બાઇબલ શબ્દસૂચિ
અ આ ઇ ઈ ઉ ઊ એ ક ખ ગ ઘ ચ છ જ ઝ ડ ત દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ હ
અ
અખાયા.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, દક્ષિણ ગ્રીસમાં આવેલો રોમન પ્રદેશ, જેની રાજધાની કોરીંથ હતી. અખાયામાં આખા પેલ્લોપોનીઝનો અને ગ્રીસ ખંડના વચ્ચેના ભાગનો સમાવેશ થાય છે.—પ્રેકા ૧૮:૧૨.
અગ્નિ-અર્પણ.
યહોવાને અર્પણ તરીકે વેદી પર બાળવામાં આવતું પ્રાણીનું બલિદાન, જે ભક્તિ કરનારે આખું ચઢાવવાનું હતું; પ્રાણીનો (બળદ, ઘેટો, બકરો, હોલો કે કબૂતરનો) કોઈ પણ ભાગ પોતાની પાસે રાખવાનો ન હતો.—નિર્ગ ૨૯:૧૮; લેવી ૬:૯; માર્ક ૧૨:૩૩; હિબ્રૂ ૧૦:૬.
અગ્નિનું સરોવર.
‘અગ્નિ અને ગંધકથી બળતી’ સાંકેતિક જગ્યા, જેને “બીજું મરણ” પણ કહેવામાં આવે છે. પસ્તાવો ન કરનારા પાપીઓને, શેતાનને, અરે મરણ તથા કબરને (અથવા, હાડેસને) પણ એમાં નાખવામાં આવશે. દુષ્ટ દૂત તેમજ મરણ અને કબરને પણ એમાં નાખવામાં આવશે, જેઓ પર અગ્નિની કોઈ અસર થઈ શકતી નથી. એ બતાવે છે કે આ સરોવર કાયમી રિબામણીની નહિ, પણ કાયમી વિનાશની નિશાની છે.—પ્રક ૧૯:૨૦; ૨૦:૧૪, ૧૫; ૨૧:૮.
અપાર કૃપા.
ગ્રીક શબ્દનો મુખ્ય વિચાર છે કે, યોગ્ય હોય એવું અને પસંદ પડે એવું. મોટા ભાગે આ શબ્દ ભેટ અથવા પ્રેમથી કંઈક આપવાને રજૂ કરવા વપરાય છે. ઈશ્વરની અપાર કૃપાની વાત થાય ત્યારે, એ શબ્દ કંઈ પણ પાછું મેળવવાના ઇરાદા વગર ઈશ્વરે ઉદારતાથી આપેલી ભેટને બતાવે છે. આમ, ઈશ્વરે મનુષ્યો માટે બતાવેલી ઉદારતા, પુષ્કળ પ્રેમ અને દયાને આ શબ્દ રજૂ કરે છે. ગ્રીક શબ્દ માટે “કૃપા,” “દયા” અને “ઉદાર ભેટ” જેવા શબ્દો પણ વાપરવામાં આવ્યા છે. કમાણી તરીકે અને લાયકાતને આધારે એ આપવામાં આવતી નથી, પણ એ ફક્ત આપનારની ઉદારતા પર આધારિત છે.—૨કો ૬:૧; એફે ૧:૭.
અભિષિક્ત કરવું.
હિબ્રૂ શબ્દનો અર્થ થાય, “પ્રવાહી લગાડવું.” ખાસ સેવા માટે પસંદ કરેલી છે, એમ બતાવવા વ્યક્તિ કે વસ્તુ પર તેલ લગાડવામાં આવતું હતું. સ્વર્ગની આશા માટે પસંદ કરાયેલાઓ પર પવિત્ર શક્તિ રેડાય, એ દર્શાવવા પણ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં આ શબ્દ વપરાયો છે.—નિર્ગ ૨૮:૪૧; ૧શ ૧૬:૧૩; લુક ૪:૧૮; પ્રેકા ૧૦:૩૮; ૨કો ૧:૨૧.
અરામિક.
હિબ્રૂ ભાષા જેવી જ એક ભાષા, જેમાં હિબ્રૂ મૂળાક્ષરો વપરાતા. શરૂઆતમાં એ ભાષા અરામી લોકો બોલતા હતા, પણ પછીથી અસારિયા અને બાબેલોન જગત સત્તાના સમયમાં એ વેપાર અને વાતચીત માટે આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ. ઈરાન જગત સત્તાના સમયમાં એ વહીવટી ભાષા હતી. (એઝ ૪:૭) એઝરા, યર્મિયા અને દાનીયેલના પુસ્તકોનો કેટલોક ભાગ અરામિક ભાષામાં લખાયો હતો. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં અમુક અરામિક શબ્દો વાપરવામાં આવ્યા છે.—એઝ ૪:૮–૬:૧૮; ૭:૧૨-૨૬; યિર્મે ૧૦:૧૧; દા ૨:૪ખ–૭:૨૮; માર્ક ૧૪:૩૬; પ્રેકા ૯:૩૬.
અરિયોપગસ.
એક્રોપોલિસની ઉત્તર-પશ્ચિમે એથેન્સમાં આવેલી એક ઊંચી ટેકરી. ત્યાં ભરવામાં આવતી અદાલતનું નામ પણ એ જ હતું. સ્ટોઈક અને એપિક્યૂરી પંથોના ફિલસૂફો પાઊલને તેમની માન્યતા વિશે જણાવવા અરિયોપગસ લાવ્યા હતા.—પ્રેકા ૧૭:૧૯.
અર્પણ માટેની રોટલીઓ.
મંડપના અને મંદિરના પવિત્ર સ્થાનની મેજ પર મૂકેલી બાર રોટલીઓ, જે છ-છની બે થપ્પીઓમાં હતી. એ ‘અર્પિત રોટલી’ પણ કહેવાતી. ઈશ્વરને કરાતા આ અર્પણ માટે દર સાબ્બાથે તાજી રોટલી મૂકવામાં આવતી. ત્યાંથી લઈ લીધેલી જૂની રોટલી સામાન્ય રીતે ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.—૨કા ૨:૪; નિર્ગ ૨૫:૩૦; લેવી ૨૪:૫-૯; માથ ૧૨:૪; હિબ્રૂ ૯:૨.
અશુદ્ધ.
અંગરક્ષકો.
રોમન સમ્રાટનું રક્ષણ કરવા માટે નિમણૂક થયેલા સૈનિકોનું જૂથ. સમ્રાટને ટેકો આપવા કે ઉથલાવી પાડવામાં, એ સૈનિકો રાજકીય રીતે મોટો ભાગ ભજવતા હતા.—ફિલિ ૧:૧૩.
આ
આઝાદ માણસ; આઝાદ થયેલો માણસ.
રોમન રાજમાં “આઝાદ માણસ” એ હતો, જે જન્મથી આઝાદ હોય અને નાગરિકતાના પૂરા હક ધરાવતો હોય. બીજી બાજુ, “આઝાદ થયેલો માણસ” એ હતો, જેને ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યો હોય. તેને રોમન નાગરિકતા તો મળતી, પણ તે રાજકીય પદવી મેળવી શકતો નહિ. આમ જ મુક્ત થયેલો માણસ ગુલામીમાંથી આઝાદ તો થતો, પણ તેને પૂરેપૂરા હક મળતા નહિ.—૧કો ૭:૨૨.
આમેન.
“એમ થાઓ” અથવા “ચોક્કસ.” આ હિબ્રૂ શબ્દ એમેન પરથી આવ્યો છે, જેનો અર્થ થાય, “વિશ્વાસુ, ભરોસાપાત્ર હોવું.” શપથ, પ્રાર્થના કે વાક્યમાં સહમતી બતાવવા “આમેન” બોલવામાં આવતું. પ્રકટીકરણમાં, એ ખિતાબ તરીકે ઈસુ માટે વપરાયો છે.—પુન ૨૭:૨૬; ૧કા ૧૬:૩૬; રોમ ૧:૨૫; પ્રક ૩:૧૪.
આર.
ધાતુની અણીવાળી લાંબી લાકડી, જે ખેડૂતો જાનવરને ઘોંચવા વાપરતા. આરને સમજુ માણસના શબ્દો સાથે સરખાવી છે, જે સાંભળનારને એ સારી સલાહ પ્રમાણે કરવા પ્રેરે છે. ‘આરને લાત મારવી’ એ એવા અડિયલ આખલા પરથી ઊતરી આવ્યું છે, જે પોતાને આર ન વાગે માટે એને લાત મારે છે, પણ એનાથી તો એને પોતાને જ ઈજા પહોંચે છે.—પ્રેકા ૨૬:૧૪; ન્યા ૩:૩૧.
આર્માગેદન.
હિબ્રૂ શબ્દ હાર-માગેદોન પરથી ઊતરી આવેલો શબ્દ, જેનો અર્થ થાય, “મગિદ્દોનો પહાડ.” એ શબ્દ “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” સાથે જોડાયેલો છે, જ્યારે યહોવા સામે યુદ્ધ કરવા “પૃથ્વીના રાજાઓ” ભેગા થશે. (પ્રક ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૧-૨૧)—મહાન વિપત્તિ જુઓ.
આલ્ફા અને ઓમેગા.
આસિયા.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એ રોમન પ્રદેશને દર્શાવે છે, જેમાં આજના તુર્કીનો પશ્ચિમ ભાગ અને સામોસ તેમજ પાત્મસ જેવા કેટલાક ટાપુઓનો સમાવેશ થતો હતો. એની રાજધાની એફેસસ હતી.—પ્રેકા ૨૦:૧૬; પ્રક ૧:૪.
આંગણું.
મંડપની આજુબાજુનો ખુલ્લો વિસ્તાર, જેની ફરતે પડદા હતા. પછીથી, મંદિરની મુખ્ય ઇમારતની આસપાસનો ખુલ્લો વિસ્તાર જેની ફરતે દીવાલ હતી. અગ્નિ-અર્પણો માટેની વેદી મંડપના આંગણામાં અને મંદિરના અંદરના આંગણામાં હતી. બાઇબલમાં ઘરો અને મહેલોનાં આંગણાઓનો પણ ઉલ્લેખ થયો છે.—નિર્ગ ૮:૧૩; ૨૭:૯; ૧રા ૭:૧૨; માથ ૨૬:૩; માર્ક ૧૫:૧૬; પ્રક ૧૧:૨.
ઇ
ઇઝરાયેલ.
ઈશ્વરે યાકૂબને આપેલું નામ. પછીથી, તેમના બધા વંશજો સમૂહ તરીકે એ નામથી ઓળખાયા. યાકૂબના ૧૨ દીકરાઓના વંશજો ઘણી વાર ઇઝરાયેલના દીકરાઓ, ઇઝરાયેલનું ઘર, ઇઝરાયેલના લોકો (માણસો) કે પછી ઇઝરાયેલીઓ કહેવાયા. દક્ષિણના રાજ્યથી છૂટું પડેલું, દસ કુળનું ઉત્તરનું રાજ્ય પણ ઇઝરાયેલ કહેવાતું. સમય જતાં, અભિષિક્ત ખ્રિસ્તીઓ માટે “ઈશ્વરનું ઇઝરાયેલ” નામ વપરાયું.—ગલા ૬:૧૬; ઉત ૩૨:૨૮; પ્રેકા ૪:૧૦; રોમ ૯:૬.
ઈ
ઈલુરીકમ.
ગ્રીસની ઉત્તર-પશ્ચિમે આવેલો રોમન પ્રાંત. પાઊલે અહીં સુધી પ્રચાર માટે મુસાફરી કરી હતી, પણ એ જણાવાયું નથી કે પાઊલે ઈલુરીકમમાં પ્રચાર કર્યો હતો કે ફક્ત ત્યાં સુધી જ પહોંચ્યા હતા.—રોમ ૧૫:૧૯.
ઈશ્વર માટેનો ભક્તિભાવ.
ઈશ્વર વિરુદ્ધ બળવો.
ગ્રીક શબ્દ (અપોસ્ટેસિયા) જે ક્રિયાપદ પરથી આવે છે, એનો અર્થ થાય, “થી દૂર ઊભા રહેવું.” વ્યાકરણ પ્રમાણે એમાં “છોડી દેવું, ત્યાગ કરવો કે બળવો કરવો,” જેવા અર્થનો સમાવેશ થાય છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, મોટા ભાગે જેઓ સાચી ભક્તિનો ત્યાગ કરે છે, તેઓ માટે એ વપરાય છે.—નીતિ ૧૧:૯; પ્રેકા ૨૧:૨૧; ૨થે ૨:૩.
ઈશ્વરનું રાજ્ય.
ઈશ્વર જ આખા વિશ્વના માલિક છે, એવું બતાવવા આ શબ્દો વપરાયા છે; તેમના દીકરા, ખ્રિસ્ત ઈસુની રાજવી સરકાર દ્વારા એ રજૂ કરવામાં આવ્યું છે.—માથ ૧૨:૨૮; લુક ૪:૪૩; ૧કો ૧૫:૫૦.
ઉ
ઉપવાસ.
એક મર્યાદિત સમય માટે કોઈ પણ ખોરાક ન ખાવો. ઇઝરાયેલીઓ પ્રાયશ્ચિત્તના દિવસે, આપત્તિના સમયે અને ઈશ્વરનું માર્ગદર્શન જોઈતું હોય ત્યારે ઉપવાસ કરતા. યહુદીઓના ઇતિહાસમાં આવેલી ચાર આફતોને યાદ રાખવા, તેઓએ વર્ષમાં ચાર ઉપવાસ કરવાનું ઠરાવ્યું હતું. ખ્રિસ્તીઓ માટે ઉપવાસ જરૂરી નથી.—એઝ ૮:૨૧; યશા ૫૮:૬; માથ ૪:૨; ૯:૧૪; લુક ૧૮:૧૨; પ્રેકા ૧૩:૨, ૩; ૨૭:૯.
ઊ
ઊંડાણ.
ગ્રીક શબ્દ અબયસોસમાંથી. એનો અર્થ થાય, “એકદમ ઊંડું” કે “માપી ન શકાય એવું, હદ વગરનું.” ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એનો ઉપયોગ જગ્યા કે કેદની સ્થિતિ બતાવવા થાય છે. એના અર્થમાં કબરનો સમાવેશ થાય છે, પણ એટલા પૂરતો જ મર્યાદિત નથી.—લુક ૮:૩૧; રોમ ૧૦:૭; પ્રક ૨૦:૩.
એ
એપિક્યૂરી ફિલસૂફો.
એપિક્યૂરસ (ઈ.સ. પૂર્વે ૩૪૧-૨૭૦) નામના ગ્રીક ફિલસૂફના અનુયાયીઓ. તેઓની ફિલસૂફી એવા વિચાર પર આધારિત હતી કે આનંદ મેળવવો, એ જ જીવનનો એકમાત્ર હેતુ છે.—પ્રેકા ૧૭:૧૮.
ક
કટારધારી માણસો.
ઈસવીસન પહેલી સદીના યહુદી રાજકીય ઝનૂની દળના સભ્યો, જેઓ પોતાના રાજકીય વિરોધીઓની કતલ કરતા.—પ્રેકા ૨૧:૩૮.
કડવો છોડ.
ખૂબ જ કડવો સ્વાદ અને તીવ્ર સુગંધવાળા અલગ અલગ છોડ માટે આ શબ્દ વપરાયો છે. પ્રકટીકરણ ૮:૧૧માં, “કડવો છોડ” કડવા અને ઝેરી પદાર્થને લાગુ પડે છે, જેને કડવા સ્વાદવાળો દારૂ પણ કહેવામાં આવે છે.
કબર.
એ મનુષ્યની કબરને બતાવે છે; એના માટે હિબ્રૂ શબ્દ “શેઓલ” અને ગ્રીક શબ્દ “હાડેસ” વપરાયો છે. બાઇબલમાં, એ સાંકેતિક જગ્યા કે સ્થિતિને રજૂ કરે છે, જ્યાં મોટા ભાગના મનુષ્યો મરણની ઊંઘમાં સૂઈ ગયા છે. (ઉત ૩૫:૨૦; સભા ૯:૧૦; માથ ૨૭:૬૧; પ્રેકા ૨:૩૧) ગ્રીક શબ્દ નીમીઓન માટે પણ “કબર” શબ્દ અનુવાદ થયો છે. એ ગ્રીક શબ્દ “યાદ કરવું” ક્રિયાપદ પરથી આવેલો છે, જે બતાવે છે કે મરણ પામેલી વ્યક્તિને યાદ રાખવામાં આવે છે.—યોહ ૫:૨૮, ફૂટનોટ; પ:૨૯.
કરાર.
ઈશ્વર અને માણસો વચ્ચે કે માણસોના બે પક્ષો વચ્ચે કોઈ કામ કરવા કે ન કરવા માટે બોલીને કે લખીને કરવામાં આવતો કરાર. કેટલીક વાર ફક્ત એક પક્ષ શરતો પ્રમાણે કરવા જવાબદાર હતો (એકતરફી કરાર, ખાસ કરીને વચન). કેટલીક વાર બંને પક્ષોએ શરતો પ્રમાણે કરવાનું હતું (બંને પક્ષે કરાર). ઈશ્વરે માણસો સાથે કરેલા કરાર સિવાય, બાઇબલમાં માણસો વચ્ચે, જાતિઓ વચ્ચે, પ્રજાઓ વચ્ચે કે લોકોના જૂથો વચ્ચે થતા કરારનો પણ ઉલ્લેખ થયો છે. ઘણા મહત્ત્વના કરારોમાં, ઈબ્રાહીમ, દાઊદ, ઇઝરાયેલી પ્રજા (નિયમ કરાર) અને ઈશ્વરના ઇઝરાયેલ (નવો કરાર) સાથે ઈશ્વરે કરેલા કરારોનો સમાવેશ થાય છે.—ઉત ૯:૧૧; ૧૫:૧૮; ૨૧:૨૭; નિર્ગ ૨૪:૭; ૨કા ૨૧:૭; લુક ૨૨:૨૯; પ્રેકા ૩:૨૫; ૨કો ૩:૬; હિબ્રૂ ૮:૬.
કરારકોશ.
સોનાથી મઢેલી બાવળના લાકડાની પેટી. એ પેટી મંડપના પરમ પવિત્ર સ્થાનમાં રાખવામાં આવતી. પછીથી, સુલેમાને બંધાવેલા મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં મૂકવામાં આવી. એનું ઢાંકણ નક્કર સોનાનું હતું, જેના પર બે કરૂબો હતા, જેઓના ચહેરા સામસામે હતા. એમાં ખાસ કરીને દસ આજ્ઞાઓની બે શિલાપાટીઓ હતી.—પુન ૩૧:૨૬; ૧રા ૬:૧૯; હિબ્રૂ ૯:૪.
