માથ્થી
૧૨ એ સમયે ઈસુ સાબ્બાથના* દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો ભૂખ્યા થયા. તેઓ અનાજનાં કણસલાં તોડીને ખાવા લાગ્યા.+ ૨ એ જોઈને ફરોશીઓએ ઈસુને કહ્યું: “જુઓ! તમારા શિષ્યો સાબ્બાથના દિવસે એવું કામ કરે છે, જે નિયમની વિરુદ્ધ છે.”+ ૩ તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૪ દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને તેઓએ અર્પણની રોટલી*+ ખાધી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.+ ૫ અથવા શું તમે નિયમશાસ્ત્રમાં નથી વાંચ્યું કે સાબ્બાથના દિવસે યાજકો મંદિરમાં કામ કરે છે, તોપણ તેઓ નિર્દોષ રહે છે?+ ૬ પણ હું તમને કહું છું કે અહીં મંદિર કરતાં કોઈક મહાન છે.+ ૭ ‘હું દયા ઇચ્છું છું,+ બલિદાન નહિ.’+ એનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા ન હોત. ૮ માણસનો દીકરો સાબ્બાથના દિવસનો માલિક છે.”+
૯ એ જગ્યાએથી નીકળ્યા પછી તે તેઓના સભાસ્થાનમાં ગયા. ૧૦ જુઓ! ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયો હતો.*+ ઈસુ પર આરોપ મૂકવા તેઓએ પૂછ્યું, “શું નિયમ પ્રમાણે સાબ્બાથના દિવસે સાજા કરવું બરાબર છે?”+ ૧૧ તેમણે કહ્યું: “તમારામાં એવો કયો માણસ છે, જેની પાસે એક ઘેટું હોય અને સાબ્બાથના દિવસે ખાડામાં પડી જાય તો, એને પકડીને બહાર નહિ કાઢે?+ ૧૨ ઘેટાં કરતાં માણસ કેટલો વધારે મૂલ્યવાન છે! એટલે સાબ્બાથના દિવસે કંઈક સારું કરવું નિયમ પ્રમાણે બરાબર છે.” ૧૩ પછી તેમણે એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કર્યો અને તેનો હાથ બીજા હાથ જેવો સાજો થઈ ગયો. ૧૪ પણ ફરોશીઓ બહાર જઈને ઈસુને મારી નાખવાનું કાવતરું ઘડવા લાગ્યા. ૧૫ એ જાણીને ઈસુ ત્યાંથી નીકળી ગયા. ઘણા લોકો તેમની પાછળ ગયા.+ જેઓ બીમાર હતા એ બધાને તેમણે સાજા કર્યા. ૧૬ પણ ઈસુએ હુકમ આપ્યો કે પોતે કોણ છે એ તેઓ કોઈને જણાવે નહિ.+ ૧૭ આ રીતે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું:
૧૮ “જુઓ મારો સેવક,+ જેને મેં પસંદ કર્યો છે! મારો વહાલો, જેનો હું સ્વીકાર કરું છું!+ હું તેને મારી પવિત્ર શક્તિ આપીશ+ અને તે પ્રજાઓમાં જાહેર કરશે કે સાચો ઇન્સાફ કેવો હોય છે. ૧૯ તે ઝઘડો કરશે નહિ,+ મોટેથી બૂમ પાડશે નહિ. મુખ્ય રસ્તાઓમાં કોઈને તેનો અવાજ સંભળાશે નહિ. ૨૦ તે ન્યાયને પૂરેપૂરો સ્થાપી દે ત્યાં સુધી, તે વળી ગયેલા બરુને છૂંદી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને હોલવી નાખશે નહિ.+ ૨૧ સાચે જ તેના નામ પર પ્રજાઓ આશા રાખશે.”+
૨૨ પછી તેઓ ઈસુ પાસે એક માણસને લાવ્યા, જે દુષ્ટ દૂતની પકડમાં હતો. એ માણસ આંધળો અને મૂંગો હતો. તેમણે તેને સાજો કર્યો, એટલે તે બોલવા અને જોવા લાગ્યો. ૨૩ એ જોઈને આખું ટોળું દંગ થઈને કહેવા લાગ્યું: “આ દાઉદનો દીકરો તો નથી ને?” ૨૪ એ સાંભળીને ફરોશીઓએ કહ્યું: “આ માણસ દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ ૨૫ તેઓના વિચારો જાણીને ઈસુએ કહ્યું: “દરેક રાજ્ય જેમાં ભાગલા પડે છે એની પડતી થાય છે. દરેક શહેર કે ઘર જેમાં ભાગલા પડે છે એ ટકશે નહિ. ૨૬ એ જ રીતે, જો શેતાન શેતાનને કાઢે, તો તેનામાં જ ભાગલા પડ્યા છે. તો પછી તેનું રાજ્ય કેવી રીતે ટકશે? ૨૭ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો તમારા દીકરાઓ કોની મદદથી કાઢે છે? એટલા માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે. ૨૮ પણ જો હું ઈશ્વરની શક્તિથી દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો સમજી લો કે ઈશ્વરનું રાજ્ય* તમારા હાથમાંથી નીકળી ગયું છે.+ ૨૯ કોઈ કઈ રીતે બળવાન માણસના ઘરમાં ઘૂસીને તેની મિલકત લૂંટી લઈ શકે? પહેલા તે બળવાન માણસને બાંધશે, ત્યાર પછી જ તેનું ઘર લૂંટી શકશે. ૩૦ જે કોઈ મારી બાજુ નથી એ મારી વિરુદ્ધ છે. જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે.+
