ્વી જતાં રહે, પણ જ્યાં સુધી નિયમશાસ્ત્રમાં લખેલી બધી વાતો પૂરી ન થાય, ત્યાં સુધી એનો સૌથી નાનો અક્ષર કે અક્ષરની એક માત્રા પણ જતાં રહેશે નહિ. ૧૯ એટલે, જે કોઈ એની નાનામાં નાની આજ્ઞાઓમાંથી એક તોડે છે અને લોકોને એવું કરતા શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવા લાયક ઠરશે નહિ.* પરંતુ, જે કોઈ એ આજ્ઞાઓ પાળે છે અને એવું શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવા લાયક ઠરશે.* ૨૦ કારણ, હું તમને કહું છું કે જો તમારાં કામ શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં વધારે સારાં નહિ હોય, તો તમે કોઈ પણ હિસાબે સ્વર્ગના રાજ્યમાં દાખલ થઈ શકશો નહિ.
૨૧ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તું ખૂન ન કર; જે કોઈ ખૂન કરે છે, તેણે અદાલતને જવાબ આપવો પડશે.’ ૨૨ પણ, હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈની* વિરુદ્ધ ગુસ્સાની આગમાં સળગતો રહે છે, તેણે અદાલતને જવાબ આપવો પડશે; તેમ જ, જે કોઈ ખરાબ શબ્દોથી પોતાના ભાઈનું ઘોર અપમાન કરે છે, તેણે સર્વોચ્ચ અદાલતને* જવાબ આપવો પડશે; પરંતુ, જે કોઈ એમ કહે કે, ‘તું મહા મૂર્ખ છે!’ તે ગેહેન્નાની* આગમાં નંખાવાને લાયક ઠરશે.
૨૩ “એટલે, જો તમે વેદી પાસે અર્પણ લઈને જાઓ અને યાદ આવે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે, ૨૪ તો તમારું અર્પણ ત્યાં વેદીની આગળ મૂકી દો અને જાઓ. પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો, પછી આવીને તમારું અર્પણ ચઢાવો.
૨૫ “જે તમારી વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ કરવા જાય છે, તેની સાથે રસ્તામાં જ જેમ બને એમ જલદી સુલેહ-શાંતિ કરી લો; એવું ન થાય કે તે તમને ન્યાયાધીશને સોંપી દે અને ન્યાયાધીશ તમને સિપાઈને સોંપી દે અને તમને કેદખાનામાં નાખવામાં આવે. ૨૬ હું તમને સાચે જ કહું છું કે તમે પાઈએ પાઈ* ચૂકવી ન દો ત્યાં સુધી, તમારો છુટકારો ત્યાંથી થવાનો નથી.
૨૭ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તું વ્યભિચાર* ન કર.’ ૨૮ પણ, હું તમને કહું છું કે જે માણસ કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જોયા કરે છે, તેણે પોતાના દિલમાં એ સ્ત્રી સાથે વ્યભિચાર* કર્યો છે. ૨૯ હવે, જો તમારી જમણી આંખ તમને પાપ કરાવે,* તો તરત એને કાઢીને ફેંકી દો, કારણ કે તમારું આખું શરીર ગેહેન્નામાં* નંખાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે લાભકારક છે. ૩૦ વળી, જો તમારો જમણો હાથ તમને પાપ કરાવે,* તો એને કાપી નાખો અને તમારાથી દૂર ફેંકી દો, કારણ કે તમારું આખું શરીર ગેહેન્નામાં* જાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે લાભકારક છે.
૩૧ “એમ પણ કહેલું હતું કે, ‘જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે, તે તેને છૂટાછેડા લખી આપે.’ ૩૨ પણ, હું તમને કહું છું કે જે પોતાની પત્નીને વ્યભિચાર* સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે, તે તેને લગ્ન બહાર જાતીય સંબંધ બાંધવાના જોખમમાં મૂકે છે; અને જે કોઈ છૂટાછેડા પામેલી એ સ્ત્રીને પરણે છે, તે પણ વ્યભિચાર* કરે છે.
૩૩ “વધુમાં, જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તું તારા સમ ન તોડ, પણ યહોવા* સામે લીધેલી માનતા પૂરી કર.’ ૩૪ પણ હું તમને કહું છું: કદી સમ ન ખાઓ. સ્વર્ગના નહિ, કેમ કે એ ઈશ્વરનું રાજ્યાસન છે; ૩૫ પૃથ્વીના પણ નહિ, કેમ કે એ તેમના પગનું આસન છે; યરૂશાલેમના પણ નહિ, કેમ કે એ મહાન રાજાનું શહેર છે. ૩૬ તમે તમારા માથાના સમ પણ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ કે કાળો કરી શકતા નથી. ૩૭ તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય, કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ દુષ્ટ* તરફથી છે.
૩૮ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત.’ ૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામા ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો. ૪૦ જો કોઈ વ્યક્તિ તમને અદાલતમાં લઈ જઈને તમારો અંદરનો ઝભ્ભો* લેવા માંગે, તો તેને તમારો બહારનો ઝભ્ભો* પણ આપી દો. ૪૧ જો કોઈ અધિકારી તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તો તેની સાથે બે કિલોમીટર જાઓ. ૪૨ જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને આપો અને કોઈ તમારી પાસે ઉછીનું* લેવા આવે તો તેનાથી મોં ન ફેરવો.
૪૩ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તું તારા પડોશી* પર પ્રેમ રાખ અને દુશ્મનને નફરત કર.’ ૪૪ પણ હું તમને કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો. ૪૫ આ રીતે તમે સ્વર્ગમાં રહેતા તમારા પિતાના દીકરાઓ બનશો, કેમ કે તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે તથા નેક અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે. ૪૬ જેઓ તમને પ્રેમ કરે છે, તેઓને જ તમે પ્રેમ કરો તો, તમને શું ફાયદો? કર ઉઘરાવનારા* પણ એવું જ નથી કરતા શું? ૪૭ જો તમે ફક્ત પોતાના ભાઈઓને જ સલામ કરો, તો એમાં શું મોટી વાત? બીજી પ્રજાના લોકો પણ એવું જ નથી કરતા શું? ૪૮ એટલે, જેમ સ્વર્ગમાંના તમારા પિતા સંપૂર્ણ* છે, તેમ તમે સંપૂર્ણ થાઓ.