કરારકોશનું ઢાંકણ.
પ્રમુખ યાજક પ્રાયશ્ચિત્તના દિવસે પાપ માટે કરાયેલાં અર્પણોનું લોહી, જે કરારકોશ આગળ છાંટતા એનું ઢાંકણ. હિબ્રૂ શબ્દ જે મૂળ ક્રિયાપદમાંથી આવે છે, એનો અર્થ થાય, “(પાપ) ઢાંકવું” અથવા કદાચ “(પાપ) ભૂંસી નાખવું.” એ સોનાનું બનેલું હતું, જેના બંને છેડા પર એક-એક કરૂબો મઢેલા હતા. અમુક વાર એને ફક્ત “ઢાંકણ” કહેવામાં આવે છે.—નિર્ગ ૨૫:૧૭-૨૨; ૧કા ૨૮:૧૧; હિબ્રૂ ૯:૫.
કરૂબો.
ખાસ સેવા કરવા ઊંચું પદ ધરાવતા દૂતો. તેઓ સરાફો કરતા અલગ છે.—ઉત ૩:૨૪; નિર્ગ ૨૫:૨૦; યશા ૩૭:૧૬; હિબ્રૂ ૯:૫.
કાઈસાર.
રોમન અટક, જે રોમન સમ્રાટોનું બિરુદ બની ગઈ. ઑગસ્તસ, તિબેરિયસ અને ક્લોદિયસને બાઇબલમાં નામથી સંબોધવામાં આવ્યા છે. જોકે, નીરોને નામથી સંબોધવામાં આવ્યો નથી, છતાં એ બિરુદ તેને પણ લાગુ પડે છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં “કાઈસાર” કે “સમ્રાટ”નો ઉલ્લેખ સત્તા અથવા રાજ્યને દર્શાવે છે.—માર્ક ૧૨:૧૭; પ્રેકા ૨૫:૧૨.
કુંભાર.
કોર.
કોરડા મારવા.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, આ શબ્દ ગાંઠોવાળા ચાબુક કે કાંટાળા ચાબુકથી મારવામાં આવતા માર માટે વપરાયો છે.—યોહ ૧૯:૧.
ખ
ખમીર.
લોટમાં કે પછી પ્રવાહીમાં આથો લાવવા ઉમેરાતો પદાર્થ; ખાસ કરીને, આથો ચડેલા લોટમાંથી બચાવેલો અમુક ભાગ. બાઇબલમાં, ખમીર ઘણી વાર પાપ અને ભ્રષ્ટતાને રજૂ કરે છે. એ છૂપી રીતે અને દૂર દૂર સુધી થતા વધારાને પણ બતાવે છે.—નિર્ગ ૧૨:૨૦; માથ ૧૩:૩૩; ગલા ૫:૯.
ખાલ્દીઓ.
યુફ્રેટિસ અને તીગ્રિસ નદીઓના મુખપ્રદેશમાં રહેતા લોકો. પહેલાંના સમયમાં ખાલ્દીઓના દેશમાં સૌથી મહત્ત્વનું શહેર ઉર હતું, જે ઈબ્રાહીમનું વતન હતું.—પ્રેકા ૭:૪.
ખુશખબર.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, એ ખુશખબર ઈશ્વરના રાજ્ય વિશેના અને ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકવાથી મળતા તારણ વિશેના સારા સમાચારને દર્શાવે છે.—લુક ૪:૧૮, ૪૩; પ્રેકા ૫:૪૨; પ્રક ૧૪:૬.
ખૂણાનો પથ્થર.
ઇમારતની બે દીવાલો ભેગી થાય એ ખૂણે મૂકેલો પથ્થર, જે જોડવા અને ટકાવી રાખવા બહુ જરૂરી છે. પાયાના ખૂણાનો પથ્થર એ ખૂણાનો મુખ્ય પથ્થર હતો. જાહેર ઇમારતો અને શહેરની દીવાલો માટે ખાસ મજબૂત પથ્થર પસંદ કરવામાં આવતો. એ શબ્દનો સાંકેતિક ઉપયોગ પૃથ્વીનો પાયો નંખાયો, એ દર્શાવવા માટે થયો છે. ઉપરાંત, ઈસુને ખ્રિસ્તી મંડળના “પાયાના ખૂણાનો પથ્થર” ગણવામાં આવ્યા છે, જેને ભક્તિ માટેના ઘરની સાથે સરખાવાય છે.—એફે ૨:૨૦; અયૂ ૩૮:૬.
ખ્રિસ્ત.
ગ્રીક શબ્દ ખ્રિસ્તોસમાંથી આવેલું ઈસુનું બિરુદ. એનો અર્થ હિબ્રૂ શબ્દના ભાષાંતર “મસીહ” અથવા “અભિષિક્ત કરેલા” જેવો જ થાય છે.—માથ ૧:૧૬; યોહ ૧:૪૧.
ખ્રિસ્ત-વિરોધી.
શાસ્ત્રવચનોમાં, ખ્રિસ્તની વિરુદ્ધમાં હોય તેઓ માટે આ શબ્દો વપરાયા છે. ખ્રિસ્ત બનીને આવેલા ખોટા ખ્રિસ્ત માટે પણ આ શબ્દો વપરાય શકે. ખ્રિસ્તના પ્રતિનિધિ હોવાનો ખોટો દાવો કરનાર કે મસીહ હોવાનો દાવો કરનાર લોકો, સંસ્થા કે જૂથને એ લાગુ પડે છે. ઉપરાંત, ખ્રિસ્ત અને તેમના શિષ્યોનો વિરોધ કરનારને સાચે જ ખ્રિસ્ત-વિરોધી કહી શકાય.—૧યો ૨:૨૨.
ખ્રિસ્તી.
ઈસુ ખ્રિસ્તને પગલે ચાલનારાઓને ઈશ્વરે આપેલું નામ.—પ્રેકા ૧૧:૨૬; ૨૬:૨૮.
ગ
ગીત.
ઈશ્વરની સ્તુતિ માટેનું ગીત. આ ગીતો સંગીત પ્રમાણે રચવામાં આવતાં અને ઈશ્વરભક્તો એ ગાતા; યરૂશાલેમના મંદિરમાં લોકો ભેગા મળીને યહોવા ઈશ્વરની ભક્તિ કરતા ત્યારે પણ એ ગીતો ગવાતાં.—લુક ૨૦:૪૨; પ્રેકા ૧૩:૩૩; યાકૂ ૫:૧૩.
ગેહેન્ના.
હિન્નોમની ખીણનું ગ્રીક નામ, જે પ્રાચીન યરૂશાલેમની દક્ષિણ-પશ્ચિમમાં આવેલી હતી. (યિર્મે ૭:૩૧) ભવિષ્યવાણીઓમાં એનો ઉલ્લેખ એવી જગ્યા માટે થયો છે, જ્યાં શબ ફેંકવામાં આવતાં હતાં. (યિર્મે ૭:૩૨; ૧૯:૬) એવો કોઈ પુરાવો નથી કે માણસો કે પશુઓને બાળવા કે રિબાવવા માટે ગેહેન્નામાં જીવતા નાખવામાં આવ્યા હોય. એટલે, આ જગ્યા એવી કોઈ અદૃશ્ય જગ્યાને રજૂ કરતી નથી, જ્યાં ગુજરી ગયેલાઓને હંમેશાં માટે સળગતી અગ્નિમાં રિબાવવામાં આવતા હોય. એના બદલે, ઈસુ અને તેમના શિષ્યોએ “બીજા મરણ”ની સજા દર્શાવવા ગેહેન્ના શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ થાય, હંમેશ માટેનો નાશ, સંપૂર્ણ વિનાશ.—પ્રક ૨૦:૧૪; માથ ૫:૨૨; ૧૦:૨૮.
ગ્રીક.
ઘ
ઘંટીનો મોટો પથ્થર.
અનાજ દળવાની ઘંટીનું ઉપરનું પડ. નીચેના પથ્થરમાં વચ્ચે ખૂંટો બેસાડવામાં આવતો હોવાથી, ઉપરનો પથ્થર એની આજુબાજુ ગોળ ફરી શકતો. બાઇબલ સમયમાં, મોટા ભાગનાં ઘરોમાં સ્ત્રીઓ આવી હાથ-ઘંટીઓ વાપરતી. કુટુંબ રોજની રોટલી મેળવવા ઘંટી પર આધાર રાખતું હતું. એટલે, મુસાનું નિયમશાસ્ત્ર ઘંટીને જપ્ત કરવા કે એના ઉપરના પથ્થરને ગીરવે મૂકવાની મનાઈ કરતું હતું. એવી જ બનાવટની મોટી ઘંટીઓ પ્રાણીઓ દ્વારા ફેરવવામાં આવતી.—પુન ૨૪:૬; માર્ક ૯:૪૨.
ચ
ચમત્કારો; શક્તિશાળી કાર્યો.
એવાં કાર્યો કે અસાધારણ ઘટનાઓ, જે માણસોની શક્તિ બહારનાં હોય અને અલૌકિક શક્તિ દ્વારા જ થતાં હોય. એના માટે બાઇબલમાં અમુક વાર “નિશાની” અને “અદ્ભુત કામ” જેવા એકસરખા શબ્દો પણ વપરાયા છે.—માથ ૧૧:૨૦; પ્રેકા ૪:૨૨; હિબ્રૂ ૨:૪.
ચામડાનો વીંટો.
લખાણ માટે તૈયાર કરાતું ઘેટા, બકરા કે વાછરડાનું ચામડું. એ પપાઈરસ કરતાં વધારે ટકાઉ હતું અને બાઇબલના વીંટાઓ માટે વપરાતું. પાઊલે તિમોથીને ચામડાના જે વીંટાઓ લાવવાની વિનંતી કરી, એ કદાચ હિબ્રૂ શાસ્ત્રવચનોના અમુક ભાગ હતા. મૃત સરોવરના અમુક વીંટાઓ પણ ચામડાના વીંટાઓ હતા.—૨તિ ૪:૧૩.
ચાંદરાત.
યહુદી કૅલેન્ડરના દરેક મહિનાનો પહેલો દિવસ. એ દિવસે લોકો ભેગા મળતા, મિજબાની કરતા અને ખાસ અર્પણો ચઢાવતા. પછીનાં વર્ષોમાં, એ દિવસ મહત્ત્વનો રાષ્ટ્રીય તહેવાર બની ગયો અને લોકો એ દિવસે કામ ન કરતા.—ગણ ૧૦:૧૦; ૨કા ૮:૧૩; કોલો ૨:૧૬.
ચિઠ્ઠીઓ નાખવી.
નિર્ણયો લેવા માટે કાંકરા કે પથ્થર કે લાકડાના નાના ટુકડા વાપરવામાં આવતા. એને કોઈ કપડા કે વાસણમાં ભેગા કરીને હલાવવામાં આવતા. જે પથ્થર કે લાકડાનો ટુકડો બહાર પડી જતો કે કાઢવામાં આવતો એ પસંદ થતો. ઘણી વાર એ નિર્ણય પ્રાર્થના કરીને લેવાતો.—માથ ૨૭:૩૫; પ્રેકા ૧:૨૬.
છ
છુટકારાની કિંમત.
ગુલામી, સજા, દુઃખ, પાપ કે કોઈ ફરજમાંથી મુક્ત થવા માટે આપવામાં આવતી કિંમત. એ કિંમત હંમેશાં પૈસાથી જ ચૂકવાતી ન હતી. (યશા ૪૩:૩) બીજા સંજોગોમાં પણ છુટકારાની કિંમત ચૂકવવી પડતી. દાખલા તરીકે, ઇઝરાયેલમાં પ્રથમ જન્મેલા બધા છોકરા અને નર પ્રાણીઓ યહોવાના હતા; તેઓ ફક્ત યહોવાની જ સેવા માટે હતા, તેઓને એમાંથી મુક્ત કરવા હોય તો, તેઓ માટે ખંડણી કે છુટકારાની કિંમત ચૂકવવી પડતી. (ગણ ૩:૪૫, ૪૬; ૧૮:૧૫, ૧૬) જો કોઈ જોખમી બળદને કાબૂમાં રાખ્યો ન હોય અને જો એ કોઈને મારી નાખે, તો તેના માલિકે એ બળદને મોતની સજા ન થાય એ માટે છુટકારાની કિંમત ચૂકવવી પડતી. (નિર્ગ ૨૧:૨૯, ૩૦) જોકે, જાણીજોઈને ખૂન કરનાર માટે છુટકારાની કિંમત સ્વીકારવામાં આવતી નહિ. (ગણ ૩૫:૩૧) બાઇબલ સૌથી મહત્ત્વની છુટકારાની કિંમત વિશે જણાવે છે, જે ખ્રિસ્તે પોતાના જીવનનું બલિદાન આપીને ચૂકવી છે. એનાથી આજ્ઞા પાળનારા મનુષ્યોને પાપ અને મરણના બંધનમાંથી છુટકારો મળે છે.—ગી ૪૯:૭, ૮; માથ ૨૦:૨૮; એફે ૧:૭.
છેલ્લા દિવસો.
બાઇબલની ભવિષ્યવાણીઓમાં આ અને એના જેવા બીજા શબ્દો વાપરવામાં આવ્યા છે, જેમ કે, ‘પાછલા દિવસો.’ એ એવા સમયને બતાવે છે, જ્યારે ઐતિહાસિક બનાવો એના અંતિમ ભાગમાં પહોંચશે. (હઝ ૩૮:૧૬; દા ૧૦:૧૪; પ્રેકા ૨:૧૭) છેલ્લા દિવસોનો સમયગાળો જુદી જુદી ભવિષ્યવાણીઓમાં અલગ અલગ હોય શકે, કોઈકમાં અમુક વર્ષો, તો કોઈકમાં ઘણાં વર્ષો. ખાસ કરીને બાઇબલ આ શબ્દોનો ઉપયોગ આ દુનિયાના ‘છેલ્લા દિવસો’ માટે કરે છે અને ત્યારે ઈસુની અદૃશ્ય હાજરીનો સમયગાળો ચાલતો હશે.—૨તિ ૩:૧; યાકૂ ૫:૩; ૨પી ૩:૩.
જ
જટામાંસી.
આછા લાલ રંગનું કીમતી સુગંધી તેલ, જે જટામાંસીના (નાર્ડોસ્ટેકિસ જટામાંસી ) છોડમાંથી બનાવવામાં આવતું. એ બહુ મોંઘું હોવાથી, ઘણી વાર એમાં સસ્તું તેલ ભેળવવામાં આવતું અને અમુક વાર નકલી તેલ બનાવવામાં આવતું. નોંધપાત્ર છે કે માર્ક અને યોહાને જણાવ્યા પ્રમાણે, ઈસુ માટે “અસલ જટામાંસીનું” તેલ વપરાયું હતું.—માર્ક ૧૪:૩; યોહ ૧૨:૩.
જાદુગર.
દુષ્ટ દૂતો પાસેથી મળતી શક્તિ વાપરનાર વ્યક્તિ.—પ્રેકા ૧૩:૬.
જીવનનું વૃક્ષ.
એદન બાગનું એક ઝાડ. બાઇબલ એમ નથી જણાવતું કે એનાં ફળમાં જીવન આપવાની શક્તિ હતી; એના બદલે, ઈશ્વર જેઓને એ ઝાડનાં ફળ ખાવા દેશે, તેઓને હંમેશ માટેનું જીવન મળશે, એવી ઈશ્વરે આપેલી ખાતરીને આ ઝાડ રજૂ કરતું હતું. પ્રકટીકરણના પુસ્તકમાં, જીવન ટકાવી રાખવા માટે ઈશ્વરની ગોઠવણને આ વૃક્ષ સાંકેતિક રીતે રજૂ કરે છે.—ઉત ૨:૯; ૩:૨૨; પ્રક ૨:૭; ૨૨:૧૯.
જીવનનો બાગ.
સુંદર બગીચો અથવા બગીચા જેવી જગ્યા. એવી પહેલી જગ્યા એદન બાગ હતી, જે યહોવાએ પ્રથમ માનવ યુગલ માટે બનાવી હતી. વધસ્તંભ પર ઈસુની બંને બાજુએ જડેલા ગુનેગારોમાંથી એકને ઈસુએ સૂચવ્યું કે, આખી ધરતી જીવનના બાગ જેવી બનશે. બીજો કોરીંથીઓ ૧૨:૪માં એ શબ્દ ભાવિમાં આવનાર જીવનના બાગ માટે વપરાયો છે અને પ્રકટીકરણ ૨:૭માં એ ઈશ્વરના બાગને રજૂ કરે છે.—ગીગી ૪:૧૩; લુક ૨૩:૪૩.
જ્યોતિષી.
ભવિષ્યની ઘટનાઓ વિશે જણાવવા સૂર્ય, ચંદ્ર અને તારાઓની સ્થિતિનો અભ્યાસ કરનાર.—માથ ૨:૧.
ઝ
ઝભ્ભો.
પુરુષો અને સ્ત્રીઓ મોટા ભાગે બે ઝભ્ભા પહેરતા. પહેલા તેઓ બાંયવાળો અંદરનો ઝભ્ભો (ગ્રીક, ખીતોન) પહેરતા, જે ઘૂંટણ સુધીનો કે ઘૂંટી સુધીનો હતો. એના ઉપર બહારનો ઝભ્ભો (ગ્રીક, હીમાતિઓન) પહેરવામાં આવતો. અમુક વખતે એ ઢીલો ડગલો હતો, પણ મોટા ભાગે એ સાદું લંબચોરસ કપડું હતું, જેને સહેલાઈથી પહેરી કે કાઢી શકાતું.—લુક ૬:૨૯; યોહ ૧૩:૪.
ઝિયૂસ.
ગ્રીકોનો મુખ્ય દેવ. ગ્રીકો ઘણા દેવોને ભજતા હતા. લુસ્રામાં, બાર્નાબાસને ભૂલથી ઝિયૂસ સમજી લેવામાં આવ્યો હતો. લુસ્રા નજીક મળી આવેલી જૂની કોતરણીઓમાં “ઝિયૂસના યાજકો” અને “સૂર્ય દેવ ઝિયૂસ” લખેલું જોવા મળે છે. માલ્ટા ટાપુથી પાઊલ જે વહાણમાં બેઠા, એના પર “ઝિયૂસના દીકરાઓ” એટલે કે, જોડિયા ભાઈઓ કાસ્ટર અને પોલુક્સની નિશાની હતી.—પ્રેકા ૧૪:૧૨; ૨૮:૧૧.
