પંદરમું પ્રકરણ
દેશો વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ
૧. આશ્શૂરની વિરુદ્ધ યશાયાહ શું ભાખે છે?
યહોવાહ પરમેશ્વર પોતાના વંઠેલા લોકોને શિક્ષા કરવા માટે બીજા દેશોનો ઉપયોગ કરી શકે છે. જો કે એનાથી એ દેશોની ક્રૂરતા, તેઓનો ઘમંડ અને સાચી ભક્તિ પ્રત્યેના તેઓના વેરભાવને પરવાનો મળી જતો નથી. આમ, યહોવાહ લાંબા સમય અગાઉથી “બાબેલ વિષેની દેવવાણી” લખી લેવા યશાયાહને પ્રેરણા આપે છે. (યશાયાહ ૧૩:૧) પરંતુ, બાબેલોન તો હજુ ભાવિમાં આવવાનું હતું. યશાયાહના સમયમાં, પરમેશ્વરના કરારના લોકો પર આશ્શૂરનો જુલમ હતો. આશ્શૂરે ઈસ્રાએલના ઉત્તરના રાજ્યનો નાશ કર્યો, અને યહુદાહને મોટે ભાગે પાયમાલ કરી નાખ્યું. જો કે આશ્શૂરનો વિજય અધૂરો રહી જશે. યશાયાહ લખે છે: “સૈન્યોના દેવ યહોવાહે સમ ખાઈને કહ્યું છે, કે જે પ્રમાણે મેં ધારણા કરી છે તે પ્રમાણે નક્કી થશે . . . એટલે મારા દેશમાં હું આશ્શૂરના કકડેકકડા કરીશ, અને મારા પર્વતો પર હું તેને ખૂંદી નાખીશ; તે વખતે એની ઝૂંસરી તેઓ પરથી નીકળી જશે, ને એનો ભાર તેઓની ખાંધ પરથી ઉતારવામાં આવશે.” (યશાયાહ ૧૪:૨૪, ૨૫) યશાયાહે આમ ભાખ્યા પછી, ટૂંક સમયમાં જ યહુદાહ પરથી આશ્શૂરીઓનું જોખમ ટળી ગયું.
૨, ૩. (ક) પ્રાચીન સમયમાં, યહોવાહે કોના વિરુદ્ધ હાથ ઉગામ્યો હતો? (ખ) યહોવાહ “સર્વ દેશો” વિરુદ્ધ હાથ ઉગામે છે, એનો શું અર્થ થાય?
૨ જો કે પરમેશ્વરના પસંદ થયેલા લોકો સાથે બીજા દેશો પણ દુશ્મનાવટ રાખે છે, તેઓ વિષે શું? તેઓનો પણ ન્યાય થશે. યશાયાહ કહે છે: “જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે; અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે. કેમકે સૈન્યોના દેવ યહોવાહે જે યોજના કરી છે તેને કોણ રદ કરશે? તેનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?” (યશાયાહ ૧૪:૨૬, ૨૭) યહોવાહનો “સંકલ્પ” પાક્કો નિર્ણય, આખરી ફેંસલો છે. (યિર્મેયાહ ૪૯:૨૦, ૩૦) પરમેશ્વરનો “હાથ” તેમના નિર્ણયનો અમલ છે. યશાયાહના ૧૪માં અધ્યાયની છેલ્લી કલમો, અને ૧૫-૧૯માં અધ્યાયોમાં, યહોવાહ પલિસ્તીઓ, મોઆબ, દમસ્ક, કૂશ અને મિસર વિરુદ્ધ નિર્ણયો જાહેર કરે છે.
૩ જો કે યશાયાહ કહે છે કે યહોવાહ પરમેશ્વરનો હાથ “સર્વ દેશો” સામે ઉગામેલો છે. યશાયાહની આ ભવિષ્યવાણીઓ પહેલા પ્રાચીન સમયમાં પૂરી થઈ છતાં, એના સિદ્ધાંતો “અંતના સમય” દરમિયાન પણ લાગુ પડે છે. એ સમયે, યહોવાહ પોતાનો હાથ પૃથ્વીનાં સર્વ રાજ્યો સામે ઉગામશે. (દાનીયેલ ૨:૪૪; ૧૨:૯; રૂમી ૧૫:૪; પ્રકટીકરણ ૧૯:૧૧, ૧૯-૨૧) સર્વશક્તિમાન પરમેશ્વર, યહોવાહે લાંબા સમયથી પોતાનો નિર્ણય જણાવ્યો છે. તેમના ‘ઉગામેલા હાથને’ કોઈ પાછો વાળી શકે એમ નથી.—ગીતશાસ્ત્ર ૩૩:૧૧; યશાયાહ ૪૬:૧૦.
પલિસ્તીઓ વિરુદ્ધ “ઊડણ સર્પ”
૪. પલિસ્તીઓ વિરુદ્ધ યહોવાહે શું ભાખ્યું?
૪ પહેલા પલિસ્તીઓનો વારો આવે છે. “આહાઝ રાજા મરણ પામ્યો તે વરસે આ દેવવાણી થઈ. હે સર્વ પલિસ્તીઓ, જે છડીએ તમને માર્યા તે ભાંગી ગઈ છે, એ માટે તમે હરખાશો નહિ; કેમકે સાપના મૂળમાંથી નાગ નીકળશે, તે તેમાંથી ઊડણ સર્પ ઉત્પન્ન થશે.”—યશાયાહ ૧૪:૨૮, ૨૯.
૫, ૬. (ક) પલિસ્તીઓ માટે ઉઝ્ઝીયાહ કઈ રીતે સાપ જેવા હતા? (ખ) હિઝકીયાહ પલિસ્તીઓ વિરુદ્ધ કેવા સાબિત થયા?
૫ રાજા ઉઝ્ઝીયાહ, પલિસ્તીઓની ધમકીઓ સામે લડી શકે એવો બળવાન હતો. (૨ કાળવૃત્તાંત ૨૬:૬-૮) તે તેઓ માટે સાપ જેવો હતો, અને તેની ‘છડીથી’ તે દુશ્મનોને વારંવાર મારતો હતો. ઉઝ્ઝીયાહનું મરણ થવાથી, એ ‘છડી ભાંગી ગઈ.’ વિશ્વાસુ રાજા યોથામે રાજ કર્યું, પણ “હજી સુધી લોકો અમંગળ કર્મો કર્યા કરતા હતા.” પછી, આહાઝ રાજા બન્યો. હવે, સંજોગો બદલાયા, અને પલિસ્તીઓએ યહુદાહ પર વારંવાર જીત મેળવી. (૨ કાળવૃત્તાંત ૨૭:૨; ૨૮:૧૭, ૧૮) ફરીથી બાજી પલટાઈ. રાજા આહાઝ ૭૪૬ બી.સી.ઈ.માં અવસાન પામ્યો, અને યુવાન હિઝકીયાહ રાજગાદીએ આવ્યો. હવે, પલિસ્તીઓ માનતા હોય કે, તેઓ પહેલાંની જેમ મન ફાવે તેમ કરી શકશે, તો એ તેઓની ભૂલ છે. હિઝકીયાહ તો ખતરનાક દુશ્મન સાબિત થાય છે. ઉઝ્ઝીયાહના વંશજ (તેના “મૂળમાંથી” નીકળેલા), હિઝકીયાહ “ઊડણ સર્પ” જેવા છે. જે પોતાના શિકાર પર વીજળી વેગે હુમલો કરી, સખત પીડા આપતો ઝેરીલો ડંખ મારે છે.