૩૧ “એટલે હું તમને કહું છું કે માણસો ભલે ગમે એવું પાપ કરે કે ખરાબ બોલે, એ બધું માફ કરાશે. પણ જો કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલે તો તેને માફ કરવામાં નહિ આવે.+ ૩૨ દાખલા તરીકે, માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ બોલશે, તેને માફ કરવામાં આવશે.+ પણ પવિત્ર શક્તિ વિરુદ્ધ જે કોઈ બોલશે, તેને માફ કરવામાં નહિ આવે. આ દુનિયામાં નહિ અને આવનાર દુનિયામાં પણ નહિ.+
૩૩ “જો તમે સારું ઝાડ હશો, તો તમારું ફળ પણ સારું હશે. જો તમે સડેલું ઝાડ હશો તો તમારું ફળ પણ સડેલું હશે, કેમ કે ઝાડ એના ફળથી ઓળખાય છે.+ ૩૪ ઓ ઝેરી સાપના વંશજો,+ તમે દુષ્ટ છો એટલે સારી વાત ક્યાંથી કહેવાના? દિલમાં જે ભરેલું હોય એ જ મુખમાંથી નીકળે છે.+ ૩૫ સારો માણસ પોતાના દિલના સારા ખજાનામાંથી સારી વસ્તુઓ કાઢે છે. ખરાબ માણસ પોતાના દિલના ખરાબ ખજાનામાંથી ખરાબ વસ્તુઓ કાઢે છે.+ ૩૬ હું તમને કહું છું કે લોકો જે દરેક નકામી વાત કહે છે એ માટે તેઓએ ન્યાયના દિવસે* જવાબ આપવો પડશે.+ ૩૭ તમારી વાતોથી તમને નેક* ઠરાવવામાં આવશે અને તમારી વાતોથી તમને દોષિત ઠરાવવામાં આવશે.”
૩૮ પછી કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ કહ્યું: “ગુરુજી, અમે તમારી પાસેથી એક નિશાની જોવા માંગીએ છીએ.”+ ૩૯ ઈસુએ જવાબમાં તેઓને કહ્યું: “દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની શોધે છે. પણ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.+ ૪૦ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો હતો.+ એ જ રીતે, માણસનો દીકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે.+ ૪૧ નિનવેહના લોકોને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તેઓ એને દોષિત ઠરાવશે, કેમ કે યૂનાએ કરેલા પ્રચારના લીધે તેઓએ પસ્તાવો કર્યો હતો.+ પણ જુઓ! અહીં યૂના કરતાં કોઈક મહાન છે.+ ૪૨ દક્ષિણની રાણીને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તે એને દોષિત ઠરાવશે, કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનના ડહાપણની વાતો સાંભળવા આવી હતી.+ પણ જુઓ! અહીં સુલેમાન કરતાં કોઈક મહાન છે.+
૪૩ “એક ખરાબ દૂત કોઈ માણસમાંથી નીકળે છે અને રહેવાની જગ્યા શોધતો વેરાન જગ્યાઓએ ફરે છે, પણ તેને એ મળતી નથી.+ ૪૪ તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો હતો એમાં પાછો જઈશ.’ ત્યાં પહોંચતા તે જુએ છે કે ઘર ફક્ત ખાલી જ નહિ, પણ ચોખ્ખું કરેલું અને સજાવેલું છે. ૪૫ તે જઈને પોતાનાથી વધારે દુષ્ટ બીજા સાત દૂતોને લઈ આવે છે અને એમાં રહે છે. એ માણસની છેલ્લી હાલત પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે.+ એવું જ આ દુષ્ટ પેઢી સાથે પણ થશે.”
૪૬ તે હજી તો ટોળા સાથે વાત કરતા હતા ત્યારે, તેમની મા અને ભાઈઓ+ આવીને બહાર ઊભાં રહ્યાં. તેઓ ઈસુ સાથે વાત કરવાં માંગતાં હતાં.+ ૪૭ કોઈએ તેમને કહ્યું: “જુઓ! તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમારી સાથે વાત કરવા માંગે છે.” ૪૮ તેમની સાથે વાત કરનારને જવાબ આપતા ઈસુએ કહ્યું: “મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ?” ૪૯ પોતાના શિષ્યો તરફ હાથ લાંબો કરતા તેમણે કહ્યું: “જુઓ, મારી મા અને મારા ભાઈઓ!+ ૫૦ જે કોઈ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે.”+