ઝૂડવું; ખળી.
કણસલાં અને ફોતરાંમાંથી દાણા કાઢવાની ક્રિયા; જ્યાં અનાજ છૂટું પાડવામાં આવે એ જગ્યાને ખળી કહે છે. કણસલાંને લાકડી મારીને ઝૂડવામાં આવતાં કે પછી વધારે કણસલાં હોય તો ખાસ સાધનથી છૂટાં પાડવામાં આવતાં, જેમ કે પ્રાણી દ્વારા મોટું લાકડું ખેંચવામાં આવતું. મોટા ભાગે પવન વાતો હોય એવી સપાટ ઊંચી જગ્યા પર અનાજ પાથરવામાં આવતું અને એ સાધન દોડાવવામાં આવતું.—લેવી ૨૬:૫; યશા ૪૧:૧૫; માથ ૩:૧૨.
ઝૂફા.
પાતળી ડાળીઓ અને પાંદડાંવાળો એક છોડ, જે શુદ્ધ કરવાની વિધિઓમાં લોહી અથવા પાણી છાંટવા વપરાતો. એ કદાચ મારજોરમ વનસ્પતિ (ઓરીગેનમ મારુ; ઓરીગેનમ સિરિયાકમ) હતી. યોહાન ૧૯:૨૯માં વપરાયું છે તેમ, એ ડાળી પર લગાડેલી મારજોરમ વનસ્પતિ હોય શકે અથવા બાજરી કે જુવારની કોઈ જાતિ (સૉર્ગમ વલ્ગેર) હોય શકે. એ છોડની દાંડી લાંબી હોવાથી, ખાટા દ્રાક્ષદારૂમાં બોળેલી વાદળી સહેલાઈથી ઈસુના મોં સુધી પહોંચાડી શકાઈ હશે.—હિબ્રૂ ૯:૧૯.
ઝૂંસરી.
વ્યક્તિના ખભે મૂકાતો દાંડો, જેની બંને બાજુ વજન લટકાવવામાં આવતું અથવા ખેતરનું સાધન કે બગીને ખેંચવા માટે બે પ્રાણીઓની (ખાસ કરીને ઢોરની) ડોક પર મૂકવામાં આવતો લાકડાંનો દાંડો કે માળખું. દાસો ભારે બોજો ઊંચકવા મોટા ભાગે ઝૂંસરીનો ઉપયોગ કરતા હતા. એટલે, વ્યક્તિ કોઈની ગુલામ બને અથવા તેને આધીન થાય ત્યારે, ઝૂંસરી શબ્દ રૂપક તરીકે પણ વપરાયો છે. તેમ જ, જુલમ અને દુઃખો માટે પણ વપરાયો છે. ઝૂંસરી ઉતારવાનો કે તોડી નાખવાનો અર્થ થાય: બંધન, જુલમ અને શોષણમાંથી છૂટવું.—લેવી ૨૬:૧૩; માથ ૧૧:૨૯, ૩૦.
ડ
ડીઆબોલોસ.
ગ્રીક શાસ્ત્રવચનોમાં શેતાનનું વર્ણન ડીઆબોલોસ, એટલે કે “નિંદા કરનાર” તરીકે થયું છે. તેને એ નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કે તે સૌથી પહેલો અને મુખ્ય નિંદક છે. તે યહોવા પર, તેમની વાતો પર અને તેમના નામ પર ખોટો દોષ લગાવનાર છે.—માથ ૪:૧; યોહ ૮:૪૪; પ્રક ૧૨:૯.
ડ્રાક્મા.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં આ શબ્દ ચાંદીના ગ્રીક સિક્કાને બતાવે છે, જેનું વજન એ સમયે ૩.૪ ગ્રા. (૦.૧૦૯ ઔં.) હતું.—માથ ૧૭:૨૪.
ત
તાટ.
તાર્તરસ.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, એ કેદ જેવી નીચલી કક્ષાને દર્શાવે છે, જેમાં નુહના સમયના બંડખોર દૂતોને નાખી દેવામાં આવ્યા હતા. બીજો પીતર ૨:૪માં, તારતારુ (“તાર્તરસમાં નાખવું”) ક્રિયાપદ એ નથી બતાવતું કે “જે દૂતોએ પાપ કર્યું હતું,” તેઓને જૂઠા ધર્મોની દંતકથાઓમાં જણાવેલા તાર્તરસમાં (એટલે કે, પાતાળની કેદમાં અને ઊતરતા દેવો માટેની અંધારી જગ્યામાં) નાખી દેવાયા હતા. એના બદલે, એ બતાવે છે કે ઈશ્વરે તેઓને સ્વર્ગમાંના તેઓના ઉચ્ચ સ્થાન પરથી નીચલી કક્ષાએ ધકેલી દીધા છે અને તેઓના લહાવાઓ લઈ લીધા છે; અને તેઓને એવી હાલતમાં મૂકી દીધા છે, જેથી ઈશ્વરના ઉજ્જવળ હેતુઓ વિશે તેઓ પૂરેપૂરા અંધકારમાં રહે. અંધકાર એ પણ બતાવે છે કે આખરે તેઓનું શું થશે. એના વિશે શાસ્ત્રવચનો જણાવે છે કે તેઓનો પોતાના શાસક, શેતાન સાથે હંમેશાં માટે વિનાશ કરવામાં આવશે. તેથી, તાર્તરસ બંડખોર દૂતો માટે સૌથી નીચલી કક્ષાને બતાવે છે. પ્રકટીકરણ ૨૦:૧-૩માં જણાવેલા ‘અનંત ઊંડાણ’ કરતાં, તાર્તરસ અલગ છે.
તાલંત.
વજનનો અને નાણાંની ગણતરીનો સૌથી મોટો હિબ્રૂ એકમ. એનું વજન ૩૪.૨ કિ.ગ્રા. (૧,૧૦૧ ઔં.) હતું. ગ્રીક તાલંત એનાથી નાનો હતો, જેનું વજન ૨૦.૪ કિ.ગ્રા. (૬૫૪ ઔં.) હતું.—૧કા ૨૨:૧૪; માથ ૧૮:૨૪.
તીડો.
એક જગ્યાથી બીજી જગ્યાએ મોટા ટોળામાં જતા જુદી જુદી જાતના તીતીઘોડા. મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે એ ખાવા માટે શુદ્ધ ગણાતા. તીડોનાં મોટાં ટોળાં પોતાના રસ્તે જે કંઈ આવે એ ખાઈ જઈને ભારે વિનાશ કરતા. તીડોને આફત તરીકે પણ ગણવામાં આવતાં.—નિર્ગ ૧૦:૧૪; માથ ૩:૪.
તૈયારીનો દિવસ.
સાબ્બાથની આગળનો દિવસ, જ્યારે યહુદીઓ જરૂરી તૈયારીઓ કરતા. સૂરજ આથમે ત્યારે એ દિવસ પૂરો થતો, જે દિવસને આજે શુક્રવાર કહેવાય છે; અને એ સમયે સાબ્બાથ શરૂ થતો. યહુદી દિવસ એક સાંજથી બીજી સાંજનો હતો.—માર્ક ૧૫:૪૨; લુક ૨૩:૫૪.
દ
દકાપોલીસ.
ગ્રીક શહેરોનું જૂથ, જે શરૂઆતમાં દસ શહેરોનું બનેલું હતું (ગ્રીકમાં, દેકા એટલે “દસ” અને પોલીસ એટલે “શહેર”). ગાલીલ સરોવર અને યરદન નદીના પૂર્વમાં આવેલા પ્રદેશને પણ દકાપોલીસ કહેવામાં આવતો, જ્યાં મોટા ભાગનાં આ શહેરો આવેલાં હતાં. ગ્રીક સંસ્કૃતિ અને વેપારના એ મુખ્યમથકો હતાં. ઈસુ એ પ્રદેશમાંથી પસાર થયા હતા, પણ એમાંના કોઈ પણ શહેરોમાં ગયા હોય એવો કોઈ અહેવાલ નથી.—માથ ૪:૨૫; માર્ક ૫:૨૦.
દસમો ભાગ (દશાંશ).
ખાસ કરીને ધાર્મિક કામો માટે આપવામાં કે ભરવામાં આવતો દસમો ભાગ અથવા દસ ટકા. એ “દશાંશ” પણ કહેવાતો અને એ આપવાને ‘દશાંશ ભરવો’ કહેવાતું. (માલા ૩:૧૦; પુન ૨૬:૧૨; માથ ૨૩:૨૩; હિબ્રૂ ૭:૫) મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, દર વર્ષે જમીનની ઊપજનો દસમો ભાગ અને ઘેટાં-બકરાં તેમજ ઢોરઢાંકમાં દર વર્ષે જે વધારો થતો, એમાંથી દસમો ભાગ લેવીઓને આપવાનો હતો. હારૂનના કુટુંબના યાજકો માટે લેવીઓ આ દસમા ભાગમાંથી દસમો ભાગ આપતા. આ ઉપરાંત, બીજા પણ અમુક દસમા ભાગ આપવાના હતા. દસમો ભાગ આપવું ખ્રિસ્તીઓને લાગુ પડતું નથી.
દાઊદનો દીકરો.
આ શબ્દો ઘણી વાર ઈસુ માટે વપરાયા છે. એ ભાર મૂકે છે કે દાઊદની વંશાવળીમાંથી આવનાર વ્યક્તિ દ્વારા જે રાજ્ય કરાર પૂરો થવાનો હતો, એના વારસ ઈસુ જ છે.—માથ ૧૨:૨૩; ૨૧:૯.
દાનો.
જેને જરૂર હોય તેને કરેલી મદદ. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં આના વિશે સીધેસીધો ઉલ્લેખ નથી, પણ ગરીબોને મદદ કરવાની ઇઝરાયેલીઓની ફરજ વિશે નિયમશાસ્ત્ર સાફ જણાવતું હતું.—માથ ૬:૨.
દિવસનો તારો.
‘સવારના તારા’ જેવો જ એનો અર્થ છે. સૂર્ય દેખાય એ પહેલાં, પૂર્વમાં ઊગતો છેલ્લો તારો, જે નવા દિવસના પરોઢની જાણે ઘોષણા કરે છે.—પ્રક ૨૨:૧૬; ૨પી ૧:૧૯.
દીનાર.
ચાંદીનો રોમન સિક્કો, જેનું વજન ૩.૮૫ ગ્રા. (૦.૧૨૪ ઔં.) હતું અને એની એક બાજુ સમ્રાટની છાપ હતી. એ મજૂરની એક દિવસની મજૂરી હતી. દરેક યહુદી માટે કર તરીકે ભરવાની રોમનોએ નક્કી કરેલી રકમ.—માથ ૨૨:૧૭; લુક ૨૦:૨૪.
દુનિયા.
ગ્રીક શબ્દ એઈઓનનું ભાષાંતર, જ્યારે હાલના સંજોગોની વાત થતી હોય અથવા અમુક સમયગાળો, જમાનો કે યુગને અલગ પાડતા ભાગની વાત થતી હોય. બાઇબલમાં “આ દુનિયા” વિશે વાત થાય છે, જે દુનિયાની હમણાંની હાલતને અને દુનિયાની જીવનઢબને બતાવે છે. (૨તિ ૪:૧૦) ઈશ્વરે નિયમ કરાર દ્વારા રજૂ કરેલા સમયગાળાને અમુક લોકો ઇઝરાયેલી અથવા યહુદી યુગ કહે છે. છુટકારાની કિંમત તરીકે ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપીને, ઈશ્વરે એક અલગ સમયગાળો રજૂ કર્યો, જેમાં ખાસ કરીને અભિષિક્ત ખ્રિસ્તીઓના મંડળનો સમાવેશ થાય છે. એનાથી એવા નવા યુગની શરૂઆત થઈ, જેમાં નિયમ કરારમાં જણાવવામાં આવેલી હકીકતો હતી. ગ્રીકમાં બહુવચનમાં હોય ત્યારે, એ શબ્દ અલગ અલગ યુગો અથવા સમયગાળાના બનાવોની વાત કરે છે, જે ક્યાં તો બની ગયા હોય કે પછી બનવાના હોય.—માથ ૨૪:૩; માર્ક ૪:૧૯; રોમ ૧૨:૨; ૧કો ૧૦:૧૧.
દુનિયાનો અંત.
શેતાનના રાજ નીચેની દુનિયાની સરકારોના અને તેઓની વહીવટ વ્યવસ્થાના અંત તરફ લઈ જતો સમયગાળો. ખ્રિસ્તની હાજરીની સાથે સાથે થનારી ઘટના. ઈસુના માર્ગદર્શન નીચે, દૂતો “દુષ્ટ લોકોને નેક લોકોથી જુદા” પાડશે અને તેઓનો નાશ કરશે. (માથ ૧૩:૪૦-૪૨, ૪૯) ઈસુના શિષ્યોને પણ “અંતના” એ સમય વિશે જાણવું હતું. (માથ ૨૪:૩) સ્વર્ગમાં જતા પહેલાં, ઈસુએ પોતાના શિષ્યોને વચન આપ્યું કે એ સમય સુધી તે તેઓની સાથે રહેશે.—માથ ૨૮:૨૦.
દુષ્ટ.
શેતાન માટે વપરાતું બિરુદ, જે ઈશ્વર વિરુદ્ધ અને તેમનાં નેક ધોરણો વિરુદ્ધ ઊભો છે.—માથ ૬:૧૩; ૧યો ૫:૧૯.
દુષ્ટ દૂતો.
અદૃશ્ય અને ખરાબ દૂતો, જેઓ પાસે માણસો કરતાં ઘણી વધારે શક્તિ છે. તેઓને ઉત્પત્તિ ૬:૨માં “ઈશ્વરના દીકરા” અને યહુદા ૬માં “દૂતો” કહેવામાં આવ્યા છે, જે બતાવે છે કે તેઓને દુષ્ટ બનાવવામાં આવ્યા ન હતા. એના બદલે, તેઓ નુહના દિવસોમાં ઈશ્વરની આજ્ઞા તોડીને ઈશ્વરના દુશ્મન બન્યા હતા અને તેઓ યહોવા વિરુદ્ધ શેતાને કરેલા બંડમાં જોડાયા હતા.—પુન ૩૨:૧૭; લુક ૮:૩૦; પ્રેકા ૧૬:૧૬; યાકૂ ૨:૧૯.
દૂતો.
હિબ્રૂ શબ્દ મલાખ અને ગ્રીક શબ્દ એગેલોસમાંથી. બંને શબ્દોનો અર્થ “સંદેશવાહક” થાય છે, પણ જ્યાં સ્વર્ગના સંદેશવાહકોનો ઉલ્લેખ છે ત્યાં “દૂત” શબ્દ વપરાયો છે. (ઉત ૧૬:૭; ૩૨:૩; યાકૂ ૨:૨૫; પ્રક ૨૨:૮) માણસોનું સર્જન કરવામાં આવ્યું એના ઘણા સમય પહેલાં, ઈશ્વરે સ્વર્ગમાં શક્તિશાળી દૂતો બનાવ્યા. બાઇબલમાં તેઓને “લાખો પવિત્ર દૂતો,” “ઈશ્વરદૂતો” અને “પ્રભાતના તારાઓ” પણ કહેવામાં આવ્યા છે. (પુન ૩૩:૨; અયૂ ૧:૬; ૩૮:૬; યહુ ૧૪) તેઓ દરેકનું સર્જન કરવામાં આવ્યું હતું; તેઓ પોતાના જેવા બીજા દૂતોને જન્મ આપી શકતા નથી. તેઓની સંખ્યા કરોડોથી પણ વધારે છે. (દા ૭:૧૦) બાઇબલ સૂચવે છે કે તેઓમાંના દરેકને નામ અને અલગ વ્યક્તિત્વ છે. તોપણ, કોઈ તેઓની ભક્તિ કરે, એનો તેઓ નમ્રતાથી નકાર કરે છે; અરે, મોટા ભાગના પોતાનું નામ પણ જણાવતા નથી. (ઉત ૩૨:૨૯; લુક ૧:૨૬; પ્રક ૨૨:૮, ૯) તેઓમાં અલગ અલગ હોદ્દો હોય છે અને તેઓને જુદું જુદું કામ સોંપવામાં આવે છે. એમાં યહોવાના રાજ્યાસન આગળ સેવા કરવાનો, તેમના સંદેશા જણાવવાનો, યહોવાના પૃથ્વી પરના ભક્તો માટે કામ કરવાનો, ઈશ્વરના ન્યાયચુકાદા લાગુ પાડવાનો અને ખુશખબર ફેલાવવાના કામને ટેકો આપવાનો સમાવેશ થાય છે. (૨રા ૧૯:૩૫; ગી ૩૪:૭; માથ ૪:૧૧; લુક ૧:૩૦, ૩૧; પ્રક ૫:૧૧; ૧૪:૬) ભવિષ્યમાં, તેઓ આર્માગેદનના યુદ્ધમાં ઈસુને ટેકો આપશે.—પ્રક ૧૯:૧૪, ૧૫.
દેખરેખ રાખનાર.
એવો માણસ જેની મુખ્ય જવાબદારી મંડળની દેખરેખ રાખવાની અને સંભાળ લેવાની હોય. એના માટેના ગ્રીક શબ્દ એપિસ્કોપોસનો અર્થ થાય, રક્ષણ કરતી દેખરેખ. “દેખરેખ રાખનાર” અને “વડીલ” (પ્રિસ્બીટેરોસ) શબ્દો મંડળના એક જ સ્થાનને રજૂ કરે છે. “વડીલ” શબ્દ બતાવે છે કે પસંદ થયેલો માણસ પરિપક્વ છે અને “દેખરેખ રાખનાર” શબ્દ તેની જવાબદારીઓ પર ભાર મૂકે છે.—પ્રેકા ૨૦:૨૮; ૧તિ ૩:૨-૭; ૧પી ૫:૨.
દ્રાક્ષદારૂનું અર્પણ.
વેદી પર રેડવામાં આવતું દ્રાક્ષદારૂનું અર્પણ. બીજા મોટા ભાગનાં અર્પણો સાથે આ અર્પણ પણ ચઢાવવામાં આવતું. પાઊલે આ શબ્દો સાંકેતિક રીતે વાપરીને બતાવ્યું કે પોતે સાથી ખ્રિસ્તીઓ માટે ખર્ચાઈ જવા તૈયાર હતા.—ગણ ૧૫:૫, ૭; ફિલિ ૨:૧૭.
દ્રાક્ષાકુંડ.
