માર્ક
૫ પછી તેઓ સરોવરની પેલે પાર ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા.+ ૨ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે એક માણસ તરત જ કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યો. એ માણસ ખરાબ દૂતના વશમાં હતો. ૩ તે કબરો વચ્ચે રહેતો હતો અને કોઈ તેને બાંધી શકતું ન હતું. અરે, સાંકળથી પણ નહિ. ૪ તેને ઘણી વાર બેડીઓ અને સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. પણ તે સાંકળો તોડી નાખતો અને બેડીઓ ભાંગી નાખતો. તેને કાબૂ કરવાની કોઈનામાં તાકાત ન હતી. ૫ તે કબ્રસ્તાનમાં રાત-દિવસ બૂમો પાડ્યા કરતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. ૬ પણ તેણે ઈસુને દૂરથી જોયા ત્યારે તે દોડી આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો.+ ૭ તેણે મોટા અવાજે બૂમ પાડીને કહ્યું: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને ઈશ્વરના સોગંદ દઉં છું કે મને પીડા આપીશ નહિ.”+ ૮ તેણે એટલા માટે એવું કહ્યું, કારણ કે ઈસુ તેને કહેતા હતા: “ઓ ખરાબ દૂત, એ માણસમાંથી બહાર નીકળ.”+ ૯ ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “મારું નામ સેના છે, કેમ કે અમે ઘણા છીએ.” ૧૦ તેણે ઘણી વાર ઈસુને વિનંતી કરી કે તેઓને એ પ્રદેશમાંથી બહાર કાઢી ન મૂકે.+
૧૧ ત્યાં ભૂંડોનું+ મોટું ટોળું પર્વત પર ચરતું હતું.+ ૧૨ ખરાબ દૂતો તેમને વિનંતી કરવા લાગ્યા: “અમને ભૂંડોમાં જવાની રજા આપ, જેથી અમે તેઓમાં જઈએ.” ૧૩ તેમણે રજા આપી એટલે ખરાબ દૂતો નીકળીને ભૂંડોમાં ગયા. આશરે ૨,૦૦૦ ભૂંડોનું એ ટોળું ટેકરીની ધાર પરથી નીચે સરોવરમાં પડ્યું અને ડૂબી મર્યું. ૧૪ એ જોઈને ભૂંડો ચરાવનારા ભાગી ગયા. તેઓએ શહેરમાં અને સીમમાં એ વિશે ખબર આપી. જે થયું હતું એ જોવા લોકો આવ્યા.+ ૧૫ તેઓ ઈસુ પાસે આવ્યા. જે માણસ ખરાબ દૂતોની સેનાના વશમાં હતો, તેને કપડાં પહેરેલો અને શાંત ચિત્તે બેઠેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. ૧૬ આ બનાવ નજરે જોનારા લોકોએ તેઓને જણાવ્યું કે ખરાબ દૂતોના વશમાં હતો એ માણસનું અને ભૂંડોનું શું થયું હતું. ૧૭ એટલે લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા કે તેઓના પ્રદેશમાંથી દૂર જતા રહે.+
૧૮ ઈસુ હોડીમાં ચઢતા હતા ત્યારે, જે માણસમાંથી ખરાબ દૂત કાઢવામાં આવ્યો હતો, એ માણસ તેમની સાથે જવા આજીજી કરવા લાગ્યો.+ ૧૯ પણ ઈસુએ ના પાડીને તેને કહ્યું: “ઘરે તારાં સગાઓ પાસે જા. યહોવાએ* તારા માટે જે કંઈ કર્યું છે અને તારા પર જે દયા બતાવી છે, એ વિશે તેઓને જણાવ.” ૨૦ એ માણસ ત્યાંથી નીકળીને દકાપોલીસ* ગયો. ઈસુએ તેના માટે જે કર્યું હતું એ બધું કહેવા લાગ્યો. એ સાંભળીને બધા લોકો નવાઈ પામ્યા.
૨૧ ઈસુ હોડીમાં પાછા સામે કાંઠે પહોંચ્યા ત્યારે, મોટું ટોળું તેમની પાસે ભેગું થઈ ગયું.+ તે સરોવર પાસે હતા. ૨૨ યાઐરસ નામનો સભાસ્થાનનો એક અધિકારી આવ્યો અને ઈસુને જોઈને તેમના પગ આગળ પડ્યો.+ ૨૩ તેણે વારંવાર આજીજી કરી: “મારી નાની દીકરી ખૂબ જ બીમાર છે.* મહેરબાની કરીને તમે આવો. તેના પર હાથ મૂકો,+ જેથી તે સાજી થાય અને જીવતી રહે.” ૨૪ એટલે ઈસુ તેની સાથે જવા નીકળ્યા. મોટું ટોળું તેમની પાછળ પાછળ ગયું અને લોકો તેમની નજીક જવા પડાપડી કરતા હતા.
