માથ્થી
૫ લોકોનાં ટોળેટોળાં જોઈને ઈસુ પહાડ પર ગયા. તે ત્યાં બેઠા અને શિષ્યો તેમની પાસે આવ્યા. ૨ ઈસુ તેઓને શીખવવા લાગ્યા:
૩ “જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે*+ તેઓ સુખી છે, કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
૪ “જેઓ શોક કરે છે તેઓ સુખી છે, કેમ કે તેઓને દિલાસો મળશે.+
૫ “જેઓ કોમળ સ્વભાવના છે*+ તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.+
૬ “જેઓને ન્યાય* માટે ભૂખ અને તરસ છે તેઓ સુખી છે,+ કેમ કે તેઓ ધરાશે.*+
૭ “જેઓ દયાળુ છે તેઓ સુખી છે,+ કેમ કે તેઓ પર દયા બતાવવામાં આવશે.
૮ “જેઓનું દિલ સાફ છે તેઓ સુખી છે,+ કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
૯ “જેઓ સુલેહ-શાંતિ કરાવે છે* તેઓ સુખી છે,+ કેમ કે તેઓ ઈશ્વરના દીકરાઓ કહેવાશે.
૧૦ “સાચા માર્ગે ચાલવાને લીધે જેઓની સતાવણી થાય છે તેઓ સુખી છે,+ કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
૧૧ “જ્યારે લોકો મારે લીધે તમારી નિંદા કરે,+ તમારી સતાવણી કરે+ અને જૂઠું બોલીને તમારા વિશે અનેક પ્રકારની ખરાબ વાતો કરે, ત્યારે તમે સુખી છો.+ ૧૨ તમે ખુશ થાઓ અને ખૂબ આનંદ કરો,+ કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે.+ તમારી અગાઉના પ્રબોધકોની પણ તેઓએ આ રીતે સતાવણી કરી હતી.+
૧૩ “તમે દુનિયાનું* મીઠું છો.+ પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય તો શું એની ખારાશ પાછી લાવી શકાય ખરી? ના! પછી એ કંઈ કામનું રહેતું નથી. એને બહાર ફેંકવામાં આવે છે+ અને એ લોકોના પગ નીચે કચડાય છે.
૧૪ “તમે દુનિયાનું અજવાળું છો.+ પહાડ પર વસેલું શહેર છૂપું રહી શકતું નથી. ૧૫ લોકો દીવો સળગાવીને એને ટોપલા નીચે મૂકતા નથી, પણ ઊંચે દીવી પર મૂકે છે. એ દીવો ઘરમાં બધાને અજવાળું આપે છે.+ ૧૬ એ જ રીતે, તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો,+ જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ+ અને સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.+
૧૭ “એવું ન વિચારશો કે હું નિયમશાસ્ત્ર* અને પ્રબોધકોનાં લખાણોનો નાશ કરવા આવ્યો છું. હું એનો નાશ કરવા નહિ, પણ એ પૂરાં કરવા આવ્યો છું.+ ૧૮ હું તમને સાચું કહું છું કે ભલે આકાશ અને પૃથ્વી જતાં રહે, પણ જ્યાં સુધી નિયમશાસ્ત્રમાં લખેલું બધું પૂરું ન થાય, ત્યાં સુધી એનો સૌથી નાનો અક્ષર કે અક્ષરની એક માત્રા પણ જતી રહેશે નહિ.+ ૧૯ એટલે જે કોઈ એની નાનામાં નાની આજ્ઞાઓમાંથી એક તોડે છે અને લોકોને એવું કરતા શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવાને લાયક ઠરશે નહિ.* પણ જે કોઈ એ આજ્ઞાઓ પાળે છે અને બીજાઓને એ પાળવાનું શીખવે છે, તે સ્વર્ગના રાજ્યમાં જવાને લાયક ઠરશે.* ૨૦ હું તમને કહું છું કે જો તમારાં કામ શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં વધારે નેક* નહિ હોય,+ તો તમે કોઈ પણ હિસાબે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.+
૨૧ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે ખૂન ન કરો.+ જે કોઈ ખૂન કરે છે, તેણે અદાલતમાં જવાબ આપવો પડશે.’+ ૨૨ પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈની* વિરુદ્ધ ગુસ્સાની આગમાં સળગતો રહે છે,+ તેણે અદાલતમાં જવાબ આપવો પડશે. જે કોઈ ખરાબ શબ્દોથી પોતાના ભાઈનું ઘોર અપમાન કરે છે, તેણે સર્વોચ્ચ અદાલતમાં* જવાબ આપવો પડશે. જે કોઈ એમ કહે કે ‘તું મહા મૂર્ખ છે!’ તે ગેહેન્નાની* આગમાં નંખાવાને લાયક ઠરશે.+
૨૩ “એટલે જો તમે વેદી* પાસે અર્પણ લઈને જાઓ+ અને યાદ આવે કે તમારો ભાઈ તમારાથી નારાજ છે, ૨૪ તો તમારું અર્પણ ત્યાં વેદીની આગળ મૂકી દો. જાઓ, પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો, પછી આવીને તમારું અર્પણ ચઢાવો.+
૨૫ “જે કોઈ તમારી વિરુદ્ધ અદાલતમાં ફરિયાદ કરવા જાય, તેની સાથે રસ્તામાં જ બને એટલું જલદી સુલેહ-શાંતિ કરી લો. એવું ન થાય કે તે તમને ન્યાયાધીશને સોંપી દે અને ન્યાયાધીશ તમને સિપાઈને સોંપી દે અને તમને કેદખાનામાં નાખવામાં આવે.+ ૨૬ હું તમને સાચે જ કહું છું કે તમે એકેએક પાઈ* ચૂકવી ન દો ત્યાં સુધી તમારો છુટકારો થવાનો નથી.