મોટા ભાગે ચૂનાના પથ્થરને (લાઇમ સ્ટોન) તોડીને બનાવવામાં આવતા બે કુંડ (બે ટાંકી). એક કુંડ બીજા કરતાં ઊંચો હોય છે અને બંનેને જોડવા વચ્ચે એક નાની નહેર હોય છે. ઊંચા કુંડમાં દ્રાક્ષો ખૂંદવામાં આવતી અને એનો રસ નહેરમાં વહીને નીચેના કુંડમાં ભેગો થતો. આ શબ્દ સાંકેતિક રીતે ઈશ્વરના ન્યાયચુકાદાને રજૂ કરે છે.—પ્રક ૧૯:૧૫.
ધ
ધૂપ.
સુગંધી ગુંદર અને મલમનું મિશ્રણ, જે ધીમે ધીમે સળગીને સુગંધ ફેલાવે છે. ચાર વસ્તુઓથી બનેલો ખાસ ધૂપ મંડપ અને મંદિરમાં વપરાતો. પવિત્ર સ્થાનની ધૂપવેદી પર સવારે અને રાત્રે એ બાળવામાં આવતો અને પ્રાયશ્ચિત્તના દિવસે પરમ પવિત્ર સ્થાનની અંદર એ બાળવામાં આવતો. ધૂપ સાંકેતિક રીતે ઈશ્વરના વફાદાર ભક્તોની માન્ય પ્રાર્થનાઓને રજૂ કરતો હતો. ખ્રિસ્તીઓએ હવે એ વાપરવાની જરૂર નથી.—નિર્ગ ૩૦:૩૪, ૩૫; લેવી ૬:૧૩; પ્રક ૫:૮.
ધૂપદાનીઓ.
સોના, ચાંદી કે તાંબાનાં વાસણો, જે મંડપમાં અને મંદિરમાં ધૂપ બાળવા વપરાતાં. વધુમાં, બલિદાનની વેદી પરથી કોલસા હટાવવા અને સોનાની દીવીઓ પરથી બળેલી દિવેટ હટાવવા એનો ઉપયોગ થતો.—૨કા ૨૬:૧૯; હિબ્રૂ ૯:૪.
ન
નપુંસક.
મૂળ અર્થ, ખસી કરેલો પુરુષ. એવા પુરુષોને રાજદરબારમાં સેવકો તરીકે અથવા રાણી અને ઉપપત્નીઓની દેખરેખ કરનારા તરીકે રાખવામાં આવતા હતા. આ શબ્દ એવા માણસ માટે પણ વપરાતો, જે નપુંસક ન હતો, પણ રાજાના દરબારમાં સેવા કરવા નિમાયેલો અધિકારી હોય. એ શબ્દનો સાંકેતિક ઉપયોગ તેઓ માટે પણ થયો છે, જેઓ “સ્વર્ગના રાજ્યને લીધે” નપુંસક રહે છે, એટલે કે, જેઓ ઈશ્વરની સેવામાં વધારે કરવા પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને કુંવારા રહે છે.—માથ ૧૯:૧૨; એસ્તે ૨:૧૫; પ્રેકા ૮:૨૭.
નાઝારી.
નાઝરેથના વતની હોવાથી, ઈસુનું એક નામ. યશાયા ૧૧:૧માં “ફણગો” કે અંકુર માટે વપરાયેલા હિબ્રૂ શબ્દ સાથે આ શબ્દ સંકળાયેલો હોય શકે. પછીથી, ઈસુના શિષ્યો માટે પણ એ શબ્દ વપરાયો.—માથ ૨:૨૩; પ્રેકા ૨૪:૫.
નિયમશાસ્ત્ર.
ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં સિનાઈના વેરાન પ્રદેશમાં યહોવાએ મુસા દ્વારા ઇઝરાયેલીઓને આપેલા નિયમશાસ્ત્રને આ રજૂ કરતું હોય શકે. બાઇબલના પહેલા પાંચ પુસ્તકોને ઘણી વાર નિયમશાસ્ત્ર કહેવામાં આવે છે. (યહો ૨૩:૬; લુક ૨૪:૪૪; માથ ૭:૧૨; ગલા ૩:૨૪) એ મુસાના નિયમશાસ્ત્રના કોઈ એક નિયમને કે પછી નિયમ પાછળ રહેલા સિદ્ધાંતને પણ રજૂ કરી શકે.—ગણ ૧૫:૧૬; પુન ૪:૮.
નિશાની.
નીતિવચન.
કોઈ શાણી કહેવત કે નાની વાર્તા, જે બોધ આપે અથવા થોડા શબ્દોમાં અજોડ સત્ય શીખવે. બાઇબલનાં નીતિવચનો કદાચ કોઈ અટપટી કહેવત કે ઉખાણું હોય શકે. નીતિવચનમાં સુંદર ભાષાનો ઉપયોગ કરીને સત્ય જણાવવામાં આવે છે, એ માટે ઘણી વાર રૂપક વાપરવામાં આવે છે. કેટલીક કહેવતો અમુક પ્રકારના લોકોની મજાક ઉડાવવા કે નફરત વ્યક્ત કરવા માટે સામાન્ય બની ગઈ છે.—સભા ૧૨:૯; ૨પી ૨:૨૨.
નીસાન.
બાબેલોનની ગુલામી પછી, આબીબ મહિનાનું નવું નામ. એ યહુદી પવિત્ર કૅલેન્ડરનો પહેલો મહિનો અને કૃષિ કે સરકારી કૅલેન્ડરનો સાતમો મહિનો હતો. નીસાન, મધ્ય માર્ચથી શરૂ થઈને મધ્ય એપ્રિલ સુધી ચાલતો. (નહે ૨:૧) યહુદી પાસ્ખાનો તહેવાર નીસાન ૧૪ના દિવસે ઊજવાતો અને ઈસુ ખ્રિસ્તે એ દિવસે પ્રભુના સાંજના ભોજનની શરૂઆત કરી. (લુક ૨૨:૧૫, ૧૯, ૨૦) એ જ દિવસે તેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા.—લુક ૨૩:૪૪-૪૬.
નેક.
ખરા અને ખોટા વિશે ઈશ્વરનાં ધોરણોને આધારે જે ખરું હોય એને શાસ્ત્ર નેક કહે છે. આ ભાષાંતરમાં, હિબ્રૂ અને ગ્રીક શબ્દો માટે અમુક વાર ખરો માર્ગ, ન્યાય, સાચું, યોગ્ય, સારાં કાર્યો, સત્યતા જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. બાઇબલ લોકોને પણ નેક ગણવા વિશે વાત કરે છે. જ્યારે ઈશ્વર કોઈને નેક ઠરાવે છે, ત્યારે તે તેઓને નિર્દોષ ગણે છે (પ્રેકા ૧૩:૩૮, ૩૯) અને તેઓને પોતાના મિત્રો બનાવી શકે છે. અરે, તેઓને જીવન મેળવવા લાયક ગણે છે. આમ, લોકોની લાયકાતને આધારે નહિ, પણ ઈસુ ખ્રિસ્તમાં તેઓની શ્રદ્ધાને આધારે ઈશ્વર તેઓને નેક ઠરાવે છે.—ઉત ૧૫:૬; પુન ૬:૨૫; નીતિ ૧૧:૪; યશા ૩૨:૧; સફા ૨:૩; માથ ૬:૩૩; રોમ ૩:૨૪, ૨૮; ૫:૧૮; હિબ્રૂ ૭:૨.
નેફમા.
હિબ્રૂ શબ્દ રુઆખ અને ગ્રીક શબ્દ નેફમા. માણસો નજરે જે જોઈ શકતા નથી અને કાર્ય કરતી શક્તિનો જે પુરાવો આપે છે, એના માટે આ બંને શબ્દો વપરાયા છે. હિબ્રૂ અને ગ્રીક શબ્દો નીચેના સંદર્ભમાં વપરાયા છે: (૧) પવન, (૨) પૃથ્વી પર રહેનારાઓની જીવન-શક્તિ, (૩) વ્યક્તિને અમુક રીતે કંઈક કહેવા કે કરવા જણાવતી શક્તિ, જે તેના સાંકેતિક દિલમાંથી નીકળે છે, (૪) અદૃશ્ય માધ્યમ દ્વારા કહેવામાં આવતા પ્રેરિત શબ્દો, (૫) સ્વર્ગમાં રહેનારાઓ, (૬) ઈશ્વરનું કાર્યરત બળ કે પવિત્ર શક્તિ.—નિર્ગ ૩૫:૨૧; ગી ૧૦૪:૨૯; માથ ૧૨:૪૩; લુક ૧૧:૧૩.
ન્યાયનો દિવસ.
એક ખાસ દિવસ અથવા સમયગાળો, જ્યારે અમુક સમૂહો કે રાજ્યો કે મનુષ્યો પાસેથી ઈશ્વર હિસાબ લે છે. એ એવો સમય હોય શકે, જ્યારે મરણને લાયક ઠરેલા લોકોને મારી નાખવામાં આવશે; અથવા, એવો ન્યાયચુકાદો, જ્યારે અમુકને બચી જવાની અને હંમેશ માટેનું જીવન મેળવવાની તક મળે. ઈસુ ખ્રિસ્ત અને તેમના પ્રેરિતોએ ભાવિમાં થનાર ‘ન્યાયના દિવસ’ વિશે જણાવ્યું, જ્યારે ફક્ત જીવતાઓનો જ નહિ, અગાઉ મરણ પામેલાઓનો પણ ન્યાય થશે.—માથ ૧૨:૩૬.
ન્યાયાસન.
મોટા ભાગે બહાર બનાવેલો ઓટલો, જેના પર ચઢવા માટે પગથિયાં હોય. એના પર બેઠેલા અધિકારીઓ ટોળાં સાથે વાત કરી શકતા અને પોતાના નિર્ણયો જણાવી શકતા. ‘ઈશ્વરનું ન્યાયાસન’ અને ‘ખ્રિસ્તનું ન્યાયાસન’ શબ્દો, માણસોનો ન્યાય કરવા માટે યહોવાની ગોઠવણને સાંકેતિક રીતે રજૂ કરે છે.—રોમ ૧૪:૧૦; ૨કો ૫:૧૦; યોહ ૧૯:૧૩.
પ
પચાસમા દિવસનો તહેવાર.
ત્રણ મહત્ત્વના તહેવારોમાંનો બીજો તહેવાર, જે ઊજવવા બધા યહુદી પુરુષો માટે યરૂશાલેમ જવું જરૂરી હતું. “પચાસમો (દિવસ)” એટલે કે, પેન્તેકોસ્ત. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં પચાસમો દિવસ શબ્દ વપરાયો છે. એને હિબ્રૂ શાસ્ત્રવચનોમાં કાપણીનું પર્વ કે સપ્તાહોનું પર્વ કહેવામાં આવે છે. એ તહેવાર નીસાન ૧૬થી ગણીને પચાસમા દિવસે ઊજવવામાં આવતો.—નિર્ગ ૨૩:૧૬; ૩૪:૨૨; પ્રેકા ૨:૧.
પડદો.
કરૂબોવાળા ભરતકામથી સુંદર રીતે વણેલું કપડું. આ પડદો મંડપ અને મંદિર બંનેમાં પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનને અલગ પાડતો હતો.—નિર્ગ ૨૬:૩૧; ૨કા ૩:૧૪; માથ ૨૭:૫૧; હિબ્રૂ ૯:૩.
પરમ પવિત્ર સ્થાન.
મંડપનો અને મંદિરનો સૌથી અંદરનો ભાગ, જ્યાં કરારકોશ રાખવામાં આવતો હતો; એ ભાગ સૌથી પવિત્ર પણ કહેવાતો. મુસા સિવાય પરમ પવિત્ર સ્થાનમાં જવાની પરવાનગી ફક્ત પ્રમુખ યાજકને હતી અને તે વર્ષમાં એક જ વાર પ્રાયશ્ચિત્તના દિવસે અંદર જઈ શકતો.—નિર્ગ ૨૬:૩૩; લેવી ૧૬:૨, ૧૭; ૧રા ૬:૧૬; હિબ્રૂ ૯:૩.
પવિત્ર; પવિત્રતા.
યહોવાને પવિત્ર કહેવામાં આવ્યા છે, કેમ કે તે દરેક પાસામાં સ્વાભાવિક રીતે શુદ્ધ છે; તે પોતાના દરેક કામમાં શુદ્ધ અને પવિત્ર છે. (નિર્ગ ૨૮:૩૬; ૧શ ૨:૨; યોહ ૧૭:૧૧) મનુષ્યો (માર્ક ૬:૨૦; પ્રેકા ૩:૨૧), વસ્તુઓ (રોમ ૭:૧૨; ૧૧:૧૬; ૨તિ ૩:૧૫), જગ્યાઓ (માથ ૪:૫; પ્રેકા ૭:૩૩; હિબ્રૂ ૯:૧) અને કાર્યો (નિર્ગ ૩૬:૪) માટે જ્યાં આ શબ્દ વપરાયો છે, ત્યાં મૂળ હિબ્રૂ અને ગ્રીક શબ્દો પવિત્ર ઈશ્વર માટે અલગ પાડવાનો કે શુદ્ધ કરવાનો વિચાર રજૂ છે. એનો અર્થ યહોવાની સેવા માટે અલગ રાખવું પણ થાય છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, “પવિત્ર” અને “પવિત્રતા” જેવા શબ્દો વ્યક્તિનાં વાણી-વર્તનની શુદ્ધતાને પણ દર્શાવે છે.—૨કો ૭:૧; ૧પી ૧:૧૫, ૧૬.
પવિત્ર રહસ્ય.
ઈશ્વરના હેતુનો એક ભાગ, જે ઈશ્વર તરફથી છે; નક્કી કરેલા સમય સુધી ઈશ્વર એ છુપાવી રાખે છે અને તે ચાહે તેઓને જ એ રહસ્ય પ્રગટ કરવામાં આવે છે.—માર્ક ૪:૧૧; કોલો ૧:૨૬.
પવિત્ર શક્તિ.
અદૃશ્ય શક્તિશાળી બળ, જેનો ઉપયોગ ઈશ્વર પોતાની ઇચ્છા પૂરી કરવા કરે છે. એ પવિત્ર છે, કેમ કે એ યહોવા પાસેથી છે, જે એકદમ શુદ્ધ અને નેક છે. તેમ જ, એના દ્વારા ઈશ્વર પોતાની પવિત્ર ઇચ્છા પૂરી કરે છે.—લુક ૧:૩૫; પ્રેકા ૧:૮.
પવિત્ર સેવા.
પવિત્ર હોય એવી સેવા અથવા કામ, જે ઈશ્વરની ભક્તિ સાથે સીધેસીધું જોડાયેલું હોય.—રોમ ૧૨:૧; પ્રક ૭:૧૫.
પવિત્ર સ્થાન.
મંડપનો કે મંદિરનો પહેલો અને મોટો ભાગ, જે અંદરના ભાગ, પરમ પવિત્ર સ્થાનથી અલગ હતો. મંડપમાં, પવિત્ર સ્થાનની અંદર સોનાની દીવી, ધૂપ ચઢાવવાની સોનાની વેદી, અર્પણ કરેલી રોટલીની મેજ અને સોનાનાં વાસણો હતાં; મંદિરમાં, પવિત્ર સ્થાનની અંદર સોનાની વેદી, સોનાની દસ દીવીઓ અને અર્પણ કરેલી રોટલીની દસ મેજ હતી.—નિર્ગ ૨૬:૩૩; હિબ્રૂ ૯:૨.
પસ્તાવો.
વ્યક્તિ અગાઉ જે રીતે જીવતી હતી, ખોટાં કામો કરતી હતી અથવા જે કરવું જોઈએ એ ચૂકી ગઈ હોય, એવા કિસ્સાઓમાં જ્યારે તે દિલથી પશ્ચાત્તાપ કરીને મન બદલે, એને બાઇબલમાં પસ્તાવો કહે છે. ખરો પસ્તાવો બદલાયેલાં કામોથી દેખાય આવે છે.—માથ ૩:૮; પ્રેકા ૩:૧૯; ૨પી ૩:૯.
પાપનું અર્પણ.
પાપી હોવાને લીધે અજાણતા થયેલા પાપ માટે ચઢાવવામાં આવતું અર્પણ. જે વ્યક્તિએ પાપના પસ્તાવા માટે બલિદાન ચઢાવવાનું હોય, એ કોણ છે અને કેવા સંજોગોમાં છે, એના પરથી નક્કી થતું કે કયું બલિદાન ચઢાવવું; પછી, બળદથી કબૂતર જેવાં અનેક પ્રકારનાં પશુ-પંખીઓનાં બલિદાનો ચઢાવવામાં આવતાં.—લેવી ૪:૨૭, ૨૯; હિબ્રૂ ૧૦:૮.
પાસ્ખાનો તહેવાર.
આ તહેવાર આબીબ મહિનાના (પછીથી નીસાન કહેવાયો) ૧૪મા દિવસે ઊજવવામાં આવતો, જે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી મળેલી આઝાદીની યાદગીરીમાં હતો. એ પાળવા માટે ઘેટું (અથવા બકરું) કાપવામાં આવતું અને શેકવામાં આવતું. પછી, એ કડવી ભાજી અને ખમીર વગરની રોટલી સાથે ખાવામાં આવતું.—નિર્ગ ૧૨:૨૭; યોહ ૬:૪; ૧કો ૫:૭.
પોર્નિયા.—
વ્યભિચાર જુઓ.
પંથ.
કોઈ સિદ્ધાંત કે કોઈ આગેવાનને વળગી રહેનારા લોકોનું જૂથ. તેઓ પોતાની માન્યતાઓ પાળે છે. યહુદી ધર્મના બે મુખ્ય ફાંટા, ફરોશીઓ અને સાદુકીઓ માટે આ શબ્દ વપરાયો છે. જેઓ ખ્રિસ્તી નથી, તેઓ ખ્રિસ્તી ધર્મને પણ “પંથ” અથવા “નાઝારી પંથ” કહેતા હતા; કદાચ તેઓ એને યહુદી ધર્મનો એક ફાંટો સમજતા હોય શકે. ખ્રિસ્તી મંડળમાં ધીમે ધીમે પંથો પડવા લાગ્યા હતા; પ્રકટીકરણમાં ખાસ કરીને ‘નીકોલાયતીઓના’ પંથ વિશે જણાવવામાં આવ્યું છે.—પ્રેકા ૫:૧૭; ૧૫:૫; ૨૪:૫; ૨૮:૨૨; પ્રક ૨:૬; ૨પી ૨:૧.
પ્રથમ જન્મેલો.