૨૫ ત્યાં એક સ્ત્રી હતી, જે ૧૨ વર્ષથી+ લોહીવાથી*+ પીડાતી હતી. ૨૬ તેણે ઘણા વૈદો પાસે સારવાર કરાવી હતી અને ખૂબ દુઃખ સહન કર્યું હતું. તેણે પોતાની પાસે જે કંઈ હતું એ બધું વાપરી નાખ્યું હતું. પણ ફાયદો થવાને બદલે, તેની હાલત વધારે ખરાબ થઈ હતી. ૨૭ તેણે ઈસુ વિશેની વાતો સાંભળી હતી. એટલે તે ટોળામાં પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાને અડકી.+ ૨૮ તે મનમાં ને મનમાં કહેતી હતી: “જો હું ફક્ત તેમના ઝભ્ભાને અડકું તો સાજી થઈ જઈશ.”+ ૨૯ તરત જ તેનું લોહી વહેતું બંધ થઈ ગયું. તેને ખબર પડી કે તે મોટી બીમારીમાંથી સાજી થઈ છે.
૩૦ ઈસુને તરત જ ખબર પડી કે તેમનામાંથી શક્તિ નીકળી છે.+ તેમણે ટોળામાં પાછળ ફરીને પૂછ્યું: “મારા ઝભ્ભાને કોણ અડક્યું?”+ ૩૧ શિષ્યોએ કહ્યું: “તમે જુઓ છો કે ટોળું તમારી નજીક આવવા પડાપડી કરે છે અને તમે પૂછો છો, ‘મને કોણ અડક્યું?’” ૩૨ પણ આવું કોણે કર્યું એ જાણવા તે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા. ૩૩ જે બન્યું હતું એ સ્ત્રીને ખબર હતી. એટલે તે ગભરાતી ગભરાતી આવી અને ઈસુ આગળ ઘૂંટણિયે પડી. તેણે તેમને બધું જણાવી દીધું. ૩૪ તેમણે તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. શાંતિથી જા+ અને આ મોટી બીમારીમાંથી સાજી થા.”+
૩૫ ઈસુ હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરેથી કેટલાક માણસો આવ્યા. તેઓએ અધિકારીને કહ્યું: “તમારી દીકરી ગુજરી ગઈ છે. હવે ગુરુજીને તકલીફ આપવાની શું જરૂર છે?”+ ૩૬ તેઓના શબ્દો ઈસુને કાને પડ્યા ત્યારે, તેમણે એ અધિકારીને કહ્યું: “ગભરાઈશ નહિ,* માત્ર શ્રદ્ધા રાખ.”+ ૩૭ તેમણે પિતર, યાકૂબ અને યાકૂબના ભાઈ યોહાન સિવાય કોઈને પોતાની સાથે આવવા દીધા નહિ.+
૩૮ તેઓ સભાસ્થાનના અધિકારીના ઘરે આવ્યા. ઈસુએ જોયું કે ત્યાં શોરબકોર થઈ રહ્યો હતો. લોકો મોટેથી રડતા અને વિલાપ કરતા હતા.+ ૩૯ તેમણે અંદર જઈને તેઓને કહ્યું: “તમે શા માટે શોરબકોર કરો છો? શા માટે રડો છો? છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે.”+ ૪૦ એ સાંભળીને તેઓ તેમના પર હસવા લાગ્યા. પણ તેમણે બધાને બહાર મોકલી દીધા. પછી છોકરીનાં માબાપ અને શિષ્યોને લઈને તે અંદર ગયા, જ્યાં છોકરીને રાખી હતી. ૪૧ તેમણે એ છોકરીનો હાથ પકડીને કહ્યું: “તલિથા કુમી,” જેનો અર્થ થાય: “નાની છોકરી, હું તને કહું છું, ઊઠ!”+ ૪૨ એ છોકરી તરત જ ઊઠી અને ચાલવા લાગી. (તે ૧૨ વર્ષની હતી.) એ જોઈને તેઓની ખુશીનો પાર ન રહ્યો. ૪૩ પણ ઈસુએ તેઓને અનેક વાર આજ્ઞા કરી* કે આ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ.+ તેમણે છોકરીને કંઈક ખાવાનું આપવા કહ્યું.