૬ એ નવા રાજાનું આબેહૂબ વર્ણન છે. હિઝકીયાહે “પલિસ્તીઓને ગાઝાહ તથા તેની સરહદ સુધી, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી હાંકી કાઢ્યા.” (૨ રાજાઓ ૧૮:૮) આશ્શૂરના રાજા, સાન્હેરીબનાં લખાણ પ્રમાણે, પલિસ્તીઓ હિઝકીયાહને તાબે થયા. હવે, યહુદાહનું નબળું, અને “ગરીબ” રાજ્ય સુખ-શાંતિનો આનંદ માણે છે, જ્યારે પલિસ્તીઓ પર દુકાળ આવી પડે છે.—યશાયાહ ૧૪:૩૦, ૩૧ વાંચો.
૭. હિઝકીયાહ એલચીઓને પૂરેપૂરા ભરોસાથી કયો જવાબ આપશે?
૭ એમ લાગે છે કે, એ દેશોના એલચીઓ હજુ યહુદાહમાં જ છે, જેઓ આશ્શૂર વિરુદ્ધ મદદ માંગવા આવ્યા હોય શકે. તેથી, “દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો?” શું હિઝકીયાહ સલામતી માટે એ વિદેશી દેશો સાથે જોડાશે? ના. તે એ એલચીઓને જણાવશે: “તે આ—યહોવાહે સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકમાંના જેઓ દુઃખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.” (યશાયાહ ૧૪:૩૨) રાજાને યહોવાહ પરમેશ્વરમાં પૂરેપૂરો ભરોસો હશે. સિયોનનો પાયો મજબૂત છે. એ શહેર આશ્શૂરની ધમકીઓથી બચી જઈ, જરૂર સલામત આશ્રય બની રહેશે.—ગીતશાસ્ત્ર ૪૬:૧-૭.
૮. (ક) આજે કેટલાક દેશો કઈ રીતે પલિસ્તી જેવા બન્યા છે? (ખ) પ્રાચીન સમયની જેમ જ, આજે યહોવાહે પોતાના લોકોને ટેકો આપવા શું કર્યું છે?
૮ પલિસ્તીઓની જેમ, આજે કેટલાક દેશો પરમેશ્વરના ભક્તોને ક્રૂર રીતે સતાવે છે. યહોવાહના ખ્રિસ્તી સાક્ષીઓને કેદમાં અને જુલમી છાવણીઓમાં નાખવામાં આવ્યા. તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અમુકને તો મારી પણ નાખવામાં આવ્યા. દુશ્મનો “ન્યાયીઓને દુઃખ દેવા એકઠા થાય છે.” (ગીતશાસ્ત્ર ૯૪:૨૧) એ દુશ્મનોને મન આ ખ્રિસ્તીઓ “ગરીબ” અને “દરિદ્રી” છે. તેમ છતાં, યહોવાહની કૃપાથી તેઓ તો તેમના આશીર્વાદોનો આનંદ માણે છે, જ્યારે કે તેઓના દુશ્મનો પર દુકાળ આવી પડ્યો છે. (યશાયાહ ૬૫:૧૩, ૧૪; આમોસ ૮:૧૧) યહોવાહ પરમેશ્વર આજના પલિસ્તી સામે હાથ ઉગામશે ત્યારે, આ ‘ગરીબો’ સલામત હશે. ક્યાં? ‘દેવના કુટુંબ’ સાથે, જેના ખૂણાનો મુખ્ય પથ્થર ઈસુ છે. (એફેસી ૨:૧૯, ૨૦) વળી, તેઓ યહોવાહ પરમેશ્વરનું રાજ્ય, ‘સ્વર્ગીય યરૂશાલેમના’ રક્ષણ હેઠળ છે, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે.—હેબ્રી ૧૨:૨૨; પ્રકટીકરણ ૧૪:૧.
મોઆબનો નાશ થશે
૯. હવે, કોની વિરુદ્ધ ભવિષ્યવાણી થઈ, અને એ લોકો કઈ રીતે યહોવાહના દુશ્મન બન્યા?
૯ મૃત સરોવરની પૂર્વે ઈસ્રાએલનો બીજો એક પડોશી, મોઆબ છે. પલિસ્તીઓથી ભિન્ન, મોઆબીઓ ઈબ્રાહીમના ભત્રીજા લોટના વંશજો હોવાથી, તેઓ એક કુટુંબના હતા. (ઉત્પત્તિ ૧૯:૩૭) એમ છતાં, મોઆબે હંમેશા ઈસ્રાએલીઓ સાથે દુશ્મનાવટ રાખી. દાખલા તરીકે, છેક મુસાના સમયમાં મોઆબના રાજાએ પ્રબોધક બલઆમને ભાડે રાખ્યો હતો, જેથી તે ઈસ્રાએલીઓને શાપ આપે. એમ ન બન્યું ત્યારે, ઈસ્રાએલીઓને ફસાવવા, મોઆબે અનૈતિકતા અને બઆલની ઉપાસનાનો ઉપયોગ કર્યો. (ગણના ૨૨:૪-૬; ૨૫:૧-૫) તેથી, એમાં કંઈ નવાઈ નથી કે, હવે યહોવાહ પરમેશ્વર યશાયાહને “મોઆબ વિષે દેવવાણી” લખવા પ્રેરણા આપે છે!—યશાયાહ ૧૫:૧ ક.
૧૦, ૧૧. મોઆબનું શું થશે?
૧૦ યશાયાહની ભવિષ્યવાણી મોઆબનાં ઘણાં શહેરો અને જગ્યાઓ વિષે છે. જેમાં આર, કીર (અથવા કીર-હરેસેથ) અને દીબોનનો સમાવેશ થાય છે. (યશાયાહ ૧૫:૧ ખ, ૨ ક) મોઆબીઓ કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓ અથવા દ્રાક્ષાની કેક માટે શોક કરશે, જે એ શહેરની વખણાતી વાનગી હોય શકે. (યશાયાહ ૧૬:૬, ૭) સિબ્માહ અને યાઝેર, જે દ્રાક્ષાની ખેતી માટે પ્રખ્યાત હતા, એ પણ હવે નાશ પામશે. (યશાયાહ ૧૬:૮-૧૦) એગ્લાથ-શલીશીયાહ, જેના નામનો અર્થ થાય, “ત્રણ વર્ષની વાછરડી,” એક તાજી-માજી ગાય પીડાથી બરાડશે. (યશાયાહ ૧૫:૫) દેશનું ઘાસ સૂકાઈ જશે, જ્યારે કે મોઆબીઓની કતલને કારણે, “દીમોનના પાણી” રક્તથી ભરપૂર થશે. દુશ્મન સૈન્યોએ વહેતાં પાણીને રોકી લીધું હોવાથી, સાંકેતિક રીતે કે શાબ્દિક રીતે “નિમ્રીમનાં જળાશય અરણ્ય તુલ્ય” થશે.—યશાયાહ ૧૫:૬-૯.
૧૧ મોઆબીઓ તાટ પહેરીને શોક કરશે. તેઓ શરમ અને વિલાપને કારણે માથાં સાવ મૂંડાવી નાખશે. અતિશય શોક અને અપમાનને કારણે, તેઓની દાઢી “મૂંડેલી” હશે. (યશાયાહ ૧૫:૨ ખ-૪) યશાયાહ પણ દુઃખી દુઃખી થઈ જાય છે, કારણ કે એ બાબતો ચોક્કસ બનવાની હતી. મોઆબ વિરુદ્ધ શાપને કારણે, તેમનું દિલ વીણાના તારની જેમ ઝણઝણે છે.—યશાયાહ ૧૬:૧૧, ૧૨.