પિતાનો સૌથી પહેલો દીકરો. બાઇબલ સમયમાં, પ્રથમ જન્મેલો દીકરો કુટુંબમાં માનભર્યું સ્થાન મેળવતો અને પિતાના મરણ પછી તેને ઘરનો શિર બનાવવામાં આવતો. ઈસુ યહોવાના પ્રથમ જન્મેલા તો છે જ, સાથે સાથે આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા અને મરણમાંથી પ્રથમ ઉઠાડેલા છે.—ઉત ૨૫:૩૩; નિર્ગ ૧૧:૫; કોલો ૧:૧૫; પ્રક ૧:૫.
પ્રથમ ફળો.
કાપણીની મોસમનાં પહેલા ફળો; કશાની પણ પહેલી પેદાશ કે પરિણામ. યહોવાની આજ્ઞા હતી કે ઇઝરાયેલી પ્રજા તેઓનાં પ્રથમ ફળો તેમને અર્પણ કરે, ભલે પછી એ માણસની, પ્રાણીની કે જમીનની પેદાશ હોય. પ્રજા તરીકે ઇઝરાયેલીઓ બેખમીર રોટલીના તહેવારે અને પચાસમા દિવસના તહેવારે ઈશ્વરને પ્રથમ ફળો અર્પણ કરતા. “પ્રથમ ફળ” સાંકેતિક રીતે ખ્રિસ્ત અને તેમના અભિષિક્ત શિષ્યો માટે પણ વપરાયું છે.—૧કો ૧૫:૨૩; ગણ ૧૫:૨૧; નીતિ ૩:૯; પ્રક ૧૪:૪.
પ્રદેશનો રોમન રાજ્યપાલ.
રોમન સેનેટના એટલે કે, રાજ્યસભાના હાથ નીચે આવતા પ્રાંતનો મુખ્ય રાજ્યપાલ. તેની પાસે કાયદાકીય અને લશ્કરી સત્તા હતી. ખરું કે તે જે કંઈ કરે એના પર રાજ્યસભાની નજર હતી, છતાં પણ પ્રાંતમાં તેની પાસે સૌથી વધારે સત્તા હતી.—પ્રેકા ૧૩:૭; ૧૮:૧૨.
પ્રબોધક.
જેના દ્વારા ઈશ્વરની ઇચ્છા અને હેતુ જાહેર કરવામાં આવ્યો હોય તે. ઈશ્વર તરફથી આવતા સંદેશાઓ જણાવનાર. ખરું કે, આમાં ભવિષ્ય જણાવનારનો વિચાર સમાયેલો છે, પણ આ શબ્દનો મુખ્ય અર્થ ભવિષ્ય ભાખવાનો નથી.—લુક ૧:૭૦; પ્રેકા ૩:૧૮.
પ્રભુનું સાંજનું ભોજન.
એવું ભોજન, જેમાં બેખમીર રોટલી અને દ્રાક્ષદારૂનો સમાવેશ થાય છે, જે ખ્રિસ્તના શરીર અને લોહીને દર્શાવે છે; એ ઈસુના મરણની યાદગીરી છે. બાઇબલ પ્રમાણે, ખ્રિસ્તીઓએ આ પ્રસંગ યાદ રાખીને પાળવાનો હોવાથી, એને “સ્મરણપ્રસંગ” કહેવામાં આવે એ યોગ્ય છે.—૧કો ૧૧:૨૦, ૨૩-૨૬.
પ્રમુખ દૂત.
પ્રમુખ યાજક.
મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, યાજકોમાં પ્રમુખ. તે લોકોના પ્રતિનિધિ તરીકે ઈશ્વર આગળ જતા અને બીજા યાજકો પર દેખરેખ રાખતા. તે એકલા જ મંડપના અને પછીથી મંદિરના પરમ પવિત્ર સ્થાન, સૌથી અંદરના ભાગમાં જઈ શકતા હતા. તે ફક્ત પ્રાયશ્ચિત્તના દિવસે જ એવું કરતા. ઈસુ ખ્રિસ્ત માટે પણ “પ્રમુખ યાજક” શબ્દ વપરાય છે.—લેવી ૧૬:૨, ૧૭; ૨૧:૧૦; માથ ૨૬:૩; હિબ્રૂ ૪:૧૪.
પ્રાયશ્ચિત્તનો દિવસ.
ઇઝરાયેલીઓનો સૌથી મહત્ત્વનો પવિત્ર દિવસ. એ એથાનીમ મહિનાની ૧૦ તારીખે આવતો. એ યોમ કિપુર (હિબ્રૂમાં યોહમ હાકીપુરીમ, “ઢાંકવાનો દિવસ”) પણ કહેવાતો. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એને પ્રાયશ્ચિત્તનો દિવસ કહેવાય છે. વર્ષના ફક્ત આ દિવસે પ્રમુખ યાજક મંડપના પરમ પવિત્ર સ્થાનમાં જતા અને પોતાનાં પાપ માટે, બીજા લેવીઓનાં પાપ માટે અને લોકોનાં પાપ માટે બલિદાનોનું લોહી અર્પણ કરતા. એ બલિદાનો ઈસુના બલિદાનને ચીંધતાં હતાં, જે માણસજાતનાં પાપોના પ્રાયશ્ચિત્ત માટે એક જ વાર હંમેશ માટે આપવામાં આવ્યું. એનાથી લોકોને યહોવા સાથે સુલેહ કરવાની તક આપવામાં આવી. એ પવિત્ર મેળાવડા અને ઉપવાસનો સમય હતો. એ સાબ્બાથનો પણ સમય હતો, જ્યારે રોજિંદાં કામો કરવાના ન હતાં.—લેવી ૨૩:૨૭, ૨૮; પ્રેકા ૨૭:૯; કોલો ૧:૨૦; હિબ્રૂ ૯:૧૨.
પ્રેરિત.
આ શબ્દનો અર્થ થાય, “મોકલેલા.” એ શબ્દ ઈસુ અને બીજા અમુક માટે વપરાયો છે, જેઓને બીજાઓની સેવા કરવા મોકલવામાં આવ્યા હતા. મોટા ભાગે આ શબ્દ ઈસુએ પોતે પસંદ કરેલા ૧૨ શિષ્યોના જૂથ માટે વપરાય છે.—માર્ક ૩:૧૪; પ્રેકા ૧૪:૧૪.
પ્સીકી.
હિબ્રૂ શબ્દ નેફેશ અને ગ્રીક શબ્દ પ્સીકી. આ શબ્દો બાઇબલમાં જે રીતે વાપરવામાં આવ્યા છે, એનાથી જોવા મળે છે કે એ મોટા ભાગે (૧) લોકો, (૨) પ્રાણીઓ અથવા (૩) વ્યક્તિ કે પ્રાણીના જીવન માટે વપરાયા છે. (ઉત ૧:૨૦; ૨:૭; ગણ ૩૧:૨૮; ૧પી ૩:૨૦) ઘણાં ધાર્મિક લખાણોમાં “જીવ” શબ્દ જે રીતે વપરાયો છે, એનાથી અલગ રીતે બાઇબલમાં વપરાયો છે. બાઇબલમાં નેફેશ અને પ્સીકી શબ્દો પૃથ્વી પર રહેનારાઓ માટે વાપરવામાં આવ્યા છે કે જેને શરીર છે, જેને અડકી શકાય છે, જેને જોઈ શકાય છે અને જે મરણ પામે છે. આ ભાષાંતરમાં મૂળ ભાષાના એ શબ્દો મોટા ભાગે એની આજુબાજુના લખાણને ધ્યાનમાં રાખીને ભાષાંતર કરવામાં આવ્યા છે, જેમ કે, “જીવન,” “પ્રાણી,” “વ્યક્તિ,” “માણસ પોતે,” અથવા ફક્ત વ્યક્તિ માટે વપરાતું સર્વનામ (દાખલા તરીકે, “મારા જીવ” માટે “હું”). મુખ્ય લખાણમાં “જીવ” શબ્દ વપરાયો હોય ત્યારે, ઉપરની સમજણ ધ્યાનમાં રાખવી. જ્યારે પોતાના પૂરા જીવથી કંઈ કરવાની વાત થતી હોય, ત્યારે એનો અર્થ થાય કે પૂરેપૂરી રીતે કે પૂરા દિલથી કરવું; એ માટે પોતાનું આખું જીવન આપી દેવું. (પુન ૬:૫; માથ ૨૨:૩૭) અમુક જગ્યાએ મૂળ ભાષાના એ શબ્દો કોઈક વ્યક્તિની ઇચ્છા કે ભૂખને રજૂ કરી શકે. ગુજરી ગયેલી વ્યક્તિ કે શબ માટે પણ એ શબ્દો વપરાયા છે.—ગણ ૬:૬; નીતિ ૨૩:૨; યશા ૫૬:૧૧; હાગ ૨:૧૩.
ફ
ફરોશીઓ.
ઈસવીસન પહેલી સદીમાં યહુદીઓનો એક જાણીતો ધાર્મિક પંથ. તેઓ યાજકોના વંશના ન હતા, પણ નિયમશાસ્ત્રની નાનામાં નાની વાત કડક રીતે પાળતા હતા. તેઓ મૌખિક રીતે શીખવેલા રીતરિવાજોને પણ એટલી જ હદે પાળતા હતા. (માથ ૨૩:૨૩) તેઓ ગ્રીક સમાજની દરેક વાતનો વિરોધ કરતા. નિયમશાસ્ત્ર અને રીતરિવાજોના પંડિતો તરીકે, લોકો પર તેઓનો ઘણો પ્રભાવ હતો. (માથ ૨૩:૨-૬) અમુક તો યહુદી ન્યાયસભાના સભ્યો પણ હતા. સાબ્બાથ વિશે, રીતરિવાજો પાળવા વિશે અને પાપીઓ તથા કર ઉઘરાવનારાઓ સાથેની સંગત વિશે તેઓએ ઈસુનો ઘણી વાર વિરોધ કર્યો હતો. અમુક ફરોશીઓ ખ્રિસ્તી બન્યા, જેમાં તાર્સસના શાઊલ પણ હતા.—માથ ૯:૧૧; ૧૨:૧૪; માર્ક ૭:૫; લુક ૬:૨; પ્રેકા ૨૬:૫.
ફારૂન.
ઇજિપ્તના રાજાઓને અપાયેલો ખિતાબ. બાઇબલમાં પાંચ ફારૂનના નામ અપાયા છે (શીશાક, સો, ટીરહાકાહ, નકોહ અને હોફ્રા), પણ બીજા ફારૂનના નામ આપ્યા નથી. ઈબ્રાહીમ, મુસા અને યુસફના સમયમાં થઈ ગયેલા ફારૂનના નામ પણ આપવામાં આવ્યા નથી.—નિર્ગ ૧૫:૪; રોમ ૯:૧૭.
ફેધમ.
પાણીની ઊંડાઈ માપવાનું એકમ. એક ફેધમ બરાબર ૧.૮ મી. (૬ ફૂટ).—પ્રેકા ૨૭:૨૮.
ફોતરાં.
બ
બઆલ.
કનાનીઓનો દેવ, જે આકાશનો માલિક અને વરસાદ તથા ફળદ્રુપતા આપનાર ગણાતો. “બઆલ” શબ્દ, એ સમયના નાના દેવો માટે પણ વપરાતો. આ હિબ્રૂ શબ્દનો અર્થ થાય, “માલિક; વડો.”—૧રા ૧૮:૨૧; રોમ ૧૧:૪.
બખતર.
સૈનિકોના શરીરને રક્ષણ આપવા પહેરાતો પોશાક, જેમાં ટોપ, છાતી પરનું બખતર, પટ્ટો, પગનું બખતર અને ઢાલનો સમાવેશ થતો હતો.—૧શ ૩૧:૯; એફે ૬:૧૩-૧૭.
બરુ.
ભીની જગ્યાએ ઊગતા અનેક પ્રકારના છોડ માટે આ શબ્દ વપરાય છે. આવા જે છોડનો ઘણી વાર ઉલ્લેખ થાય છે, એ અરુન્ડો ડોનેક્ષ છે.—માથ ૨૭:૨૯; પ્રક ૧૧:૧.
બલિદાન.
આભાર માનવા, પાપની કબૂલાત કરવા અને ઈશ્વર સાથે સારા સંબંધો ફરીથી બાંધવા ઈશ્વરને ચઢાવવામાં આવતું અર્પણ. હાબેલથી લઈને મનુષ્યો પોતાની ઇચ્છાથી અનેક પ્રકારનાં અર્પણો ચઢાવતા, જેમાં પ્રાણીઓનાં બલિદાનો પણ આવી જાય. પછીથી, મુસાનો નિયમ કરાર આવ્યો ત્યારે, બલિદાનો ચઢાવવા એક જરૂરિયાત બની ગઈ. ઈસુએ પોતાનું જીવન બલિદાન તરીકે આપી દીધું અને એ બલિદાન સંપૂર્ણ હોવાથી પ્રાણીઓનાં બલિદાનો ચઢાવવાની જરૂર ન રહી. તેમ છતાં, ઈશ્વરભક્તો યહોવાને ગમે છે એવાં કાર્યો કરીને જાણે હજી પણ બલિદાનો ચઢાવે છે.—ઉત ૪:૪; હિબ્રૂ ૧૩:૧૫, ૧૬; ૧યો ૪:૧૦.
બાપ્તિસ્મા; બાપ્તિસ્મા આપવું.
આ ક્રિયાપદનો અર્થ થાય, “ડુબાડવું” અથવા પાણીમાં ડૂબકી મરાવવી. ઈસુના જણાવ્યા પ્રમાણે તેમના શિષ્યો બનવા બાપ્તિસ્મા લેવું જરૂરી હતું. શાસ્ત્રવચનો જે બાપ્તિસ્મા વિશે જણાવે છે, એમાં યોહાનનું બાપ્તિસ્મા, પવિત્ર શક્તિનું બાપ્તિસ્મા અને અગ્નિનું બાપ્તિસ્મા પણ સમાયેલા છે.—માથ ૩:૧૧, ૧૬; ૨૮:૧૯; યોહ ૩:૨૩; ૧પી ૩:૨૧.
બાલઝબૂલ.
બેખમીર.
આ શબ્દ એવી રોટલી માટે વપરાય છે, જેને ખમીર કે મેળવણ ઉમેર્યા વગર બનાવવામાં આવી હોય.—પુન ૧૬:૩; માર્ક ૧૪:૧૨; ૧કો ૫:૮.
બેખમીર રોટલીનો તહેવાર.
ઇઝરાયેલીઓના ત્રણ મહત્ત્વના વાર્ષિક તહેવારોમાંથી પહેલો તહેવાર. એ પાસ્ખા પછીનો દિવસ હતો. એ તહેવાર નીસાન ૧૫થી ચાલુ થતો અને સાત દિવસ સુધી ચાલતો. ઇજિપ્તથી નીકળ્યાની યાદગીરીમાં ફક્ત બેખમીર રોટલી ખાય શકાતી.—નિર્ગ ૨૩:૧૫; માર્ક ૧૪:૧.
બેશરમ કામો.
ગ્રીક શબ્દ અસેલજીઆ પરથી આ શબ્દો ઊતરી આવ્યા છે. એ એવાં કામોને બતાવે છે, જેનાથી ઈશ્વરના નિયમોનો ભંગ થાય અને જે કામો બેશરમ અને તોછડું વર્તન બતાવતા હોય; એવું વલણ જે સત્તા, નિયમો અને ધોરણોને માન આપતું ન હોય અથવા એને ધિક્કારતું પણ હોય. એ શબ્દોમાં નાનાસૂનાં ખોટાં કામોનો સમાવેશ થતો નથી.—ગલા ૫:૧૯; ૨પી ૨:૭.
ભ
ભવિષ્ય ભાખનાર.
ભવિષ્યમાં થનાર ઘટનાઓ વિશે પહેલેથી જણાવવાનો દાવો કરનાર. જંતર-મંતર કરનારાઓ, મેલીવિદ્યા કરનારાઓ, જ્યોતિષીઓ અને તેઓના જેવા લોકોનો ભવિષ્ય ભાખનાર તરીકે બાઇબલમાં ઉલ્લેખ થયો છે.—લેવી ૧૯:૩૧; પુન ૧૮:૧૧; પ્રેકા ૧૬:૧૬.
ભવિષ્યવાણી.
પ્રેરિત સંદેશો, ભલે પછી એમાં ઈશ્વરની ઇચ્છા પ્રગટ થઈ હોય કે એ જાહેર થઈ હોય. ભવિષ્યવાણી કદાચ ઈશ્વરની પ્રેરણાથી મળેલું નૈતિક શિક્ષણ હોય, ઈશ્વરની આજ્ઞા કે ન્યાયચુકાદો હોય, અથવા આવનાર બનાવ વિશેની જાહેરાત હોય.—માથ ૧૩:૧૪; ૨પી ૧:૨૦, ૨૧.
મ
મકદોનિયા.
ગ્રીસની ઉત્તરે આવેલો પ્રદેશ, જેણે મહાન સિકંદરના રાજમાં ઘણી નામના મેળવી હતી અને રોમનોએ એના પર જીત મેળવી ત્યાં સુધી, એ પ્રદેશ સ્વતંત્ર રહ્યો. પ્રેરિત પાઊલે યુરોપની પહેલી મુલાકાત કરી ત્યારે, મકદોનિયા રોમન પ્રાંત હતો. પાઊલે ત્રણ વખત એ જગ્યાની મુલાકાત લીધી.—પ્રેકા ૧૬:૯.
મધ્યસ્થ.
બે જૂથો વચ્ચે સમાધાન કરાવનાર. બાઇબલમાં, મુસા નિયમ કરારના અને ઈસુ નવા કરારના મધ્યસ્થ છે.—ગલા ૩:૧૯; ૧તિ ૨:૫; હિબ્રૂ ૧૨:૨૪.
મશક.
ઘેટા કે બકરા જેવા પ્રાણીના આખા ચામડાની બનેલી થેલી. એનો ઉપયોગ દ્રાક્ષદારૂ ભરવા થતો. દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરવામાં આવતો, કેમ કે આથો ચડવાને લીધે કાર્બન ડાયૉક્સાઇડ (અંગાર વાયુ) ઉત્પન્ન થાય છે અને થેલી પર દબાણ આવે છે. દબાણ આવે ત્યારે નવું ચામડું ફેલાય છે, જ્યારે કે જૂનું ચામડું કડક હોવાને લીધે ફાટી જાય છે.—યહો ૯:૪; માથ ૯:૧૭.
મસીહ.
મહાન વિપત્તિ.
