લૂક
૬ એકવાર ઈસુ સાબ્બાથના દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો અનાજનાં કણસલાં તોડીને હાથથી મસળીને+ ખાતા હતા.+ ૨ એ જોઈને અમુક ફરોશીઓએ કહ્યું: “તમે સાબ્બાથના દિવસે કેમ એવું કામ કરો છો, જે નિયમની વિરુદ્ધ છે?”+ ૩ ઈસુએ કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૪ દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને અર્પણની રોટલી* તેમને આપવામાં આવી. એ તેમણે ખાધી અને તેમની સાથેના માણસોને પણ આપી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.”+ ૫ પછી ઈસુએ કહ્યું: “માણસનો દીકરો સાબ્બાથના દિવસનો માલિક છે.”+
૬ બીજા એક સાબ્બાથે+ તે સભાસ્થાનમાં ગયા અને શીખવવા લાગ્યા. ત્યાં એક માણસ હતો, જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો.*+ ૭ શાસ્ત્રીઓ અને ફરોશીઓની નજર ઈસુ પર હતી. તેઓને જોવું હતું કે સાબ્બાથના દિવસે તે કોઈને સાજો કરે છે કે નહિ, જેથી તેમના પર કોઈ પણ રીતે આરોપ મૂકી શકાય. ૮ તેઓના વિચારો જાણતા હોવાથી,+ ઈસુએ સુકાયેલા* હાથવાળા માણસને કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે ઊભો રહે.” તે ઊઠીને વચ્ચે ઊભો રહ્યો. ૯ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને પૂછું છું, નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવ બચાવવો કે જીવ લેવો?”+ ૧૦ તેમણે તેઓ સામે જોયું અને એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કર્યો અને હાથ સાજો થઈ ગયો. ૧૧ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સાથી ભડકી ઊઠ્યા. ઈસુનું શું કરવું એ વિશે તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા.
૧૨ એક દિવસે ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર ગયા.+ તેમણે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી.+ ૧૩ સવાર થઈ ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા. તેમણે તેઓમાંથી ૧૨ને પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો* નામ આપ્યું. તેઓનાં નામ આ છે:+ ૧૪ સિમોન જેને તે પિતર પણ કહેતા, તેનો ભાઈ આંદ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ,+ બર્થોલ્મી, ૧૫ માથ્થી, થોમા,+ અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન જે “ઉત્સાહી” કહેવાતો, ૧૬ યાકૂબનો દીકરો યહૂદા અને યહૂદા ઇસ્કારિયોત જે દગાખોર બન્યો.
૧૭ પછી તે તેઓની સાથે નીચે આવ્યા અને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનું મોટું ટોળું હતું. આખા યહૂદિયા, યરૂશાલેમ, તૂર અને સિદોનના દરિયાઈ વિસ્તારમાંથી લોકોનાં ટોળેટોળાં આવ્યાં હતાં. તેઓ તેમને સાંભળવા અને પોતાની બીમારીઓથી સાજા થવા આવ્યાં હતાં. ૧૮ અરે, દુષ્ટ દૂતોથી હેરાન થતા લોકો પણ સાજા થયા. ૧૯ ટોળામાંના સર્વ ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા, કેમ કે તેમનામાંથી શક્તિ નીકળીને+ સર્વને સાજા કરતી હતી.
૨૦ ઈસુએ શિષ્યો તરફ નજર કરીને કહ્યું:
“ઓ ગરીબો, તમે સુખી છો, કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.+
૨૧ “તમે હમણાં ભૂખ્યા છો પણ સુખી છો, કેમ કે તમે ધરાશો.+
“તમે હમણાં રડો છો પણ સુખી છો, કેમ કે તમે હસશો.+
૨૨ “જ્યારે માણસના દીકરાને લીધે લોકો તમને ધિક્કારે,+ તમને એકલા પાડી દે,+ નિંદા કરે અને દુષ્ટ ગણીને તમારું નામ બદનામ કરે, ત્યારે તમે સુખી છો. ૨૩ તમે ખુશ થાઓ અને આનંદથી નાચી ઊઠો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે. તેઓના બાપદાદાઓ પણ પ્રબોધકોને એવું જ કરતા હતા.+
૨૪ “પણ ઓ ધનવાનો, તમને અફસોસ,+ કેમ કે તમે પૂરેપૂરું સુખ મેળવી લીધું છે.+
૨૫ “ઓ ધરાયેલા લોકો, તમને અફસોસ, કેમ કે તમે ભૂખ્યા રહેશો.
“ઓ હસનારા લોકો, તમને અફસોસ, કેમ કે તમે શોક કરશો અને રડશો.+
૨૬ “બધા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ,+ કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકોને એવું જ કરતા હતા.
