લૂક
૮ થોડા સમય પછી ઈસુ શહેરેશહેર અને ગામેગામ ગયા. તે ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા.+ બાર શિષ્યો તેમની સાથે હતા. ૨ અમુક સ્ત્રીઓ પણ તેમની સાથે હતી. આ સ્ત્રીઓમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા અને તેઓ બીમારીમાંથી સાજી કરાઈ હતી: મરિયમ જે માગદાલેણ નામથી ઓળખાતી હતી, તેનામાંથી સાત દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા. ૩ એ સ્ત્રીઓમાં હેરોદના ઘરના કારભારી ખૂઝાની પત્ની યોહાન્ના+ હતી. સુસાન્ના અને બીજી ઘણી સ્ત્રીઓ પણ હતી. તેઓ પોતાની સંપત્તિમાંથી ઈસુ અને શિષ્યોની સેવા કરતી હતી.+
૪ તેમની પાસે અલગ અલગ શહેરથી લોકો આવ્યા અને મોટું ટોળું ભેગું થયું. તેમણે એક ઉદાહરણ આપ્યું:+ ૫ “એક વાવનાર બી વાવવા માટે ગયો. તે વાવતો હતો ત્યારે, એમાંનાં અમુક બી રસ્તાને કિનારે પડ્યાં. એ પગ નીચે કચડાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ એ ખાઈ ગયાં.+ ૬ અમુક બી ખડક પર પડ્યાં. એ ઊગ્યાં પછી સુકાઈ ગયાં, કારણ કે બીને પાણી મળ્યું નહિ.+ ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને એની સાથે ઊગી નીકળેલી કાંટાળી ઝાડીએ એને દાબી દીધાં.+ ૮ પણ બીજાં બી સારી જમીન પર પડ્યાં અને ઊગ્યાં પછી એને ૧૦૦ ગણાં ફળ આવ્યાં.”+ આ વાતો કહી રહ્યા પછી તેમણે મોટેથી કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+
૯ શિષ્યોએ તેમને પૂછ્યું કે આ ઉદાહરણનો અર્થ શું થાય.+ ૧૦ તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે. બીજાઓ માટે એ ઉદાહરણોમાં છે,+ જેથી તેઓ જુએ પણ જોઈ ન શકે, તેઓ સાંભળે પણ સમજી ન શકે.+ ૧૧ ઉદાહરણનો અર્થ આ છે: બી ઈશ્વરનો સંદેશો છે.+ ૧૨ રસ્તાને કિનારે પડેલાં બી એવા લોકો છે જેઓ સંદેશો સાંભળે છે. પછી શેતાન* આવીને તેઓનાં હૃદયમાંથી સંદેશો લઈ જાય છે, જેથી તેઓ એ સ્વીકારે નહિ અને તારણ પામે નહિ.+ ૧૩ ખડક પર પડેલાં બી એવા લોકો છે, જેઓ સંદેશો સાંભળે છે ત્યારે આનંદથી સ્વીકારે છે. પણ એનાં મૂળ ન હોવાથી તેઓ થોડો જ સમય માને છે. કસોટીના સમયે તેઓ ભરોસો કરવાનું છોડી દે છે.+ ૧૪ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ સાંભળે છે, પણ જીવનની ચિંતાઓ, ધનદોલત+ અને મોજશોખને+ લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે. તેઓ સાવ દબાઈ જાય છે અને કદી સારાં ફળ આપતા નથી.+ ૧૫ સારી જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ સારાં હૃદયથી સંદેશો સાંભળે છે.+ તેઓ એને વળગી રહે છે અને ધીરજથી ફળ આપે છે.+
૧૬ “કોઈ દીવો સળગાવીને વાસણથી ઢાંકતું નથી અથવા ખાટલા નીચે મૂકતું નથી. પણ એને ઊંચે દીવી પર મૂકે છે, જેથી ઘરમાં આવનારને અજવાળું મળી શકે.+ ૧૭ એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે. એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી, જે જાહેર કરવામાં નહિ આવે અને કદી ઉઘાડું પાડવામાં નહિ આવે.+ ૧૮ તમે ધ્યાનથી સાંભળો, કારણ કે જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે.+ જેની પાસે નથી અને ધારે છે કે તેની પાસે છે, તેની પાસે જે છે એ પણ લઈ લેવામાં આવશે.”+