૧૨. મોઆબ વિરુદ્ધ યશાયાહની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?
૧૨ એ ભવિષ્યવાણી ક્યારે પૂરી થશે? એકદમ જલદી જ. “યહોવાહે મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે. પણ હમણાં યહોવાહે આ પ્રમાણે કહ્યું છે, રાખેલા ચાકરના જેવાં ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે; અને તેનો શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.” (યશાયાહ ૧૬:૧૩, ૧૪) પુરાતત્ત્વીય સાબિતીઓ એના પુરાવા આપે છે. એ જણાવે છે કે, આઠમી સદી બી.સી.ઈ.માં મોઆબ પર કારમો ઘા ઝીંકાયો, અને એના ઘણા વિસ્તારો વસ્તી વિનાના થઈ ગયા. તિગ્લાથ-પિલેસેર ત્રીજાએ, મોઆબના રાજા સલમાનુનો ઉલ્લેખ પોતાના તાબેદાર રાજાઓમાં કર્યો. મોઆબના રાજા, કામ્મુસુનાદબી પાસેથી સાન્હેરીબ કર ઉઘરાવે છે. આશ્શૂરી રાજાઓ એસેર-હેદ્દોન અને આશૂરબાનીપાલ જણાવે છે કે, મોઆબના રાજાઓ મુસુરી અને કામાશાલ્તુ તો તેઓના હાથ નીચે હતા. સદીઓ અગાઉ, મોઆબીઓનું નામનિશાન મટી ગયું. મોઆબી શહેરો લાગતા હોય, એવા ખંડિયેરો મળી આવ્યા છે, પરંતુ ઈસ્રાએલના આ એક વખતના શક્તિશાળી દુશ્મનો વિષે બહુ ઓછી વિગતો મળી છે.
આજનું “મોઆબ” નાશ પામે છે
૧૩. આજે કયા સંગઠનને મોઆબ સાથે સરખાવી શકાય?
૧૩ આજે, પ્રાચીન મોઆબના જેવું જ સંગઠન આખા જગતમાં છે. એ ‘મહાન બાબેલોનનો’ મુખ્ય ભાગ ખ્રિસ્તીરાષ્ટ્ર છે. (પ્રકટીકરણ ૧૭:૫) મોઆબ અને ઈસ્રાએલ બંને ઈબ્રાહીમના પિતા તેરાહના સંતાન હતાં. એ જ પ્રમાણે, ખ્રિસ્તીરાષ્ટ્ર આજના અભિષિક્ત ખ્રિસ્તીઓના મંડળની જેમ, પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળમાંનો ભાગ હોવાનો દાવો કરે છે. (ગલાતી ૬:૧૬) જો કે મોઆબની જેમ, ખ્રિસ્તીરાષ્ટ્ર પણ ભ્રષ્ટ છે. એ ધાર્મિક રીતે શુદ્ધ નથી, અને એક માત્ર સાચા પરમેશ્વર યહોવાહને બદલે, બીજા દેવદેવીઓને ભજે છે. (યાકૂબ ૪:૪; ૧ યોહાન ૫:૨૧) એક સંગઠન તરીકે, ખ્રિસ્તીરાષ્ટ્રના આગેવાનોએ રાજ્યનો પ્રચાર કરનારાઓનો વિરોધ કર્યો છે.—માત્થી ૨૪:૯, ૧૪.
૧૪. આજના ‘મોઆબ’ વિરુદ્ધ યહોવાહના સંકલ્પ છતાં, એ સંગઠનના લોકો માટે કઈ આશા રહેલી છે?
૧૪ મોઆબનો આખરે અંત આવ્યો. ખ્રિસ્તીરાષ્ટ્રની પણ એ જ હાલત થશે. યહોવાહ આજના આશ્શૂરનો ઉપયોગ કરીને, તેને પાયમાલ કરી નાખશે. (પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭) જો કે આજના ‘મોઆબના’ લોકો માટે આશા રહેલી છે. મોઆબ વિરુદ્ધની ભવિષ્યવાણીમાં, યશાયાહ કહે છે: “કૃપાથી રાજ્યાસન સ્થાપિત થશે, ને દાઊદના માંડવામાં તે પર એક સત્યનિષ્ઠ પુરુષ બિરાજશે; તે ન્યાયાધીશ અદલ ઇન્સાફ કરનાર અને પ્રામાણિકપણે વર્તવામાં ચપળ થશે.” (યશાયાહ ૧૬:૫) યહોવાહે, ૧૯૧૪માં રાજા દાઊદની વંશાવળીના રાજા, ઈસુનું રાજ્યાસન સ્થાપિત કર્યું. યહોવાહની કૃપા રાજા ઈસુમાં દેખાઈ આવશે, અને રાજા દાઊદ સાથે પરમેશ્વરે કરેલા કરાર પ્રમાણે એ સદા ટકશે. (ગીતશાસ્ત્ર ૭૨:૨; ૮૫:૧૦, ૧૧; ૮૯:૩, ૪; લુક ૧:૩૨) ઘણા નમ્ર જનોએ આજનું “મોઆબ” છોડી દીધું છે, અને જીવન મેળવવા ઈસુને આધીન થયા છે. (પ્રકટીકરણ ૧૮:૪) એવા લોકો માટે એ ખૂબ જ દિલાસાજનક છે કે, ઈસુ “વિદેશીઓને ન્યાયકરણ પ્રગટ કરશે”!—માત્થી ૧૨:૧૮; યિર્મેયાહ ૩૩:૧૫.
દમસ્ક ખંડિયેર બને છે
૧૫, ૧૬. (ક) યહુદાહ સામે ઈસ્રાએલ અને દમસ્ક કેવી દુશ્મનાવટ કરે છે, અને દમસ્કનું કેવું પરિણામ આવે છે? (ખ) દમસ્ક વિરુદ્ધની ભવિષ્યવાણીમાં કોનો સમાવેશ થાય છે? (ગ) ઈસ્રાએલ પર જે વીત્યું, એમાંથી આજે આપણે શું શીખી શકીએ?
૧૫ હવે, યશાયાહ “દમસ્ક વિષે દેવવાણી” લખે છે. (યશાયાહ ૧૭:૧-૬ વાંચો.) ઈસ્રાએલની ઉત્તરે આવેલું દમસ્ક “અરામનું શિર” છે. (યશાયાહ ૭:૮) યહુદાહમાં આહાઝ રાજ કરતો હતો ત્યારે, ઈસ્રાએલના પેકાહ સાથે દમસ્કનો રસીન ભેગા થઈ યહુદાહ પર ચડાઈ કરે છે. પરંતુ, આહાઝે આજીજી કરવાથી, આશ્શૂરનો તિગ્લાથ-પિલેસર ત્રીજો દમસ્ક વિરુદ્ધ લડે છે. તે એને જીતી લે છે, અને એના ઘણા લોકોને ગુલામ બનાવી લઈ જાય છે. એ સમયથી, યહુદાહ પર દમસ્કનું જોખમ ટળી ગયું.—૨ રાજાઓ ૧૬:૫-૯; ૨ કાળવૃત્તાંત ૨૮:૫, ૧૬.
