માર્ક
૧૦ ઈસુ ત્યાંથી નીકળીને યર્દન પાર કરીને યહૂદિયાની સરહદમાં આવી પહોંચ્યા. ફરીથી લોકોનાં ટોળેટોળાં તેમની પાસે આવ્યાં. તે પોતાની રીત પ્રમાણે તેઓને શીખવવા લાગ્યા.+ ૨ ફરોશીઓ ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું કે પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે, એ યોગ્ય છે કે નહિ?+ ૩ તેમણે તેઓને કહ્યું: “મૂસાએ તમને કઈ આજ્ઞા આપી હતી?” ૪ તેઓએ કહ્યું: “છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની મૂસાએ રજા આપી હતી.”+ ૫ પણ ઈસુએ તેઓને કહ્યું: “તેમણે તમારાં દિલ કઠણ હોવાને લીધે+ એ આજ્ઞા લખી હતી.+ ૬ સૃષ્ટિની શરૂઆતથી ‘ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં હતાં.+ ૭ એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડી દેશે.+ ૮ એ માણસ અને તેની પત્ની બંને એક શરીર થશે.’+ એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. ૯ તેથી ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”+ ૧૦ ફરી એક વાર તેઓ ઘરમાં હતા ત્યારે, શિષ્યો તેમને એ વિશે સવાલ પૂછવા લાગ્યા. ૧૧ તેમણે કહ્યું: “જે કોઈ પુરુષ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે પહેલી પત્નીનો હક છીનવી લે છે અને વ્યભિચાર કરે છે.+ ૧૨ જે કોઈ સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપ્યા પછી બીજાને પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+
૧૩ પછી લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે.* પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા.+ ૧૪ એ જોઈને ઈસુ નારાજ થયા અને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.+ ૧૫ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ નાના બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યને સ્વીકારતો નથી, તે એમાં જશે નહિ.”+ ૧૬ તેમણે બાળકોને બાથમાં લીધાં અને તેઓ પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો.+
૧૭ તે પોતાને રસ્તે જતા હતા ત્યારે, એક માણસ દોડીને આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. તેણે સવાલ પૂછ્યો: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૧૮ ઈસુએ કહ્યું: “તું મને શા માટે ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.+ ૧૯ તું આજ્ઞાઓ જાણે છે: ‘ખૂન ન કરો,+ વ્યભિચાર ન કરો,+ ચોરી ન કરો,+ ખોટી સાક્ષી ન પૂરો,+ છેતરપિંડી ન કરો,+ માતા-પિતાને માન આપો.’”+ ૨૦ પેલા માણસે તેમને કહ્યું: “શિક્ષક, આ બધું તો હું બાળપણથી પાળતો આવ્યો છું.” ૨૧ ઈસુએ તેના પર પ્રેમભરી નજર નાખતા કહ્યું, “તારામાં એક વાત ખૂટે છે: જા, જઈને તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+ ૨૨ પણ એ સાંભળીને તે નિરાશ થઈ ગયો. તે બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલ-મિલકત હતી.+
૨૩ ઈસુએ આસપાસ ઊભેલા લોકો પર નજર ફેરવીને શિષ્યોને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું થઈ પડશે!”+ ૨૪ તેમની એ વાતથી શિષ્યોને નવાઈ લાગી. પછી ઈસુએ કહ્યું: “બાળકો, ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું છે! ૨૫ ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે.”+ ૨૬ તેઓ હજુ વધારે નવાઈ પામ્યા અને તેમને* કહેવા લાગ્યા: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૭ ઈસુએ તેઓ સામે જોઈને કહ્યું: “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે એવું નથી. ઈશ્વર માટે બધું જ શક્ય છે.”+ ૨૮ પિતરે તેમને કહ્યું: “જુઓ! અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ.”+ ૨૯ ઈસુએ કહ્યું: “હું તમને સાચે જ કહું છું, જે કોઈએ મારે લીધે અને ખુશખબરને લીધે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે,+ ૩૦ તેને હમણાં ૧૦૦ ગણાં વધારે ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરો મળશે. પણ તેણે સતાવણી સહેવી પડશે+ અને આવનાર દુનિયામાં તેને હંમેશ માટેનું જીવન મળશે. ૩૧ પણ ઘણા જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે, જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે.”+