૧૯ હવે તેમની મા અને ભાઈઓ+ તેમને મળવા આવ્યાં. પણ ટોળાને લીધે તેઓ તેમના સુધી પહોંચી ન શક્યાં.+ ૨૦ ઈસુને જણાવવામાં આવ્યું: “તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માંગે છે.” ૨૧ તેમણે કહ્યું: “મારી મા અને મારા ભાઈઓ આ છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને પાળે છે.”+
૨૨ એક દિવસ ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં બેઠા. તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો આપણે સરોવરની સામે પાર જઈએ.” તેઓ હોડી લઈને નીકળ્યા.+ ૨૩ તેઓ હોડીમાં મુસાફરી કરતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. એવામાં સરોવરમાં પવનનું ભારે તોફાન આવ્યું. તેઓની હોડી પાણીથી ભરાવા લાગી. તેઓ જોખમમાં આવી પડ્યા.+ ૨૪ તેઓ તેમની પાસે ગયા અને તેમને જગાડીને કહેવા લાગ્યા: “ગુરુજી! ગુરુજી! આપણે ડૂબવાની તૈયારીમાં છીએ!” એ સાંભળીને ઈસુએ ઊભા થઈને પવનને અને ઊછળતાં મોજાંને ધમકાવ્યા. એટલે તોફાન શમી ગયું અને શાંતિ છવાઈ ગઈ.+ ૨૫ તેમણે શિષ્યોને પૂછ્યું: “તમારી શ્રદ્ધા ક્યાં છે?” પણ તેઓ ગભરાઈ ગયા હતા. તેઓ નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? તે પવન અને પાણીને હુકમ કરે છે અને એ તેમનું કહેવું માને છે.”+
૨૬ પછી તેઓ ગાલીલની સામે પાર આવેલા ગેરસાનીઓના પ્રદેશને+ કિનારે આવી પહોંચ્યા. ૨૭ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે, નજીકના શહેરમાંથી દુષ્ટ દૂતના વશમાં હોય એવો એક માણસ તેમની સામે આવ્યો. ઘણા વખતથી તે કપડાં પહેરતો ન હતો. તે ઘરમાં નહિ, પણ કબ્રસ્તાનમાં રહેતો હતો.+ ૨૮ ઈસુને જોઈને તેણે બૂમ પાડી અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. તે મોટા અવાજે કહેવા લાગ્યો: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને આજીજી કરું છું કે મને પીડા આપીશ નહિ.”+ ૨૯ (એ માટે કે ઈસુએ દુષ્ટ દૂતને માણસમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટ દૂતે ઘણી વાર એ માણસને વશમાં કરી લીધો હતો.*+ તેના પર ચોકી રાખવામાં આવતી. તેને સાંકળો અને બેડીઓથી વારંવાર બાંધવામાં આવતો. પણ તે બંધન તોડી નાખતો અને દુષ્ટ દૂત તેને વેરાન જગ્યાએ લઈ જતો.) ૩૦ ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “સેના,” કેમ કે તેનામાં ઘણા દુષ્ટ દૂતો હતા. ૩૧ તેઓ તેમને વારંવાર વિનંતી કરતા હતા કે તેઓને અનંત ઊંડાણમાં*+ જવાનો હુકમ ન કરે. ૩૨ ત્યાં પહાડ પર ભૂંડોનું મોટું ટોળું+ ચરતું હતું. એટલે તેઓ ઈસુને વિનંતી કરવા લાગ્યા કે તેઓને ભૂંડોમાં જવાની રજા આપે. તેમણે તેઓને રજા આપી.+ ૩૩ દુષ્ટ દૂતો એ માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયા. ભૂંડોનું ટોળું ટેકરીની ધાર પરથી નીચે સરોવરમાં પડ્યું અને ડૂબી મર્યું. ૩૪ જે થયું એ ભૂંડો ચરાવનારાઓએ જોયું ત્યારે તેઓ ભાગી ગયા. તેઓએ શહેરમાં અને સીમમાં એ વિશે ખબર આપી.
