રોમનોને પત્ર
૮ જેઓ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે, તેઓ સજાને લાયક નથી. ૨ કેમ કે પવિત્ર શક્તિનો નિયમ ખ્રિસ્ત ઈસુ દ્વારા જીવન આપે છે. એ નિયમે તમને પાપ અને મરણના નિયમથી મુક્ત કર્યા છે.+ ૩ મનુષ્યો કમજોર અને પાપી છે, એટલે નિયમશાસ્ત્ર તેઓને પૂરી રીતે આઝાદ કરી શકતું ન હતું.+ નિયમશાસ્ત્ર જે ન કરી શક્યું+ એ ઈશ્વરે કર્યું. તેમણે પાપ દૂર કરવા પોતાના દીકરાને મનુષ્ય તરીકે* મોકલ્યો.+ આમ, ઈશ્વરે શરીરમાં રહેલા પાપને દોષિત ઠરાવ્યું. ૪ હવે આપણે નિયમશાસ્ત્રમાં જણાવેલાં ન્યાયી* ધોરણો પ્રમાણે ચાલી શકીએ છીએ.+ કેમ કે આપણે શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે નહિ, પણ પવિત્ર શક્તિ* પ્રમાણે ચાલીએ છીએ.+ ૫ જેઓ શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવે છે, તેઓ પોતાનું મન શરીરની વાતો પર લગાડે છે.+ પણ જેઓ પવિત્ર શક્તિ પ્રમાણે જીવે છે, તેઓ પોતાનું મન પવિત્ર શક્તિની વાતો પર લગાડે છે.+ ૬ શરીરની ઇચ્છાઓ પર મન લગાડવાનો અર્થ થાય મરણ,+ પણ પવિત્ર શક્તિ પર મન લગાડવાનો અર્થ થાય જીવન અને શાંતિ.+ ૭ શરીરની ઇચ્છાઓ પર મન લગાડવું એ ઈશ્વર સાથે દુશ્મની છે.+ એ ઇચ્છાઓ ઈશ્વરના નિયમને આધીન નથી અને થઈ શકતી પણ નથી. ૮ જેઓ શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે ચાલે છે, તેઓ કદી ઈશ્વરને ખુશ કરી શકતા નથી.
૯ પણ જો ઈશ્વરની શક્તિ સાચે જ તમારામાં હોય, તો તમે શરીરની ઇચ્છાઓ પ્રમાણે નહિ પણ પવિત્ર શક્તિ પ્રમાણે ચાલો છો.+ જો કોઈ માણસમાં ખ્રિસ્તનો સ્વભાવ ન હોય, તો તે ખ્રિસ્તનો નથી. ૧૦ પણ જો ખ્રિસ્ત તમારી સાથે એકતામાં હોય,+ તો ભલે પાપને લીધે તમારું શરીર મરેલું હોય, છતાં તમે નેક ગણાયા હોવાથી પવિત્ર શક્તિ તમને જીવન આપે છે. ૧૧ ઈશ્વરની શક્તિએ ઈસુને મરણમાંથી ઉઠાડ્યા.+ જો તેમની શક્તિ તમારામાં હશે, તો ખ્રિસ્ત ઈસુને મરણમાંથી ઉઠાડનાર ઈશ્વર તમારાં નાશવંત શરીરોને પણ પોતાની શક્તિથી જીવતાં કરશે.+
૧૨ તેથી ભાઈઓ, આપણે શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે જીવવાની જરૂર નથી.+ ૧૩ જો તમે શરીરની ઇચ્છાઓ પ્રમાણે જીવશો, તો ચોક્કસ મરશો. પણ જો પવિત્ર શક્તિની મદદથી શરીરનાં પાપી કામોને મારી નાખશો,+ તો તમે જીવશો.+ ૧૪ કેમ કે જેઓ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે, તેઓ સાચે જ ઈશ્વરના દીકરાઓ છે.+ ૧૫ પવિત્ર શક્તિ તમને ગુલામ બનાવતી નથી કે તમારામાં ડર પેદા કરતી નથી. એ શક્તિ તો આપણને ઈશ્વરના દત્તક દીકરાઓ બનાવે છે. ઈશ્વરની શક્તિને લીધે આપણે પોકારી ઊઠીએ છીએ: “અબ્બા,* પિતા!”+ ૧૬ પવિત્ર શક્તિ પોતે આપણાં દિલમાં સાક્ષી પૂરે છે+ કે આપણે ઈશ્વરનાં બાળકો છીએ.+ ૧૭ જો આપણે બાળકો હોઈએ તો વારસ પણ છીએ, ઈશ્વરના વારસ. આપણે ખ્રિસ્ત સાથે વારસાના ભાગીદાર છીએ.+ જો તેમની સાથે સહન કરીશું,+ તો આપણે તેમની સાથે મહિમા પણ મેળવીશું.+