૧૬ ઈસ્રાએલ દમસ્ક સાથે મળી ગયું. તેથી, યહોવાહની દમસ્ક વિરુદ્ધની ભવિષ્યવાણીમાં એ ઉત્તરના અવિશ્વાસુ રાજ્ય વિરુદ્ધ પણ ન્યાયચુકાદો આપવામાં આવ્યો હોય શકે. (યશાયાહ ૧૭:૩-૬) ઈસ્રાએલ એવા ખેતર જેવું થશે જેમાં કાપણીના સમયે બહુ ઓછું વીણવાનું રહ્યું હશે, અને એવા જૈતવૃક્ષ જેવું થશે, જે ઝુડાઈ જવાથી ભાગ્યે જ કોઈ ફળ રહી ગયા હશે. (યશાયાહ ૧૭:૪-૬) આજે, યહોવાહને સમર્પિત થયેલા લોકો માટે કેવી ગંભીર ચેતવણી! તે ફક્ત અનન્ય ભક્તિ માંગે છે, અને સાચા દિલની ભક્તિ સ્વીકારે છે. તેમ જ, પોતાના ભાઈ સાથે દુશ્મની કરનારને તે ધિક્કારે છે.—નિર્ગમન ૨૦:૫; યશાયાહ ૧૭:૧૦, ૧૧; માત્થી ૨૪:૪૮-૫૦.
યહોવાહમાં પૂરેપૂરો ભરોસો
૧૭, ૧૮. (ક) ઈસ્રાએલમાંથી અમુક જણ યહોવાહની ચેતવણી સાંભળીને શું કરે છે, પરંતુ મોટા ભાગના લોકો શું કરે છે? (ખ) આજના બનાવો કઈ રીતે હિઝકીયાહના સમયના જેવા જ છે?
૧૭ હવે, યશાયાહ કહે છે: “તે દિવસે માણસ પોતાના કર્તાની તરફ નજર કરશે, ને તેની આંખ ઈસ્રાએલના પવિત્ર દેવની તરફ જોશે. પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બનાવ્યું તેને, એટલે અશેરીમ મૂર્તિઓને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ.” (યશાયાહ ૧૭:૭, ૮) હા, ઈસ્રાએલમાંના કેટલાકે યહોવાહની ચેતવણી સાંભળી. દાખલા તરીકે, હિઝકીયાહે ઈસ્રાએલના લોકોને પાસ્ખાપર્વ ઉજવવા માટે યહુદાહ સાથે જોડાવા જણાવ્યું ત્યારે, અમુકે શુદ્ધ ભક્તિમાં પોતાના ભાઈઓ સાથે જોડાવા દક્ષિણે મુસાફરી કરી. (૨ કાળવૃત્તાંત ૩૦:૧-૧૨) જો કે ઈસ્રાએલના મોટા ભાગના લોકોએ સંદેશ લાવનારાઓની મશ્કરી કરી. એ દેશને માટે કોઈ આશા રહી ન હતી. તેથી, એની વિરુદ્ધ યહોવાહનો સંકલ્પ પૂરો થયો. આશ્શૂર ઈસ્રાએલનાં શહેરોનો નાશ કરે છે, અને એ રણ જેવું ઉજ્જડ થઈ જાય છે.—યશાયાહ ૧૭:૯-૧૧ વાંચો.
૧૮ આપણા સમય વિષે શું? ઈસ્રાએલ ધર્મત્યાગી હતું. પરંતુ, હિઝકીયાહ એમાંથી નમ્ર જનોને શુદ્ધ ભક્તિમાં પાછા લાવવાનો પ્રયત્ન કરે છે. એ જ પ્રમાણે, આજે સાચા ખ્રિસ્તીઓ પણ ધર્મત્યાગી ખ્રિસ્તીરાષ્ટ્રના લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. ‘દેવનું ઈસ્રાએલ’ ૧૯૧૯થી ખ્રિસ્તીરાષ્ટ્રમાં સંદેશો મોકલી, લોકોને શુદ્ધ ભક્તિમાં જોડાવાનું આમંત્રણ આપે છે. (ગલાતી ૬:૧૬) પરંતુ, મોટા ભાગના એ સ્વીકારતા નથી. ઘણા તો સંદેશો આપનારાની મશ્કરી પણ કરે છે. તેમ છતાં, કેટલાક સાંભળે છે. હવે, તેઓની સંખ્યા લાખોની થઈ છે, અને તેઓ ‘ઈસ્રાએલના પવિત્ર દેવની તરફ જોઈને,’ તેમનાથી શિક્ષણ પામવામાં આનંદ અનુભવે છે. (યશાયાહ ૫૪:૧૩) તેઓ અશુદ્ધ વેદીઓને, એટલે કે માણસોએ બનાવેલા દેવોમાં ભરોસો મૂકવાનું છોડી દે છે. એને બદલે, તેઓ તો યહોવાહ પરમેશ્વર તરફ આતુરતાથી જુએ છે. (ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪) યશાયાહના સમયના મીખાહની જેમ, તેઓ કહે છે: “હું તો યહોવાહ તરફ જોઈ રહીશ; હું મારૂં તારણ કરનાર દેવની વાટ જોઈશ; મારો દેવ મારૂં સાંભળશે.”—મીખાહ ૭:૭.
૧૯. યહોવાહ કોને ધમકાવશે, અને તેઓનું શું થશે?
૧૯ મનુષ્યોમાં ભરોસો રાખનારાઓ કરતાં કેટલું અલગ વલણ! આ અંતના સમયમાં માણસજાત પર હિંસાના એક પછી એક તોફાની મોજાં ચઢી આવે છે. માનવીઓનો તોફાની, બંડખોર ‘સમુદ્ર’ અસંતોષ અને અશાંતિ ઊભી કરે છે. (યશાયાહ ૫૭:૨૦; પ્રકટીકરણ ૮:૮, ૯; ૧૩:૧) યહોવાહ પરમેશ્વર આ ધમાલિયા લોકોને “ધમકાવશે.” તેમનું સ્વર્ગીય રાજ્ય દરેક જોખમી સંગઠનો અને વ્યક્તિઓને ઠેકાણે પાડશે, અને તેઓ ‘વંટોળિયાની આગળ ઊડતી ધૂળની પેઠે . . . નાસી જશે.’—યશાયાહ ૧૭:૧૨, ૧૩; પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.
૨૦. દેશોએ ‘લૂટ્યા’ હોવા છતાં, સાચા ખ્રિસ્તીઓને કયો ભરોસો છે?
૨૦ એનું પરિણામ શું આવશે? યશાયાહ કહે છે: “સંધ્યાકાળે, જુઓ ભય; અને સવાર થતાં પહેલાં તેઓ નષ્ટ થશે. અમારા લૂંટનારાની, ને અમારી સંપત્તિનું હરણ કરનારાની દશા આ છે.” (યશાયાહ ૧૭:૧૪) આજે, યહોવાહના લોકો સાથે ઘણા મન ફાવે તેમ વર્તે છે, અને તેઓનું અપમાન કરીને તેઓને લૂંટે છે. સાચા ખ્રિસ્તીઓ જગતના મુખ્ય ધર્મોનો ભાગ નથી, અને બનવા ચાહતા પણ નથી. તેથી, ટીકાકારો અને ઝનૂની વિરોધીઓને એમ લાગે છે કે, તેઓનો નાશ તો ચપટી વગાડતા થઈ શકે. પરંતુ, પરમેશ્વરના લોકોને ભરોસો છે કે, તેઓની સતાવણીઓનો અંત લાવતી “સવાર” ઝડપથી આવી રહી છે.—૨ થેસ્સાલોનીકી ૧:૬-૯; ૧ પીતર ૫:૬-૧૧.