“વિપત્તિ” માટે વપરાયેલો ગ્રીક શબ્દ સંજોગોના દબાણને લીધે ઊભી થતી ચિંતા કે દુઃખ સૂચવે છે. કદી પણ ન થઈ હોય એવી “મહાન વિપત્તિ” વિશે ઈસુએ જણાવ્યું હતું, જે યરૂશાલેમ પર આવવાની હતી; ખાસ કરીને, ભાવિમાં જ્યારે તે “ગૌરવ સાથે” આવશે, ત્યારે આખી માણસજાત પર જે વિપત્તિ આવનાર છે, એ વિશે જણાવ્યું. (માથ ૨૪:૨૧, ૨૯-૩૧) પાઊલે જણાવ્યું કે, ‘જેઓ ઈશ્વરને જાણતા નથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની ખુશખબર માનતા નથી,’ તેઓ વિરુદ્ધ આ વિપત્તિ ઈશ્વરનો સાચો ન્યાય છે. પ્રકટીકરણનો ૧૯મો અધ્યાય બતાવે છે કે ‘જંગલી જાનવર, પૃથ્વીના રાજાઓ અને તેઓનાં સૈન્યોની’ સામે લડવા ઈસુ સ્વર્ગનાં સૈન્યોને લઈને આવશે. (૨થે ૧:૬-૮; પ્રક ૧૯:૧૧-૨૧) એ મહાન વિપત્તિમાંથી “મોટું ટોળું” બચી જશે. (પ્રક ૭:૯, ૧૪)—આર્માગેદન જુઓ.
મહોર.
છાપ પાડવાનું એક સાધન (સામાન્ય રીતે માટી કે મીણ પર). એ છાપ માલિકી, ખરાની સાબિતી કે કરાર બતાવતું હતું; એનો ઉપયોગ દસ્તાવેજો કે બીજી કોઈ વસ્તુઓ, જેમ કે દરવાજા અને કબરો પર કરવામાં આવતો, જેથી એમાં કોઈ ફેરફાર કરી શકાય નહિ. જૂના જમાનામાં મહોર તરીકે નક્કર વસ્તુ (પથ્થર, હાથીદાંત કે લાકડું) વપરાતી, જેના પર ઊંધા અક્ષરો કે આકૃતિ કોતરેલી હોય. મહોર શબ્દ સાંકેતિક રીતે, ખરાની સાબિતી તરીકે કે માલિકીની નિશાની તરીકે અથવા કંઈક સંતાડેલું કે ખાનગી રાખેલું હોય, એની નિશાની તરીકે વપરાય છે.—માથ ૨૭:૬૬; યોહ ૬:૨૭; એફે ૧:૧૩; પ્રક ૫:૧; ૯:૪.
માણસનો દીકરો.
ખુશખબરનાં પુસ્તકોમાં આ શબ્દ લગભગ ૮૦ વાર જોવા મળે છે. એ ઈસુ ખ્રિસ્તને લાગુ પડે છે અને બતાવે છે કે મનુષ્ય તરીકે જન્મ લઈને તે માણસ બન્યા, તે માણસના રૂપમાં સ્વર્ગદૂત ન હતા. આ સંબોધન એ પણ સૂચવે છે કે દાનીયેલ ૭:૧૩, ૧૪ની ભવિષ્યવાણી ઈસુ પૂરી કરશે. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં, આ સંબોધન હઝકીએલ અને દાનીયેલ માટે વપરાયા છે, જેથી ઈશ્વરનો સંદેશો બોલનાર માણસ અને એ સંદેશો આપનાર ઈશ્વર વચ્ચેનો તફાવત દેખાઈ આવે.—હઝ ૩:૧૭; દા ૮:૧૭; માથ ૧૯:૨૮; ૨૦:૨૮.
માદીઓ.
યાફેથના દીકરા માદાયના વંશમાંથી ઊતરી આવેલા લોકો; તેઓ ઈરાનના પહાડી વિસ્તારની સપાટ જમીન પર વસ્યા, જે માદાય દેશ બન્યો. ઈ.સ. ૩૩ના પચાસમાના દિવસે યરૂશાલેમમાં માદીઓ હાજર હતા.—પ્રેકા ૨:૯.
માનતા.
ઈશ્વરને આપેલું પાકું વચન. એમાં કોઈ કાર્ય કરવાનો, કોઈ અર્પણ કે ભેટ આપવાનો, કોઈ સેવા શરૂ કરવાનો કે નિયમ જે કરવાની છૂટ આપતું હોય એનાથી દૂર રહેવાનો સમાવેશ થાય છે. એમાં સોગંદ જેટલી ગંભીરતા હોય છે.—માથ ૫:૩૩.
માન્ના.
વેરાન પ્રદેશમાં ૪૦ વર્ષ દરમિયાન ઇઝરાયેલીઓનો મુખ્ય ખોરાક. યહોવાએ માન્ના આપ્યું હતું. સાબ્બાથ સિવાય રોજ સવારે જમીન પર પડેલા ઝાકળની નીચે ચમત્કારિક રીતે માન્ના મળી આવતું. ઇઝરાયેલીઓએ પહેલી વખત એ જોયું ત્યારે બોલી ઊઠ્યા, “એ શું છે?” અથવા હિબ્રૂમાં “માન હુ?” (નિર્ગ ૧૬:૧૩-૧૫, ૩૫) માન્નાનો ઉપયોગ ઈસુએ રૂપક તરીકે પણ કર્યો.—યોહ ૬:૪૯, ૫૦.
માર્ગ.
શાસ્ત્રમાં આ શબ્દ રૂપક તરીકે એવાં વાણી-વર્તન માટે વપરાયો છે, જેને યહોવા પસંદ કરે છે અથવા નાપસંદ કરે છે. જેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બન્યા, તેઓ વિશે કહેવામાં આવ્યું કે, તેઓ એ ‘માર્ગના’ છે. એનો અર્થ એ કે તેઓ ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરતા હતા અને પોતાના જીવનમાં ઈસુ પરની શ્રદ્ધાને મહત્ત્વ આપતા હતા.—પ્રેકા ૧૯:૯.
મીના.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, એક મીના બરાબર ૧૦૦ ડ્રાક્મા. એનું વજન ૩૪૦ ગ્રા. (૧૦.૯ ઔં.) હતું.—લુક ૧૯:૧૩.
મુખ્ય આગેવાન.
ગ્રીક શબ્દનો અર્થ થાય, “મુખ્ય નેતા.” વફાદાર લોકોને પાપની જીવલેણ અસરથી છોડાવવા માટે અને હંમેશ માટેના જીવન તરફ દોરી જવા માટે ઈસુ ખ્રિસ્તે ભજવેલી મહત્ત્વની ભૂમિકાને રજૂ કરે છે.—પ્રેકા ૩:૧૫; ૫:૩૧; હિબ્રૂ ૨:૧૦; ૧૨:૨.
મુખ્ય યાજક.
હિબ્રૂ શાસ્ત્રવચનોમાં, “પ્રમુખ યાજક” માટે વપરાયેલું બીજું નામ. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, “મુખ્ય યાજકો” નામનો ઉપયોગ યાજકપદના મુખ્ય માણસો માટે થયો છે. કદાચ એમાં જૂના પ્રમુખ યાજકો અને યાજકોના ૨૪ વર્ગોના વડાઓનો સમાવેશ થતો હતો.—૨કા ૨૬:૨૦; એઝ ૭:૫; માથ ૨:૪; માર્ક ૮:૩૧.
મેલીવિદ્યા.
માણસ મરી જાય ત્યારે, તેના શરીરમાંથી આત્મા બચી જાય છે અને એ આત્મા જીવંત મનુષ્ય સાથે વાતચીત કરી શકે છે અને કરે છે, એવી માન્યતા. ખાસ કરીને સહેલાઈથી તેને વશ થઈ જનાર વ્યક્તિ (માધ્યમ) દ્વારા વાતચીત થાય છે. “મેલીવિદ્યા” માટેનો ગ્રીક શબ્દ ફાર્માકીઆ છે, જેનો મૂળ અર્થ થાય, “દવા કે નશીલો પદાર્થ વાપરવો.” આ શબ્દો મેલીવિદ્યા સાથે જોડી દેવામાં આવ્યા, કારણ કે પહેલાંના સમયમાં જંતરમંતર કરવા દુષ્ટ દૂતો પાસેથી શક્તિ મેળવવા નશીલા પદાર્થો વપરાતા હતા.—ગલા ૫:૨૦; પ્રક ૨૧:૮.
મોલોખ.
આમ્મોનીઓનો એક દેવ; આ દેવ કદાચ માલ્કામ, મિલ્કોમ અને મોલેખ હોય શકે.—પ્રેકા ૭:૪૩.
મંડળ.
ખાસ હેતુ કે પ્રવૃત્તિ માટે ભેગા થતા લોકોનું જૂથ. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં એ મોટા ભાગે ઇઝરાયેલી પ્રજાને દર્શાવે છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એ અલગ અલગ ખ્રિસ્તી મંડળોને બતાવે છે. પણ, મોટા ભાગે બધા ખ્રિસ્તી મંડળોને એ રજૂ કરે છે.—૧રા ૮:૨૨; પ્રેકા ૯:૩૧; રોમ ૧૬:૫.
મંદિર.
સામાન્ય રીતે, ભક્તિ માટે અલગ કરાયેલી જગ્યા, પવિત્ર જગ્યા. જોકે, મોટા ભાગે એ મંડપ કે યરૂશાલેમના મંદિરને રજૂ કરે છે. ઇઝરાયેલી લોકો માટે ભક્તિની જગ્યા તરીકે વપરાતા મંડપને બદલે યરૂશાલેમમાં બંધાયેલું મંદિર. પહેલું મંદિર સુલેમાને બાંધ્યું હતું અને બાબેલોનીઓએ એનો નાશ કર્યો હતો. બાબેલોનની ગુલામીમાંથી પાછા ફર્યા પછી, ઝરૂબ્બાબેલે બીજું મંદિર બાંધ્યું હતું અને પછીથી મહાન હેરોદે એ ફરીથી બાંધ્યું હતું. શાસ્ત્રવચનોમાં, ઘણી વાર એ “યહોવાનું મંદિર” પણ કહેવાતું. (એઝ ૧:૩; ૬:૧૪, ૧૫; ૧કા ૨૯:૧; ૨કા ૨:૪; માથ ૨૪:૧) ઈશ્વરના સ્વર્ગના રહેઠાણ માટે પણ આ શબ્દ વપરાયો છે.—નિર્ગ ૨૫:૮, ૯; ૨રા ૧૦:૨૫; ૧કા ૨૮:૧૦; પ્રક ૧૧:૧૯.
મંદિરના સમર્પણનો તહેવાર.
અંત્યોખસ એપીફાનેસે મંદિરને ભ્રષ્ટ કર્યું પછી, મંદિર શુદ્ધ કરવામાં આવ્યું એ યાદ દેવડાવતો વાર્ષિક દિવસ. કિસ્લેવ મહિનાની ૨૫થી ઉજવણી શરૂ થતી અને આઠ દિવસ ચાલતી.—યોહ ૧૦:૨૨.
માંડવાનો તહેવાર.
માંડવાપર્વ અથવા ભેગા મળવાના તહેવાર તરીકે પણ ઓળખાતો. હિબ્રૂઓના એથાનીમ મહિનાની ૧૫-૨૧ તારીખ દરમિયાન એ તહેવાર ઊજવાતો. એ તહેવાર ઇઝરાયેલ માટે ખેતીના વર્ષને અંતે કાપણીની ઉજવણી માટે હતો; એ સમય ખુશી મનાવવાનો અને ઊપજ પર યહોવાએ આપેલા આશીર્વાદો માટે આભાર માનવાનો હતો. તહેવારના દિવસોમાં લોકો માંડવાઓ કે છાપરાં નીચે રહેતા, જેથી તેઓને ઇજિપ્તમાંથી નીકળ્યા એ સમય યાદ રહે. ત્રણ તહેવારોમાંથી આ એક હતો, જે મનાવવા પુરુષોએ યરૂશાલેમ જવાનું હતું.—લેવી ૨૩:૩૪; એઝ ૩:૪; યોહ ૭:૨.
ય
યહુદા.
યાકૂબના ચોથા દીકરા, જે લેઆહથી થયા હતા. યાકૂબે મરણ-પથારી પર કરેલી ભવિષ્યવાણીમાં જણાવ્યું કે, મહાન અને કાયમી રાજા યહુદાના કુટુંબમાંથી આવશે. ઈસુ મનુષ્ય તરીકે યહુદાના કુળમાંથી આવ્યા. યહુદા નામ કુળને પણ બતાવે છે અને પછીથી યહુદાના નામ પરથી પડેલા રાજ્યને બતાવે છે.—ઉત ૨૯:૩૫; ૪૯:૧૦; હિબ્રૂ ૭:૧૪.
યહુદી.
ઇઝરાયેલનાં દસ કુળના રાજ્યની હાર પછી, યહુદા કુળના માણસ માટે વપરાતો શબ્દ. (૨રા ૧૬:૬) બાબેલોનની ગુલામી પછી, ઇઝરાયેલ પાછા આવેલા અલગ અલગ કુળના ઇઝરાયેલીઓ માટે આ શબ્દ વપરાતો. (એઝ ૪:૧૨) ત્યાર બાદ, ઇઝરાયેલીઓ બીજી પ્રજાઓથી અલગ તરી આવે માટે આખી દુનિયામાં એ શબ્દ વપરાવા લાગ્યો. (એસ્તે ૩:૬) ખ્રિસ્તી મંડળમાં વ્યક્તિ કયા દેશની નાગરિકતા ધરાવે છે એનું કંઈ મહત્ત્વ નથી, એ વિશે ચર્ચા કરતા પ્રેરિત પાઊલે આ શબ્દ રૂપક તરીકે પણ વાપર્યો હતો.—રોમ ૨:૨૮, ૨૯; ગલા ૩:૨૮.
યહુદી ન્યાયસભા.
યરૂશાલેમમાં આવેલી યહુદી ઉચ્ચ અદાલત. ઈસુના દિવસોમાં એમાં ૭૧ સભ્યો હતા, જેમાં પ્રમુખ યાજક અને અગાઉના પ્રમુખ યાજકો, પ્રમુખ યાજકોના કુટુંબના સભ્યો, વડીલો, કુળ અને કુટુંબના વડાઓ અને શાસ્ત્રીઓ હતા.—માર્ક ૧૫:૧; પ્રેકા ૫:૩૪; ૨૩:૧, ૬.
યહુદી બનેલા.
યહુદી ધર્મ અપનાવ્યો હોય એવા. શાસ્ત્રવચનો પ્રમાણે યહુદી ધર્મ અપનાવેલા પુરુષે સુન્નત કરાવવાની હતી.—માથ ૨૩:૧૫; પ્રેકા ૧૩:૪૩.
યહોવા.
ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં “યહોવા” નામ કુલ ૨૩૭ વખત વાપરે છે. ઈશ્વરનું નામ વાપરવાનો નિર્ણય આ પુરાવા પર આધારિત હતો:
૧. ઈસુ અને તેમના પ્રેરિતોના દિવસોમાં હિબ્રૂ શાસ્ત્રવચનોની જે નકલો વપરાતી હતી, એમાં બધે જ ચાર મૂળાક્ષરો હતા (એટલે કે, ચાર હિબ્રૂ વ્યંજનો יהוה દ્વારા રજૂ કરવામાં આવતું ઈશ્વરનું નામ).
૨. ઈસુ અને તેમના પ્રેરિતોના દિવસોમાં, હિબ્રૂ શાસ્ત્રવચનોનાં ગ્રીક ભાષાંતરોમાં પણ ચાર મૂળાક્ષરો હતા.
૩. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો જણાવે છે કે ઈસુએ વારંવાર ઈશ્વરના નામનો ઉપયોગ કર્યો અને એ નામ બીજાઓને જણાવ્યું.—યોહાન ૧૭:૬, ૧૧, ૧૨, ૨૬.
૪. હિબ્રૂ શાસ્ત્રવચનોની જેમ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો પણ ઈશ્વરપ્રેરિત છે અને બાઇબલનો ભાગ છે. એટલે, યહોવા નામ ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાંથી અચાનક ગાયબ થઈ જાય, એ વાત ગળે ઉતારવી અઘરી છે.
૫. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરના નામનું ટૂંકું રૂપ જોવા મળે છે.—પ્રકટીકરણ ૧૯:૧, ૩, ૪, ૬.
૬. શરૂઆતનાં યહુદી લખાણો સૂચવે છે કે યહુદી ખ્રિસ્તીઓ પોતાનાં લખાણોમાં ઈશ્વરનું નામ વાપરતા હતા.
૭. અમુક બાઇબલ વિદ્વાનો કબૂલ કરે છે કે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં મળી આવતી હિબ્રૂ શાસ્ત્રવચનોની કલમોમાં ઈશ્વરનું નામ હોય, એવી શક્યતા વધારે છે.
૮. એકસો કરતાં વધારે ભાષાઓમાં બાઇબલ ભાષાંતરો ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ વાપરે છે.
એમાં કોઈ શંકા નથી કે ઈશ્વરનું નામ, યહોવા ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં એની જગ્યાએ પાછું મૂકવા માટે સ્પષ્ટ કારણો છે. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનના ભાષાંતરકારોએ એવું જ કર્યું છે. તેઓને ઈશ્વરના નામ માટે ખૂબ આદર છે અને ઈશ્વરનો ડર છે. એટલે, તેઓ મૂળ લખાણમાં મળી આવતું કંઈ પણ કાઢી નાખવા માંગતા નથી.—પ્રકટીકરણ ૨૨:૧૮, ૧૯.
યાકૂબ.
યાજક.
લોકોની સેવા માટે નિમાયેલા માણસ, જેમને લોકો આગળ ઈશ્વરને રજૂ કરવાનો, ઈશ્વર અને તેમના નિયમો વિશે શીખવવાનો અધિકાર મળ્યો હોય. યાજકો લોકોને પણ ઈશ્વરની સામે રજૂ કરતા, અર્પણો ચઢાવતા તેમજ લોકો માટે વચમાં પડતા અને વિનંતી કરતા. મુસા દ્વારા નિયમશાસ્ત્ર અપાયું એ પહેલાં, કુટુંબના શિર પોતાના કુટુંબ માટે યાજક તરીકે વર્તતા. મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, લેવી કુળના હારૂનના કુટુંબના પુરુષોથી યાજકવર્ગ બન્યો હતો. બાકીના લેવીય પુરુષો તેઓના સહાયકો હતા. નવા કરારની શરૂઆત થઈ ત્યારે, ઈશ્વરનું ઇઝરાયેલ યાજકોનું રાષ્ટ્ર બન્યું, જેના પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્ત છે.—નિર્ગ ૨૮:૪૧; હિબ્રૂ ૯:૨૪; પ્રક ૫:૧૦.