૧૮ મને લાગે છે કે આપણા દ્વારા જે મહિમા જાહેર થશે, એની સરખામણીમાં અત્યારની તકલીફો તો કંઈ જ નથી.+ ૧૯ આખી સૃષ્ટિ આતુરતાથી ઈશ્વરના દીકરાઓના પ્રગટ થવાની રાહ જુએ છે.+ ૨૦ સૃષ્ટિ આશા વગરના ભાવિને* આધીન થવા માંગતી ન હતી,+ છતાં ઈશ્વરે એમ થવા દીધું. જ્યારે ઈશ્વરે એને આધીન કરી, ત્યારે તેમણે આપણને આશા આપી. ૨૧ તે જાણતા હતા કે સૃષ્ટિ પોતે પણ વિનાશની ગુલામીમાંથી આઝાદ થશે+ અને ઈશ્વરનાં બાળકોની ભવ્ય આઝાદી મેળવશે. ૨૨ કેમ કે આપણે જાણીએ છીએ કે આખી સૃષ્ટિ નિસાસા નાખી રહી છે અને અત્યાર સુધી પીડા ભોગવી રહી છે. ૨૩ પણ આપણને પવિત્ર શક્તિ મળી છે, જે આવનાર બાબતોની ઝલક છે.* આપણે પોતાનાં હૃદયોમાં નિસાસા નાખીએ છીએ+ અને સાથે સાથે આતુરતાથી રાહ જોઈએ છીએ કે ઈશ્વર આપણને દીકરાઓ તરીકે દત્તક લે.+ એ સમયે છુટકારાની કિંમત ચૂકવીને આપણને પોતાના શરીરથી મુક્ત કરવામાં આવશે. ૨૪ જ્યારે આપણને છોડાવવામાં આવ્યા, ત્યારે આપણને એ આશા મળી. જે આશા નજરે દેખાય છે, એ આશા નથી. જો માણસ કંઈ જોતો હોય, તો શું તે એની આશા રાખશે? ૨૫ પણ આપણે જે જોતા નથી+ એની આશા રાખીએ+ છીએ ત્યારે, ધીરજ રાખીને આતુરતાથી એની રાહ જોઈએ છીએ.+
૨૬ એવી જ રીતે, આપણી નબળાઈઓમાં પવિત્ર શક્તિ આપણને મદદ કરે છે,+ કેમ કે મુશ્કેલી એ છે કે જરૂર હોય ત્યારે પ્રાર્થનામાં શું કહેવું એ આપણે જાણતા નથી. જ્યારે આપણી પાસે પોતાની લાગણી* ઠાલવવા શબ્દો હોતા નથી, ત્યારે પવિત્ર શક્તિ આપણા માટે અરજ કરે છે. ૨૭ ઈશ્વર આપણાં હૃદયો પારખે છે+ અને પવિત્ર શક્તિની અરજ સમજે છે, કેમ કે એ શક્તિ પવિત્ર લોકો માટે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અરજ કરે છે.
૨૮ આપણે જાણીએ છીએ કે ઈશ્વર પોતાનાં બધાં કામોને સુમેળમાં રાખે છે. એનાથી તેમને પ્રેમ કરનાર લોકોનું અને તેમના હેતુ પ્રમાણે પસંદ કરાયેલા લોકોનું ભલું થાય છે.+ ૨૯ ઈશ્વરે પહેલા એ લોકો પર ધ્યાન આપ્યું અને તેઓ માટે અગાઉથી નક્કી કર્યું કે તેઓ તેમના દીકરા જેવા થાય.+ એ રીતે, તેમનો દીકરો ઘણા ભાઈઓમાં+ પ્રથમ જન્મેલો* થાય.+ ૩૦ પછી તેમણે પસંદ કરેલાઓને બોલાવ્યા.+ તેઓને તેમણે નેક ઠરાવ્યા.+ છેવટે જેઓને તેમણે નેક ઠરાવ્યા, તેઓને તેમણે મહિમા પણ આપ્યો.+
૩૧ આ બધા વિશે આપણે શું કહીશું? જો ઈશ્વર આપણી સાથે હોય, તો આપણી સામે કોણ થઈ શકે?+ ૩૨ તેમણે પોતાનો દીકરો પાછો રાખ્યો નહિ અને આપણા બધા માટે તેને મરણને સોંપી દીધો.+ તો શું એ દીકરાની સાથે સાથે તે આપણને બીજું બધું પણ નહિ આપે? ૩૩ ઈશ્વરના પસંદ કરેલા લોકો પર કોણ આરોપ મૂકી શકે?+ તેઓને તો ઈશ્વર પોતે નેક ઠરાવે છે.+ ૩૪ તેઓને કોણ દોષિત ઠરાવી શકે? કોઈ નહિ. ખ્રિસ્ત ઈસુ તેઓ માટે મરી ગયા અને તેમને મરણમાંથી ઉઠાડવામાં પણ આવ્યા. હમણાં તે ઈશ્વરના જમણા હાથે છે+ અને આપણા માટે અરજ કરી રહ્યા છે.+
૩૫ શું ખ્રિસ્તના પ્રેમથી કોઈ આપણને જુદા પાડી શકે?+ શું સંકટ કે વેદના કે સતાવણી કે ભૂખ કે નગ્નતા કે જોખમ કે તલવાર આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા પાડી શકે?+ ૩૬ શાસ્ત્ર કહે છે: “તમારા લીધે અમને રોજ મોતને ઘાટ ઉતારવામાં આવે છે. કતલ થવાનાં ઘેટાં જેવા અમે ગણાઈએ છીએ.”+ ૩૭ પણ જે આપણને પ્રેમ કરે છે, તેમના દ્વારા આપણે એ બધામાં પૂરેપૂરી જીત મેળવીએ છીએ.+ ૩૮ મને પૂરી ખાતરી છે કે મરણ કે જીવન કે દૂતો* કે સરકારો કે હાલની વસ્તુઓ કે આવનાર વસ્તુઓ કે તાકાત+ ૩૯ કે ઊંચાઈ કે ઊંડાઈ કે સૃષ્ટિની કોઈ પણ વસ્તુ આપણને ઈશ્વરના પ્રેમથી જુદા પાડી શકશે નહિ, જે પ્રેમ આપણા માલિક, ખ્રિસ્ત ઈસુમાં છે.