કૂશ યહોવાહ માટે ભેટ લાવે છે
૨૧, ૨૨. હવે કયા દેશ વિષે ભાખવામાં આવે છે, અને કઈ રીતે યશાયાહની ભવિષ્યવાણી પૂરી થઈ?
૨૧ મિસરની દક્ષિણે આવેલું કૂશ ઓછામાં ઓછા બે વાર યહુદાહ વિરુદ્ધ લડાઈ કરવા ગયું હતું. (૨ કાળવૃત્તાંત ૧૨:૨, ૩; ૧૪:૧, ૯-૧૫; ૧૬:૮) હવે, યશાયાહ એ દેશ વિષે ભાખે છે: “અરે, કૂશની નદીઓની પેલી પારના, પાંખોના ફફડાટવાળા દેશ!” (યશાયાહ ૧૮:૧-૬ વાંચો.)a યહોવાહે હુકમ આપ્યો છે કે, કૂશ ‘કાપી નાખવામાં’ આવશે.
૨૨ જગતનો ઇતિહાસ જણાવે છે કે, આઠમી સદી બી.સી.ઈ.માં કૂશે મિસર જીતી લીધું અને એના પર કંઈક ૬૦ વર્ષો સુધી રાજ કર્યું. આશ્શૂરી સમ્રાટો એસેર-હેદ્દોન અને આશૂરબાનીપાલે વળતું આક્રમણ કર્યું. આશૂરબાનીપાલે થીબ્સનો નાશ કરી નાખ્યો હોવાથી, આશ્શૂરે મિસર પર કાબૂ જમાવી દીધો. આમ, નાઈલની ખીણ પર કૂશના રાજનો અંત આવ્યો. (યશાયાહ ૨૦:૩-૬ પણ જુઓ.) આજના સમય વિષે શું?
૨૩. આજનું કૂશ કઈ ભૂમિકા ભજવે છે, અને શા માટે એનો અંત આવે છે?
૨૩ ‘આખરના સમયની’ દાનીયેલની ભવિષ્યવાણીમાં, ઝનૂની “ઉત્તરનો રાજા” કૂશ અને લુબ્બીઓને ‘તેને પગલે ચલાવતો’ વર્ણવવામાં આવ્યો છે. (દાનીયેલ ૧૧:૪૦-૪૩) ‘માગોગ દેશના ગોગના’ લશ્કરોમાં પણ કૂશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (હઝકીએલ ૩૮:૨-૫, ૮) યહોવાહના પવિત્ર દેશ પર તેઓ હુમલો કરશે ત્યારે, ઉત્તરના રાજા સહિત, ગોગનાં લશ્કરોનો વિનાશ થશે. તેથી, યહોવાહ આજના કૂશ વિરુદ્ધ પણ હાથ ઉગામશે, કારણ કે તે યહોવાહની સર્વોપરિતાની સામે થાય છે.—હઝકીએલ ૩૮:૨૧-૨૩; દાનીયેલ ૧૧:૪૫.
૨૪. યહોવાહ પરમેશ્વરને દેશો કઈ રીતોએ ‘ભેટો’ આપે છે?
૨૪ જો કે ભવિષ્યવાણી એમ પણ જણાવે છે કે, “તે વેળાએ સૈન્યોના દેવ યહોવાહને સારૂ કદાવર તથા સુંવાળી પ્રજાથી, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર, . . . સિયોન પર્વત, જે સૈન્યોના દેવ યહોવાહના નામનું સ્થાનક છે, તેને સારૂ ભેટ લાવશે.” (યશાયાહ ૧૮:૭) એ દેશો યહોવાહની સર્વોપરિતા સ્વીકારતા નથી. તેમ છતાં, તેઓએ યહોવાહના લોકોને લાભ થાય એવાં કાર્ય કર્યાં છે. કેટલાક દેશોમાં, સત્તાઓએ એવા કાયદા ઘડ્યા છે, અને અદાલતી નિર્ણયો આપ્યા છે, જેથી યહોવાહના વિશ્વાસુ લોકોને કાયદેસરના હક્ક મળી શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; પ્રકટીકરણ ૧૨:૧૫, ૧૬) તેમ જ, હજુ બીજી ભેટો પણ છે. “રાજાઓ તારી પાસે નજરાણાં લાવશે. . . . મિસરમાંથી અમીરો આવશે; કૂશ દેશ જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.” (ગીતશાસ્ત્ર ૬૮:૨૯-૩૧) આજે, યહોવાહનો ભય રાખનાર, ‘કૂશના’ લાખો લોકો તેમની ભક્તિ કરીને ‘નજરાણાં’ લાવે છે. (માલાખી ૧:૧૧) તેઓ આખી પૃથ્વી પર યહોવાહના રાજ્યનો સંદેશ પ્રચાર કરવાના મહત્ત્વના કાર્યમાં ભાગ લઈ રહ્યા છે. (માત્થી ૨૪:૧૪; પ્રકટીકરણ ૧૪:૬, ૭) યહોવાહ પરમેશ્વરને અર્પેલી કેવી સુંદર ભેટ!—હેબ્રી ૧૩:૧૫.
મિસરનું દિલ પીગળે છે
૨૫. યશાયાહ ૧૯:૧-૧૧ની પરિપૂર્ણતામાં પ્રાચીન મિસરને શું થાય છે?
૨૫ યહુદાહની દક્ષિણે જ મિસર આવેલું છે, જેને લાંબા સમયથી પરમેશ્વરના કરારના લોકો સાથે દુશ્મની છે. યશાયાહનો ૧૯મો અધ્યાય તેમના સમયમાં મિસરની અશાંત હાલતનું વર્ણન કરે છે. મિસરમાં “નગર નગરની સાથે, ને રાજ્ય રાજ્યની સાથે” લડી રહ્યા છે. (યશાયાહ ૧૯:૨, ૧૩, ૧૪) એક જ સમયે, દેશના જુદા જુદા ભાગોમાં દુશ્મન રાજાઓ વિષે ઇતિહાસકારો પુરાવો આપે છે. મિસરની ‘વ્યર્થ મૂર્તિઓ અને ભુવાઓ’ સહિત, એનું બડાઈભર્યું ડહાપણ, એને ‘નિર્દય ધણીના હાથમાંથી’ બચાવશે નહિ. (યશાયાહ ૧૯:૩, ૪) મિસરને આશ્શૂર, બાબેલોન, ઈરાન, ગ્રીસ, અને રોમે સફળતાથી જીતી લીધું. આ સર્વ બનાવો યશાયાહ ૧૯:૧-૧૧ની ભવિષ્યવાણીઓ પૂરી કરે છે.
૨૬. યહોવાહના ન્યાયકરણની આજના ‘મિસર’ પર શું અસર પડશે?