યુફ્રેટિસ.
દક્ષિણ-પશ્ચિમ એશિયાની સૌથી લાંબી અને સૌથી મહત્ત્વની નદી. મેસોપોટેમિયાની બે મોટી નદીઓમાંની એક. ઉત્પત્તિ ૨:૧૪માં એનો પહેલી વાર ઉલ્લેખ થયો છે, જે એદન બાગની ચાર નદીઓમાંની એક નદી હતી. ઘણી વાર એને ફક્ત “નદી” કહેવામાં આવી છે. (ઉત ૩૧:૨૧) એ નદી ઇઝરાયેલીઓને સોંપેલા પ્રદેશની ઉત્તરની હદ હતી.—ઉત ૧૫:૧૮; પ્રક ૯:૧૪; ૧૬:૧૨.
ર
રક્તપિત્ત; રક્તપિત્ત થયેલો.
ચામડીની ગંભીર બીમારી. શાસ્ત્રવચનોમાં, આજની જેમ રક્તપિત્ત શબ્દ ફક્ત બીમારી પૂરતો જ મર્યાદિત નથી, કેમ કે રક્તપિત્ત માણસોને જ નહિ, કપડાં અને ઘરોને પણ અસર કરી શકે.—લેવી ૧૪:૫૪; લુક ૫:૧૨.
રણશિંગડું.
ધાતુનું બનેલું વાદ્ય, જે નિશાની આપવા કે સંગીતમાં વપરાતું. ઘણી વાર રણશિંગડાંનો અવાજ સાંકેતિક રીતે યહોવાનો ન્યાયચુકાદો જાહેર કરવાને અથવા સ્વર્ગમાંથી શરૂ થતા બનાવો જાહેર કરવાને રજૂ કરે છે.—૧કો ૧૫:૫૨; પ્રક ૮:૭–૧૧:૧૫.
રાજદંડ.
રાજવી અધિકાર રજૂ કરતો દંડ અથવા છડી, જેનો ઉપયોગ સત્તાધીશ કરતા.—ઉત ૪૯:૧૦; હિબ્રૂ ૧:૮.
રાજ્યપાલ.
બાઇબલ સમયમાં રાજ્યપાલો પાસે મોટા ભાગે લશ્કરી અને ન્યાય કરવાની સત્તા હતી. રાજ્યપાલોએ જોવાનું હતું કે પોતાની સત્તા નીચેનાં રાજ્યો કે પ્રદેશો કર, મહેસૂલ કે વાર્ષિક આવકવેરો રાજા અથવા શાસકને ભરી આપે. રોમન રાજમાં, યહુદિયાના રાજ્યપાલો જે કંઈ કરે, એ માટે સીધેસીધા સમ્રાટને જવાબદાર હતા.
લ
લેપ્ટન.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનના સમયગાળામાં તાંબાનો કે કાંસાનો સૌથી નાનો યહુદી સિક્કો.—માર્ક ૧૨:૪૨, ફૂટનોટ; લુક ૨૧:૨, ફૂટનોટ.
લેવી.
યાકૂબને પોતાની પત્ની લેઆહથી થયેલા ત્રીજા દીકરા; તેમના નામ પરથી કુળનું પણ નામ પાડવામાં આવ્યું. તેમના ત્રણ દીકરાઓ પરથી ત્રણ મુખ્ય ભાગ પડ્યા, જે લેવીઓના યાજકપદ તરીકે જાણીતા છે. અમુક વાર “લેવીઓ” શબ્દ આખા કુળને લાગુ પડતો, પણ મોટા ભાગે યાજક હારૂનના કુટુંબનો એમાં સમાવેશ થતો ન હતો. લેવીના કુળને વચનના દેશમાં જમીનનો કોઈ હિસ્સો મળ્યો ન હતો, પણ બીજાં કુળોને આપેલી જમીનના હિસ્સામાંથી તેઓને ૪૮ શહેરો આપવામાં આવ્યાં હતાં.—પુન ૧૦:૮; ૧કા ૬:૧; હિબ્રૂ ૭:૧૧.
લોબાન.
વૃક્ષોમાંથી અને બોસવેલીઆ નામની અમુક ઝાડીઓમાંથી કાઢવામાં આવતો સૂકો રસ (ગુંદર). જ્યારે એ બાળવામાં આવે ત્યારે મીઠી સુગંધ આવે છે. મંડપ અને મંદિરમાં વપરાતો પવિત્ર ધૂપ બનાવવા એનો ઉપયોગ થતો હતો. અનાજનાં અર્પણો સાથે પણ એ ચઢાવવામાં આવતો અને પવિત્ર સ્થાનમાં અર્પણ કરેલી રોટલીની દરેક થપ્પી પર એ મૂકવામાં આવતો.—નિર્ગ ૩૦:૩૪-૩૬; લેવી ૨:૧; ૨૪:૭; માથ ૨:૧૧.
વ
વડીલ; વૃદ્ધ માણસ.
મોટી વયનો માણસ. પણ, શાસ્ત્રવચનોમાં સમાજ કે પ્રજા પર અધિકાર અને જવાબદારી ધરાવતા પુરુષ માટે આ શબ્દ વપરાયો છે. પ્રકટીકરણના પુસ્તકમાં સ્વર્ગની વ્યક્તિઓ માટે પણ આ શબ્દ વપરાયો છે. મંડળમાં આગેવાની લેતા જવાબદાર ભાઈઓને દર્શાવવા, ગ્રીક શબ્દ પ્રિસ્બીટેરોસનું ભાષાંતર “વડીલ” થાય છે.—નિર્ગ ૪:૨૯; નીતિ ૩૧:૨૩; ૧તિ ૫:૧૭; પ્રક ૪:૪.
વધસ્તંભ.
અમુક દેશોમાં વ્યક્તિને મારી નાખવા અને/અથવા શબને જાહેરમાં લટકાવવા વાપરવામાં આવતો ઊભો થાંભલો. એનો હેતુ લોકોને ચેતવણી આપવાનો કે જાહેરમાં અપમાન કરવાનો હતો. યહુદી નિયમોમાં ઈશ્વરનિંદા અથવા મૂર્તિપૂજા જેવાં ધિક્કારપાત્ર કામો માટે દોષિત હોય, તેઓને પહેલા પથ્થરોથી મારી નાખવામાં આવતા અથવા કોઈ બીજી રીતે મારી નાખવામાં આવતા; પછી, તેઓના શબને થાંભલા કે ઝાડ પર એ દિવસ પૂરતું લટકાવવામાં આવતું. (પુન ૨૧:૨૨, ૨૩) રોમનો અમુક વાર ગુનેગારને સ્તંભ પર ફક્ત બાંધી રાખતા; એ કિસ્સામાં ગુનેગાર પીડા, ભૂખ-તરસ અને તડકાથી રિબાઈ રિબાઈને અમુક દિવસો પછી મરતો. બીજા કિસ્સાઓમાં, જેમ ઈસુને મારી નાખવામાં આવ્યા હતા, તેમ તેઓ આરોપીના હાથે-પગે ખીલા મારીને તેને વધસ્તંભે જડી દેતા. (માર્ક ૧૫:૨૪; યોહ ૧૯:૧૪-૧૬; ૨૦:૨૫; પ્રેકા ૨:૨૩, ૩૬) એવો કોઈ પુરાવો નથી કે વધસ્તંભ માટે વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ ક્રોસ થતો હોય, જે જૂઠા ધર્મના લોકો ખ્રિસ્ત આવ્યા એની ઘણી સદીઓ પહેલાં ધાર્મિક નિશાની તરીકે વાપરતા હતા. ઈસુએ પણ વધસ્તંભ શબ્દ વાપરીને સૂચવ્યું હતું કે તેમના શિષ્યોએ રિબામણી, દુઃખ અને શરમ સહન કરવા પડશે.—માથ ૧૬:૨૪; હિબ્રૂ ૧૨:૨.
વિલાપ.
મરણ કે બીજી કોઈ આફત માટે દુઃખ વ્યક્ત કરવું. બાઇબલના જમાનામાં, અમુક સમયગાળા સુધી વિલાપ કરવાનો રિવાજ હતો. વિલાપ કરનારાઓ જોરજોરથી રડવા ઉપરાંત, ખાસ કપડાં પહેરતા, માથા પર રાખ નાખતા, પોતાનાં કપડાં ફાડતા અને છાતી કૂટતા. અમુક વાર, દફનવિધિમાં વિલાપ કરનારાઓને પૈસા આપીને બોલાવવામાં આવતા.—એસ્તે ૪:૩; માથ ૧૧:૧૭; માર્ક ૫:૩૮; યોહ ૧૧:૩૩; પ્રક ૨૧:૪.
વીંટો.
લાંબું ચામડું કે લાંબું પપાઈરસનું કાગળ, જેની એક બાજુ લખવામાં આવતું અને મોટા ભાગે એને લાકડી ફરતે વીંટાળવામાં આવતું. એ વીંટાઓ પર શાસ્ત્રવચનો લખવામાં આવતાં અને નકલ કરવામાં આવતાં. બાઇબલ લખાયું એ સમય દરમિયાન પુસ્તકો એ રીતે લખાતાં હતાં.—લુક ૪:૧૭-૨૦; ૨તિ ૪:૧૩.
વેદી.
માટી, પથ્થર, મોટો પથ્થર કે ધાતુએ મઢેલા લાકડાનો બનાવેલો ઊંચો ઢાંચો કે ઓટલો, જેના પર ભક્તિ માટે બલિદાનો કે સુગંધી દ્રવ્યો ચઢાવવામાં આવતાં હતાં. મંડપના અને મંદિરના પહેલા ઓરડામાં નાની “સોનાની વેદી” હતી, જેના પર સુગંધી દ્રવ્યો ચઢાવવામાં આવતાં. એ સોનાથી મઢેલા લાકડાની બનેલી હતી. અગ્નિ-અર્પણો માટે બહાર આંગણામાં મોટી “તાંબાની વેદી” હતી. જૂઠી ઉપાસના માટે પણ વેદીઓનો ઉપયોગ થતો હતો.—નિર્ગ ૩૯:૩૮, ૩૯; ૧રા ૬:૨૦; માથ ૫:૨૩, ૨૪; લુક ૧:૧૧; પ્રેકા ૧૭:૨૩.
વેદીનાં શિંગડાં.
અમુક વેદીઓના ચારે ખૂણામાં આવેલાં શિંગડાં જેવા આકારનો ભાગ, જે બહારની બાજુ નીકળતો હતો.—લેવી ૮:૧૫; ૧રા ૨:૨૮; પ્રક ૯:૧૩.
વેશ્યા.
ખાસ કરીને પૈસા માટે લગ્ન બહાર જાતીય સંબંધો બાંધનાર વ્યક્તિ. (“વેશ્યા” માટેનો ગ્રીક શબ્દ પોર્ને છે, જે “વેચવું” શબ્દના મૂળ અર્થમાંથી આવે છે.) મોટા ભાગે એ શબ્દ સ્ત્રીઓ માટે વપરાય છે, પણ બાઇબલમાં પુરુષ વેશ્યા વિશે પણ જણાવાયું છે. મુસાના નિયમશાસ્ત્રમાં વેશ્યાગીરીને ખોટી ગણવામાં આવતી. વેશ્યાની કમાણીનો યહોવાના મંદિરમાં દાન તરીકે સ્વીકાર થતો નહિ. જ્યારે કે, બીજા ધર્મોમાં મંદિરની વેશ્યાઓ મંદિરની આવકનું સાધન હતી. (પુન ૨૩:૧૭, ૧૮; ૧રા ૧૪:૨૪) બાઇબલમાં વેશ્યા શબ્દ સાંકેતિક રીતે પણ વપરાયો છે. એ એવા લોકો, દેશો અથવા સંગઠનોને બતાવે છે, જે એક બાજુ ઈશ્વરના ભક્તો હોવાનો દાવો કરે છે, પણ બીજી બાજુ કોઈ પ્રકારની મૂર્તિપૂજા કરતા હોય છે. દાખલા તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં “મહાન બાબેલોન” નામના ધાર્મિક સંગઠનનું વર્ણન, વેશ્યા તરીકે થયું છે. એનું કારણ એ કે સત્તા અને ધનદોલત માટે એ વેશ્યાએ આ દુનિયાના શાસકો સાથે સંગત રાખી છે.—પ્રક ૧૭:૧-૫; ૧૮:૩; ૧કા ૫:૨૫.
વ્યભિચાર.
ગ્રીક શબ્દ પોર્નિયા પરથી આવેલો શબ્દ, જે બધા પ્રકારના અનૈતિક જાતીય સંબંધો માટે વપરાયો છે. એમાં લગ્ન બહારનો જાતીય સંબંધ, વેશ્યાગીરી, કુંવારી વ્યક્તિઓ વચ્ચેનો જાતીય સંબંધ, સજાતીય સંબંધ અને પ્રાણીઓ સાથેના જાતીય સંબંધનો સમાવેશ થાય છે. આ શબ્દ સાંકેતિક રીતે પ્રકટીકરણમાં “મહાન બાબેલોન” કહેવાતી ધાર્મિક વેશ્યા માટે વપરાયો છે, જેણે સત્તા અને ધનદોલત માટે આ દુનિયાના શાસકો સાથે સંગત રાખી છે. (પ્રક ૧૪:૮; ૧૭:૨; માથ ૫:૩૨; પ્રેકા ૧૫:૨૯; ગલા ૫:૧૯)—વેશ્યા જુઓ.
શ
શહેરના અધિકારીઓ.
રોમન વસાહતોમાં, તેઓ સરકારી ન્યાયાધીશો કે મૅજિસ્ટ્રેટ હતા. તેઓની ફરજો આ હતી: નિયમપાલન કરાવવું, નાણાંની લેવડ-દેવડ પર નજર રાખવી, ગુનેગારોનો ન્યાય કરવો અને સજાના અમલ માટે હુકમ આપવો.—પ્રેકા ૧૬:૨૦.
શાપ.
કોઈ વ્યક્તિ કે વસ્તુને ધમકી આપવી કે એના વિશે કંઈક ખરાબ બોલવું. ધર્મનિંદા કે અતિશય ગુસ્સાની અહીં વાત થતી નથી. મોટા ભાગે શાપ, એટલે કે કંઈક ખરાબ થવા વિશે જણાવવું કે એના વિશે ભવિષ્ય ભાખવું. જ્યારે ઈશ્વર તરફથી કે નિમાયેલી વ્યક્તિ તરફથી શાપ આપવામાં આવે, ત્યારે એ ભવિષ્યકથન ઘણું મહત્ત્વનું અને અસરકારક હોય છે.—ઉત ૧૨:૩; ગણ ૨૨:૧૨; માર્ક ૧૧:૨૧; પ્રેકા ૨૩:૧૨; રોમ ૧૨:૧૪; ગલા ૩:૧૦.
શાસ્ત્રવચનો.
ઈશ્વરનો શબ્દ કે વાણીનાં પવિત્ર લખાણો. આ શબ્દ ફક્ત ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં જ જોવા મળે છે.—લુક ૨૪:૨૭; ૨તિ ૩:૧૬.
શાસ્ત્રી.
હિબ્રૂ શાસ્ત્રવચનોની નકલ ઉતારનાર. ઈસુ પૃથ્વી પર આવ્યા એ સમયે, નિયમશાસ્ત્રના પંડિતોનો વર્ગ એ નામે ઓળખાતો હતો. તેઓએ ઈસુનો વિરોધ કર્યો હતો.—એઝ ૭:૬; માર્ક ૧૨:૩૮, ૩૯; ૧૪:૧.
શુદ્ધ.
બાઇબલમાં આ શબ્દ ફક્ત શરીરની શુદ્ધતાને જ નહિ, પણ નૈતિક ધોરણો અને ઈશ્વરભક્તિ જેવી બાબતોમાં નિર્દોષ અને કલંક વગરના રહેવાને કે પછી ફરીથી એ સ્થિતિમાં આવવાને બતાવે છે; એમાં અપવિત્ર, ભેળસેળ કે ભ્રષ્ટ કરે, એવી કોઈ પણ બાબતોથી દૂર રહેવાનો સમાવેશ થાય છે. મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, આ શબ્દ વિધિ મુજબ શુદ્ધ થવાને બતાવે છે.—લેવી ૧૦:૧૦; ગી ૫૧:૭; માથ ૮:૨; ૧કો ૬:૧૧.
શિંગ.
પ્રાણીનાં શિંગડાંને બતાવે છે, જે પીવાનાં વાસણો તરીકે, તેલનાં વાસણો તરીકે, શાહી અને સૌંદર્યની વસ્તુઓ રાખવા અને સંગીતના વાજિંત્ર તરીકે વપરાતાં. લોકોને કંઈક સૂચવવા માટે પણ શિંગ વગાડવામાં આવતું. (૧શ ૧૬:૧, ૧૩; ૧રા ૧:૩૯; હઝ ૯:૨) ‘શિંગ’ શબ્દનો ઉપયોગ ઘણી વાર સાંકેતિક રીતે તાકાત, ફતેહ અને જીત દર્શાવવા થયો છે.—પુન ૩૩:૧૭; મીખા ૪:૧૩; લુક ૧:૬૯, ફૂટનોટ.
શેતાન.
હિબ્રૂ શબ્દનો અર્થ થાય, “વિરોધી.” બાઇબલમાં મોટા ભાગે આ શબ્દનો ઉપયોગ શેતાન માટે થયો છે, જે ઈશ્વરનો મુખ્ય દુશ્મન છે.—અયૂ ૧:૬; માથ ૪:૧૦; પ્રક ૧૨:૯.
સ
સજીવન થવું.