૨૭ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે વ્યભિચાર ન કરો.’+ ૨૮ પણ હું તમને કહું છું: જે માણસ કોઈ સ્ત્રીને વાસનાભરી નજરે જોયા કરે છે,+ તેણે પોતાના દિલમાં એ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો છે.+ ૨૯ જો તમારી જમણી આંખ તમને પાપ કરાવે,* તો તરત એને કાઢીને ફેંકી દો.+ તમારું આખું શરીર ગેહેન્નામાં* નંખાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે સારું છે.+ ૩૦ જો તમારો જમણો હાથ તમને પાપ કરાવે,* તો એને કાપીને તમારાથી દૂર ફેંકી દો.+ તમારું આખું શરીર ગેહેન્નામાં જાય એના કરતાં તમે શરીરનું એક અંગ ગુમાવો, એ તમારા માટે વધારે સારું છે.+
૩૧ “એમ પણ કહેલું હતું કે ‘જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે, તે તેને છૂટાછેડા લખી આપે.’+ ૩૨ પણ હું તમને કહું છું કે કોઈ માણસે પોતાની પત્નીને છૂટાછેડા ન આપવા. છૂટાછેડા આપીને તે પત્નીને વ્યભિચારના જોખમમાં મૂકે છે. જે માણસ એવી સ્ત્રીને પરણે, તે પણ વ્યભિચાર કરે છે. જો સ્ત્રીએ વ્યભિચાર* કર્યો હોય તો જ પતિ તેને છૂટાછેડા આપી શકે છે.+
૩૩ “જૂના જમાનાના લોકોને જે કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: ‘તમે એવા સમ ન ખાઓ જે પાળી ન શકો.+ યહોવા* સામે લીધેલી માનતા પૂરી કરો.’+ ૩૪ પણ હું તમને કહું છું: કદી સમ ન ખાઓ.+ સ્વર્ગના નહિ, કેમ કે એ ઈશ્વરનું રાજ્યાસન છે. ૩૫ પૃથ્વીના પણ નહિ, કેમ કે એ તેમના પગનું આસન છે.+ યરૂશાલેમના પણ નહિ, કેમ કે એ મહાન રાજાનું શહેર છે.+ ૩૬ તમે તમારાં માથાના સમ પણ ન ખાઓ, કેમ કે તમે એક વાળને પણ સફેદ કે કાળો કરી શકતા નથી. ૩૭ તમારી ‘હા’ એટલે હા અને ‘ના’ એટલે ના હોય,+ કેમ કે એનાથી વધારે જે કહેવામાં આવે છે એ શેતાન* તરફથી છે.+
૩૮ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત.’+ ૩૯ પણ હું તમને કહું છું: દુષ્ટ માણસની સામે ન થાઓ. એને બદલે, જો કોઈ તમારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની સામે તમારો બીજો ગાલ પણ ધરો.+ ૪૦ જો કોઈ વ્યક્તિ તમને અદાલતમાં લઈ જઈને તમારો અંદરનો ઝભ્ભો લેવા માંગે, તો તમારો બહારનો ઝભ્ભો પણ તેને આપી દો.+ ૪૧ જો કોઈ અધિકારી તમને બળજબરીથી એક કિલોમીટર લઈ જાય, તો તેની સાથે બે કિલોમીટર જાઓ. ૪૨ જો કોઈ તમારી પાસે કંઈ માંગે, તો તેને આપો. જો કોઈ તમારી પાસે ઉછીનું* લેવા આવે તો તેનાથી મોં ન ફેરવો.+
૪૩ “જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે: ‘તમે પોતાના પડોશી* પર પ્રેમ રાખો+ અને દુશ્મનને નફરત કરો.’ ૪૪ પણ હું તમને કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો+ અને જેઓ તમારી સતાવણી કરે છે, તેઓ માટે પ્રાર્થના કરતા રહો.+ ૪૫ આ રીતે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરાઓ બનશો,+ કેમ કે તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે. તે નેક* અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે.+ ૪૬ જેઓ તમને પ્રેમ કરે છે, તેઓને જ તમે પ્રેમ કરો તો તમને શું ફાયદો?+ શું કર ઉઘરાવનારા પણ એવું જ નથી કરતા? ૪૭ જો તમે ફક્ત પોતાના ભાઈઓને જ સલામ કરો, તો એમાં શું મોટી વાત? શું બીજી પ્રજાના લોકો પણ એવું જ નથી કરતા? ૪૮ એટલે જેમ સ્વર્ગમાંના તમારા પિતા સંપૂર્ણ છે, તેમ તમે પણ સંપૂર્ણ થાઓ.+