૨૬ જો કે બાઇબલમાં મિસર શેતાનના જગતને દર્શાવે છે. (હઝકીએલ ૨૯:૩; યોએલ ૩:૧૯; પ્રકટીકરણ ૧૧:૮) તેથી, શું યશાયાહની “મિસર વિષે દેવવાણી” મહાન પરિપૂર્ણતા પામશે? હા. ખરેખર, ભવિષ્યવાણીના શરૂઆતના શબ્દો જ દરેકનું ધ્યાન ખેંચે એવા છે: “જુઓ, યહોવાહ વેગવાન વાદળા પર બેસીને મિસરમાં આવે છે; મિસરની મૂર્તિઓ તેની આગળ ધૂજશે, ને મિસરની હિંમત જતી રહેશે.” (યશાયાહ ૧૯:૧) યહોવાહ પરમેશ્વર, શેતાનના સંગઠન તરફ ઝડપથી પગલાં લેશે. એ જ સમયે, આ જગતના દેવો નકામા સાબિત થશે. (ગીતશાસ્ત્ર ૯૬:૫; ૯૭:૭) ભયથી ‘મિસરની હિંમત જતી રહેશે.’ ઈસુએ એ સમય વિષે ભાખ્યું: “પૃથ્વી ઉપર પ્રજાઓ સમુદ્ર તથા મોજાઓની ગર્જનાથી ત્રાસ પામીને ગભરાશે; અને પૃથ્વી ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની વકીથી માણસો નિર્ગત થશે.”—લુક ૨૧:૨૫, ૨૬.
૨૭. ભવિષ્યવાણી પ્રમાણે, ‘મિસરમાં’ કેવા ભાગલા પડશે, અને આજે એ કઈ રીતે પૂરું થઈ રહ્યું છે?
૨૭ યહોવાહ ન્યાયકરણ તરફ દોરી જતા સમય વિષે ભાખે છે: “હું મિસરીઓને એકબીજાની સામે થવાને ઉશ્કેરીશ; દરેક પોતાના ભાઈની સાથે, ને દરેક પોતાના પડોશીની સાથે, નગર નગરની સાથે, ને રાજ્ય રાજ્યની સાથે લડશે.” (યશાયાહ ૧૯:૨) પરમેશ્વરનું રાજ્ય ૧૯૧૪માં સ્થાપિત થયા પછી, ‘પ્રજા પ્રજાની વિરુદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ થઈ,’ એનાથી ઈસુના ‘આવવાની નિશાની’ જોવા મળી છે. આ છેલ્લા દિવસોમાં લાખોએ કુળોના નાશ, લોહિયાળ જાતિસંહાર, અને કોમી રમખાણોમાં જીવન ગુમાવ્યાં છે. જો કે અંત પાસે આવતો જાય છે તેમ, બધાં ‘દુઃખો’ વધતાને વધતાં જ જશે.—માત્થી ૨૪:૩, ૭, ૮.
૨૮. ન્યાયકરણના દિવસે, જૂઠા ધર્મો જગતને બચાવવા શું મદદ કરી શકશે?
૨૮ “મિસરની હિંમત તેમાંથી જતી રહેશે; અને તેની મસલત હું વ્યર્થ કરીશ; તેઓ મૂર્તિઓની પાસે, ઈલમીઓની પાસે, ભુવાઓની પાસે તથા જાદુગરોની પાસે જઈને પ્રશ્ન પૂછશે.” (યશાયાહ ૧૯:૩) મુસા ફારૂન સામે હાજર થયા ત્યારે, મિસરના જાદુગરોને નીચું જોવું પડ્યું, કેમ કે તેઓ યહોવાહની શક્તિ આગળ કંઈ જ ન હતા. (નિર્ગમન ૮:૧૮, ૧૯; પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૮; ૨ તીમોથી ૩:૮) એ જ પ્રમાણે, ન્યાયકરણના દિવસે, જૂઠા ધર્મો પણ આ ભ્રષ્ટ જગતને બચાવી શકશે નહિ. (યશાયાહ ૪૭:૧, ૧૧-૧૩ સરખાવો.) અંતે, મિસર ‘નિર્દય ધણી,’ આશ્શૂરના હાથમાં જઈ પડ્યું. (યશાયાહ ૧૯:૪) એ આજના જગતને માથે ઝઝૂમી રહેલા વિનાશક ભાવિને રજૂ કરે છે.
૨૯. યહોવાહનો દિવસ આવશે ત્યારે, રાજકારણીઓ પાસેથી કોઈ મદદ મળશે ખરી?
૨૯ શું રાજકારણીઓ મદદ કરી શકશે? “સોઆનના સરદાર કેવળ મૂર્ખ છે; ફારૂનના સૌથી જ્ઞાની મંત્રીઓની સલાહ બુદ્ધિહીન છે.” (યશાયાહ ૧૯:૫-૧૧ વાંચો.) ન્યાયકરણના દિવસે માણસોની સલાહમાં ભરોસો રાખવો કેવો વ્યર્થ છે! ભલેને આખી દુનિયાનું જ્ઞાન હોય, છતાં તેઓ પાસે પરમેશ્વરનું ડહાપણ નથી. (૧ કોરીંથી ૩:૧૯) તેઓ યહોવાહને ત્યજીને વિજ્ઞાન, ફિલસૂફી, પૈસો, મોજમઝા અને બીજા દેવદેવીઓ તરફ વળ્યા છે. તેથી, તેઓ પરમેશ્વરના હેતુઓ વિષે કંઈ જ જાણતા નથી. તેઓ છેતરાયા છે, અને મૂંઝવણમાં છે. તેઓની બધી જ મહેનત પાણીમાં જશે. (યશાયાહ ૧૯:૧૨-૧૫ વાંચો.) “જ્ઞાનીઓ લજ્જિત થયા છે, તેઓ ભયભીત થયા છે, તથા પકડાઈ ગયા છે; જુઓ, યહોવાહના વચનનો તેઓએ ઈનકાર કર્યો છે; તો તેઓમાં કેવા પ્રકારનું જ્ઞાન છે?”—યિર્મેયાહ ૮:૯.
યહોવાહને માટે ચિહ્ન તથા સાક્ષી
૩૦. કઈ રીતે “યહુદાહનો દેશ મિસરને બીહામણો લાગશે”?
૩૦ ‘મિસરના’ આગેવાનો “નાહિંમત” છે. તેમ છતાં, તેઓમાંના કેટલાક પરમેશ્વરના ડહાપણની શોધ કરે છે. યહોવાહના અભિષિક્ત જનો અને તેઓના સાથીઓ ‘દેવના સદ્ગુણો પ્રગટ કરે’ છે. (યશાયાહ ૧૯:૧૬; ૧ પીતર ૨:૯) તેઓ બનતું બધું જ કરીને, શેતાનના જગતના અંત વિષે લોકોને ચેતવણી આપે છે. આ વિષે ભાવિમાં જોતાં, યશાયાહ કહે છે: “યહુદાહનો દેશ મિસરને બીહામણો લાગશે. સૈન્યોના દેવ યહોવાહે તેની વિરૂદ્ધ જે ઠરાવ કર્યો છે તેને લીધે યહુદાહના નામના સ્મરણથી તેઓ ધૂજશે.” (યશાયાહ ૧૯:૧૭) યહોવાહના વિશ્વાસુ પ્રચારકો લોકોને સત્ય જણાવે છે, જેમાં પરમેશ્વર તરફથી આવનારી મરકીઓની ખબર પણ આપે છે. (પ્રકટીકરણ ૮:૭-૧૨; ૧૬:૨-૧૨) એ ધાર્મિક આગેવાનો માટે માઠા સમાચાર છે.
૩૧. કઈ રીતે પ્રાચીન સમયના મિસર, અને આજના ‘મિસરના’ નગરોમાં “કનાની ભાષા” બોલાશે?