ગુજરી ગયેલાનું જીવતા થવું. ગ્રીક શબ્દ એનાસ્તાસીસનો અર્થ થાય, “ઊઠવું; ઊભા થવું.” બાઇબલમાં એવા નવ કિસ્સાઓ જણાવવામાં આવ્યા છે; યહોવાએ ઈસુને મરણમાંથી જીવતા કર્યા, એ પ્રસંગનો પણ એમાં સમાવેશ થાય છે. ખરું કે એલિશા, એલિયા, ઈસુ, પીતર અને પાઊલે અમુક લોકોને જીવતા કર્યા હતા, પણ એ ચમત્કારો ઈશ્વરની શક્તિથી જ કરવામાં આવ્યા હતા. ઈશ્વરનો હેતુ પૂરો થાય એ માટે પૃથ્વી પર ‘સારા લોકો અને ખરાબ લોકોને મરણમાંથી ઉઠાડવા’ ઘણું મહત્ત્વનું છે. (પ્રેકા ૨૪:૧૫) સ્વર્ગમાં સજીવન કરવા વિશે પણ બાઇબલમાં જણાવવામાં આવ્યું છે. એટલે કે, “પ્રથમ” અને “પહેલા” જીવતા કરાશે એવા લોકો વિશે કહેવામાં આવ્યું છે, જેમાં પવિત્ર શક્તિથી અભિષિક્ત થયેલા ઈસુના ભાઈઓનો સમાવેશ થાય છે.—ફિલિ ૩:૧૧; પ્રક ૨૦:૫, ૬; યોહ ૫:૨૮, ૨૯; ૧૧:૨૫.
સભાસ્થાન.
આ શબ્દનો અર્થ થાય, “ભેગા કરવું; સભા.” પણ, મોટા ભાગનાં શાસ્ત્રવચનો પ્રમાણે એવું મકાન કે જગ્યા, જ્યાં યહુદીઓ શાસ્ત્ર વાંચવા, શીખવા, શીખવવા અને પ્રાર્થના કરવા ભેગા થતા હતા. ઈસુના દિવસોમાં, ઇઝરાયેલના દરેક નગરમાં સભાસ્થાન હતું અને મોટાં શહેરોમાં એકથી વધારે સભાસ્થાનો હતાં.—લુક ૪:૧૬; પ્રેકા ૧૩:૧૪, ૧૫.
સમ.
કોઈ વાત સાચી છે, એની ખાતરી આપવા કે કોઈ કામ કરવા કે પછી ન કરવા લીધેલા સોગંદ. મોટા ભાગે પોતાનાથી ઉચ્ચ કે મોટા હોય એના, ખાસ કરીને ઈશ્વરના સમ લેવામાં આવે છે. યહોવાએ ઈબ્રાહીમ સાથે કરેલા પોતાના કરારને પાકો કરવા સમ ખાધા હતા.—ઉત ૧૪:૨૨; હિબ્રૂ ૬:૧૬, ૧૭.
સમરૂન.
ઇઝરાયેલનાં દસ કુળના ઉત્તરના રાજ્યની રાજધાની. આ શહેર ૨૦૦ વર્ષ સુધી રાજધાની હતું. તેમ જ, એ આખા વિસ્તારનું નામ પણ સમરૂન હતું. એ શહેર સમરૂન નામના પહાડ પર બાંધવામાં આવ્યું હતું. ઈસુના સમયમાં, સમરૂન એક રોમન જિલ્લાનું નામ હતું, જેની ઉત્તરે ગાલીલ અને દક્ષિણે યહુદિયા હતું. ઈસુએ પોતાની મુસાફરીમાં આ વિસ્તારમાં મોટા ભાગે પ્રચાર કર્યો ન હતો; પણ, અમુક વાર એ પ્રદેશમાંથી પસાર થયા ત્યારે, ઈસુએ ત્યાંના લોકો સાથે વાત કરી હતી. સમરૂની લોકોએ પવિત્ર શક્તિ મેળવી ત્યારે, પીતરે સાંકેતિક ચાવીઓમાંની બીજી ચાવીનો ઉપયોગ કર્યો.—૧રા ૧૬:૨૪; યોહ ૪:૭; પ્રેકા ૮:૧૪.
સમરૂનીઓ.
શરૂઆતમાં ઉત્તરનાં દસ કુળના રાજ્યના ઇઝરાયેલીઓ સમરૂનીઓ કહેવાતા. પણ, ઈ.સ. પૂર્વે ૭૪૦માં આશ્શૂરીઓએ સમરૂન પર જીત મેળવી, એ પછી તેઓ દ્વારા ત્યાં લાવવામાં આવેલા બીજી પ્રજાના લોકો પણ સમરૂનીઓ તરીકે ઓળખાયા. ઈસુના દિવસોમાં, એ નામને જાતિ કે રાજકારણ સાથે કંઈ લાગતું-વળગતું ન હતું. પણ, મોટા ભાગે એ નામ એવા ધાર્મિક પંથના અનુયાયીઓ માટે વપરાતું, જેઓ પ્રાચીન શેખેમ અને સમરૂનની આસપાસ રહેતા હતા. એ પંથના અનુયાયીઓમાં અમુક એવી માન્યતાઓ હતી, જે યહુદી ધર્મના લોકોથી એકદમ જુદી હતી.—યોહ ૮:૪૮.
સવારનો તારો.—
દિવસનો તારો જુઓ.
સહાયક સેવક.
ગ્રીક શબ્દ ડીયાકોનોસ, જેનો ઘણી વાર “સેવક” કે “ચાકર” તરીકે અનુવાદ થયો છે. મંડળમાં વડીલોના જૂથને મદદ કરનારને “સહાયક સેવક” કહેવામાં આવે છે. આ સેવાના લહાવા માટે લાયક બનવા તેમણે બાઇબલનાં ધોરણો પ્રમાણે ચાલવું જરૂરી છે.—૧તિ ૩:૮-૧૦, ૧૨.
સાદુકીઓ.
યહુદીઓનો એક જાણીતો ધાર્મિક પંથ, જે ઉચ્ચ કુળના અમીર લોકો અને યાજકોનો બનેલો હતો; મંદિરની પ્રવૃત્તિઓ પર તેઓ ઘણી સત્તા ચલાવતા હતા. ફરોશીઓના ઘણા મૌખિક રીતરિવાજોને અને બીજી માન્યતાઓને તેઓ સ્વીકારતા ન હતા. ગુજરી ગયેલા જીવતા કરાશે અથવા સ્વર્ગદૂતો છે, એવું તેઓ માનતા ન હતા. તેઓએ ઈસુનો વિરોધ કર્યો હતો.—માથ ૧૬:૧; પ્રેકા ૨૩:૮.
સાબ્બાથ.
હિબ્રૂ શબ્દનો અર્થ થાય, “આરામ કરવો; બંધ કરવું.” યહુદી અઠવાડિયાનો સાતમો દિવસ (શુક્રવાર સૂર્યાસ્તથી શનિવાર સૂર્યાસ્ત સુધી). વર્ષના અમુક બીજા તહેવારોના દિવસો તેમજ ૭મું અને ૫૦મું વર્ષ પણ સાબ્બાથ તરીકે ઓળખાતા. સાબ્બાથના દિવસે, યાજકો મંદિરમાં સેવા આપી શકતા, એ સિવાય બીજું કોઈ કામ કરવાની મનાઈ હતી. સાબ્બાથ વર્ષોમાં જમીન ખેડવાની ન હતી અને કોઈએ પોતાના હિબ્રૂ ભાઈઓને દેવું ચૂકવવા માટે બળજબરી કરવાની ન હતી. મુસાના નિયમશાસ્ત્રમાં, સાબ્બાથના નિયમો વાજબી હતા; પણ, ધર્મગુરુઓ એમાં ધીમે ધીમે નિયમો ઉમેરતા ગયા, જેના લીધે ઈસુના દિવસો સુધીમાં તો એ નિયમો પાળવા લોકો માટે બહુ મુશ્કેલ બની ગયા.—નિર્ગ ૨૦:૮; લેવી ૨૫:૪; લુક ૧૩:૧૪-૧૬; કોલો ૨:૧૬.
સિયોન; સિયોન પહાડ.
યબૂસીનું કિલ્લાવાળું શહેર, જે યરૂશાલેમના દક્ષિણ-પૂર્વમાં એક ટેકરી પર આવેલું હતું. એને જીતી લીધા પછી, દાઊદે પોતાનો મહેલ એના પર બાંધ્યો અને એ “દાઊદનું નગર” કહેવાયું. (૨શ ૫:૭, ૯) જ્યારે દાઊદે કરાર કોશ ત્યાં મુકાવ્યો, ત્યારે સિયોન પહાડ ખાસ કરીને યહોવાની નજરે પવિત્ર ગણાયો. પછીથી, મોરીયાહ પહાડ પર મંદિરની જગ્યા માટે પણ એ નામ વપરાવા લાગ્યું અને અમુક વાર આખા યરૂશાલેમ શહેર માટે એ નામ વપરાતું. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં ઘણી વાર એ નામનો ઉપયોગ સાંકેતિક રીતે થયો છે.—ગી ૨:૬; ૧પી ૨:૬; પ્રક ૧૪:૧.
સિરિયા; સિરિયાના લોકો.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, સિરિયા રોમન પ્રાંત હતું, જેની રાજધાની અંત્યોખ હતી. હિબ્રૂ શાસ્ત્રવચનોમાં, જે સિરિયાનો (જે અરામ પણ કહેવાતું) ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એનો મોટા ભાગનો વિસ્તાર આ પ્રાંતમાં સમાયેલો હતો. સિરિયાના રાજ્યપાલ પાસે આખા પેલેસ્ટાઇન પર દેખરેખ રાખવાનો અધિકાર હતો.—લુક ૨:૨; પ્રેકા ૧૮:૧૮; ગલા ૧:૨૧.
સુગંધી દ્રવ્ય.
સુગંધીદાર ચીકણો ગુંદર, જે કાંટાળા છોડમાંથી કે પછી કોમીફોરા જાતિના નાના ઝાડમાંથી મળી આવતો. અભિષિક્ત કરવાનું પવિત્ર તેલ બનાવવા માટે સુગંધી દ્રવ્ય ઉમેરવામાં આવતું. એ કપડાં અને પથારી જેવી વસ્તુઓને સુગંધીદાર બનાવવા વપરાતું. ઉપરાંત, એ માલિશ કરવાના તેલમાં અને શરીર પર લગાડવાના મલમમાં ઉમેરવામાં આવતું. વ્યક્તિને બેકાબૂ બનાવવા એ દ્રાક્ષદારૂમાં મેળવવામાં આવતું. દફનવિધિ માટે શબને તૈયાર કરવા પણ સુગંધી દ્રવ્ય વપરાતું.—નિર્ગ ૩૦:૨૩; નીતિ ૭:૧૭; માર્ક ૧૫:૨૩; યોહ ૧૯:૩૯.
સુન્નત.
પુરુષ જનનેન્દ્રિય પરથી આગળની ચામડી કાઢવી. ઈબ્રાહીમ અને તેમના વંશજો માટે એમ કરવું ફરજિયાત હતું, પણ ખ્રિસ્તીઓ માટે એ જરૂરી નથી. આ શબ્દનો ઉપયોગ અનેક કિસ્સાઓમાં સાંકેતિક રીતે પણ થયો છે.—ઉત ૧૭:૧૦; ૧કો ૭:૧૯; ફિલિ ૩:૩.
સુલેમાનની પરસાળ.
ઈસુના સમયના મંદિરમાં, બહારના આંગણાની પૂર્વમાં એક પરસાળ હતી, જેના પર છત હતી. સુલેમાનના મંદિરનો નાશ થયો ત્યારે આ ભાગ બચી ગયો હતો, એવું ઘણા લોકો માનતા આવ્યા છે. ‘શિયાળાના સમયમાં’ ઈસુ આ પરસાળમાં ચાલ્યા હતા અને શરૂઆતના ખ્રિસ્તીઓ ભક્તિ માટે અહીં ભેગા થતા હતા.—યોહ ૧૦:૨૨, ૨૩; પ્રેકા ૫:૧૨.
સૂર્તિસ.
ઉત્તર આફ્રિકામાં આવેલા લિબિયાના દરિયા કિનારા પરના બે મોટા છીછરા અખાત. જૂના જમાનામાં નાવિકો એનાથી ડરતા, કારણ કે ભરતી-ઓટને કારણે એના જોખમી રેતાળ કિનારા વારંવાર બદલાતા રહેતા.—પ્રેકા ૨૭:૧૭.
સંગેમરમર.
ઇજિપ્તના આલ્બાસ્ટ્રોન પાસેથી મળી આવતો પથ્થર. એમાંથી અત્તરની નાની શીશીઓ બનાવવામાં આવતી. આ શીશીઓનું મુખ નાનું રાખવામાં આવતું, જેથી સુગંધ નીકળી ન જાય માટે એને સજ્જડ બંધ કરી શકાય.—માર્ક ૧૪:૩.
સ્ટોઈક ફિલસૂફો.
ફિલસૂફોની ગ્રીક શાળા, જેની માન્યતા હતી કે સમજી-વિચારીને અને કુદરતની સુમેળમાં જીવીએ તો સુખી થવાય. તેઓના માનવા પ્રમાણે, જે ખરેખર સમજુ માણસ હોય, તેના પર સુખ કે દુઃખની કોઈ અસર થતી નથી.—પ્રેકા ૧૭:૧૮.
સ્તંભ.
બાંધકામને અપાયેલો ઊભો ટેકો અથવા થાંભલો કે પછી એના જેવું બીજું કંઈક. સુલેમાને બાંધેલા મંદિર અને રાજવી બાંધકામોમાં એવા સ્તંભ વપરાયા હતા. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, ટેકો આપનાર તરીકે (૧તિ ૩:૧૫) કે કાયમી પદવી માટે (પ્રક ૩:૧૨) રૂપક રીતે પણ એ વપરાયું છે.—ન્યા ૧૬:૨૯; ૧રા ૭:૨૧.
હ
હર્મેસ.
એક ગ્રીક દેવ, ઝિયૂસનો દીકરો. લુસ્રામાં, પાઊલને ભૂલથી હર્મેસ કહેવામાં આવ્યો; એ દેવને દેવોનો સંદેશવાહક અને બોલવામાં કુશળ દેવ ગણવામાં આવતો.—પ્રેકા ૧૪:૧૨.
હાજરી.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં અમુક વાર આ શબ્દ ઈસુ ખ્રિસ્તની રાજવી હાજરીને બતાવે છે. તે મસીહી રાજા તરીકે અદૃશ્ય રીતે રાજ્યાસન પર બેઠા, ત્યારથી લઈને આ દુનિયાના છેલ્લા દિવસો સુધીના સમયને એ હાજરી બતાવે છે. ખ્રિસ્તની હાજરી એ નથી કે તે આવે અને તરત જતા રહે; એના બદલે, એ નક્કી કરેલો સમયગાળો આવરે છે.—માથ ૨૪:૩.
હાથ મૂકવો.
કોઈ ખાસ કામ માટે નિયુક્ત કરવા કે પછી આશીર્વાદ આપવા, સાજા કરવા કે પવિત્ર શક્તિનું દાન આપવા વ્યક્તિ પર હાથ મૂકવામાં આવતા.—ગણ ૨૭:૧૮; પ્રેકા ૧૯:૬; ૧તિ ૫:૨૨.
હિબ્રૂ.
ઈબ્રામ (ઈબ્રાહીમ) માટે સૌથી પહેલા વપરાયેલું બિરુદ, જે તેમને તેમના પડોશી, અમોરીઓથી અલગ પાડતું હતું. પછીથી, એ શબ્દ ઈબ્રાહીમના પૌત્ર યાકૂબથી થયેલા વંશજો માટે અને તેઓની ભાષા માટે વપરાયો. ઈસુના સમય સુધીમાં, હિબ્રૂ ભાષામાં ઘણા અરામિક શબ્દોનો સમાવેશ થયો. ખ્રિસ્ત અને તેમના શિષ્યો એ ભાષા બોલતા.—ઉત ૧૪:૧૩; નિર્ગ ૫:૩; પ્રેકા ૨૬:૧૪.
હેડ.
શિક્ષા કરવા માટે બંદી બનાવી રાખતું સાધન. અમુક સાધનોમાં ફક્ત પગ જકડી રાખવામાં આવતા, જ્યારે કે બીજાં સાધનોમાં શરીરને અગવડભરી હાલતમાં રાખવામાં આવતું, કદાચ પગ, હાથ અને ડોક જકડેલી હાલતમાં રાખવામાં આવતાં.—યિર્મે ૨૦:૨; પ્રેકા ૧૬:૨૪.
હેરોદ.
રાજવંશના કુટુંબની અટક, જેઓને યહુદીઓ પર રાજ કરવા રોમ દ્વારા નીમવામાં આવતા. તેઓમાં પ્રથમ, મહાન હેરોદ હતો, જે યરૂશાલેમના મંદિરનું ફરીથી બાંધકામ કરાવવા અને ઈસુને મારી નાખવા બાળકોની કતલનો હુકમ આપવાને લીધે જાણીતો હતો. (માથ ૨:૧૬; લુક ૧:૫) મહાન હેરોદના દીકરા, હેરોદ આર્ખિલાઉસ અને હેરોદ અંતિપાસ હતા, જેઓને પોતાના પિતાની સત્તા નીચેનો અમુક વિસ્તાર સોંપાયો હતો. (માથ ૨:૨૨) અંતિપાસ પ્રાંતના ચોથા ભાગનો રાજ્યપાલ હતો, જે લોકોમાં “રાજા” તરીકે જાણીતો હતો. તેણે ખ્રિસ્તના સાડા ત્રણ વર્ષના સેવાકાર્ય અને પ્રેરિતોનાં કાર્યોના ૧૨મા અધ્યાય સુધી થયેલા બનાવો દરમિયાન રાજ કર્યું હતું. (માર્ક ૬:૧૪-૧૭; લુક ૩:૧, ૧૯, ૨૦; ૧૩:૩૧, ૩૨; ૨૩:૬-૧૫; પ્રેકા ૪:૨૭; ૧૩:૧) ત્યાર બાદ, હેરોદ અગ્રીપા પહેલો, જે મહાન હેરોદનો પૌત્ર હતો, તેણે થોડો સમય રાજ કર્યું. પછી, ઈશ્વરના દૂતે તેને મોતને ઘાટ ઉતાર્યો. (પ્રેકા ૧૨:૧-૬, ૧૮-૨૩) તેનો દીકરો હેરોદ અગ્રીપા બીજો, તેના પછી રાજા બન્યો. રોમ વિરુદ્ધ યહુદીઓએ બળવો કર્યો ત્યાં સુધી, તેણે રાજ કર્યું.—પ્રેકા ૨૩:૩૫; ૨૫:૧૩, ૨૨-૨૭; ૨૬:૧, ૨, ૧૯-૩૨.
હેરોદીઓ.
હેરોદને અનુસરનારાઓ. રોમના રાજ નીચે હેરોદના કુટુંબના રાજકીય હેતુઓને ટેકો આપનારું દેશભક્તોનું જૂથ. કેટલાક સાદુકીઓ કદાચ આ જૂથનો ભાગ હતા. ઈસુનો વિરોધ કરવામાં ફરોશી સાથે હેરોદીઓ જોડાયા.—માર્ક ૩:૬.