૨૭ “પણ મારી વાત સાંભળનારાને હું કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો, જેઓ તમને ધિક્કારે છે તેઓનું સારું કરતા રહો.+ ૨૮ જેઓ તમને શ્રાપ આપે છે તેઓને આશીર્વાદ આપતા રહો. તમારું અપમાન કરે છે તેઓ માટે પ્રાર્થના કરતા રહો.+ ૨૯ જે તમારા એક ગાલ પર તમાચો મારે, તેને બીજો ગાલ પણ ધરો. જે તમારો બહારનો ઝભ્ભો લઈ લે, તેને અંદરનો ઝભ્ભો પણ આપી દો.+ ૩૦ તમારી પાસે જે કોઈ માંગે તેને આપો.+ જે તમારી વસ્તુઓ પડાવી લે, તેની પાસે એ પાછી ન માંગો.
૩૧ “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.+
૩૨ “જેઓ તમને પ્રેમ કરે છે, તેઓને જ તમે પ્રેમ કરો તો એમાં શું મોટી વાત? અરે, પાપીઓ પણ પોતાને પ્રેમ કરનારાઓને પ્રેમ કરે છે.+ ૩૩ જેઓ તમારું ભલું કરે છે, તેઓનું તમે ભલું કરો તો એમાં શું મોટી વાત? અરે, પાપીઓ પણ એમ જ કરે છે. ૩૪ જેની પાસેથી પાછું મળી શકે છે, તેને તમે ઉછીનું* આપો તો એમાં શું મોટી વાત?+ અરે, પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે, જેથી જે આપ્યું હોય એ પૂરેપૂરું પાછું મેળવી શકે. ૩૫ એના બદલે, તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને ભલું કરતા રહો. કંઈ પણ પાછું મેળવવાની આશા વગર ઉછીનું આપતા રહો.+ તમને મોટો બદલો મળશે. તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો, કેમ કે તે ઉપકાર ન માનનારાઓ અને દુષ્ટો પર દયા બતાવે છે.+ ૩૬ જેમ તમારા પિતા દયાળુ છે એમ તમે દયાળુ થાઓ.+
૩૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો અને તમને દોષિત ઠરાવવામાં નહિ આવે.+ બીજાઓની ભૂલો શોધવાનું બંધ કરો અને તમારી ભૂલો શોધવામાં નહિ આવે. માફ કરતા રહો અને તમને માફ કરવામાં આવશે.+ ૩૮ આપતા રહો અને લોકો તમને આપશે.+ તેઓ ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું તમારા ખોળામાં આપશે. તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ પાછું માપી આપશે.”
૩૯ ઈસુએ આ ઉદાહરણો પણ આપ્યાં: “શું કોઈ આંધળો માણસ આંધળા માણસને દોરી શકે? શું તેઓ બંને ખાડામાં નહિ પડે?+ ૪૦ શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી. પણ જેને સારી રીતે શીખવવામાં આવે છે, તે પોતાના ગુરુ જેવો થશે. ૪૧ તમે કેમ તમારા ભાઈની* આંખમાંનું તણખલું જુઓ છો, પણ તમારી આંખમાંનો ભારોટિયો* જોતા નથી?+ ૪૨ તમે તમારા ભાઈને કેવી રીતે કહી શકો કે ‘ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જ્યારે કે તમારી આંખમાંનો ભારોટિયો તમે જોતા નથી? ઓ ઢોંગીઓ! પહેલા તમારી આંખમાંથી ભારોટિયો કાઢો. પછી તમે સારી રીતે જોઈ શકશો કે તમારા ભાઈની આંખમાંનું તણખલું કઈ રીતે કાઢવું.
૪૩ “કોઈ પણ સારું ઝાડ સડેલું ફળ આપતું નથી. કોઈ પણ સડેલું ઝાડ સારું ફળ આપતું નથી.+ ૪૪ દરેક ઝાડ તેનાં ફળથી ઓળખાય છે.+ દાખલા તરીકે, કાંટાના ઝાડ પરથી લોકો અંજીર ભેગા કરતા નથી અને ઝાંખરા પરથી દ્રાક્ષ તોડતા નથી. ૪૫ સારો માણસ પોતાના દિલના સારા ખજાનામાંથી સારું કાઢે છે. પણ ખરાબ માણસ પોતાના દિલના ખરાબ ખજાનામાંથી ખરાબ કાઢે છે. માણસના દિલમાં જે હોય છે, એ જ તે બોલે છે.+
૪૬ “તો પછી તમે કેમ મને ‘માલિક, માલિક’ કહો છો, પણ હું કહું એ કરતા નથી?+ ૪૭ જે કોઈ મારી પાસે આવે છે, મારા શબ્દો સાંભળે છે અને એમ કરે છે તે કોના જેવો છે એ તમને જણાવું:+ ૪૮ તે ઘર બાંધનાર માણસ જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. પછી પૂર આવ્યું અને નદીનું ધસમસતું પાણી ઘર સાથે અથડાવા લાગ્યું. પણ એ ઘરને હલાવી ન શક્યું, કેમ કે એ મજબૂત રીતે બંધાયેલું હતું.+ ૪૯ જે કોઈ સાંભળે છે પણ કંઈ કરતો નથી+ તે એવા માણસ જેવો છે, જેણે પાયો નાખ્યા વગર ઘર બાંધ્યું. નદીનું ધસમસતું પાણી એની સાથે અથડાવા લાગ્યું. તરત જ એ પડી ગયું અને એનો ભાંગીને ભૂકો થઈ ગયો.”