૩૧ એનું કયું આશ્ચર્યજનક પરિણામ આવે છે? “તે દિવસે મિસર દેશમાં કનાની ભાષા બોલનારાં, ને સૈન્યોના દેવ યહોવાહની આગળ સમ ખાનારાં એવાં પાંચ નગર થશે; તેઓમાંનું એક સૂર્ય-નગર [અથવા, નાશ-નગર] કહેવાશે.” (યશાયાહ ૧૯:૧૮) મિસરના શહેરમાં નાસી છૂટેલા યહુદીઓ હેબ્રી ભાષા બોલતા હતા ત્યારે, પ્રાચીન સમયમાં આ ભવિષ્યવાણી પૂરી થઈ હતી. (યિર્મેયાહ ૨૪:૧, ૮-૧૦; ૪૧:૧-૩; ૪૨:૯–૪૩:૭; ૪૪:૧) આજના ‘મિસરમાં’ પણ એવા લોકો છે, જેઓ બાઇબલ સત્યની શુદ્ધ ભાષા બોલતા શીખ્યા છે. (સફાન્યાહ ૩:૯) એ પાંચ શહેરોમાંનું એક ‘નાશ-નગર’ કહેવાય છે. એ બતાવે છે કે, અમુક અંશે શુદ્ધ ભાષાનો ઉપયોગ શેતાનના સંગઠનને ખુલ્લું પાડી, અને ‘નાશ’ કરવામાં પણ થશે.
૩૨. (ક) મિસરના દેશમાં કઈ “વેદી” આવેલી છે? (ખ) અભિષિક્ત ખ્રિસ્તીઓ કઈ રીતે મિસરની “સીમ ઉપર” ઊભેલા “સ્તંભ” જેવા છે?
૩૨ યહોવાહના લોકોના પ્રચારને કારણે, આ જગતમાં તેમનું મહાન નામ જરૂર જણાવવામાં આવશે. “તે દિવસે મિસર દેશમાં યહોવાહને સારૂ વેદી થશે, ને તેની સીમ ઉપર યહોવાહના સ્મરણને સારૂ સ્તંભ થશે.” (યશાયાહ ૧૯:૧૯) આ શબ્દો અભિષિક્ત ખ્રિસ્તીઓનું સ્થાન જણાવે છે, જેઓએ પરમેશ્વર સાથે કરાર કર્યો છે. (ગીતશાસ્ત્ર ૫૦:૫) એક “વેદી” તરીકે તેઓ અર્પણો આપી રહ્યા છે; “સત્યનો સ્તંભ તથા પાયો” બનીને, તેઓ યહોવાહની સાક્ષી પૂરે છે. (૧ તીમોથી ૩:૧૫; રૂમી ૧૨:૧; હેબ્રી ૧૩:૧૫, ૧૬) તેઓ પોતાના મિત્રો “બીજાં ઘેટાં” સાથે “દેશમાં,” ૨૩૦ કરતાં વધારે દેશો અને દરિયાના ટાપુઓમાં સ્થાપિત થયા છે. પરંતુ તેઓ “જગતના નથી.” (યોહાન ૧૦:૧૬; ૧૭:૧૫, ૧૬) તેઓ જાણે કે, આ જગત અને પરમેશ્વરના રાજ્ય વચ્ચેની “સીમ ઉપર” ઊભા છે, જે વટાવીને તેઓનું સ્વર્ગીય ઇનામ મેળવવા તૈયાર છે.
૩૩. કઈ રીતોએ અભિષિક્ત જનો ‘મિસરમાં’ ‘ચિહ્ન’ અને ‘સાક્ષી’ છે?
૩૩ યશાયાહ કહેવાનું ચાલુ રાખે છે: “તે મિસર દેશમાં સૈન્યોના દેવ યહોવાહને સારૂ ચિહ્નરૂપ તથા સાક્ષ્યરૂપ થશે; તેઓ જુલમગારોને લીધે યહોવાહને પોકારશે, અને તે તેઓને સારૂ તારક તથા રક્ષક મોકલશે તે તેઓને છોડાવશે.” (યશાયાહ ૧૯:૨૦) અભિષિક્ત જનો ‘ચિહ્ન’ તથા ‘સાક્ષી’ તરીકે, આ જગતમાં પ્રચારકાર્ય અને યહોવાહનું નામ મોટું મનાવવામાં આગેવાની લે છે. (યશાયાહ ૮:૧૮; હેબ્રી ૨:૧૩) આખા જગતમાં લોકો જુલમને કારણે દુઃખી છે. પરંતુ, તેઓને સહાય કરવા માનવ સરકાર કંઈ જ કરી શકે એમ નથી. જો કે યહોવાહ પરમેશ્વર, મહાન તારક, રાજા ઈસુ ખ્રિસ્તને મોકલશે, જે સર્વ નમ્ર લોકોને છોડાવશે. આ છેલ્લા દિવસો આર્માગેદ્દોનની લડાઈમાં પરિણમશે ત્યારે, તે પરમેશ્વરનો ભય રાખનારાઓ માટે રાહત, અને અનંત આશીર્વાદો લાવશે.—ગીતશાસ્ત્ર ૭૨:૨, ૪, ૭, ૧૨-૧૪.
૩૪. (ક) યહોવાહ પરમેશ્વરને ‘મિસરના’ લોકો કઈ રીતે ઓળખશે, અને તેઓ તેમને કયા અર્પણો અને ભેટ આપશે? (ખ) યહોવાહ પરમેશ્વર ‘મિસરને’ ક્યારે મારશે, અને એના પછી કયું સાજાપણું આપવામાં આવશે?
૩૪ એ સમય દરમિયાન, પરમેશ્વર ઇચ્છે છે કે, સર્વ લોકો સાચું જ્ઞાન મેળવે, અને જીવન પામે. (૧ તીમોથી ૨:૪) તેથી, યશાયાહ લખે છે: “યહોવાહ મિસરને પોતાને ઓળખાવશે, ને તે દિવસે મિસર યહોવાહને ઓળખશે; અને બળિદાનથી તથા ખાદ્યાર્પણથી તેઓ તેની ઉપાસના કરશે, તેઓ યહોવાહને નામે માનતા લેશે, અને તેને પૂરી કરશે. યહોવાહ મિસરને મારશે, અને માર્યા પછી તેને સમું કરશે; અને તેઓ યહોવાહની તરફ પાછા ફરશે, તે તેમની પ્રાર્થના સ્વીકારશે, અને તેમને સાજા કરશે.” (યશાયાહ ૧૯:૨૧, ૨૨) શેતાનના જગતના સર્વ દેશોમાંથી ‘મિસરના’ લોકો યહોવાહને ઓળખશે, અને તેમનું “નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ” ચઢાવશે. (હેબ્રી ૧૩:૧૫) તેઓ યહોવાહને સમર્પિત થઈને માનતા લેશે, અને તેઓ ભક્તિભાવથી જીવન જીવીને એ માનતા પૂરી કરશે. આર્માગેદ્દોનમાં યહોવાહે આ જગતને “માર્યા” પછી, તે પોતાના રાજ્ય દ્વારા માણસજાતને સાજા કરશે. ઈસુના હજાર વર્ષના રાજ દરમિયાન, મનુષ્યો આત્મિક, માનસિક, નૈતિક, શારીરિક સંપૂર્ણતા અને ખરેખર સાજાપણું મેળવશે!—પ્રકટીકરણ ૨૨:૧, ૨.
‘મારા લોક આશીર્વાદિત થાઓ’
૩૫, ૩૬. યશાયાહ ૧૯:૨૩-૨૫ની પરિપૂર્ણતામાં, પ્રાચીન સમયમાં મિસર, આશ્શૂર, અને ઈસ્રાએલ વચ્ચે શું સંબંધ હતો?
