રોમનોને પત્ર
૧૨ ભાઈઓ, ઈશ્વરે તમને કરુણા બતાવી છે, એટલે હું તમને વિનંતી કરું છું કે પોતાના શરીરનું જીવતું, પવિત્ર+ અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો.+ તમારી સમજશક્તિનો ઉપયોગ કરીને ઈશ્વરની પવિત્ર સેવા કરો.+ ૨ આ દુનિયાની* અસર તમારા પર ન થવા દો.* પણ ઈશ્વરને તમારા વિચારોમાં ફેરફાર કરવા દો, જેથી તમારું મન પૂરેપૂરું બદલાઈ જાય+ અને તમે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા પારખી શકો.*+
૩ મને અપાયેલી અપાર કૃપાથી હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો.+ પણ સમજુ બનો અને ઈશ્વરે તમને જેટલી શ્રદ્ધા આપી છે, એ પ્રમાણે તમે પોતાનો ન્યાય કરો.+ ૪ આપણા શરીરમાં ઘણાં અંગો છે,+ પણ બધાનું કામ એકસરખું હોતું નથી. ૫ એવી જ રીતે, આપણે ઘણા હોવા છતાં, ખ્રિસ્ત સાથે એકતામાં એક શરીર છીએ અને એકબીજા સાથે જોડાયેલાં અંગો છીએ.+ ૬ ઈશ્વરે આપણને અપાર કૃપાને આધારે જુદી જુદી ભેટો આપી છે.+ એટલે જો ભવિષ્યવાણી કરવાની ભેટ હોય, તો પોતાની શ્રદ્ધા પ્રમાણે ભવિષ્યવાણી કરીએ. ૭ જો સેવા કરવાની ભેટ હોય, તો એ સેવામાં લાગુ રહેવા બનતું બધું કરીએ. જો શીખવવાની ભેટ હોય, તો સારી રીતે શીખવવા મહેનત કરીએ.+ ૮ જો ઉત્તેજન* આપવાની ભેટ હોય, તો ઉત્તેજન આપતા રહીએ.+ જો વહેંચી આપવાની* ભેટ હોય, તો ઉદારતાથી વહેંચી આપીએ.+ જે આગેવાની લેતો હોય, તે પૂરી ધગશથી* એમ કરે.+ જે દયા બતાવતો હોય, તે રાજીખુશીથી એમ કરે.+
૯ તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય.+ જે ખરાબ છે એને ધિક્કારો,+ જે સારું છે એને વળગી રહો. ૧૦ ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ અને હૂંફ બતાવો. એકબીજાને માન આપવામાં પહેલ કરો.+ ૧૧ મહેનતુ* બનો, આળસુ નહિ.+ પવિત્ર શક્તિથી જોશીલા બનો.+ પૂરા દિલથી યહોવાની* સેવા કરો.+ ૧૨ આશાને લીધે આનંદ કરો. મુસીબતો આવે ત્યારે ધીરજથી સહન કરો.+ પ્રાર્થનામાં લાગુ રહો.+ ૧૩ ભાઈ-બહેનોની* જરૂરિયાત પ્રમાણે તેઓને મદદ કરો.+ મહેમાનગતિ બતાવતા રહો.+ ૧૪ જેઓ તમારી સતાવણી કરે છે, તેઓને આશીર્વાદ આપો.+ હા, તેઓને આશીર્વાદ આપો, શ્રાપ નહિ.+ ૧૫ આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો. ૧૬ જેવી પોતાની ચિંતા કરો છો, એવી બીજાઓની પણ ચિંતા કરો. પોતાના વિશે વધુ પડતું ન વિચારો,* પણ નમ્ર વલણ રાખો.+ પોતાને બીજાઓ કરતાં બહુ હોશિયાર ન ગણો.+
૧૭ બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો.+ બધાની નજરમાં જે સારું છે એ પ્રમાણે વર્તો. ૧૮ જો શક્ય હોય તો બધા લોકો સાથે હળી-મળીને રહેવા તમારાથી બનતું બધું કરો.+ ૧૯ વહાલાઓ, તમે બદલો લેશો નહિ, એ ઈશ્વરના હાથમાં છોડી દો. ખરાબ કામો પર ઈશ્વરને પોતાનો કોપ રેડવા દો.+ જેમ શાસ્ત્રમાં લખેલું છે: “યહોવા* કહે છે, ‘વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ.’”+ ૨૦ પણ “જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ, જો તે તરસ્યો હોય તો તેને કંઈક પીવા આપ. આમ તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ.”*+ ૨૧ બૂરાઈ સામે હારી ન જાઓ, પણ સારાથી બૂરાઈ પર જીત મેળવો.+