૩૫ જે બન્યું હતું એ જોવા લોકો આવ્યા. તેઓ ઈસુ પાસે આવ્યા. જે માણસમાંથી દુષ્ટ દૂતો નીકળ્યા હતા, તેને કપડાં પહેરેલો અને શાંત ચિત્તે ઈસુના પગ પાસે બેઠેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. ૩૬ આ બનાવ નજરે જોનારા લોકોએ તેઓને જણાવ્યું કે દુષ્ટ દૂતોના વશમાં હતો એ માણસ કઈ રીતે સાજો કરાયો હતો. ૩૭ પછી ગેરસાનીઓના આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આવેલા લોકોએ ઈસુને ત્યાંથી જતા રહેવા કહ્યું. તેઓ પર ઘણો ભય છવાઈ ગયો હતો. તે ત્યાંથી જવા હોડીમાં બેઠા. ૩૮ જે માણસમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા, તેણે ઈસુ સાથે જવા વારંવાર વિનંતી કરી. પણ ઈસુએ તેને પાછો મોકલ્યો અને કહ્યું:+ ૩૯ “ઘરે પાછો જા અને ઈશ્વરે તારા માટે જે કર્યું છે એ જણાવતો રહે.” તે પાછો ગયો અને ઈસુએ તેના માટે જે કર્યું હતું, એ વિશે આખા શહેરમાં કહેવા લાગ્યો.
૪૦ ઈસુ ગાલીલ પાછા આવ્યા. ટોળાએ પ્રેમથી આવકાર કર્યો, કેમ કે તેઓ સર્વ તેમની રાહ જોતા હતા.+ ૪૧ એવામાં યાઐરસ નામનો એક માણસ આવ્યો. તે સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તે ઈસુના પગે પડ્યો અને પોતાના ઘરે આવવા વિનંતી કરવા લાગ્યો.+ ૪૨ તેને એક જ દીકરી હતી, જે આશરે ૧૨ વર્ષની હતી. તે મરવાની અણી પર હતી.
ઈસુ જતા હતા ત્યારે, લોકો તેમની નજીક જવા પડાપડી કરતા હતા. ૪૩ ત્યાં એક સ્ત્રી હતી, જે ૧૨ વર્ષથી લોહીવાથી*+ પીડાતી હતી. કોઈ તેને સાજી કરી શક્યું ન હતું.+ ૪૪ તે પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાની કોરને અડકી.+ તરત જ તેનો લોહીવા બંધ થઈ ગયો. ૪૫ ઈસુએ પૂછ્યું: “મને કોણ અડક્યું?” જ્યારે બધાએ ના પાડી ત્યારે પિતરે કહ્યું: “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારી નજીક આવવા પડાપડી કરે છે.”+ ૪૬ ઈસુએ કહ્યું: “કોઈક મને અડક્યું, કેમ કે મને ખબર છે કે મારામાંથી શક્તિ+ નીકળી છે.” ૪૭ એ સ્ત્રીને ખબર પડી કે પોતાને જે થયું છે એ ઈસુ જાણી ગયા છે. તે ગભરાતી ગભરાતી આવી અને ઈસુ આગળ ઘૂંટણિયે પડી. તેણે બધા લોકોની સામે જણાવ્યું કે તે શા માટે તેમને અડકી અને કઈ રીતે તરત સાજી થઈ. ૪૮ ઈસુએ તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે, શાંતિથી જા.”+
૪૯ ઈસુ હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરેથી એક માણસ આવ્યો. તેણે અધિકારીને કહ્યું: “તમારી દીકરી ગુજરી ગઈ છે. હવે ગુરુજીને તકલીફ ન આપશો.”+ ૫૦ એ સાંભળીને ઈસુએ અધિકારીને કહ્યું: “ગભરાઈશ નહિ, માત્ર શ્રદ્ધા રાખ અને તે સાજી થઈ જશે.”+ ૫૧ તે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે પિતર, યોહાન, યાકૂબ અને છોકરીનાં માતા-પિતા સિવાય બીજા કોઈને પોતાની સાથે અંદર આવવા દીધા નહિ. ૫૨ બધા લોકો તેના માટે રડતા અને શોકમાં છાતી કૂટતા હતા. તેમણે કહ્યું: “રડવાનું બંધ કરો.+ તે મરી નથી ગઈ પણ ઊંઘે છે.”+ ૫૩ એ સાંભળીને તેઓ તેમના પર હસવા લાગ્યા, કારણ કે તેઓને ખબર હતી કે તે મરી ગઈ છે. ૫૪ પણ ઈસુએ છોકરીનો હાથ પકડીને કહ્યું: “દીકરી, ઊભી થા!”+ ૫૫ તે જીવતી થઈ*+ અને તરત ઊભી થઈ.+ તેમણે કહ્યું કે તેને કંઈક ખાવાનું આપો. ૫૬ તેનાં માતા-પિતાની ખુશીનો પાર ન હતો. પણ ઈસુએ કહ્યું કે જે કંઈ બન્યું છે એ વિશે કોઈને જણાવતા નહિ.+