૩૫ પછી, પ્રબોધક અદ્ભુત બાબત બનતી જુએ છે: “તે દિવસે મિસરથી આશ્શૂર સુધી સડક થશે, ને આશ્શૂરીઓ મિસરમાં, ને મિસરીઓ આશ્શૂરમાં જશે; અને મિસરીઓ આશ્શૂરીઓ સાથે યહોવાહની ઉપાસના કરશે. તે દિવસે મિસર તથા આશ્શૂરની સાથે ત્રીજો ઈસ્રાએલ ભળશે, તે પૃથ્વી પર આશીર્વાદ રૂપ થઈ જશે; કેમકે સૈન્યોના દેવ યહોવાહે આશીર્વાદ દઈને કહ્યું છે, કે મારા લોક મિસર, મારા હાથની કૃતિ આશ્શૂર, તથા મારૂં વતન ઈસ્રાએલ, તેઓ ત્રણે આશીર્વાદિત થાઓ.” (યશાયાહ ૧૯:૨૩-૨૫) હા, એક દિવસ મિસર અને આશ્શૂરની વચ્ચે દોસ્તી બંધાશે. કઈ રીતે?
૩૬ અગાઉના સમયમાં, યહોવાહે પોતાના લોકોને છોડાવ્યા ત્યારે, તેઓ માટે જાણે કે છુટકારાનો રસ્તો બનાવ્યો. (યશાયાહ ૧૧:૧૬; ૩૫:૮-૧૦; ૪૯:૧૧-૧૩; યિર્મેયાહ ૩૧:૨૧) આ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા અમુક હદે બાબેલોનની હાર પછી થઈ હતી, જ્યારે આશ્શૂર, મિસર, અને બાબેલોનથી ગુલામોને વચનના દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. (યશાયાહ ૧૧:૧૧) પરંતુ આપણા સમય વિષે શું?
૩૭. આજે, લાખો લોકો “આશ્શૂર” અને ‘મિસર’ વચ્ચે સીધી સડક હોય, એમ કઈ રીતે બતાવી આપે છે?
૩૭ આજે, આત્મિક ઈસ્રાએલીઓના અભિષિક્તોનો શેષભાગ “પૃથ્વી પર આશીર્વાદરૂપ” છે. તેઓ શુદ્ધ ભક્તિને આગળ વધારે છે, અને સર્વ દેશોના લોકોને રાજ્યનો સંદેશો જાહેર કરે છે. એમાંના કેટલાક દેશો આશ્શૂર જેવા, એકદમ જુલમી છે. બીજા દેશો મિસર જેવા વધારે પડતા છૂટછાટવાળા છે. મિસર, જેણે દાનીયેલની ભવિષ્યવાણીમાં એક સમયે ‘દક્ષિણના રાજાની’ ભૂમિકા ભજવી હતી. (દાનીયેલ ૧૧:૫, ૮) જુલમી અને ઉદાર મતવાદી દેશોમાંથી લાખો લોકો શુદ્ધ ભક્તિમાં જોડાયા છે. આમ, સર્વ દેશોમાંથી લોકો “ઉપાસના” કરવા એક થાય છે. તેઓ હવે રાષ્ટ્રવાદી નથી. તેઓ એકબીજાને ચાહે છે. તેથી, ખરેખર કહી શકાય કે, “આશ્શૂરીઓ મિસરમાં, ને મિસરીઓ આશ્શૂરમાં” આવ્યા છે. જાણે કે એક દેશથી બીજા દેશ વચ્ચે સીધી સડક હોય.—૧ પીતર ૨:૧૭.
૩૮. (ક) કઈ રીતે ‘મિસર અને આશ્શૂરની સાથે ઈસ્રાએલ ત્રીજું’ બનશે? (ખ) શા માટે યહોવાહ પરમેશ્વર કહે છે, ‘મારા લોક આશીર્વાદિત થાઓ’?
૩૮ જો કે ઈસ્રાએલ, ‘મિસર અને આશ્શૂરની સાથે ત્રીજું’ કઈ રીતે બને છે? ‘અંતના સમયની’ શરૂઆતમાં, પૃથ્વી પર યહોવાહની ભક્તિ કરી રહેલાઓમાંના મોટા ભાગના ‘દેવના ઈસ્રાએલના’ સભ્યો હતા. (દાનીયેલ ૧૨:૯; ગલાતી ૬:૧૬) વર્ષ ૧૯૩૦થી, પૃથ્વી પર જીવનની આશાવાળો ‘બીજાં ઘેટાંનો’ મોટો સમુદાય દેખાય આવ્યો છે. (યોહાન ૧૦:૧૬ ક; પ્રકટીકરણ ૭:૯) મિસર અને આશ્શૂર દ્વારા દર્શાવવામાં આવતા દેશોમાંથી નીકળી, તેઓ યહોવાહની ભક્તિમાં ભેગા થાય છે, અને બીજાઓને પણ એમાં જોડાવા ઉત્તેજન આપે છે. (યશાયાહ ૨:૨-૪) તેઓ પોતાના અભિષિક્ત ભાઈઓની જેમ જ પ્રચારકાર્ય કરે છે, અને કસોટીઓ સહન કરે છે. વળી, એવો જ વિશ્વાસ અને વફાદારી બતાવે છે, તથા એક જ આત્મિક મેજ પરથી ભોજન મેળવે છે. ખરેખર, અભિષિક્ત જનો અને “બીજાં ઘેટાં . . . એક ટોળું, એક ઘેટાંપાળક” છે. (યોહાન ૧૦:૧૬ ખ) તેઓના કાર્યમાં ઉત્સાહ અને ધીરજ જોતાં, યહોવાહ પરમેશ્વર ખૂબ જ ખુશ છે, એમાં કોઈ શંકા કરી શકે? તેથી, યહોવાહ તેઓને આશીર્વાદ આપતા કહે છે: ‘મારા લોક આશીર્વાદિત થાઓ’!
[ફુટનોટ]
a કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે, ‘પાંખોનો ફફડાટવાળો દેશ’ શબ્દો તીડોને દર્શાવે છે, જેનાં ટોળેટોળાં વારંવાર કૂશમાં આવતા હોય છે. બીજાઓનું કહેવું છે કે, “ફફડાટવાળા” માટેનો હેબ્રી શબ્દ ત્સેલાત્સાલનો ઉચ્ચાર, અને આજના કૂશમાં રહેતા ગાલા નામની જાતિના લોકોનો ત્સેત્સે નામની માખી માટેનો ઉચ્ચાર ત્સાલત્સાલે સરખો જ છે.
[પાન ૧૯૧ પર ચિત્ર]
પલિસ્તીઓ પોતાના દુશ્મનોનો પીછો કરે છે (૧૨મી સદી બી.સી.ઈ.નું મિસરનું શિલ્પકામ)
[પાન ૧૯૨ પર ચિત્ર]
મોઆબના સૈનિક કે દેવ બતાવતું શિલ્પકામ, (૧૧ અને ૮મી સદી બી.સી.ઈ. વચ્ચે)
[પાન ૧૯૬ પર ચિત્ર]
ઊંટ પર સવાર અરામનો લડવૈયો (નવમી સદી બી.સી.ઈ.)
[પાન ૧૯૮ પર ચિત્ર]
બંડખોર મનુષ્યોનો ‘સમુદ્ર’ અસંતોષ અને અશાંતિ ઊભી કરે છે
[પાન ૨૦૩ પર ચિત્ર]
યહોવાહની શક્તિ આગળ મિસરના જાદુગરો ટકી શક્યા નહિ