૩૨ હવે તેઓ યરૂશાલેમના રસ્તે જતા હતા અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. એટલે શિષ્યોને નવાઈ લાગી અને જેઓ પાછળ ચાલતા હતા તેઓ ગભરાવા લાગ્યા. ઈસુ ફરીથી બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા. તે પોતાના પર જે આવી પડવાનું હતું એ વિશે તેઓને જણાવવા લાગ્યા:+ ૩૩ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે અને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દેશે. ૩૪ તેઓ તેની મશ્કરી કરશે અને તેના પર થૂંકશે, તેને કોરડા મારશે અને તેને મારી નાખશે. પણ ત્રણ દિવસ પછી તે જીવતો કરાશે.”+
૩૫ ઝબદીના દીકરાઓ, યાકૂબ અને યોહાને+ તેમની પાસે આવીને કહ્યું: “ગુરુજી, અમારી વિનંતી છે કે અમે જે કંઈ માંગીએ એ તમે અમારા માટે કરો.”+ ૩૬ ઈસુએ તેઓને પૂછ્યું: “તમે શું ચાહો છો? હું તમારા માટે શું કરું?” ૩૭ તેઓએ કહ્યું: “અમે ચાહીએ છીએ કે તમને મહિમા મળે ત્યારે અમારામાંથી એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસે.”+ ૩૮ પણ ઈસુએ કહ્યું: “તમે જાણતા નથી કે તમે શું માંગી રહ્યા છો. હું જે પ્યાલો* પીવાનો છું, એ શું તમે પી શકશો? જે બાપ્તિસ્મા હું લેવાનો છું, એ બાપ્તિસ્મા શું તમે લઈ શકશો?”+ ૩૯ તેઓએ કહ્યું: “અમે એવું કરી શકીએ છીએ.” એટલે ઈસુએ કહ્યું: “જે પ્યાલો હું પીવાનો છું એ તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લેવાનો છું એ બાપ્તિસ્મા તમે લેશો.+ ૪૦ પણ મારે જમણે કે ડાબે હાથે બેસાડવાનું હું નક્કી કરતો નથી. એ જગ્યા જેઓ માટે નક્કી કરી છે તેઓની છે.”
૪૧ જ્યારે બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા.+ ૪૨ પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું: “તમે જાણો છો કે જેઓ દુનિયાના શાસકો ગણાય છે, તેઓ પ્રજા પર હુકમ ચલાવે છે અને તેઓના મોટા માણસો પ્રજા પર અધિકાર ચલાવે છે.+ ૪૩ તમારામાં આવું ન થવું જોઈએ. પણ જે કોઈ તમારામાં મોટો થવા ચાહે, તેણે તમારા સેવક બનવું જોઈએ.+ ૪૪ જે કોઈ તમારામાં પહેલો થવા ચાહે, તેણે બધાના દાસ બનવું જોઈએ. ૪૫ કેમ કે, માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો છે+ અને ઘણા લોકોના છુટકારાની કિંમત* ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો છે.”+
૪૬ તેઓ યરીખોમાં આવ્યા. જ્યારે ઈસુ, તેમના શિષ્યો અને ઘણા લોકો યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે બર્તિમાય (તિમાયનો દીકરો) રસ્તાની બાજુએ બેઠો હતો. તે આંધળો ભિખારી હતો.+ ૪૭ તેણે સાંભળ્યું કે નાઝરેથના ઈસુ ત્યાંથી પસાર થાય છે. એટલે તે બૂમો પાડીને કહેવા લાગ્યો: “ઓ ઈસુ, દાઉદના દીકરા,+ મારા પર દયા કરો!”+ ૪૮ એ સાંભળીને ઘણાએ તેને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. પણ તે હજુ વધારે મોટા અવાજે પોકારવા લાગ્યો: “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૪૯ ઈસુ ઊભા રહ્યા અને કહ્યું: “તેને બોલાવો.” તેઓએ આંધળા માણસને બોલાવીને કહ્યું: “હિંમત રાખ! ઊભો થા, તે તને બોલાવે છે.” ૫૦ તે પોતાનો ઝભ્ભો ફેંકી દઈને તરત ઊભો થયો અને ઈસુ પાસે ગયો. ૫૧ ઈસુએ તેને પૂછ્યું: “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” આંધળા માણસે કહ્યું: “ગુરુજી,* મને દેખતો કરો.” ૫૨ ઈસુએ કહ્યું: “જા, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”+ તરત જ તે દેખતો થયો+ અને તેમની પાછળ રસ્તા પર ચાલવા લાગ્યો.